અફઘાનિસ્તાન : 'મારી નોકરી પુરુષોને આપી દેવાનું કહે છે' તાલિબાની શાસનમાં મહિલાઓની કેવી હાલત થઈ?

તાલિબાની
ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને એક વર્ષનો સમય પૂરો થયો છે
    • લેેખક, લીસ ડ્યુસેટ
    • પદ, મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા, કાબુલ

જ્યારે તમે કાબુલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પહોંચો છો, ત્યારે સૌથી પહેલી વસ્તુ તમારા ધ્યાનમાં આવે છે મહિલાઓ, જેઓ ભૂરા રંગના સ્કાર્ફ અને કાળા રંગનાં કપડાં પહેરીને પોતાના પાસપોર્ટ પર સ્ટૅમ્પ લગાવડાવી રહી છે.

એક વર્ષ પહેલાં આ ઍરપોર્ટ પર લોકોનાં નાસતાં-ભાગતાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં, લોકો અફઘાનિસ્તાન છોડીને જવાની હોડમાં હતા. હવે અહીં એકદમ શાંતિ અને સ્વચ્છતા છે.

ઉનાળો છે અને રસ્તા પર સફેદ રંગના તાલિબાની ઝંડા જોવા મળી રહ્યા છે. જાણીતા ચહેરાઓ ધરાવતાં હોર્ડિંગ્સને રંગી દેવામાં આવ્યાં છે.

તેની પાછળ હવે આ દેશમાં શું ચાલી રહ્યું છે, જ્યાં એક સમયે તાલિબાનના કબજા બાદ ઊથલપાથલ થઈ ગઈ હતી.

line

મહિલાઓને કહેવામાં આવે છે કે તેમની નોકરી પુરુષોને આપી દે

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન

ઇમેજ સ્રોત, JACK GARLAND

ઇમેજ કૅપ્શન, તાલિબાન ગવર્નર અહમદ શાહ દીન દોસ્ત

આ પ્રકારના સંદેશ ચોંકવનારા છે.

એક મૅસેજિંગ પ્લૅટફૉર્મ પર એક મહિલા લખે છે, "તેઓ ઇચ્છે છે કે હું મારી નોકરી મારા ભાઈને આપી દઉં."

વધુ એક મહિલા લખે છે, "અમને અમારાં ભણતર અને અનુભવના આધારે અમારી નોકરી મળી હતી. જો અમે આ સ્વીકારી લઈએ તો તેનો મતલબ થશે કે અમે અમારી જાત સાથે છેતરપિંડી કરી છે."

હું નાણામંત્રાલયનાં કેટલાંક પૂર્વ વરિષ્ઠ સરકારી કર્મચારીઓ સાથે બેઠી છું જેઓ પોતાના સંદેશ શૅર કરી રહ્યાં છે.

તે આશરે 60 કરતાં વધારે મહિલાઓનું ગ્રૂપ છે. ઘણી મહિલાઓ અફઘાનિસ્તાન રૅવેન્યૂ ડિરેક્ટોરેટમાંથી છે, જેમને ગયા ઑગસ્ટ મહિનામાં નોકરી છોડવાનો આદેશ અપાયો હતો અને તેમણે પોતાનું એક જૂથ બનાવ્યું હતું.

તેઓ કહે છે કે તાલિબાની અધિકારીઓએ તેમને કહ્યું, "એવા પુરુષ ઉમેદવારોના સીવી અમને આપો જેઓ આ નોકરી માટે અરજી કરી શકે."

એક મહિલાએ પોતાની ઓળખ છૂપાવવાની માગ કરતાં પોતાની વાત કહી, "આ મારી નોકરી છે. આ નોકરી મેળવવા માટે મેં 17 કરતાં વધારે વર્ષ સુધી ઘણી તકલીફો સાથે કામ કર્યું. મેં મારી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. હવે ફરી અમે શૂન્ય પર આવી ગયાં છીએ."

line

'વુમન લીડર્સ ઑફ અફઘાનિસ્તાન'

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન

ઇમેજ સ્રોત, JACK GARLAND

ઇમેજ કૅપ્શન, મહિલાઓને કહેવામાં આવે છે કે તેઓ પુરુષો માટે પોતાની નોકરી છોડી દે

અમે ડિરેક્ટોરેટના પૂર્વ ડાયરેક્ટર જનરલ અમીના અહમદી સાથે ફોન પર વાત કરી જેઓ અફઘાનિસ્તાનની બહાર હતાં. તેઓ ભાગવામાં સફળ રહ્યાં હતાં પરંતુ તે કોઈ રસ્તો નથી.

