તાલિબાન સાથે ભાઈબંધી કરી ચૂકેલી 'મકરાન ટોળકી' પાકિસ્તાન માટે કેટલી જોખમી?

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મોહમ્મદ કાઝિમ
    • પદ, બીબીસી સંવાદદાતા, ક્રેટા, પાકિસ્તાન
બીબીસી ગુજરાતી
  • ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટની જવાબદારી પ્રતિબંધિત તહરિકે તાલિબાન પાકિસ્તાને (ટીટીપી) લીધી છે
  • બલૂચિસ્તાનના મકરાન ક્ષેત્રમાં એક ઉગ્રવાદી ટોળકીએ ટીટીપીમાં સામેલ થવાની જાહેરાત પણ કરી છે
  • મકરાન ડિવિઝનના ઉગ્રવાદીઓએ ટીટીપીના પ્રમુખ અબુ મનસૂર આસિમ મુફ્તી નૂર વલી પાસે પલાયન તથા જિહાદની પ્રતિજ્ઞા લીધી છે
  • મકરાન ડિવિઝન પહેલાં રખ્શાન ડિવિઝનમાં નુશ્કીની એક ટોળકી પણ ટીટીપીમાં સામેલ થઈ હતી
  • ઇરાની નાગરિકત્વ ધરાવતા કેટલાક લોકો ધાર્મિક કટ્ટરતાને કારણે મકરાન આવતા રહ્યા છે
  • વહીવટી રીતે મકરાનમાં બલૂચિસ્તાનના ત્રણ જિલ્લા ગ્વાદર, કેચ અને પંજગુરનો સમાવેશ થાય છે
બીબીસી ગુજરાતી

બન્નુ કૅન્ટની ઘટના હોય કે બે દિવસ પહેલાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થયેલો આત્મઘાતી હુમલો, પણ પાકિસ્તાનમાં ઉગ્રવાદનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે.

આ બન્ને ઘટનામાંથી સંકેત મળે છે કે ઉગ્રવાદી તત્ત્વો ફરી એક વાર સુનિયોજિત કારનામાં કરવાં માટે એકઠાં થઈ રહ્યાં છે.

ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટની જવાબદારી પ્રતિબંધિત તહરિકે તાલિબાન પાકિસ્તાને (ટીટીપી) લીધી છે, એટલું જ નહીં, પરંતુ દેશના અશાંત પ્રદેશ બલૂચિસ્તાનના મકરાન ક્ષેત્રમાં એક ઉગ્રવાદી ટોળકીએ ટીટીપીમાં સામેલ થવાની જાહેરાત પણ કરી છે.

બલૂચિસ્તાનનો મકરાન પ્રદેશ બલૂચ ઉગ્રવાદીઓનાં કારનામાનો પહેલેથી ભોગ બનેલો છે. તેને લીધે ત્યાં અર્ધલશ્કરી દળોની સાથે સૈન્ય પણ ગોઠવવામાં આવ્યું છે.

બીબીસીએ સલામતી નિષ્ણાતો સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે મકરાનથી ટીટીપીમાં સામેલ થયેલા લોકો કોણ છે અને મકરાનમાં તેમનાં કારનામાંની શું અસર થઈ શકે.

ગ્રે લાઇન

મકરાનથી ટીટીપીમાં કોણ સામેલ થયું છે?

ટીટીપીના પ્રવક્તા મોહમ્મદ ખુરાસાનીના જણાવ્યા અનુસાર, મકરાન ડિવિઝનના ઉગ્રવાદીઓએ ટીટીપીના પ્રમુખ અબુ મનસૂર આસિમ મુફ્તી નૂર વલી પાસે પલાયન તથા જિહાદની પ્રતિજ્ઞા લીધી છે.

મકરાનથી સામેલ થયેલા લોકો બાબતે ટીટીપી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મઝાર બલોચના નેતૃત્વમાં પ્રતિજ્ઞા કરનારા આ સંગઠનનો ભૂતકાળ હકારાત્મક છે.

પાકિસ્તાનમાં સલામતી બાબતોના નિષ્ણાત અને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ સ્ટડીઝના ડિરેક્ટર મોહમ્મદ આમિર રાણાએ આ બાબતે બીબીસીને જણાવ્યું હતું કે “એ અજાણ્યા લોકો છે. ટીટીપીએ જે લોકોનો ઉલ્લેખ કર્યો છે, તેઓ અગાઉ કોઈ ગતિવિધિમાં સામેલ ન હતા.”

તેમણે કહ્યું હતું કે “અગાઉ પણ તાલિબાનનું સપોર્ટ નેટવર્ક હતું, પરંતુ આ લોકો તેની સાથે ઔપચારિક રીતે જોડાયેલા ન હતા.”

ગ્રે લાઇન

કેટલી પ્રભાવશાળી છે મકરાનની ટોળકી?

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બલુચિસ્તાનના વરિષ્ઠ વિશ્લેષક શહઝાદા ઝુલ્ફિકારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે એ લોકો જાણીતા નથી. મકરાનમાં ધાર્મિક લોકો અને નેતા છે, પરંતુ મકરાનથી હજુ સુધી કોઈ ધાર્મિક સંગઠન ચૂંટણી જીત્યું નથી.

તેમણે કહ્યું હતું કે “ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક લોકો વ્યક્તિગત રીતે ચૂંટણી જીત્યા છે, પરંતુ અહીં કોઈ ધાર્મિક જમાતને સફળતા મળી નથી.”

