ઇકરા : તાલિબાન વિરુદ્ધ વિરોધનું હથિયાર કેવી રીતે બની ગયો અલ્લાહનો આ શબ્દ

આદિલા યુનિવર્સિટી સામે તકતી લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં

ઇમેજ સ્રોત, ADELA

    • લેેખક, નૂર ગુલ શફાક
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
બીબીસી ગુજરાતી
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિરોધ માટે કુરાનના એક શબ્દનો ઉપયોગ કરાઈ રહ્યો છે
  • અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓનાં યુનિવર્સિટી શિક્ષણ મેળવવા પર રોક લગાવી દીધી છે
  • આ નિર્ણયની ચારેકોર ટીકા તો થઈ રહી છે, પરંતુ ઘર આંગણે પણ મહિલાઓ અને પુરુષો તેનો વિરોધ કરી રહ્યાં છે
બીબીસી ગુજરાતી

“હું ગભરાતી નથી કારણ કે મને ખ્યાલ છે કે મારી માગ વાજબી છે.”

આ નિવેદન છે, 18 વર્ષનાં એ હિંમતવાન મહિલાનું જેઓ યુનિવર્સિટીમાં ભણવા માગે છે. પરંતુ તાલિબાને મહિલાઓ માટે યુનિવર્સિટીના દરવાજા બંધ કરી દીધા છે અને આ નિર્ણયના કારણે તેમનું સ્વપ્ન રોળાઈ ગયું છે.

આદિલા (નામ બદલ્યું છે) નામના મહિલાને પોતાનું ભવિષ્ય ખતમ થતું દેખાઈ રહ્યું છે. તેથી તેઓ ગુસ્સે ભરાયેલાં છે.

આદિલાએ પોતાનો ગુસ્સો કાબુલ યુનિવર્સિટી સામે એકલાં પ્રદર્શન કરીને જાહેર કર્યો. એ દરમિયાન તેમણે કુરાનમાં લખેલ શબ્દનો ઉપયોગ કર્યો.

25 ડિસેમ્બર રવિવારે આદિલા એક બોર્ડ લઈને યુનિવર્સિટીના પ્રવેશદ્વારે ઊભાં રહ્યાં. તેના પર એક દમદાર શબ્દ લખેલો હતો. તે એક અરબી શબ્દ હતો – ‘ઇકરા’ એટલે કે 'ભણો'. અલ્લાહે પયગંબરને જે પ્રથમ શબ્દ કહ્યો હતો તે 'ઇકરા' જ હતો.

બીબીસી અફઘાન સર્વિસ સાથે વાત કરતાં આદિલાએ કહ્યું, “અલ્લાહે આપણને શિક્ષણનો અધિકાર આપ્યો છે. આપણે અલ્લાહથી ગભરાવું જોઈએ ના કે તાલિબાનથી, જે અમારો હક છીનવી લેવા માગે છે.”

“મને ખબર હતી કે તેઓ વિરોધ કરનારા સાથે દુર્વ્યવહાર કરે છે. તેમની સાથે મારઝૂડ કરે છે. તેમના વિરુદ્ધ હથિયારનો ઉપયોગ કરે છે. તેમણે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ વીજળીના કરંટનો અને પાણીનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં હું તેમનો સામનો કરી રહી છું.”

તેઓ કહે છે કે, “શરૂઆતમાં તેમણે અમને ગંભીરતાપૂર્વક ન લીધાં, પરંતુ બાદમાં એક બંદૂકધારી શખ્સે મને એ જગ્યાએથી જવાની સૂચના આપી.”

ગ્રે લાઇન

તકતી છીનવી લીધી

તાલિબાનના ચરમપંથી સ્નાઇપર રાઇફલ અને અસૉલ્ટ રાઇફલ લઈને મહિલાઓને યુનિવર્સિટીમાં જવાથી રોકી રહ્યા છે

ઇમેજ સ્રોત, SWAMINATHAN NATARAJAN

ઇમેજ કૅપ્શન, તાલિબાનના ચરમપંથી સ્નાઇપર રાઇફલ અને અસૉલ્ટ રાઇફલ લઈને મહિલાઓને યુનિવર્સિટીમાં જવાથી રોકી રહ્યા છે

શરૂઆતમાં આદિલાએ જગ્યા છોડવાનો ઇન્કાર કરી દીધો. તેઓ ત્યાં જ ઊભાં રહ્યાં.

