‘મારા પિતાએ મને દસ વર્ષ સુધી છોકરાની માફક ઉછેરી અને બીજા પણ તેમનો વિશ્વાસ કરવા લાગ્યા’ અફઘાનિસ્તાનની મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, NILOFAR AYOUBI
ઉત્તર અફઘાનિસ્તાનમાં કુંદુઝની શેરીઓમાં ચાર વર્ષનાં નિલોફર અયુબી રમી રહ્યાં હતાં. પરંતુ ત્યારે જ એક વ્યક્તિએ ત્યાં પહોંચીને તેમને મારવાનું શરૂ કરી દીધું. નિલોફર એ વ્યક્તિના મારના કારણે જમીન પર ફસડાઈ પડ્યાં.
આ બનાવને યાદ કરતાં નિલોફર કહે છે કે, “હું આ ઘટના બાદ રડતી રડતી ઘરે પહોંચી. આ સાંભળીને મારા પિતા ખૂબ ગુસ્સે ભરાયા.”
હાલ નિલોફર 23 વર્ષનાં થઈ ચૂક્યાં છે. તેમને હજુ સુધી એ ઘટના બરાબર યાદ છે.
તેઓ કહે છે કે, “મને યાદ છે કે મારા પિતા ખૂબ ગુસ્સામાં હતા. તેમણે ખૂબ ગુસ્સાથી કહ્યું કે એ તને હાથ કેમ લગાવી શકે.”
મારઝૂડ પહેલાં એ વ્યક્તિએ નિલોફરની છાતી પર અડકી હતી. તેમજ જો બીજી વખત બુરખા વગર દેખાવાની સ્થિતિમાં તેમના પિતાને પણ માર મારવાની ધમકી આપી હતી.
આવી અમુક ઘટનાઓ બાદ નિલોફરના પિતાએ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો.
નિલોફર કહે છે કે, “મારા પિતાએ મારી માત પાસેથી કાતર લઈ મારા વાળ કાપી નાખ્યા. તેમણે મને છોકરા જેવાં કપડાં પહેરાવી દીધા.”
1996થી 2001 સુધી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર હતું ત્યારે દેશમાં ઇસ્લામિક શરિયા કાયદો અમલમાં હતો. આ કાયદા અંતર્ગત સ્ત્રીઓ પર ઘણાં નિયંત્રણો હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિલોફર કહે છે કે તમારી લૈંગિક ઓળખને કારણે તમારા માનવાધિકારો મર્યાદિત બની જાય છે.
કુંદુઝમાં બાળપણના એ મજાના દિવસો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
નિલોફરનો જન્મ 1996માં થયો હતો, પરંતુ તેમના દસ્તાવેજોમાં તેમના જન્મનો વર્ષ 1993 દેખાય છે.
વર્ષ 2001માં અમેરિકન હસ્તક્ષેપ બાદ તાલિબાની સત્તાને અફઘાનિસ્તાનમાંથી ઉખાડી ફેંકાઈ ત્યારે નિલોફરનું શિક્ષણ શક્ય તેટલું ઝડપથી શરૂ કરવાનું વિચારાયું.
નિલોફર પ્રમાણે શરિયાના કડક કાયદાને કારણે અફઘાની પરિવારોમાં છોકરીઓને છોકરા જેવાં કપડાં પહેરાવવાની બાબત ખૂબ જ સામાન્ય છે.
ખાસ કરીને ત્યારે જ્યારે ઘરમાં કોઈ મોટી ઉંમરના પુરુષ નથી હોતા. આવી સ્થિતિમાં ગમે એ પુરુષ આવીને છોકરીઓને પોતાની પાંચમી કે છઠ્ઠી પત્ની તરીકે ઘરમાંથી લેતા જાય છે.
“પરંતુ મારા કિસ્સામાં મારા પિતા હતા. મારા પિતાએ મને આઝાદી સાથે ઉછેરવા માટે આ નિર્ણય કર્યો હતો.”