તેઓ કહે છે, "અમે અમારી ઓળખ ગુમાવી રહ્યાં છીએ. જ્યાં અમે અમારી ઓળખ જાળવી રાખીએ છીએ તે અમારો દેશ જ છે."

આ મહિલાઓનાં ગ્રૂપનું ટાઇટલ છે, "વુમન લીડર્સ ઑફ અફઘાનિસ્તાન". આ નામ તેમને હિંમત આપે છે. તેઓ ઇચ્છે છે કે તેમને તેમની નોકરીઓ ફરી મળી જાય.

તેઓ એ મહિલાઓ છે જેમણે બે દાયકા દરમિયાન શિક્ષણ અને નોકરીની તકો મેળવી હતી જે તાલિબાનના શાસનની સાથે જતી રહી છે.

તાલિબાનના અધિકારીઓ કહે છે કે મહિલાઓ હજુ પણ કામ કરી રહી છે. મોટાભાગે મહિલાઓ મેડિકલ સ્ટાફ, શિક્ષણ અને ઍરપોર્ટ પર સુરક્ષાકર્મી તરીકે કામ કરી રહી છે. આ જગ્યાઓ પર મહિલાઓની ભરતી થતી રહે છે.

તાલિબાન એ વાત પર પણ ભાર આપે છે કે જે ચોથા ભાગની મહિલાઓ સરકારી નોકરિયાત હતી તેમને હજુ પણ પગાર મળી રહ્યો છે. જોકે, તેમને પગારનો થોડો ભાગ જ મળી રહ્યો છે.

એક પૂર્વ સરકારી કર્મચારી મને કહે છે કે તેમને એક તાલિબાની ગાર્ડ દ્વારા રોકવામાં આવ્યાં હતાં અને તેમણે હિજાબ અંગે ટિપ્પણી કરી હતી. જોકે, તેઓ પૂર્ણરૂપે ઢંકાયેલાં જ હતાં.

મહિલાઓ વળતો જવાબ આપ્યો કે, "હિજાબ કરતાં મોટી સમસ્યાઓ તમારી પાસે છે જેનું સમાધાન લાવો."

line

ગ્રામીણ વિસ્તાર ઘોર પર દુષ્કાળનો ખતરો

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન

ઇમેજ સ્રોત, JACK GARLAND

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં આ વર્ષે લોકો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે

આ દૃશ્ય એક નજરે સુંદર લાગે છે. અફઘાનિસ્તાનના અંતરિયાળ વિસ્તારમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. દૂરથી ગાયનો અવાજ સંભળાઈ રહ્યો છે.

18 વર્ષીય નૂર મોહમ્મદ અને 25 વર્ષીય અહમદ ખેતરમાં દાંતરડું ચલાવી રહ્યા છે.

નૂરના ચહેરા પર પરસેવો અને ધૂળ છે અને તેઓ કહે છે, "દુષ્કાળના કારણે આ વર્ષે ઘઉંનો પાક ખૂબ ઓછો છે. પરંતુ આ જ એક નોકરી મને મળી શકી છે."

અમારી પાછળના ભાગમાં લણાયેલું ખેતર દેખાય છે. 10 દિવસથી આ બે લોકો કામ કરી રહ્યા છે જેના તેમને દિવસના 2 ડૉલર (આશરે 159 રૂપિયા) મળી રહ્યા છે.

નૂર કહે છે, "હું ઇલેક્ટ્રિકલ ઍન્જિનિયરીંગ ભણી રહ્યો છું પરંતુ પરિવારનો સહારો ન મળતો મારે શિક્ષણ છોડવું પડ્યું હતું."