તે બાદ આદિલા જે તકતી લઈને ઊભાં હતાં, તેના પર લખેલા શબ્દે હથિયારધારી ગાર્ડોનું ધ્યાન ખેંચવાનું શરૂ કરી દીધું.

હાથમાં તકતી સાથે તેઓ તાલિબાનના સભ્ય સાથે વાતચીત કરવા લાગ્યાં.

આદિલા જણાવે છે કે, “મેં તેમને પૂછ્યું, શું આના પર જે લખ્યું છે એ તું વાંચી નથી શકતો.”

“તેણે કંઈ ન કહ્યું, એ બાદ પણ મેં કહ્યું, શું તું અલ્લાહના કહેલા શબ્દને પણ નથી વાંચી શકતો.”

“આ વાતથી એ નારાજ થઈ ગયો અને તેણે મને ધમકી આપી.”

આદિલાના હાથમાંથી આ તકતી છીનવી લેવાઈ. 15 મિનિટ બાદ તેમને ત્યાંથી જતાં રહેવા માટે મજબૂર કરાયાં.

ગ્રે લાઇન

વિરોધપ્રદર્શન પર તાલિબાનની કડક કાર્યવાહી

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જે સમયે આદિલા વિરોધપ્રદર્શન કરી રહ્યાં હતાં એ સમયે તેમનાં મોટાં બહેન ટૅક્સીમાં બેસીને આ ઘટનાની તસવીરો અને વીડિયો લઈ રહ્યાં હતાં.

આદિલાએ કહ્યું, “ટૅક્સી ડ્રાઇવર તાલિબાનથી ઘણા ગભરાયેલા હતા. તેઓ મારાં બહેનને વારંવાર કહી રહ્યા હતા કે વીડિયો બનાવવાનું બંધ કરો. તાલિબાનની બીકના કારણે તેમણે અમને તાત્કાલિક ટૅક્સીમાંથી ઊતરી જવા કહ્યું.”

પહેલાં તાલિબાને છોકરીને સેકન્ડરી સ્કૂલે જવાથી રોકી દીધી. તે બાદ સપ્ટેમ્બરમાં તેમણે મહિલા પર અમુક ખાસ વિષય ભણવા બાબતે પ્રતિબંધ લાદી દીધો. પછી કહ્યું કે તેમને પોતાના પ્રાંતની યુનિવર્સિટીમાં જ જવાની ફરજ પાડી.

આગળ જતાં 20 ડિસેમ્બરે તેમણે મહિલાઓ માટે યુનિવર્સિટી શિક્ષણ જ બંધ કરી દીધું. સમગ્ર વિશ્વમાં તેમના આ પગલાની નિંદા થઈ રહી છે. આ નિર્ણયના અમુક દિવસ બાદ તાલિબાને મહિલાઓનું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંગઠનોમાં કામ કરવાનું બંધ કરાવી દીધું.

મહિલાઓ ખાસ કરીને યુનિવર્સિટીનાં વિદ્યાર્થિનીઓ આનો વિરોધ કરી રહ્યાં છે. અમુક મહિલાઓ જીવન અને આઝાદીના નારા લગાવી રહી છે. ઈરાનમાં હિજાબનો વિરોધ કરનારી મહિલાઓ પણ આ નારા લગાવી રહી છે.

કાબુલ યુનિવર્સિટીમાં હવે માત્ર ચાર મહિલા ટીચરો છે. યુનિવર્સિટીના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે હવે ટીચરોને યુનિવર્સિટી કૅમ્પસમાં પ્રવેશ નથી અપાઈ રહ્યો.

બીબીસી ગુજરાતી

તાલિબાનના નિર્ણયનો વિરોધ કઈ રીતે થઈ રહ્યો છે?

ઈકરા, જેના વિશે કહેવાય છે કે તે અલ્લાહ દ્વારા પયગંબરને કહેવાયેલ પ્રથમ શબ્દ હતો

ઇમેજ સ્રોત, ADELA

ઇમેજ કૅપ્શન, ઈકરા, જેના વિશે કહેવાય છે કે તે અલ્લાહ દ્વારા પયગંબરને કહેવાયેલ પ્રથમ શબ્દ હતો

આદિલા જેવાં મહિલાઓ માટે તાલિબાનનો વિરોધ કરવો એ સરળ નથી. તેઓ ઇચ્છે છે કે પુરુષો પણ આવું સાહસ કરે, પરંતુ તેમને આની કિંમત ચૂકવવી પડી શકે છે.