જ્યારે અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો અમલમાં હતો ત્યારે પરિવારમાં પિતા એ ખૂબ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતી. નિલોફર કહે છે કે તેમને આવા રાજકારણથી નફરત હતી.
‘હું મારા પિતા સાથે રમતનો આનંદ માણતી’

ઇમેજ સ્રોત, GETTY IMAGES
નિલોફર કહે છે કે, “હું મારા વાળ કાપીને મારા ભાઈઓની જેમ રહેતી. હું મારી ઉંમરની અન્ય છોકરીઓ કરતાં ખૂબ અલગ દેખાતી. તેઓ મને પોતાના દીકરા તરીકે જ રાખતા.”
“હું છોકરાનાં કપડાંમાં પિતા સાથે બજાર જતી. એ માઇલો સુધી પગપાળા ચાલતા. અમે રમતગમતના આયોજનમાં જવા માટે બસથી મુસાફરી કરતાં. મારા મિત્રો પાડોશમાં જ રહેતા હતા. હું શેરીમાં તેમના સાથે રમતી.”
નિલોફર કહે છે કે, “પરંતુ મારી મોટી બહેન ઘરે જ રહેતી. તેમના વાળ ઢાંકેલા રહેતા, તેઓ પરંપરાગત વસ્ત્રો પહેરતાં. જોકે, મારા પિતાને આ મંજૂર નહોતું. તેઓ આ બાબતે હંમેશાં મારાં માતા સાથે દલીલ કરતા. તેઓ મારાં માતાને મારાં બહેનનાં લાંબા અને ઢીલાં વસ્ત્રો અંગે પ્રશ્ન કરતા. તેઓ ખૂબ જ ઉદારવાદી હતા.”
સેનેટરી નેપકિનની જાહેરાત જોઈ પણ કંઈ સમજાયું નહીં

ઇમેજ સ્રોત, NILOFAR AYUBI'S FATHER
આ વિશ્વમાં બબ્બે ઓળખ સાથે જીવવું એ ખૂબ મુશ્કેલ છે. નિલોફરના પાડોશમાં એક છોકરી રહેતી. તે પણ નાનપણમાં નિલોફર માફક જ છોકરાનાં વસ્ત્રો પહેરતી.
“અમે બંને એકબીજાને મદદ કરતાં.”
નિલોફર કરાટે, સાઇકલિંગ અને જુડો શીખ્યાં. પરંતુ તેમનાં મોટાં બહેન ઘરનાં કામકાજમાં જ રચ્યાંપચ્યાં રહેતાં.
તેઓ કહે છે કે, “મને ખબર નથી કે મારાં બહેનો વિના મારું જીવન કેવું હોત. મને સ્ત્રીઓને માસિક આવતું હોવાની વાત અંગે પણ ખબર નહોતી.”
એક દિવસ નિલોફરે ટીવી પર સેનિટરી નૅપકિનની જાહેરાત જોઈ. આ જાહેરાતમાં તેમણે જોયું કે નૅપકિન પર પાણીનાં ટીપાં નખાય છે, જે આરપાર ગયા વગર નૅપકિનમાં જ શોષાઈ જાય છે. નિલોફરને આ જાહેરાતનો અર્થ ન સમજાયો.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
“મેં આ બધું ટીવી પર જોયું અને આ પ્રોડક્ટ ખરીદી લીધી. મેં એ મારા પિતાને બતાવી, તેમને શું કહેવું એની ખબર ન પડી, મેં તેમને કહ્યું કે મેં આ પ્રોડક્ટ ટીવી પર જોઈ.”
“બાદમાં હું એ પ્રોડક્ટ મારાં બહેન જોડે લઈને પહોંચી. તેમણે મારા હાથમાંથી એ લઈ લીધી અને મારી મજાક ઉડાવી. એ સમયે કોઈને એવું ન લાગ્યું કે મને માસિક વિશે જણાવવામાં આવે.”
