અમેરિકા પહોંચવા અફઘાન નિરાશ્રિતો કેવી રીતે જિંદગી દાવ પર લગાવી રહ્યા છે?

અફઘાન નિરાશ્રિતો
    • લેેખક, રેગન મોરિસ અને લીરે વેન્ટાસ
    • પદ, બીબીસી ન્યૂઝ, તિજુઆના

મૅક્સિકોનું સરહદી શહેર તિજુઆના લાંબા સમયથી માનવતાવાદી કટોકટીના કેન્દ્રમાં છે, કારણ કે સંખ્યાબંધ સ્થળાંતરકર્તાઓ (માઇગ્રન્ટ્સ) અમેરિકા પ્રવેશવાની આશાએ અહીં એકઠા થાય છે.

ઐતિહાસિક રીતે, અહીં મોટા ભાગના માઇગ્રન્ટ્સ લેટિન અમેરિકામાંથી આવે છે, પરંતુ આજકાલ ઘણા આફ્રિકન અને એશિયન દેશો સહિતના દૂરના પ્રદેશોમાંથી આવી રહ્યા છે.

અમેરિકાની સરહદની નજીક આવેલા રેડ-લાઇટ તિજુઆના જિલ્લામાંના અફઘાન પરિવારોનું કહેવું છે કે તેઓ માત્ર મુસ્લિમો માટેના આશ્રયસ્થાનમાં સલામતી અનુભવે છે.

અહીં પહોંચવા માટેના 11 દેશોના પોતાના પ્રવાસથી આઘાત પામેલા આ લોકો બહાર ભટકતાં ડરે છે.

તાલિબાને બે વર્ષથી વધુ સમય પહેલાં અફઘાનિસ્તાન કબજે કર્યું એ પછી અમેરિકા પહોંચવા તલપાપડ આ લોકોનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં તેમનું કોઈ ભવિષ્ય નથી. અમેરિકા સાથે મળીને કરેલા કામને લીધે તેમના નિશાન બનાવવામાં આવ્યા છે.

તેથી તેઓ ઈરાન તથા પાકિસ્તાનમાં મહિનાઓ સુધી રાહ જોયા બાદ નાસી છૂટ્યા હતા. તેઓ બ્રાઝિલ ગયા હતા અને ત્યાંથી પગપાળા પનામાના જોખમી ડેરિયન ગૅપને પાર કર્યો હતો. ડેરિયન ગૅપમાં તેમના પર હુમલા કરવામાં આવ્યા હતા અને લૂંટી લેવામાં આવ્યા હતા.

શુક્રિયા આંખમાં આંસુ સાથે જણાવે છે કે અફઘાન પુરુષો તથા સ્ત્રીઓ બન્નેના એક જૂથને નગ્ન થવાની ફરજ પાડવામાં આવી હતી, કારણ કે તેમણે વસ્ત્રોમાં પૈસા છૂપાવ્યા છે કે કેમ એ માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ શોધવા માગતા હતા.

ભૂતપૂર્વ પત્રકાર શુક્રિયાએ તેમની નવ વર્ષની ઘાયલ દીકરીનો ફોટોગ્રાફ ફોન પર દેખાડ્યો હતો. તેની દીકરીની આંખ પર ઈજા થઈ હતી. શુક્રિયાના કહેવા મુજબ, બંદૂકધારી પુરુષો, પૈસા ન મળ્યા ત્યાં સુધી તેમને તથા તેમની દીકરીને મુક્કા મારતા રહ્યા હતા.

તિજુઆનામાં અફઘાન નિરાશ્રિતોનું જીવન

અફઘાન નિરાશ્રિતો

ઇમેજ સ્રોત, Getty Images

સંતાનો નજીકમાં રમી રહ્યાં હતાં ત્યારે શુક્રિયાએ કહે છે, “એ વિશે વાત કરવી ખૂબ જ મુશ્કેલ છે.”