આદિલા જણાવે છે કે, “મારા પ્રદર્શન દરમિયાન એક યુવક મારો વીડિયો બનાવવા ઇચ્છતો હતો, પરંતુ તાલિબાને તેને ઢોર માર માર્યો.”

હાલમાં જ એક પુરુષ પ્રોફેસરે પોતાનો શૈક્ષણિક ડિપ્લોમા લાઇવ ટીવી શો પર ફાડી નાખ્યો. તેમણે પોતાના અંદાજમાં તાલિબાન દ્વારા મહિલાશિક્ષણ બંધ કરાયાના નિર્ણયનો વિરોધ કર્યો.

સૂત્રોએ જણાવ્યું કે તાલિબાનના આ પગલા વિરુદ્ધ અત્યાર સુધી યુનિવર્સિટીના 50 કરતાં વધુ શિક્ષકોએ રાજીનામાં આપી દીધાં છે.

રાજીનામું આપનારા એક પ્રોફેસરે જણાવ્યું કે તાલિબાને તેમની સાથે મારઝૂડ કરી. તે બાદ તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું.

પરંતુ આદિલા માને છે કે પુરુષો આ સંઘર્ષમાં અમારો સાથ આપે એ અત્યંત જરૂરી છે.

તેઓ કહે છે કે, “અફઘાનિસ્તાનમાં ઘણા ઓછા પુરુષો અમારી સાથે ઊભા છે. જ્યારે ઈરાનમાં ત્યાંના પુરુષ મહિલાઓ સાથે ઊભા છે અને મહિલાઓની સ્વતંત્રતાના સમર્થનમાં નારા લાગી રહ્યા છે.”

“જો આપણે મહિલાઓના શિક્ષણના અધિકાર માટે સાથે મળીને ઊભા રહીએ તો સો ટકા સફળતા મળશે.”

બીબીસી ગુજરાતી

‘ભલે ઢસડાઈશ પરંતુ...’

મહિલાઓ માટે યુનિવર્સિટી બંધ કરવાના તાલિબાનના નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મહિલાઓ માટે યુનિવર્સિટી બંધ કરવાના તાલિબાનના નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન

મહિલાઓનું યુનિવર્સિટી શિક્ષણ બંધ કરવાના નિર્ણય બાદ તાલિબાન પર બાહ્ય દબાણ પણ પડી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદે મંગળવારે કહ્યું કે મહિલાઓને શિક્ષણ મેળવવાથી રોકવાં એ જણાવે છે કે માનવાધિકાર અને પાયાની સ્વતંત્રતા પ્રત્યે સન્માનમાં ઘટાડો થઈ રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પાછું ફર્યું એ બાદ મહિલાઓના અધિકારોમાં ભારે ઘટાડો થયો છે, પરંતુ તાલિબાનને આંતરરાષ્ટ્રીય નિંદાથી કોઈ ફરક નથી પડી રહ્યો.

‘ગાર્ડિયન’ અખબારમાં તાલિબાનના શિક્ષણમંત્રીના હવાલાથી કહેવાયું છે કે અફઘાનિસ્તાનમાં ઍટમ બૉમ્બથી હુમલો કરાય તો પણ સરકાર પોતાનો નિર્ણય નહીં બદલે.

આદિલા પોતાના વિરોધ પર અડગ છે. તેઓ કહે છે કે, “જો હું ઊડી ન શકી તો દોડીશ, જો દોડી ન શકી તો નાનાં નાનાં પગલાં ભરીશ, જો એ પણ ન કરી શકી તો હું ઢસડાઈશ. પરંતુ હું મારાં સંઘર્ષ, વિરોધપ્રદર્શન નહીં ત્યાગું.”

આદિલાના મિત્રો તેમનું સમર્થન કરી રહ્યા છે, તેમની પ્રશંસા થઈ રહી છે.

તેઓ કહે છે કે મહિલાઓ અફઘાનિસ્તાનમાં પોતાની અગાઉની પેઢીની સરખામણીએ આ જંગ જીતવા માટે સારી સ્થિતિમાં છે.

તેઓ કહે છે કે, “અમે 20 વર્ષ પહેલાંના અંધકાર યુગમાં પાછા નહીં ફરીએ. અમે એ જમાનાની મહિલાઓની સરખામણીએ ઘણી બહાદુર છીએ. કારણ કે અમે વધુ શિક્ષિત છીએ અને પોતાના અધિકારો વિશે તેમના કરતાં વધુ સમજ ધરાવીએ છીએ.”

રેડ લાઇન
રેડ લાઇન