નિલોફર એ સમયે 13 વર્ષનાં હતાં. તેઓ જુડો રમ્યા બાદ ખૂબ જ થાક અનુભવી રહ્યાં હતાં. તેઓ જલદી સૂઈ જવા માગતાં હતાં.
પરંતુ બાથરૂમ ગયા બાદ તેમને રક્તસ્રાવ થઈ રહ્યો હોવાની ખબર પડી. તેમને એ વાતની ખબર ન પડી કે આ તેમની જિંદગીના કદાચ સૌથી મોટા બદલાવનો અનુભવ હતો.
જ્યારે નિલોફરે આ વાત બીજા દિવસે પોતાનાં સહેલીને કહી ત્યારે તેઓ તેમના પર હસ્યાં.
નિલોફર કહે છે કે, “જ્યારે હું ઘરે આવી, મારાં માતાએ મારાં કપડાં પર ડાઘ જોયા. તેમણે મને તરત છાતી સરસી ચાંપી લીધી.”
તેઓ રડતાં રડતાં કહી રહ્યાં હતાં કે, “તું આટલી જલદી મોટી કેમ થઈ ગઈ?”
આ એ સમય હતો જ્યારે નિલોફરને પોતે છોકરી હોવાની વાતની ખબર પડી.
બાળપણથી જ બળવાખોર નિલોફર

ઇમેજ સ્રોત, NILOFAR AYOUB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષો સુધી છોકરા માફક રહ્યા બાદ નિલોફરને એક સલામતીનો અહેસાસ થવા લાગ્યો, જે તેમની શાળાનાં અન્ય છોકરીઓને મળી નહોતી.
11 સપ્ટેમ્બર, 2001 બાદ અમેરિકાના હસ્તક્ષેપ બાદ અફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિરતાનો માહોલ સર્જાયો હતો.
નવી રચાયેલી સરકાર દેશમાં અગાઉના કાયદાને જાળવી રાખવા માટે ખૂબ જ દબાણ અનુભવી રહી હતી. પરંતુ અંતે મહિલાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયો.
આ સમય દરમિયાન નિલોફરે શાળા જવાનું શરૂ કર્યું. બાળપણથી જ તેમનામાં બળવાખોરી સંસ્કાર તો હતા જ.
તેઓ કહે છે કે આ સમય દરમિયાન જ તેમણે નિનાસ ‘દેલ નોર્તે’ નામના એક જૂથની રચના કરી. “આ જૂથ થકી અમે શાળામાં છોકરીઓને શિક્ષણનો અધિકાર અપાવવા બાબતે ચળવળ શરૂ કરી. અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે બધું વર્જ્ય છે.”
“છોકરીમાંથી મહિલા બનવાની પ્રક્રિયા દરમિયાન તેમના શરીરમાં ઘણા ફેરફાર થતા હોય છે. જેને ત્યાં ઘણા શરમનું કારણ ગણી, છોકરીઓનાં શરીરમાં થતા ફેરફારોને કપડાંની અંદર છુપાવવાનો પ્રયાસ કરાય છે. આવું કરીને આ ફેરફારોને રોકવાનો પ્રયાસ કરાય છે.”
નિલોફર ઘણી વખત છોકરીઓને શિક્ષણનો અધિકાર આપવાની માગ સાથે સ્કૂલ ડાયરેક્ટરની ઑફિસની મુલાકાત લેતાં. નિલોફર અભ્યાસમાં ખૂબ જ સારાં હોઈ તેમને ભારત મોકલી દેવા માટે મદદ કરાઈ.
આ તેમના જીવનનું સૌથી મોટું પરિવર્તન હતું. તેમણે પોતાની અનુસ્નાતક ડિગ્રી મેળવવા માટે અતિશય મહેનત કરી.
તેમના નિકાહ માટે ઘણાં માગાં પણ આવવાં લાગ્યાં, પરંતુ તેમના પિતાએ તેમને અફઘાનિસ્તાન ક્યારેય પરત ન ફરવા ચેતવ્યાં હતાં.
