પયગંબરના 'અપમાન' બદલ જ્યારે સલમાન રશ્દી વિરુદ્ધ ઈરાને જાહેર કર્યો મોતનો ફતવો
- લેેખક, ચંદ્રભૂષણ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે
અડધી ખૂલેલી આંખોવાળા એક લેખક હતા, જે અડધી ઊંઘમાં દુનિયા જોતા હોય તેમ લાગતું હતું. તેમનો ચહેરો મને યાદ હતો, નામ ભૂલી ગયો હતો. પહેલી વખત મેં ઇલસ્ટ્રેટેડ વીકલીમાં તેમના પ્રથમ પુસ્તકનો એક લાંબો ભાગ વાંચ્યો હતો.
'ગ્રાઇમસ'નું સિમુર્ગ બની જવું. સેંકડો વર્ષ સુધી ઊડતું રહેનારું એક અમર પક્ષી, જે ખરેખર માણસ છે. તેની ઉડાણ બહાર ચાલી રહી છે કે અંદર? તેનો ભાસ થાય તે પહેલાં જ પુસ્તકનો ભાગ સમાપ્ત થઈ ગયો. મેં વિચાર્યું કે ગમે તેમ કરીને આ પુસ્તક વાંચવું છે, પણ એમ કરવાની તક ન મળી. ત્યાર બાદનું તેમનું પુસ્તક 'ઇલાહાબાદ' મારા હાથમાં લાગ્યું.

ઇમેજ સ્રોત, Getty Images
આ એક રાજકીય યાત્રાનું વૃત્તાંત હતું - "ધ જૅગુઆર સ્માઇલ." ચિત્તા પર સવાર એક નાનકડી બાળકી હસતાં-હસતાં જંગલમાં ગઈ. થોડા સમય બાદ ચિત્તો પાછો આવ્યો. બાળકી તેના પેટમાં હતી અને ચિત્તો હસી રહ્યો હતો. નિકારાગુઆની આ ક્રાંતિકથા મેં આશરે પચીસેક વર્ષ પહેલાં વાંચી હતી પણ દિમાગમાં ઊતરી ન હતી.
સલમાન રશ્દી વાર્તાકાર તો ઘણા સારા હતા, પરંતુ એક અસાધારણ પત્રકાર પણ હતા.

'ધ સેટેનિક વર્સેઝ' અને ઈરાન તરફથી ફતવો

ઇમેજ સ્રોત, Getty Images
આધુનિક ભારતીય ઇતિહાસનું પુસ્તક 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' પહેલેથી આવી ચૂક્યું હતું પરંતુ તેને વાંચવાની તક મને 1988માં રશ્દીના પુસ્તક 'ધ સેટેનિક વર્સેઝ' પર ફતવો જાહેર થયા બાદ મળ્યો. આ ફતવો ઘણો વિચિત્ર હતો. તેનાંથી વધુ વિચિત્ર હતું દાવાનળની જેમ તેનું ઈરાનથી નીકળીને ભારત સહિત એશિયા અને આફ્રિકાના કુલ 13 દેશોમાં ફેલાઈ જવું.
ઈરાન અને ઇરાકની આઠ વર્ષ લાંબી લડાઈ 1988માં પૂરી થઈ ગઈ હતી. આ સર્વનાશી યુદ્ધ અને તેના પહેલાં ઇસ્લામિક ક્રાંતિમાં ઈરાનના અંદાજે દરેક ઘરમાંથી એકાદ બે લોકો માર્યા ગયા હતા. આર્થિક તંગીમાં લોકોનું દુ:ખ દિવસ-રાત વધી રહ્યું હતું.
અયાતુલ્લા ખુમૈનીને પોતાના થાકેલા રાષ્ટ્રમાં ઉત્સાહની લહેર પેદા કરવાનું એક સારું બહાનું 'ધ સેટેનિક વર્સેઝ' સ્વરૂપે મળી ગયું હતું. આ પહેલાં પાકિસ્તાનની આસપાસ બનેલ રશ્દીના ઉપન્યાસ 'શેમ'નો ફારસી અનુવાદ ખૂબ વેચાયો.
સારાં પુસ્તકો વાંચવાં, સારી ફિલ્મો જોવાની સંસ્કૃતિ ઈરાનમાં પહેલેથી રહી છે. 'ધ સેટેનિક વર્સેઝ'ને લઈને પણ ત્યાં સારો માહોલ હતો, પરંતુ અધવચ્ચે જ રમત રમાઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે કોઈ ધાર્મિક વિમર્શવાળું પુસ્તક ન હતું. મુંબઈની ફિલ્મોમાં હિંદુ ધાર્મિક પાત્ર ભજવનારા સુપરસ્ટાર જિબરિલ ફરિશ્તા અને પોતાની દેશી ઓળખથી બચનારા વૉઇસઓવર આર્ટિસ્ટ સલાદીન ચમચા મુંબઈથી લંડનના રસ્તે હતા. વચ્ચે જહાજમાં વિસ્ફોટ થઈ જાય છે. બંને જીવતા બચી જાય છે પણ તેમની જિંદગી બદલાઈ જાય છે.
મહમદ સાહેબના જીવન સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો જિબરિલના સપનામાં આવે છે પરંતુ મુસ્લિમ ધર્માચાર્યોએ કંઈક એવો માહોલ બનાવ્યો કે રશ્દી ઇસ્લામને નષ્ટ કરવા માટે ઊતરેલા પશ્ચિમી દેશોના એજન્ટ હોય.

