બરબાદ થઈ ગયેલા અફઘાનિસ્તાનનું ચલણ ભારતીય રૂપિયા કરતાં મજબૂત કઈ રીતે થઈ ગયું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એશિયન પાડોશીઓ સાથે વધતા જતા વેપાર અને અબજો ડૉલરની આંતરરાષ્ટ્રીય મદદને કારણે ગત ત્રિમાસિક ગાળામાં અફઘાનિસ્તાનનું ચલણ અફઘાની બ્લૂમબર્ગની ગ્લોબલ રૅન્કિંગમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે.
ગરીબી અને ભૂખમરા સામે ઝઝૂમી રહેલા એક દેશમાં આવું થવું એ અતિશય આશ્ચર્યજનક વાત છે.
15 ઑગસ્ટ, 2021ના રોજ તાલિબાનના લડવૈયા કોઈ પણ જાતના અવરોધ વિના કાબુલમાં પ્રવેશ્યા અને પશ્ચિમના દેશોના સમર્થનવાળી અશરફ ઘનીની સરકારનો તખતાપલટ કરી દીધો. તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ઘનીને દેશ છોડીને ભાગવું પડેલું.
અમેરિકા અને પશ્ચિમના દેશોને અફઘાનિસ્તાનમાંથી નીકળવાની ઉતાવળ હતી. હજારો અફઘાન દેશમાંથી ભાગી છૂટવાના ઇરાદે ઍરપૉર્ટ પર હતા.
આખા દેશમાં અફરાતફરીનો માહોલ હતો, પરંતુ કાબુલ ઍરપૉર્ટ પર સાવ અરાજકતા જ જોવા મળી રહી હતી.
આ બધા નાટકીય ઘટનાક્રમ બાદ, ધીમે ધીમે તાલિબાને દેશમાં પોતાની બીજી ઇનિંગ શરૂ કરી પરંતુ આંતરરાષ્ટ્રીય માન્યતા વગર દેશ ચલાવવાનું કામ સરળેય નહોતું.
તાલિબાનના સહયોગી કહેવાતા પાડોશીઓએ પણ અત્યાર સુધી અફઘાનિસ્તાનની નવી સરકારને માન્યતા નથી આપી. આ આંતરરાષ્ટ્રીય માન્યતા વિના સૌથી વધુ અસર અફઘાનિસ્તાનના અર્થતંત્ર પર પડી, કારણ કે અબાધ્ય આયાત-નિકાસ વિના સરકાર પાસે કમાણીના સ્રોત ઝાઝા નહોતા.
અફઘાનિસ્તાનમાં ગરીબી છતાં ચલણમાં મજબૂતી કેમ છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
હાલ અફઘાનિસ્તાન વિશ્વના સૌથી ગરીબ દેશો પૈકી એક છે. વર્લ્ડ બૅન્ક અનુસાર, અફઘાનિસ્તાન અશિક્ષણ, નોકરીની અછત અને જીવનજરૂરિયાતની મૂળભૂત સેવાઓની અછત સામે ઝઝૂમી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, 3.4 કરોડ અફઘાન ગરીબીમાં જીવી રહ્યા છે. વર્ષ 2020માં આ આંકડો દોઢ કરોડ હતો. લગભગ ચાર કરોડની વસતીવાળા દેશમાં આ આંકડો અતિશય મોટો કહેવાય.
આ તમામ નિરાશાઓ વચ્ચે અફઘાનિસ્તાનના ચલણ અફઘાનીની મજબૂતીના સમાચાર આશ્ચર્ય પમાડે તેવા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર આ ત્રિમાસિક ગાળામાં અફઘાની વિશ્વનું સૌથી મજબૂત ચલણ સાબિત થયું છે.
આજના ભાવ અનુસાર અફઘાનીની કિંમત 3.72 પાકિસ્તાની રૂપિયા છે. ગત ત્રણ માસમાં આ ચલણ નવ ટકા મજબૂત થયું છે. તેમજ એક ડૉલર માટે 79 અફઘાની આપવા પડી રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં ડૉલરનું મૂલ્ય 80 રૂપિયા છે.
અફઘાનિસ્તાનનું ચલણ મજબૂત થવા પાછળ શું કારણ છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બે વર્ષ પહેલાં સત્તા હાંસલ કર્યા બાદ તાલિબાને અફઘાનીને મજબૂત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. તેમાં દેશની અંદર ચુકવણી કરવા માટે ડૉલર અને પાકિસ્તાની રુપિયાની લેવડદેવડ બિલકુલ બંધ કરવાનું પગલુંય સામેલ છે.
તાલિબાને ઓનલાઇન ટ્રેડિંગને ગેરકાયદેસર જાહેર કરી દીધો છે અને તેનું ઉલ્લંઘન કરનારાને જેલમાંય ધકેલ્યા છે.
બ્લૂમબર્ગના ડેટા અનુસાર આવી રીતે ચલણ પર મજબૂત કન્ટ્રોલ, આંતરરાષ્ટ્રીય સહાયની રકમ અને અન્ય ચુકવણીના કારણે આ ત્રિમાસિક ગાળામાં અફઘાની નવ ટકા મજબૂત થયું છે.
વૉશિંગટનમાં દક્ષિણ એશિયન મામલાના જાણકાર કામરાન બુખારીએ બ્લૂમબર્ગને જણાવ્યું, “તાલિબાનની ચલણ પર કાબૂ કરવાની વ્યૂહરચના કામ કરી રહી છે, પરંતુ આર્થિક, સામાજિક અને રાજકીય અસ્થિરતા ચલણની આ મજબૂતીને માત્ર એક ટૂંકા ગાળાનો લાભ બનાવી દેશે.”