નિલોફર કહે છે કે, “મારા પિતા મને કહેતા કે તારે અત્યારે નિકાહ કરવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તારો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી નિકાહ ન કરતી. જ્યાં સુધી તને ગમતું પાત્ર ન મળે ત્યાં સુધી તો નહીં જ. તે બાદ મેં પહેલાં મારી અનુસ્નાતક ડિગ્રી પૂરી કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.”
જોકે, વર્ષ 2016માં નિલોફરનાં નિકાહ થયાં. તેઓ એ સમયે 19 વર્ષનાં હતાં. જોકે, તેમના નિકાહના એક વર્ષ પહેલાં જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. જેનું તેમને ઘણું દુ:ખ હતું.
પોતાના પતિની મદદથી તેઓ અફઘાનિસ્તાન પરત ફર્યાં અને ત્યાં તેમણે બિઝનેસ કરવાનું શરૂ કર્યું. તેઓ ફૅશન, ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જેવાં ઘણાં ક્ષેત્રોમાં સક્રિય છે. તેમણે પુરુષો તરફથી બિલકુલ મદદ ન મળતી હોય તેવી સ્ત્રીઓને આ બધાં કામો થકી નોકરી આપી.
આજે, તેમના હાથ નીચે 300 કામદારો છે. શહેરમાં તેમની ઘણી દુકાનો છે.
અફઘાનિસ્તાનથી નાસી છૂટવું પડ્યું
અફઘાનિસ્તાનમાં નિલોફરના પરિવારને બિઝનેસ ક્ષેત્રે સફળતા સાંપડી, પરંતુ દેશમાં રાજકીય અસ્થિરતાના માહોલને કારણે ત્યાં સ્ત્રીઓ માટે ફરી એક વાર અસુરક્ષાના વાતાવરણનું સર્જન થયું.
ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાન પર ફરીથી તાલિબાનનું નિયંત્રણ આવ્યું.
નિલોફર કહે છે કે, “મારા પતિને સરકારના એક મંત્રીનો ફોન આવ્યો. તેમણે શક્ય એટલી ઝડપથી અમારી દીકરીનું ઓળખપત્ર અને પાસપોર્ટ તૈયાર કરવાનું જણાવ્યું. એ સમયે મારી દીકરી 11 માસની હતી.”
અમારી દુકાનોના કામદારોએ પણ અમને ફોન કરીને શું કરવું-શું ન કરવું એ પૂછવાનું શરૂ કરી દીધું.
નિલોફરે તેમની દીકરીને સાચવતાં કૅરટેકરને ફોન કર્યો અને દીકરીની બૅગ તૈયાર કરવાની સૂચના આપી. નજીકની દુકાનના કામદારો તેમને ટૅક્સીથી ઘરે મૂકી ગયાં.
શહેરમાં તણાવ વધતું જઈ રહ્યું હતું. તેઓ પોતાની દીકરી સાચવી, બૅગ પૅક કરી અને માતાનાં ઘરે જવા નીકળી પડ્યાં.
નિલોફર કહે છે કે આ દરમિયાન જે થયું તેનાથી તેમનું જીવન પલટાઈ ગયું.
તેમણે એ સમયે જોયેલાં દૃશ્યો યાદ કરતાં કહ્યું કે, “એક પોલીસવાળો સાઇકલ પર જઈ રહ્યો હતો. અચાનક તે રોકાયો અને લોકોને કહેવા લાગ્યો કે મારી સાઇકલ, ગન લઈ લો. મને સાદાં કપડાં આપી દો. તે લોકો સામે ભીખ માગી રહ્યો હતો.”
દેશમાં તાલિબાન રાજ ફરી આવતાં અમેરિકા સમર્થિત સરકાર માટે કામ કરનારા લોકોને ક્રૂર સજા કરાઈ હતી. ઘણાને મૃત્યુદંડ પણ અપાયો હતો.
નિલોફર તેમનાં માતાના ઘર સુધી ન પહોંચી શક્યાં. તેમને નિકટના વિસ્તારમાં પોતાની બાળકીનેય સંતાડી દીધી. સમગ્ર વિશ્વમાંથી ઘણા પત્રકારો અફઘાનિસ્તાનની સ્થિતિ જાણવા માટે તેમને ફોન કરવા માંડ્યા.
નિલોફરે કહ્યું, “દરમિયાન પોલૅન્ડથી એક પત્રકારનો ફોન આવ્યો, જેમણે મને મારું નામ દેશની બહાર જવા માગતા લોકોની યાદીમાં છે કે કેમ એ વિશે પૂછ્યું. મેં એમને ના પાડી. પત્રકારે મને થોડો સમય આપવા કહ્યું અને ફરીથી ફોન કરવા જણાવ્યું. બાદમાં તેણે ફરીથી ફોન કર્યો અને કહ્યું કે પોલૅન્ડનું પ્લેન છે, જે તમને લઈને દેશની બહાર પહોંચાડી દેશે.”
પોલૅન્ડમાં નવું જીવન
પોલૅન્ડના પત્રકારે બાદમાં નિલોફરને એક વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરી દીધાં. બીજા કૉલ બાદ, તેમને 24 કલાકમાં બે સૂટકેસ સાથે ઍરપૉર્ટ પહોંચવા કહેવાયું.
“મારાં માતા ઘરે પવિત્ર કુરાન સાથે ઊભાં હતાં. મેં મારાં માતાને જોયાં ત્યારે મને ખબર હતી કે આ હું તેમને છેલ્લી વખત જોઈ રહી છું. ત્રણ દિવસના કપરા પ્રવાસ બાદ હું પોલૅન્ડ પહોંચી, જ્યાં મેં નવી જિંદગી શરૂ કરી.”
નિલોફર કહે છે કે અહીં પરિવાર વિના જીવવાનું ખૂબ અઘરું છે. ખાસ કરીને મારા દીકરા માટે. એ કાબુલને ઘણું યાદ કરે છે. “એ હંમેશાં નાનીની તબિયત વિશે પૂછે છે, અને અમે કેમ તેમને અહીં ન લાવ્યાં એ અંગે પૂછે છે.”
નિલોફર અફઘાનિસ્તાનમાં રહી ગયેલાં તેમના માતા, બહેનો અને સ્ટાફ માટે કામ કરવા લાગ્યાં છે.
તેઓ પોતાના દેશનાં મહિલાઓની સ્થિતિના મુદ્દાને અવાજ આપવા બ્રસેલ્સ, જર્મની અને અમેરિકામાં યોજાયેલી માનવાધિકાર પરિષદોમાં મુસાફરી કરતાં રહે છે.
તેઓ મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે.
અફઘાનિસ્તાનમાં એક છોકરો બનીને રહેનાર નિલોફર જણાવે છે કે તેમને જે કાંઈ મળ્યું એ આશીર્વાદની સાથોસાથ શાપ પણ છે.
“હું 100 ટકા એક સ્ત્રી છું. પરંતુ સદ્ભાગ્યે હું બંને જિંદગી જીવી શકી. આના કારણે હું આજે એક મજબૂત સ્ત્રી બની શકી છું.”
પોતાના પિતાના માર્ગદર્શનથી પ્રેરિત નિલોફર કહે છે કે, “મારા હૃદયમાં મારા પિતા માટે ખાસ સ્થાન છે. મને હજી તેમનો ચહેરો યાદ છે. મેં હંમેશાં રાજકારણથી દૂર રહેવાનું જ વિચાર્યું. પરંતુ આપણે આપણા સમાજની સ્થિતિ સુધારવા માટે આશા હોય ત્યાં બધે જવું જોઈએ.”














