ભારતીયો મજૂરોના વંશજોની 40 ટકા વસ્તી ધરાવતો એ સાવ ગરીબ દેશ જેનું અર્થતંત્ર સૌથી ઝડપી વિકસી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નૉર્બર્ટો પરેડેસ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
દાયકાઓ સુધી આ દેશ દક્ષિણ અમેરિકાનો બીજા નંબરનો સૌથી ગરીબ દેશ ગણાતો હતો. બોલિવિયા પછી તેની ગણના થતી હતી. આજે આ દેશ વિશ્વની સૌથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયો છે.
ગુયાના એ વાતનું ઉદાહરણ છે કે કઈ રીતે હાઇડ્રોકાર્બન્સમાં થયેલા સંશોધનોએ એક નાનકડા દેશની સિકલ બદલી નાખી.
દસ વર્ષ પહેલાં ઍસેક્વિબોના દરિયાકિનારેથી મળી આવેલા તેલભંડારો પછી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ્સ અને વિદેશી મૂડીરોકાણ તેની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ચૂક્યું છે. ઍસેક્વિબોના વિસ્તારમાં આમ તો ગુયાનાનું સત્તામંડળ કામ કરે છે પરંતુ વેનેઝુએલા પણ આ વિસ્તાર પર દાવો કરે છે.
ગુયાના માટે બધું જાણે કે શ્રેષ્ઠ બની રહ્યું છે. માથાદીઠ આવકની બાબતમાં તે કતાર અને યુએઈ સાથે સ્પર્ધા કરશે એવું લાગી રહ્યું છે. વિશ્વમાં આ બે દેશો માથાદીઠ આવકમાં ટોચના ક્રમે રહે છે.
પરંતુ અંગ્રેજી બોલતા હોય તેવા દક્ષિણ અમેરિકાના આ એકમાત્ર દેશમાં પરિસ્થિતિઓ પહેલાં ખૂબ વિકટ હતી.
અતિશય અલ્પવિકસિત દેશ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના તાબામાંથી 1966માં જ્યારે ગુયાનાએ આઝાદી મેળવી ત્યારે તેનું અર્થતંત્ર અમેરિકી ખંડમાં સૌથી અલ્પવિકસિત ગણાતું હતું.
યુનિવર્સિટી ઑફ ગુયાનાના ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક્સના પ્રૉફેસર સિડની આર્મસ્ટ્રોન્ગ કહે છે, “આઝાદી મળ્યા પછી ગુયાનાના લોકોએ પહેલીવાર તેમનું અર્થતંત્ર સંભાળવાનું આવ્યું. ત્યાં સુધી તો બ્રિટિશરો તેને સંભાળતા હતા. ગુયાનાનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખેતી અને ખાંડના ઉત્પાદન પર આધારિત હતું. ખાસ કરીને ત્યાં મજૂરોમાં ગુલામી-પ્રથા, બંધનપ્રથા હજુ પ્રચલિત હતી.”
બંધનપ્રથામાં મજૂરોને મહેનતાણું આપવામાં આવતું ન હતું. આ પ્રકારની પ્રથા અમેરિકી ખંડમાં જ્યાં બ્રિટિશરો કે યુરોપિયન દેશોનું શાસન હતું ત્યાં પ્રચલિત હતી. તે પહેલાં ત્યાં ગુલામીની પ્રથા હતી જેમાં યુવાન મજૂરોને વર્ષો સુધી કામે રાખવામાં આવતા હતા અને તેમને કોઈ મહેનતાણું આપવામાં આવતું ન હતું. તેમને માત્ર કામના સ્થળે પહોંચાડી દેવામાં આવતા હતા અને ખાવાનું આપવામાં આવતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે બ્રિટિશરોએ આ દેશ છોડ્યો ત્યારે ગુયાના એક બહુવંશીય દેશ હતો.
ગુલામીપ્રથાની નાબૂદી પછી ત્યાં આ પ્રકારે બંધનપ્રથા પ્રચલિત બની હતી જેમાં મોટાભાગના મજૂરોને ભારત અને ચીનથી લાવવામાં આવતા હતા.