આલ્બર્ગ અસાબિલ. મેસ્કિટા તૈયબા શેલ્ટરમાં જીવન ઘોંઘાટિયું છે. ત્યાં ઘણાં બાળકો રમે છે અને ધમધમતા રસોડામાં પુરુષો જીરું તથા હળદરવાળા ભાત, ગ્રાઉન્ડ બીફ અને કઠોળ રાંધી રહ્યા છે.

બાળકો પાસે ફૂટબૉલ છે, પરંતુ દોડવા માટે જગ્યા નથી. તેથી તેઓ નાના આંગણામાં ફૂટબૉલને આગળપાછળ લાત મારતા રહે છે. અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું અને તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી આ બાળકો સ્કૂલે ગયાં નથી.

અમેરિકામાં આશ્રય કેવી રીતે મેળવવો?

અફઘાન, યુએસ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકન રાજ્ય કૅલિફોર્નિયા અને મૅક્સિકોના બાજા કૅલિફોર્નિયા વચ્ચેની સરહદી દીવાલનો એક હિસ્સો અમેરિકામાં આશ્રય મેળવવાનો દાવો કેવી રીતે કરવો એ જાણી શકાય તો ત્યાં તેમનું જીવન નવેસરથી શરૂ કરવા તેઓ તલપાપડ છે. કેટલાક લોકો અમેરિકન સત્તાવાળાઓની ઍપૉઇન્ટમૅન્ટ માટે બે મહિનાથી વધુ સમયથી રાહ જોઈ રહ્યા છે.

સરહદ ગેરકાયદે ઓળંગવી કે નહીં, તેનો વિચાર પણ તેઓ કરે છે. તેમણે સાંભળ્યું છે કે કેટલાક લોકો સરહદી દીવાલમાંનાં ગાબડાંમાથી પસાર થઈને પ્રક્રિયા ઝડપી બનાવે છે, પરંતુ આ લોકો પોતાનું કામ યોગ્ય રીતે કરવા ઇચ્છે છે.

કાબુલમાં અમેરિકન યુનિવર્સિટીનાં વિદ્યાર્થિની સોફિયા કહે છે, “અમે પાછળ રહી ગયાં હતાં.” આ યુનિવર્સિટીના સંચાલનનાં નાણાં અમેરિકા આપતું હતું.

આશ્રયસ્થાનમાં રહેતા અન્ય લોકોની માફક સોફિયા પણ તેમનું અસલી નામ એ કારણસર જાહેર કરતાં ડરે છે કે એમ કરવાથી અમેરિકામાં પ્રવેશવાની તેમની તક જોખમાશે અથવા અફઘાનિસ્તાનમાંના તેના પરિવાર પર માઠી અસર થશે.

અફઘાનિસ્તાન 2021માં તાલિબાનને અંકુશ હેઠળ ફરી આવ્યું ત્યારે હજારો અફઘાનોથી કાબુલ ઍરપૉર્ટ છલકાઈ ગયું હતું. બાળકોને આગળ કરીને તેઓ, પોતે અમેરિકા સમર્થિત સરકાર સાથે હોવાનું કાગળિયાં દેખાડીને પુરવાર કરવા મથી રહ્યા હતા.

તેઓ અમેરિકાની ઈવેક્યુએશન ફ્લાઇટમાં બેસવા તલપાપડ હતા.

સોફિયાનું કહેવું છે કે અમેરિકન ઍમ્બૅસીએ તેમને અફઘાનિસ્તાનમાંથી બહાર જવાની ઑફર કરી હતી, પરંતુ એ સમયે સર્જાયેલી અરાજકતામાં તેઓ ભીડમાંથી ઍરપૉર્ટ સુધી પહોંચી શક્યાં ન હતાં.

એ પછી સોફિયા ઈરાન અને ત્યાર બાદ પાકિસ્તાન ગયાં હતાં, જ્યાં અમેરિકન અધિકારીઓએ તેમને ઇમિગ્રેશન માટે જરૂરી દસ્તાવેજો ફાઇલ કરવા જણાવ્યું હતું.