અફઘાનિસ્તાનની સંપત્તિનો મોટો ભાગ આંતરરાષ્ટ્રીય સહાયની રકમમાંથી આવે છે. તેમાં સૌથી વધુ રકમ સંયુક્ત રાષ્ટ્ર મારફતે પહોંચે છે.
તાલિબાનશાસિત અફઘાનિસ્તાનને યુએનનું કેટલું ફંડિંગ મળે છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે અફઘાનિસ્તાનને આ વર્ષે લગભગ 3.2 અબજ અમેરિકન ડૉલરની સહાયતા રકમની જરૂર છે. તેમાંથી 1.1 અબજ ડૉલર અફઘાનિસ્તાનને અપાયા છે.
ગત વર્ષે યુએને ચાર બિલિયન ડૉલરની મદદ કરી હતી.
વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તન બાદથી સંયુક્ત રાષ્ટ્ર 5.8 અબજ ડૉલરની મદદ કરી ચૂક્યું છે. વર્લ્ડ બૅન્કનું અનુમાન છે કે આ વર્ષથી દેશનું અર્થતંત્ર સંકોચાવાનું બંધ થઈ જશે અને 2025 સુધી તેની વૃદ્ધિ બેથી ત્રણ ટકા સુધી પહોંચી શકે છે.
મજબૂત ચલણથી અર્થતંત્રને મજબૂતી મળે છે, કારણ કે આના કારણે ફુગાવો પણ નિયંત્રણમાં રહે છે. પરંતુ વર્લ્ડ બૅન્કે ચેતવણી આપી છે કે મહિલાઓના દમનના સમાચાર બાદ અફઘાનિસ્તાનને મળનારી મદદમાં ઘટાડો થઈ શકે છે.
અફઘાની ચલણ બજાર અને હવાલા ટ્રેડિંગ કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
અફઘાનિસ્તાનમાં ફોરેન ઍક્સચેન્જનો ધંધો મની ચૅન્જરો મારફતે ચલાવાય છે. આ લોકોને ત્યાં શરાફ તરીકે ઓળખાવાય છે. શરાફ બજારોમાં ચલણી નોટોનો ઢગલો જોવા મળે છે. આ બજારો દેશનાં ગામોથી માંડીને શહેરો સુધી જોવા મળે છે.
કાબુલની સરાય શહજાદા બજાર હાલ અફઘાનિસ્તાના અર્થતંત્રમાં કેન્દ્ર સમાન છે. આ બજારમાં દરરોજ કરોડોની લેવડદેવડ હોય છે અને દેશની સૅન્ટ્રલ બૅન્કે ચલણના ઍક્સ્ચેન્જ માટેની કોઈ સીમાય નક્કી નથી કરી.
વર્લ્ડ બૅન્ક અનુસાર, અફઘાનિસ્તાનની નાણાકીય સેવાઓમાં નિયમનનો અભાવ છે.
વર્લ્ડ બૅન્કના એક બ્લૉગમાં નામૂસ ઝહીર લખે છે, “રેગ્યુલેશનના અભાવના કારણે મની ઍક્સ્ચેન્જનું મોટા ભાગનું કામ હવાલા દ્વારા થાય છે. તાલિબાન સત્તા પર પરત ફર્યું ત્યારથી દેશમાંથી મોટા ભાગના શિક્ષિત લોકો ચાલ્યા ગયા છે. દેશની સૅન્ટ્રલ બૅન્ક (દા અફઘાનિસ્તાન બૅન્ક) પાસે ઍક્સ્પર્ટની અછત છે. આ કારણે દેશમાં ટેરર ફંડિંગ અને મની-લૉન્ડરિંગનો ખતરો બરકરાર છે.”
પાકિસ્તાનથી અફઘાનિસ્તાન દાણચોરી મારફતે પહોંચતા ડૉલર તાલિબાન શાસનની જીવાદોરી સમાન છે.
અફઘાનિસ્તાનનાં ખનિજ સંસાધનો પર કોની નજર છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સંયુક્ત રાષ્ટ્ર મારફતે મળતી મદદ સિવાય અફઘાનિસ્તાનમાં લિથિયમ જેવાં અમૂલ્ય પ્રાકૃતિક સંસાધનો છે. એક અનુમાન પ્રમાણે દેશમાં ત્રણ ટ્રિલિયન અમેરિકન ડૉલરનો લિથિયમ ભંડાર છે.
બ્રૂકિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે ચીનની આ વિશાળ ભંડાર પર જ નજર છે.
આ મહિને ચીન, બ્રિટન અને તુર્કીની કંપનીઓને અફઘાનિસ્તાનમાં લોહ અયસ્ક અને સોનાની ખાણનાં ખનન માટે સાડા છ અબજ ડૉલરના કૉન્ટ્રેક્ટ અપાયા છે.
જાન્યુઆરીમાં તાલિબાને ઑઇલના ખોદકામ માટેય ચીન સાથે એક ડિલ કરી હતી.
આ સિવાય ચીનના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયએટિવના અફઘાનિસ્તાનમાં વિસ્તરણને કારણે પણ ત્યાંની માળખાકીય સુવિધાઓમાં મોટું રોકાણ થાય તેવી સંભાવના છે.
બુધવારે (27 સપ્ટેમ્બર) બપોરે એક અમેરિકન ડૉલરની કિંમત 83.21 ભારતીય રૂપિયા હતી. તેની સરખામણીએ એક અમેરિકન ડૉલરના બદલે તમે 78.39 અફઘાન ખરીદી શકો છો.
એટલે કે આજની તારીખે અફઘાની ભારતીય રૂપિયા પર ભારે પડી રહ્યું છે. પરંતુ ઉપર જણાવ્યું છે એમ, તેનું કારણ મજબૂત અર્થતંત્ર નહીં પરંતુ બીજાં કારણ છે.