તેથી આજે પણ ગુયાનામાં સૌથી મોટો વંશ ઇન્ડો-ગુયાનીઝ વંશ ગણાય છે. મોટાભાગના લોકો આ મજૂરોના વંશજો છે. તેમની વસ્તી અંદાજે 40 ટકા જેટલી છે. તેમના પછી આફ્રો-ગુયાનીઝ લોકોનું પ્રભુત્ત્વ છે જેમની વસ્તી 30 ટકા છે.
અહીં અમેરિન્ડિયન લોકોની પણ વસ્તી છે, સાથેસાથે એવા લોકોનું પણ મોટું પ્રમાણ છે જેઓ પોતાને મિશ્રવંશના ગણાવે છે. યુરોપિયન અને ચાઇનીઝ વંશના લોકોની પણ થોડીધણી વસ્તી અહીં છે.
અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓનો ભૂતકાળ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1970થી ગુયાનાનું બંધારણ અમલમાં આવ્યા પછી સત્તામાં આવેલી પહેલી ત્રણ સરકારો ‘સમાજવાદી’ હતી. આ સરકારોના ચીન સાથે ખૂબ નજીકના સંબંધો રહ્યા હતા અને તેમણે મોટાભાગના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું.
ગુયાનીઝ અર્થશાસ્ત્રી થોમસ સિંઘ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, “આઝાદી પછી ઘણાં વર્ષો સુધી ખૂબ ઓછી માથાદીઠ આવક ધરાવતાં દેશોમાં અમારી ગણના થતી હતી. પરંતુ દેશનું રાજકારણ 1992માં પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટી(પીપીપી) ના સત્તા પર આવ્યા બાદ બદલાઈ ગયું. તેમણે અર્થતંત્રને મુક્ત બનાવી દીધું.”
આર્મસ્ટ્રૉન્ગ કહે છે, “આ પાર્ટીનો સરકાર ચલાવવાનો અભિગમ મૂડીવાદી હતો. જેના કારણે ઘણું પ્રાઇવેટ રોકાણ પણ આવ્યું. પરંતુ, દેશના અર્થતંત્રને ચલાવવામાં મોટો ફાળો તો ખેતી અને ખનનનો જ હતો.”
થોડાં વર્ષો પહેલાં સુધી ગુયાનાના અર્થતંત્રનો વાર્ષિક વૃદ્ધિદર ત્રણ ટકા જેટલો રહેતો હતો. પરંતુ એક પછી એક બનેલી ઘટનાઓએ 2015માં દેશનો ઇતિહાસ બદલી નાખ્યો.
2015માં ઍસિક્વિબોના કિનારેથી ડઝનબંધ તેલના ભંડારો મળી આવ્યા હતા. ગુયાનાના દસ પ્રાંતોમાંથી છ પ્રાંત આ જ વિસ્તારમાં આવેલા છે.
ત્યારબાદ મલ્ટીનેશનલ કંપની ઍક્ઝોનમોબિલ અને તેમની સાથી કંપનીઓએ અંદાજે 46 અલગ-અલગ જગ્યાઓથી તેલના કૂવાઓ શોધી કાઢ્યાં જેના કારણે દેશનો તેલભંડાર 11 અબજ બેરલ જેટલો થઈ ગયો. જે વિશ્વના કુલ તેલભંડારનો 0.6 ટકા છે.
અચાનક મળી આવેલા આ તેલભંડારોને કારણે 8 લાખની વસ્તી આ દેશ હવે વિશ્વની સૌથી આશાસ્પદ અર્થવ્યવસ્થાઓમાંથી એક બની ગયો છે.
આ વર્ષે ગુયાનાનો જીડીપી 25 ટકાના દરે વધશે તેવું મનાઈ રહ્યું છે. 2022માં આ દર 57.8 ટકાનો રહ્યો હતો.
આર્મસ્ટ્રોંગ ગર્વ સાથે કહે છે, “અમે હવે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ.”
તેલભંડારો સાથે જ ઍસેક્વિબોમાં સોનું, હીરાઓ, તાંબું, બૉક્સાઇટ, એલ્યુમિનિયમ જેવાં ખનીજો મોટાં પ્રમાણમાં મળી આવ્યાં છે. જેના કારણે રાજ્યની ધનતિજોરીને ઘણી આવક થઈ રહી છે.
1993થી 2005ની વચ્ચે ઍસેક્વિબોમાં આવેલી વિશ્વની મોટી સોનાની ખાણમાંથી એક એવી ઓમાઈ ખાણમાંથી અંદાજે 3.7 મિલિયન આઉન્સ સોનું મળી આવ્યું હતું.
હજુ પણ અડધોઅડધ વસ્તી ગરીબીમાં

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, તેલ અને ખનીજોમાંથી મળતી આવકનો ફાયદો ગુયાનાના બધા જ લોકો સુધી પહોંચ્યો છે એવું નથી.
થોમસ સિંઘ કહે છે કે, “લોકોના જીવનધોરણમાં પણ જાજો બદલાવ આવ્યો હોય તેવું લાગતું નથી.”
લેટિન અમેરિકાના ઘણા દેશોની સરખામણીએ માથાદીઠ આવક સિવાય પણ ગુયાના ઘણાં સામાજિક પરિબળોમાં પણ પાછળ છે.
2023માં ગુયાનાનો સરેરાશ જીવનદર 69.8 ટકા રહ્યો છે. જે દક્ષિણ અમેરિકી ખંડની સરખામણીએ ઘણો ઓછો છે.
આર્મસ્ટ્રૉંગ સમજાવે છે કે, “ગુયાનામાં ખૂબ મોટા પ્રમાણમાં અસમાનતાઓ જોવા મળે છે. ખૂબ ઓછા લોકો પાસે ઘણી વધારે સંપત્તિ છે. જ્યારે મોટાભાગના લોકોને હજુ પણ તેમના બે છેડાં ભેગા કરવામાં મુશ્કેલી પડે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
ગુયાનાના ગ્રૉસ નેશનલ ઇન્કમ(જીએનઆઈ) અનુસાર આ દેશની ગણના અપર-મિડલ ક્લાસ દેશ તરીકે થઈ શકે છે.
દેશના મુખ્ય મીડિયા સંસ્થાન ગણાતા કૈતેર ન્યૂઝે તેમના રિપોર્ટ્માં લખ્યું હતું કે, “પરંતુ જો તમે ગુયાનામાં રહો છો તો તમને આ વાતનો અનુભવ થતો નથી. મોટાભાગની વસ્તીનું જીવનધોરણ બહુ સામાન્ય છે અને ગરીબીની નિશાનીઓ બધે દેખાય છે.”
ગુયાના સરકારે ગરીબીનો દર 48 ટકા નોંધ્યો છે જેનો મતલબ એવો થાય છે કે દેશની અડધોઅડધ વસ્તી દૈનિક 5 ડૉલરથી પણ ઓછા પૈસામાં તેમનો ગુજારો કરી રહી છે.
દેશની મૂળ ગણાતી વસ્તીમાં જ ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. રોજગારીમાં વધારો જરૂર થયો છે. ઇન્ટર-અમેરિકન ડૅવલપમેન્ટ બૅન્ક (આઇડીબી) ના જણાવ્યા અનુસાર ગુયાનામાં બેરોજગારીનો દર 12.4 ટકા છે જે 2021ના પ્રથમ ક્વાર્ટરમાં 15.6 ટકા હતો.
અર્થશાસ્ત્રી સિડની આર્મસ્ટ્રોંગ કહે છે, “દેશના લોકોના જીવનધોરણમાં ખૂબ મોટા બદલાવો થઈ રહ્યા છે એ કહેવું હજી થોડું વહેલું ગણાશે એવું મને લાગે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
ગુયાનાની સરકાર અત્યારે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. દેશમાં રોડ અને હાઇવેના નિર્માણનું કામ મોટેપાયે ચાલી રહ્યું છે. અન્ય કેટલાક પ્રૉજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે.
આર્મસ્ટ્રોંગ કહે છે, “દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અને ટ્રાન્સપૉર્ટેશન સેક્ટરમાં થઈ રહેલા બદલાવોને અમે જોઈ રહ્યા છીએ. ઘણા મોટા પ્રૉજેક્ટ્સ ચાલી રહ્યા છે. ઊર્જા ક્ષેત્રમાં પણ ઘણા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ સિવાય યુનિવર્સિટી ઑફ ગુયાનામાં પણ ધણું ફંડ અપાઈ રહ્યું છે અને અલગ-અલગ પ્રકારની સ્કૉલરશિપ ઑફર થઈ રહી છે. આમ, શિક્ષણ ક્ષેત્રમાં પણ બદલાવો થઈ રહ્યા છે. આ બધું રોકાણ લાંબા સમય પછી ઘણા સારા પરિણામો આપશે.”
જોકે, તેઓ માને છે કે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
તેઓ કહે છે, “આ ક્ષેત્રમાં રહેલા દેશો સાથે સરખામણી કરીએ તો અમે સ્વાસ્થ્ય સુવિધાઓ હજુ એટલી સારી નથી. નવજાત બાળકોનો મૃત્યુ પામવાનો દર હજુ ઘણો વધારે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેના પર કામ કરવાની જરૂર છે. ”
મોટાભાગની ગુયાનીઝ પ્રજા દરિયાકિનારે આવેલા નાનાં શહેરોમાં વસે છે. જ્યૉર્જટાઉન દેશની રાજધાની છે અને મોટામાં મોટું શહેર છે એ પણ દરિયાકિનારે વસેલું છે. દેશની 20 ટકા વસ્તી આ જ શહેરમાં રહે છે.
વંશીય જૂથો વચ્ચે સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય દેશોની જેમ જ ગુયાનાનું રાજકારણ પણ વંશીય જૂથોમાં વહેંચાયેલું છે.
ઇન્ડો-ગુયાનીઝ લોકોની બહુમતી છે અને તેઓ પીપલ્સ પ્રૉગ્રેસિવ પાર્ટી(પીપીપી)નું સમર્થન કરે છે. જ્યારે આફ્રો-ગુયાનીઝ લોકો અસોસિયેશન ઑફ નેશનલ યુનિટી (એપીએનયુ)નું સમર્થન કરે છે.
2020માં થયેલી ચૂંટણીમાં પીપીપીના ઇરફાન અલીએ રસાકસીભરી ચૂંટણીમાં પાતળી બહુમતીથી સરકાર બનાવી હતી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં એપીએનયુએ ઇરફાન અલીની સરકાર પર તેમના જાણીતા ઇન્ડો-ગુયાનીઝ લોકોને તેલમાંથી થતી આવકનો ફાયદો પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. તેઓ આફ્રો-ગુયાનીઝ અને અન્ય જૂથોને અવગણે છે તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
જોકે, સિડની આર્મસ્ટ્રૉંગ કહે છે, કે રાજકીય તણાવ છતાં પણ દેશમાં વિવિધ સમૂહોના લોકો શાંતિ અને એકતાથી રહે છે.
ઍસિક્વિબોનો મુદ્દો તેમને જોડી રાખે છે.
આર્મસ્ટ્રૉંગ કહે છે, "અમે ગુયાનાના લોકો આ ક્ષેત્રીય મુદ્દાનું કાયદાકીય સમાધાન લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ."
"જો, વેનેઝુએલા આ ક્ષેત્ર પર દાવો કરી રહ્યું હોય તો અમે તેમણે આપેલા પુરાવાનો અભ્યાસ કરીશું અને કોઈ નિષ્પક્ષ સંસ્થા તેનો ઉકેલ લાવે તેવું કરીશું."
"જે નિર્ણય થશે તેનો અમે સ્વીકાર કરીશું."