પૂર્વના દેશો સાથે આત્મીયતા તૂટી
પાછળ વળીને જોઈએ તો 'ધ સેટેનિક વર્સેઝ' એક સુંદર કાલ્પનિક વાર્તા છે. પૂર્વ અને પશ્ચિમની સાંસ્કૃતિક અથડામણ પોતાના સર્વશ્રેષ્ઠ રૂપથી તુર્કીના લેખક ઓરહાન પામુકના લખાણમાં જોવા મળે છે, પરંતુ તેમના કિસ્સા તે સમયના હતા, જ્યારે બંને સમાજોમાં તકનીકી અને સમૃદ્ધિમાં અંતર ઉદ્ભવ્યુ ન હતું.
બીજી બાજુ સલમાન રશ્દીએ આજના સમયની વાર્તાઓ લખી. જ્યારે પૂર્વનો માણસ મજબૂર થઈને પશ્ચિમી દેશોમાં ભાગે છે. વાંદરાની જેમ જાતભાતની વાતોમાં ત્યાંની નકલ કરીને બેઇજ્જત થાય છે અને થોડી પણ સંવેદના બચી ગઈ હોય તો મનમાં જ પોતાનું એક સંસાર રચે છે. ખુમૈની તરફથી ખુદ પર લાખો ડૉલરનું ઇનામ રાખવામાં આવ્યા બાદ એક રીતે રશ્દીનું કંઈ ન બગડ્યું પણ તે સમયના અર્ધભૂમિગત જીવને પૂર્વના દેશો સાથેની તેમની આત્મીયતા તોડી નાખી.
તેમના દ્વારા લખાયેલા માસ્ટરપીસ 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વાચક જ્યારે પણ વાંચશે, તો તેમને લાગશે કે ખુમૈનીની મહેરબાનીથી આપણે આપણી સંસ્કૃતિનો મોટો ખજાનો ગુમાવી દીધો છે.

દોસ્તોયૅવ્સ્કી, ફ્લૉબૈર, ડિકેન્સની સામે રશ્દી

ઇમેજ સ્રોત, Gilbert Carrasquillo
હિંદીના સાહિત્યિક વર્તુળોમાં વિદેશી લેખકો વચ્ચે મુરઘા લડાવવાની રમત ખૂબ રમવામાં આવે છે. મને થોડાક દિવસો માટે એક એવા અખબારમાં કામ કરવા મળ્યું, જ્યાંનો માહોલ સાહિત્યમય હતો. એક દિવસ ખબર નહીં કઈ રીતે વાતચીતમાં સલમાન રશ્દીનો ઉલ્લેખ આવી ગયો.
તેમના જ સંપાદન હેઠળ નીકળેલ 'ન્યૂયૉર્કર'ના 'ભારતીય કથા સાહિત્ય વિશેષાંક'માં પ્રેમચંદ અને મંટોને બાદ કરતા તમામ અંગ્રેજી લેખકોને સામેલ કરવાથી હિંદુસ્તાની લેખકોમાં ઊમટેલો ગુસ્સો તેનું કારણ હોઈ શકે છે. મારા એક સિનિયરે, જે ખુદ આંતરરાષ્ટ્રીય કક્ષાના કવિ પણ હતા, તરંગમાં આવીને કહ્યું, "કંઈક તો કારણ હશે, જેણે રશ્દીને મોટા લેખક ન બનવા દીધા."
મેં જવાબ આપ્યો, "કારણ પર તો ત્યારે વિચાર કરું જ્યારે રશ્દી મોટા લેખક હોવા પર મને કોઈ સંદેહ હોય."
વાતચીત ત્યાં સુધી પહોંચી ગઈ કે લેખનકાર્યમાં રશ્દી ભલે મોટું નામ હોય પણ દોસ્તોયૅવ્સ્કી, ફ્લૉબેર, ડિકેન્સ તેમજ કાફ્કાની સામે તેઓ ક્યાં છે?
તેની આગળ કંઈ પણ કહેવાની જરૂર ન રહી. રશ્દીની આ મહારથીઓ સાથે સરખામણી ભલે ન કરી શકાય તેમ હોય, પરંતુ તેમને ઓછા આંકવા પણ ખોટી બાબત છે.
નોબેલ મળી જવું અલગ વાત છે. પોતાની ભાષા બહાર પણ સદીઓ સુધી વેચાય તેવાં પુસ્તકો કોઈ લખી શક્યું છે?