અહમદની કહાણી પણ દર્દનાક છે. તેઓ કહે છે, "ઈરાન જવા માટે મેં મારું મોટરબાઇક વેચી નાખ્યું હતું પરંતુ મને કામ ન મળ્યું."

અફઘાનિસ્તાનના ગરીબ વિસ્તારોના લોકો માટે પાડોશી દેશ ઈરાનમાં જઈને મોસમી કામ કરવું જ એક રસ્તો હતો. પરંતુ ઈરાનમાં પણ બધું કામ સૂકાઈ ગયું હતું.

નૂર કહે છે, "અમે અમારા તાલિબાન ભાઈઓનું સ્વાગત કરીએ છીએ. પણ અમને એવી સરકાર જોઈએ છે કે જે અમને રોજગારની તક આપે."

તે દિવસ પહેલાં, અમે એક પાઇનના ટેબલની આસપાસ બેઠા હતા જ્યાં ઘોરની પાઘડીધારી પ્રોવિન્શિયલ કેબિનેટ હતી, તેમની સાથે તાલિબાનના ગર્વનર અહમદ શાહ દીન દોસ્ત પણ હતા.

line

ગરીબી અને દુષ્કાળ પણ એક લડાઈ છે, જે ગોળીઓથી વધુ નુકસાન કરે છે

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન
ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં લોકો ખાદ્યપદાર્થોની અછતનો પણ સામનો કરી રહ્યા છે

યુદ્ધ દરમિયાન ફરજ બજાવી રહેલા પૂર્વ ડેપ્યુટી ગવર્નર કેટલીક વાતો શૅર કરે છે.

તેઓ ગરીબી, ખરાબ રસ્તા, હૉસ્પિટલની કમી અને સ્કૂલોની હાલત વિશે વાત કરતાં કહે છે, "આ બધી સમસ્યાઓ મને દુખી કરે છે."

યુદ્ધ ખતમ થવાનો મતલબ છે કે વધુ મદદનીશ એજન્સીઓ હવે અહીં કામ કરી રહી છે.

પહેલાં ઘોરના સૌથી અંતરિયાળ બે વિસ્તારોમાં દુષ્કાળ હોવાની જાણકારી મળી હતી.

પરંતુ ગવર્નર દીન દોસ્ત માટે યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી. તેઓ કહે છે કે તેમને અમેરિકી સેના દ્વારા કેદ કરવામાં આવ્યા હતા અને પ્રતાડિત પણ કરાયા હતા.

તેઓ કહે છે, "અમને વધારે તકલીફ ન આપો. અમને પશ્ચિમી મદદની જરૂર નથી."

"પશ્ચિમી દેશો હંમેશાં શા માટે દખલગીરી કરે છે? અમે ક્યારેય સવાલ નથી કરતાં કે તમે તમારા દેશમાં મહિલાઓ કે પુરુષો સાથે કેવો વ્યવ્હાર કરો છો."

તે પછીના દિવસે અમે એક સ્કૂલ અને કુપોષણનો ઇલાજ કરતા દવાખાનાની મુલાકાત લીધી હતી જે દરમિયાન તેમની ટીમના સભ્યો પણ અમારી સાથે જોડાયા હતા.

તાલિબાનના યુવાન અને શિક્ષિત સ્વાસ્થ્ય નિર્દેશક અબ્દુલ સતાર માફક કહે છે, "અફઘાનિસ્તાન તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. આપણે લોકોનાં જીવન બચાવવાની જરૂર છે અને તેમાં રાજકારણને ભેળવવાની જરૂર નથી."

મને એ વાત યાદ આવી જે નૂર મોહમ્મદે મને ખેતરમાં કહી હતી.

"ગરીબી અને દુષ્કાળ પણ એક લડાઈ છે અને તે ગોળીઓના યુદ્ધ કરતાં મોટી લડાઈ છે."

line

એક વર્ષ બાદ દુકાન ખૂલી

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન

ઇમેજ સ્રોત, JACK GARLAND

18 વર્ષનાં સોહૈલા ઉત્તેજનાથી ઝૂમી રહ્યાં છે. હું તેમની પાછળ ગઈ અને અંધકારમયી રસ્તો આવ્યો જે બૅજમેન્ટમાં જઈ રહ્યો હતો. તે હેરતમાં માત્ર મહિલાઓની એક માર્કેટનો રસ્તો હતો.