એ વાતને આઠ મહિના થવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. તેથી સોફિયા પરિવાર અને મિત્રોના જૂથ સાથે બ્રાઝિલ ગયા હતા અને સમગ્ર અમેરિકાનો પ્રવાસ પગપાળા, બસમાં, બોટમાં અને ટેક્સી દ્વારા શરૂ કર્યો હતો.

સોફિયા અને શુક્રિયાએ એકસાથે પ્રવાસ કર્યો ન હતો, પરંતુ પનામા અને કોલમ્બિયા વચ્ચેના ડેરિયન ગૅપમાં સોફિયાને પણ લૂંટી લેવામાં આવ્યાં હતા. અમે જે બીજા ઇમિગ્રન્ટ્સ સાથે વાત કરી તેમને પણ આવો અનુભવ થયો હતો.

પનામાનાં ડેરિયન ગૅપનો જોખમી પ્રવાસ

અફઘાન નિરાશ્રિતો

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા લોકો તેમને પનામા પહોંચાડવા માટે માનવ તસ્કરોને પૈસા ચૂકવે છે અને આ ત્યાં ધમધમતો ધંધો બની ગયો છે, પરંતુ અફઘાન નિરાશ્રિતોએ ડેરિયન ગેપને પાર કરવા સોશિયલ મીડિયા પરની સૂચનાઓને ધ્યાનમાં રાખી હતી. વાદળી પ્લાસ્ટિક ચિહ્નોને અનુસરીને તેઓ આગળ વધ્યા હતા.

આ વર્ષે માઇગ્રન્ટ્સે વિક્રમસર્જક સંખ્યામાં પનામાના ડેરિયન ગૅપનો જોખમી પ્રવાસ કર્યો છે. તેઓ ચીન, ભારત, પાકિસ્તાન અને કેમરુનના હજારો લોકોની ભીડને અનુસર્યા છે. એક સમયે દુર્ગમ ગણાતા જંગલના ગાઢ પટ્ટામાંથી હવે મોટા પ્રમાણમાં લોકો પસાર થાય છે.

“એ ખૂબ જ ખતરનાક છે” એમ કહેતાં સોફિયા ઉમેરે છે કે તેઓ આ જાણતાં હોત તો આ રીતે પ્રવાસ ક્યારેય કર્યો જ ન હોત.

રાત્રે જંગલી પ્રાણીઓના અવાજ સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા. દિવસ દરમિયાન વરસાદ પડતો હતો, નદી છલકાઈ જતી હતી અને મોટા ભાગે પોતાનાં સંતાનો તથા તેમની માલિકીની બધી વસ્તુ સાથે લઈને પર્વતો પર ચાલવું પડ્યું હતું. હથિયારધારી લોકોએ તેમના પૈસા અને ઘરેણાં લૂંટી લીધાં હતાં. તેમને સાપને જીવલેણ ડંખનો ડર પણ સતત લાગતો હતો.

સોફિયાના કહેવા મુજબ, તેમની સાથે પ્રવાસ કરી રહેલી એક વ્યક્તિ નદી પાર કરવાના પ્રયાસમાં ડૂબી ગઈ હતી. સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યાની કથાઓ પણ સોફિયાએ સાંભળી હતી.

સોફિયા કહે છે, “અમે રડતા હતા. આ લોકોને શું થયું હશે? તેઓ કદાચ પૂરને લીધે મૃત્યુ પામ્યા હશે અથવા જંગલી પ્રાણીઓએ તેમના પર હુમલો કર્યો હશે કે પછી કોઈ બંદૂકધારીએ તેમને ઠાર માર્યા હશે. કોઈ કશું જાણતું નથી.”

મુસ્લિમ માઇગ્રન્ટ્સ માટે લેટિના મુસ્લિમ ફાઉન્ડેશને શેલ્ટર્સ શરૂ કર્યાં

અફઘાન, અમેરિકા

હવે તેઓ શેલ્ટરની બહાર નીકળે છે ત્યારે અમેરિકાને જોઈ શકે છે. તેઓ થોડાં પગલાં ચાલીને સરહદની દીવાલને સ્પર્શ કરી શકે છે, પરંતુ આટલું બધું સહન કર્યા પછી પણ તેઓ કહે છે કે રાહ જોવી એ મોટો ત્રાસ છે.

માઇગ્રન્ટ્સે અમેરિકામાં આશરો મેળવવા અમેરિકન કસ્ટમ્સ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગની ઍપૉઇન્ટમૅન્ટ સીબીપી નામની મોબાઇલ ઍપ મારફત મેળવવી પડે છે.

આ મોબાઇલ ઍપનો હેતુ આશ્રયની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો, પરંતુ એવું થયું નથી.

માઇગ્રન્ટ્સ અને માનવાધિકાર જૂથો કહે છે કે તે મોબાઇલ ઍપ યોગ્ય રીતે કામ કરતી નથી. પરિણામે નિરાધાર લોકો મહિનાઓ સુધી મૅક્સિકોમાં અટવાયેલા રહે છે.

લેટિના મુસ્લિમ ફાઉન્ડેશન શેલ્ટરમાં હલાલ ભોજન અને પુરુષો તથા સ્ત્રીઓ માટે અલગ શયનગૃહ તેમજ દૈનિક પ્રાર્થનાની વ્યવસ્થા છે.

તિજુઆના શેલ્ટર્સ રાહ જોઈ રહેલા લોકોથી ભરેલાં છે. 10 વર્ષ પહેલાં એશિયા કે આફ્રિકામાંથી ભાગ્યે જ કોઈ સ્થળાંતર કરતું હતું, પરંતુ હવે આખી દુનિયાના લોકો અમેરિકાની દક્ષિણે આવેલાં સરહદી નગરોમાં આવે છે.

તેથી મુસ્લિમ માઇગ્રન્ટ્સના વધતા પ્રવાહ માટે લેટિના મુસ્લિમ ફાઉન્ડેશને શેલ્ટર્સ શરૂ કર્યાં હતાં.

અમેરિકા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે કામ કર્યું હતું એ અફઘાનો પર મોત અથવા જેલનું જોખમ ઝળુંબે છે અથવા તો તેમનો દેશનિકાલ કરવામાં આવે છે. જે અફઘાનોને અમેરિકા લાવવામાં આવ્યા હતા તેઓ પણ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.

બાઇડન વહીવટીતંત્રે તેમના માટેના અસ્થાયી વિઝાની મુદ્દત આ વર્ષની શરૂઆતમાં લંબાવી હતી, પરંતુ ઘણા લોકો તેમના ભાવિ ઇમિગ્રેશન સ્ટેટસ બાબતે કશું જાણતા નથી.

માઇગ્રન્ટ્સને ઍપૉઇન્ટમૅન્ટ મળ્યા પછી પણ અમેરિકામાં આશરો મેળવવાનો દાવો કરવાનું તેમના માટે મુશ્કેલ બની શકે છે.

બાઇડન વહીવટીતંત્ર સરહદી નિયંત્રણો આકરા નહીં બનાવે અને અમેરિકામાં આશ્રય લેવાનું વધારે મુશ્કેલ નહીં બનાવે તો અમેરિકન સંસદના રિપબ્લિકન પક્ષના કેટલાક સભ્યો યુક્રેન તથા ઇઝરાયલ માટેની અમેરિકન સહાયને મંજૂરી આપવાના નથી.

સોફિયા શેલ્ટરમાં બે મહિનાથી રાહ જોઈ રહ્યાં છે. ઍપૉઇન્ટમૅન્ટ મેળવવા રોજ પ્રયાસ કરી રહ્યાં છે.

સોફિયા કહે છે, “મારી પાસે રાહ જોવા સિવાયનો કોઈ વિકલ્પ નથી.” તેઓ ઉમેરે છે કે તેઓ બીજે ક્યાંય જઈ શકે તેમ નથી અને અફઘાનિસ્તાન જવાનું વિચારી પણ શકે તેમ નથી, કારણ કે તેઓ “અમેરિકાના સાથી છે” એ તાલિબાન જાણે છે.