વિસ્થાપનના કથાકાર

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજી વાંચવાનું શરૂ કર્યું તેનાં પહેલા 20 વર્ષોમાં જે સલમાન રશ્દીને મેં વાંચ્યા હતા, તેમનું નામ ક્યારેય ધૂંધળુ પડ્યું નથી. સમય પસાર થયો તેમ તેની ચમક વધતી જતી હતી પરંતુ ખબર પણ ન પડી અને તેની ચમક ખોવાતી ગઈ. એક લેખક પોતાની ભાષા-શૈલીથી નહીં પણ જમીનથી જીવિત રહે છે, એ જમીન જેના પર તેની વાર્તાઓ શ્વાસ લે છે.
તેઓ પોતાના વતનથી ક્યાંક દૂર જઈને વસ્યા. સલમાન રશ્દી વિસ્થાપનના કથાકાર છે પરંતુ ન તો છૂટેલી ડાળનું સંમોહન તેમને બાંધે છે, ન તો વારંવાર પોતાનું દુ:ખ વ્યક્ત કરવાનો તેમનો મિજાજ છે.
દુનિયામાં ઘણા કથાકારો છે. જેમને ચાર દેશો સિવાય લાંબા અજ્ઞાતવાસમાં પણ જીવન વિતાવવાની તક મળી છે. અંગ્રેજી રાજનો એક કુલીન કાશ્મીરી મુસ્લિમ પરિવાર, આઝાદી અને વિભાજનના વર્ષ 1947માં મુંબઈમાં જન્મ. ત્યાં જ સ્કૂલિંગ, બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ. આ વચ્ચે પરિવારના લોકો પાકિસ્તાન જઈ ચૂક્યા હતા. જેથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કરાચીમાં રહ્યા હતા. કામ-ધંધો અને લગ્ન બધું જ પાછું બ્રિટનમાં. સાહિત્યિક ઓળખ પણ ત્યાંથી જ મળી હતી.
1989માં ખુમૈનીના ફતવા બાદ બ્રિટનમાં જ દસ વર્ષ સુધી 'જોસૅફ ઍન્ટન' નામે જીવન વિતાવીને એકવીસમી સદીનાં તમામ વર્ષ અમેરિકામાં વિતાવ્યાં.

રશ્દી અને 'ગાંધી નાઉ'

ઇમેજ સ્રોત, Getty Images
અંતે થોડી ચર્ચા ગાંધી પર લખવામાં આવેલા રશ્દીના લાંબા નિબંધ 'ગાંધી નાઉ' વિશે.
આ નિબંધ પર મારી નજર આશરે વીસ વર્ષ પહેલાં પડી હતી. જ્યારે અમે તેમની 130મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષાંક કાઢી રહ્યા હતા. 'બાપુ'નું અંગ્રેજીકરણ આ નિબંધમાં રશ્દીએ 'ધ લિટલ ફાધર' કર્યું છે.
એક એવા બાપ, જે પારંપરિક પિતાની જેમ ભારે ભરખમ, તાકાતવર અને ગુસ્સેભર્યા નથી. જેમને 'બાપુ આવો, રોટલી ખાઓ' કહીને બોલાવી શકાય છે.
અહીં ઊભા રહીને રશ્દીએ ઍપલના લોગોમાં આવેલી ગાંધીની છબિ સિવાય રિચર્ડ ઍટનબરોની ફિલ્મ 'ગાંધી'ની પણ સારી ખબર લીધી છે. ધ્યાન રહે, તે સમય કથિત રીતે 'ઇન્ડિયા સ્ટોરી'ના ઉદય માટે ગાંધીની ગ્લોબલ બ્રાન્ડિંગનો હતો.
રશ્દીએ પોતાની આ માનવીય રચનામાં જણાવ્યું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી કોઈ એટલા રસપ્રદ, ભવિષ્યવાદી મહાપુરુષ નહોતા કે તેમને 'મૉડર્ન મીથ'માં બદલી શકાય.
અલગ પડી જવાનો ખતરો ઉઠાવીને પણ એક સામાન્ય વ્યક્તિ દુનિયાની સૌથી મોટી તાકત વિરુદ્ધ સત્ય માટે લડે, તે તેમની ખાસિયત હતી. જેને જોવા માટે આપણે ચશ્માં બદલવાં પડી શકે છે.
આવું સત્ય લખનારા અને પોતાના સાથે વિવાદો ની પોટલી લઈને ચાલનારા સલમાન રશ્દી અત્યારે 75 વર્ષના થઈ ગયા છે.
(આ લેખકના અંગત વિચાર છે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