હેરાત એક પ્રાચીન પશ્ચિમી શહેર છે જેની ઓળખ તેની સંસ્કૃતિ, તેનું વિજ્ઞાન અને તેની કલાત્મકતા છે.

ગયા વર્ષે આ બજારને તાલિબાને અને તે પહેલાં કોરોનાની મહામારીએ બંધ કરી હતી અને હાલ તે પહેલી વખત ખૂલી છે.

અમે તેમના પરિવારની કપડાંની દુકાનમાં કાચના દરવાજાથી ડોકિયું કરી રહ્યાં હતાં. આ દુકાન હજુ તૈયાર નથી. ખૂણામાં સિલાઈ મશીન મૂકવામાં આવ્યા છે. છતમાં દિલ આકારના ફુગ્ગા લગાવવામાં આવ્યા છે.

સોહૈલા મને કહે છે, "10 વર્ષ પહેલાં મારી બહેને આ દુકાન ત્યારે શરૂ કરી હતી જ્યારે તેઓ 18 વર્ષનાં હતાં."

સોહૈલાએ તેમનાં માતા અને દાદીના થોડા ઇતિહાસ વિશે પણ વાત કરી જેઓ સુંદર પારંપરિક કપડાં સિવતાં હતાં. તેમનાં બહેને એક ઇન્ટરનેટ ક્લબ અને રેસ્ટોરાંની પણ શરૂઆત કરી હતી.

માત્ર મહિલાઓની આ જગ્યામાં શાંત પ્રવૃત્તિઓ થાય છે. કેટલાક લોકો પોતાની દુકાન ભરી રહ્યાં છે, કેટલીક મહિલાઓ માત્ર વાતો કરી રહી છે અને ઍમ્બ્રોઇડરી પણ કરી રહી છે.

આ જગ્યાએ વધુ રોશની જોવા મળતી નથી. પરંતુ અહીં એ મહિલાઓ માટે થોડું અજવાળું જોવા મળે છે જેમણે પોતાનું જીવન ઘરે બેસીને વિતાવ્યું છે.

line

'તાલિબાને સ્કૂલો બંધ કરી દીધી છે'

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન

ઇમેજ સ્રોત, JACK GARLAND

સોહૈલા પોતાની વધુ એક કહાણી જણાવતાં કહે છે કે તેઓ મહત્ત્વાકાંક્ષી છે અને તાલિબાનના આ પગલાંને લીધે તેમનાં જેવી ઘણી છોકરીઓનાં ભણતર પર અસર પડી છે.

મોટાભાગની સેકન્ડરી સ્કૂલો બંધ છે. ઘણા તાલિબાની સભ્યો સહિત અફઘાનીઓએ સ્કૂલો ફરી શરૂ કરવા કહ્યું છે પરંતુ મૌલાનાઓએ સ્કૂલો બંધ રાખવા આદેશ આપ્યા છે.

સોહૈલા કહે છે, "હું 12મા ધોરણમાં ભણું છું. જો હું તે પાસ નહીં કરું તો હું યુનિવર્સિટી નહીં જઈ શકું."

મેં તેમને પૂછ્યું કે શું તેઓ અફઘાનિસ્તાનમાં રહેવા માગે છે? તો તેમણે દૃઢપણે કહ્યું, "બિલકુલ, આ મારો દેશ છે અને હું બીજા કોઈ દેશમાં જવા માગતી નથી."

પરંતુ સ્કૂલ વગર એક વર્ષ ખૂબ અઘરું છે. તેવામાં તેઓ કહે છે, "આ માત્ર મારી વાત નથી. તે અફઘાનિસ્તાનની બધી છોકરીઓની વાત છે."

"આ એક ખૂબ જ દુઃખદ યાદગીરી છે. હું સ્કૂલની સૌથી ટૉપ વિદ્યાર્થીની હતી...."

આ વાત કહેતાં તેઓ રડી પડે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન