અફઘાનિસ્તાનમાં તાલિબાની પ્રતિબંધ વચ્ચે ‘સિક્રેટ સ્કૂલ’માં ભણતી બહાદુર છોકરીઓની હિંમતની કહાણી

ઇમેજ સ્રોત, GETTY IMAGES / SANDRA CALLIGARO
- લેેખક, સના સફી
- પદ, બીબીસી સંવાદદાતા, અફઘાન સેવા
અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ તાલિબાન સરકારના પ્રતિબંધની ઉપેક્ષા કરીને ગુપ્તપણે ભણી રહી છે.
આ છોકરીઓ એવી સિક્રેટ સ્કૂલોમાં ભણી રહી છે, જે મહિલાઓએ શરૂ કરી છે. આ મહિલાઓ જ ત્યાં ભણાવે છે અને આ બહાદુર છોકરીઓ માટે ઓનલાઇન અને ઑફલાઇનના ક્લાસ લે છે.
મેં આવી ઘણી સિક્રેટ સ્કૂલો અને તેમાં ભણતી છોકરીઓનાં દિલ-દિમાગમાં ડોકિયું કરવાની કોશિશ કરી, જે તમામ ખતરાનો સામનો કરીને શિક્ષણના પોતાના અધિકાર પર મૂકાયેલા પ્રતિબંધને તાબે થવાનો ઇનકાર કરી રહી છે.

છોકરીઓનું ‘ગુપ્ત વિશ્વ’

ઇમેજ સ્રોત, GETTY IMAGES/SANDRA CALLIGARO
હું લંડનમાં મારા ફ્લૅટમાં લૅપટૉપની સ્ક્રીન એકીટસે જોઈ રહી હતી. મારા મગજમાં અફઘાનિસ્તાનની એ કિશોરીના શબ્દ ગૂંજી રહ્યા હતા, “મને એવું લાગે રહ્યું છે કે હું શિક્ષણની ચોરી કરી રહી છું. હું મારું જ જીવન ચોરી રહી છું.”
અફઘાનિસ્તાનથી દૂર બેસીને હું ઇન્ટરનેટના માધ્યમથી નકાબ પાછળ છુપાયેલી એક ગુપ્ત દુનિયા સાથે જોડાયેલી હતી.
બીજી તરફ લૅપટૉપ પકડીને ઊભેલી છોકરીને મેં કહ્યું, “શું તું થોડું પાછળ ખસી શકે જેથી હું આખા ક્લાસને જોઈ શકું?”
હું જોઈ શકું એ માટે તેણે લૅપટૉપ વડે મને આખો ઓરડો બતાવ્યો. એ ક્લાસમાં 30 છોકરીઓ હતી. તેઓ એક લાઇનમાં બેઠી હતી. સફેદ કે રંગીન હેડ સ્કાર્ફને બાદ કરતાં એ તમામ છોકરીઓ કાળાં કપડાંમાં દેખાઈ રહી હતી.
તેમની શિક્ષિકાએ પણ કાળાં કપડાં પહેરેલાં હતાં, તેઓ સફેદ બોર્ડ પાસે ઊભાં હતાં. તેના પર જે ચિત્ર બનેલું હતું, તેનાથી મેં અંદાજ માંડ્યો કે કદાચ આ જીવવિજ્ઞાનનો ક્લાસ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્લાસની વાતચીત વચ્ચે મારી આંખ સામે સંતાયેલું એક સત્ય બહાર આવી રહ્યું હતું.
હું માત્ર અફઘાનિસ્તામાં એક અજ્ઞાત સ્થળે ચાલી રહેલા આ સિક્રેટ ક્લાસની એક સાક્ષીમાત્ર નહોતી, પરંતુ હું તાલિબાન શાસકોના આદેશની ઉપેક્ષાની પણ સાક્ષી બની રહી હતી.
અમેરિકાના નેતૃત્વવાળું ગઠબંધન સૈન્ય અફઘાનિસ્તાનથી પરત ફર્યું તે બાદથી દેશમાં તાલિબાનનું શાસન છે. તાલિબાન સરકારે પાછલાં દોઢ વર્ષથી દેશમાં છોકરીઓના માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણ પર પ્રતિબંધ લાદી દીધો છે.

‘અલ્લાહને ખાતર તું સ્કૂલ મૂકી દે’

ઇમેજ સ્રોત, GETTY IMAGES / SANDRA CALLIGARO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અફઘાનિસ્તાનની સિક્રેટ સ્કૂલોના ગુપ્ત વિશ્વમાં મારી યાત્રા હચમચાવી નાખનારી હતી.
ડિજિટલ બારીમાંથી એ શિક્ષકો અને વિદ્યાર્થિનીઓનાં જીવનમાં ડોકિયું કરતી વખતે મને કંધારમાં વિતાવેલા મારા દિવસો યાદ આવી ગયા.
હું અફઘાનિસ્તાનમાં જન્મી અને હું પણ સિક્રેટ સ્કૂલમાં જવા માટે મજબૂર હતી. શિક્ષિકા સાથેની વાતો દરમિયાન હું મારી એ કડવી યાદોમાંથી માંડમાંડ બહાર આવી શકી.
આખરે મેં હિંમત એકઠી કરીને તેમને પૂછી લીધું કે, “તેઓ આ સ્કૂલમાં કેટલા દિવસથી કામ કરી રહ્યાં છે?”
શિક્ષિકાએ મને કહ્યું, “હું અહીં ટીચર તરીકે છ માસથી છું.”
તેમણે મને જણાવ્યું કે એવો એકેય દિવસ નથી રહ્યો કે જ્યારે તેમણે સંપૂર્ણપણે ભયમુક્ત અનુભવ્યું હોય.
શિક્ષિકાએ કહ્યું, “મારા ભાઈ મને ઘણી વાર કહે છે કે ‘અલ્લાહને ખાતર તું સ્કૂલ મૂકી દે.’ આ સ્કૂલ વિશે કોઈ નથી જાણતું પણ મારા ભાઈને એ વાતની બીક છે કે એક દિવસ અહીં તાલિબાન પહોંચી જશે. પરંતુ મારાં માતાપિતાએ મને પોતાની બહેનોને ભણાવવા માટે આ ચાલુ રાખવા માટે રાજી કરી.”
“હું એમનું દુ:ખ સમજું છું. મારો યુનિવર્સિટીનો અભ્યાસ બંધ થઈ ગયો. તેથી હું અહીં છોકરીઓને ભણાવવામાં મદદરૂપ થવા માગું છું.”
ક્લાસમાં લાકડાની ફ્રેમવાળી પરંપરાગત બારીઓ છે અને દીવાલો પર તસવીરો છે જે ધબકતા જીવનની સાક્ષી પૂરી રહી છે.
1990ના દાયકાના મધ્યની મારી યાદોથી આ થોડું અલગ દૃશ્ય છે.
તાલિબાન એક ગૃહયુદ્ધની ક્રૂર મારકાટથી બહાર આવીને સત્તા સુધી પહોંચ્યા અને તેણે રાતોરાત તમામ મહિલાઓ અને છોકરીઓ પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લીધો.

સ્કૂલના દરવાજા બંધ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
મને મારા જીવનના અંતિમ શ્વાસ સુધી એ ક્ષણ યાદ રહેશે જ્યારે મેં તાલિબાન શાસનમાં પહેલી વખત સ્કૂલ જવાનો પ્રયાસ કર્યો હતો.
એ સમયે હું માત્ર સાત વર્ષની હતી. એ સમયે મને ગેટ પર એક મહિલા મળ્યાં જેમણે મને કહ્યું કે સ્કૂલમાં છોકરીઓ અને મહિલાઓને જવાની મનાઈ છે.
એ સમયે મેં કાળો યુનિફોર્મ પહેરેલો હતો જેના પર એક પીળા રંગનો ગૂંથેલો બેલ્ટ હતો, જે મારાં માતાએ બનાવ્યો હતો. તેની પણ ત્યાં મંજૂરી નહોતી.
જ્યારે એ મહિલાએ કહ્યું કે હું એ ગણવેશના કારણેય સ્કૂલમાં ન જઈ શકું ત્યારે મને યાદ છે કે હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. જોકે, હું તેને લઈને ખૂબ ઉત્સાહિત હતી.
રોજ સવારે મા મને પોતાની સાથે શાક માર્કેટ લઈ જતી અને પરત ફરતાં હું સિક્રેટ સ્કૂલ માટે ગાયબ થઈ જતી. ત્યાં ઉપલબ્ધ પુસ્તકોની મદદથી અમે લેખન-વાંચન શીખ્યાં.
પરંતુ એ કોશિશ પણ ટૂંક સમયમાં જ ખતમ થઈ ગઈ. તાલિબાનને ખબર પડતાં જ તેમણે સ્કૂલ પર છાપો માર્યો અને 15 દિવસ માટે અમારા શિક્ષકોને જેલમાં પૂરી દીધા. મુક્તિ બાદ તેઓ બંને અફઘાનિસ્તાનથી ફરાર થઈ ગયા.
પાંચ વર્ષ બાદ, 9/11નો હુમલો થયો અને પછી અમેરિકા અને તેના સહયોગી દેશોએ તાલિબાન સરકારને ઉખાડી ફેંકી. એ સમયે હું એ લાખો છોકરીઓ પૈકી એક હતી જેમને ફરીથી શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયો.
પરંતુ જ્યારે તાલિબાને ઑગસ્ટ, 2021માં સત્તાવાપસી કરી ત્યારે તેણે મહિલાઓ અને છોકરીઓની શિક્ષણ હાંસલ કરવાની કોશિશો ફરી ધૂળમાં મેળવી દીધી.
આ વખત છોકરીઓને પ્રાથમિક શિક્ષણ (નાની કક્ષા સુધી) મેળવવાની મંજૂરી અપાઈ છે. જોકે, માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણ તેમની પહોંચથી દૂર છે. ભાગ્યના છળે આ છોકરીઓનાં સપનાં પર પાણી ફેરવી દીધું.
તાલિબાનથી છુપાઈને કામ કરવા મજબૂર બનેલા આ નીડર શિક્ષકો અફઘાનિસ્તાનના આ સિક્રેટ સ્કૂલ નેટવર્કના કેન્દ્રમાં છે.
પાશતાના દુર્રાની એક ઍક્ટિવિસ્ટ છે, જેમણે હાલના પ્રતિબંધો બાદ સમગ્ર દેશમાં અંડરગ્રાઉન્ડ સ્કૂલોની સ્થાપના કરવાની ચળવળની આગેવાની લીધી.
તેમની સંસ્થાનું નામ છે ‘લર્ન અફઘાનિસ્તાન’, જેમાં હાલ 12 વર્ષથી વધુ વયની 230 વિદ્યાર્થિની છે.

‘મારા ભાગ્ય પર મારો કાબૂ’
પાશતાના દુર્રાની કહે છે કે આ નેટવર્ક સાથે જોડાયેલા લોકોના માથે ભારે ખતરો તોળાઈ રહ્યો છે. પરંતુ તેઓ માને છે કે નિષ્ક્રિય રહેવાનો વિકલ્પ તેમની પાસે નથી.
તેઓ કહે છે કે, “જો હું શિક્ષણ ન મેળવી શકી હોત તો મારાં લગ્ન ન થયાં હોત. મારી બહેનનાં લગ્ન થઈ ગયાં હોત. મારા ભાઈએ ક્યાંક બાળમજૂરી કરવી પડી હોત. પરંતુ હું મારા શિક્ષણના બળે જ હું પરિવારનું નેતૃત્વ મેળવી શકી, અને આ જ કારણે મારું નસીબ મારા હાથમાં છે.”
દુર્રાનીના પ્રયત્નોને હું મારા લૅપટૉપની સ્ક્રીન પર જીવંત થતી જોઈ રહી છું. તેમની વિદ્યાર્થિનીઓ મારી સાથે કડકડાટ અંગ્રેજીમાં વાત કરી રહી છે. તેમણે મને જણાવ્યું કે તેઓ જીવવિજ્ઞાનથી માંડીને રસાયણવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનથી માંડીને દર્શન સુધી બધું ભણે છે અને ગ્રાફિક ડિઝાઇન જેવા વિષયો પણ ભણે છે.
ઘણી છોકરીઓએ રાજદ્વારી, ડૉક્ટર અને ઇજનેર બનવાની આકાંક્ષા વ્યક્ત કરી.
જ્યારે હું આ બધું સાંભળી રહી હતી ત્યારે મને આની સાથે સંકળાયેલા પડકાર યાદ આવી રહ્યા હતા. તેમની સામે ગમે ત્યારે છાપો પડવાના અને સ્કૂલ બંધ કરાવાનો ખતરો છે. તેથી આ કિશોરીઓનો અભ્યાસ અને આગળ વધવાનો જુસ્સો પણ એટલો જ મોટો છે.
છોકરીઓના શિક્ષણ પર પાબંદીને લઈને તાલિબાનની આધિકારિક સ્થિતિ એ છે કે આ એક સ્થાયી પ્રતિબંધ નથી. તેમનું કહેવું છે કે તેઓ દેશમાં એક ‘સુરક્ષિત માહોલ’ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તે હેતુથી જ ‘જરૂરી બદલાવ’ કરાઈ રહ્યા છે.
પરંતુ અત્યાર સુધી આ નિવેદનનો અર્થ શો કાઢવો એને લઈને કે છોકરીઓના શિક્ષણ પરનો પ્રતિબંધ ક્યારે હઠાવાશે એને લઈને કોઈ સ્પષ્ટતા નથી.
મારી આ ડિજિટલ યાત્રાએ મારા મનમાં આશા, હતાશા, પ્રશંસા અને દુ:ખના મિશ્રિત ભાવ છોડ્યા છે.
પરંતુ એક વાત તો નક્કી છે કે અફઘાનિસ્તાનમાં છોકરીઓના શિક્ષણ માટેનો સંઘર્ષ હજુ ખતમ થવાનો નથી, જોકે આ છોકરીઓની દૃઢ ઇચ્છાશક્તિ એક આશાનું કિરણ જરૂર છે.
એક છોકરીએ મને કહ્યું, “અમે પ્રતિકાર ચાલુ રાખશું. બની શકે કે એક દિવસ આ અંધારી સુરંગના બીજા સામા છેડે રોશની દેખાય.”