તેમણે ઉમેર્યું હતું કે “આગળ જતાં આ લોકો મકરાન કે અન્ય કોઈ ક્ષેત્રમાં કોઈ કારનામું કરશે તો તેનાથી ખબર પડશે કે આ ટોળકી કેટલી પ્રભાવશાળી છે, પરંતુ અત્યારે તો તે સંગઠિત ટોળકી નથી. પોતાની ટોળકી બનાવવા ઇચ્છતા કેટલાક લોકો હોય તે શક્ય છે.”

સંઘર્ષ પછી બલૂચિસ્તાનમાં અશાંતિની જે ઘટનાઓ બની રહી છે એ પૈકીના કેટલીકની જવાબદારી અન્ય ઉગ્રવાદી સંગઠનોની માફક ટીટીપી પણ સ્વીકારતું રહ્યું છે, પરંતુ એ બધું ક્વેટા કે બલૂચિસ્તાનના પશ્તૂન વિસ્તાર પૂરતું જ મર્યાદિત રહ્યું છે.

અલબત્ત, ટીટીપીએ એવું પણ જણાવ્યું છે કે મકરાન ડિવિઝન પહેલાં રખ્શાન ડિવિઝનમાં નુશ્કીની એક ટોળકી પણ ટીટીપીમાં સામેલ થઈ હતી, પરંતુ ટીટીપીએ નુશ્કી કે તેની આજુબાજુના અન્ય વિસ્તારમાં બનેલી કોઈ ઘટનાની જવાબદારી લીધી નથી.

બીબીસી ગુજરાતી

મકરાનમાં ધાર્મિક ઉગ્રવાદની પશ્ચાદભૂ

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

શહઝાદા ઝુલ્ફિકારના જણાવ્યા મુજબ, મકરાનમાં ધાર્મિક ઉગ્રવાદની કોઈ જાણીતી ટોળકી નથી, પરંતુ ખાનગી સ્કૂલોના વિરોધી કેટલાક લોકો જરૂર હતા. એ સિવાય ઈરાની નાગરિકત્વ ધરાવતા કેટલાક લોકો ધાર્મિક કટ્ટરતાને કારણે મકરાન આવતા રહ્યા છે. તેમાં મુલ્લા ઉમર નામના એક માણસનો સમાવેશ થાય છે. મુલ્લા ઉમેર થોડા સમય પહેલાં કેચ જિલ્લામાં તેના દીકરાઓ સાથે માર્યો ગયો હતો.

આમિર રાણાએ જણાવ્યું હતું કે મકરાનમાં આ પ્રકારની કોઈ મોટી ગતિવિધિ અગાઉ થઈ નથી.

તેમણે કહ્યું હતું કે “પંજગુરમાં તાલિબાનનું સમર્થન કરતાં કેટલાંક જૂથ હતાં અને તેમણે ટીટીપી માટે કેટલાંક કારનામાં કર્યાં હતાં. એ લોકો જ ટીટીપીમાં સામેલ થયા હોય તે શક્ય છે.”

તેમણે ઉમેર્યું હતું કે આ ક્ષેત્રમાં ઈરાનના ઉગ્રવાદી સંગઠન જૈશ-ઉલ-અદલના કેટલાક લોકો ટીટીપીમાં સામેલ થાય તેવી શક્યતા હતી, પરંતુ તેઓ હજુ સુધી સામેલ થયા નથી અને પોતાની રીતે કારનામાં કરી રહ્યા છે. ટીટીપીમાં સામેલ થયેલા લોકો સામે સંગઠિત કાર્યવાહી કરવામાં આવશે તેની અસર મકરાન પર થશે.

બલૂચિસ્તાનમાં જે પ્રતિબંધિત બલૂચ ઉગ્રવાદી સંગઠન છે એ બધાં મકરાનના અલગ-અલગ વિસ્તારોમાં ખાસ ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો સામે કાર્યવાહી પણ કરતા રહ્યાં છે.

આ સંદર્ભે એક સવાલના જવાબમાં આમિર રાણાએ કહ્યું હતું કે “મકરાનમાંના ઉગ્રવાદી સંગઠનો બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (બીએલએફ) અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) ધાર્મિક પૃષ્ઠભૂમિવાળા કેટલાક લોકો સામે કાર્યવાહી કરતાં રહ્યાં છે, પરંતુ તે એવા લોકો હતા, જેને ડેથ સ્ક્વૉડ કહેવામાં આવે છે.”

તેમણે જણાવ્યું હતું કે ટીટીપી સાથે આ ડેથ સ્ક્વૉડે જોડાણ ન કર્યું હોય તો તે બલૂચ ઉગ્રવાદીઓ અને તેમની વચ્ચે સહયોગની શક્યતા હોઈ શકે છે.

એક અન્ય સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આવું થશે તો તે દુનિયામાં ધર્મનિરપેક્ષ અને ધાર્મિક પૃષ્ઠભૂમિવાળા લોકો વચ્ચેનું પહેલું ગઠબંધન નહીં હોય. ઈરાન અને દુનિયાના અન્ય હિસ્સાઓમાં વૈચારિક મતભેદ ધરાવતા સમૂહો વચ્ચે અગાઉ પણ સંબંધ હતો.

બીબીસી ગુજરાતી

રાષ્ટ્રવાદીઓનો ગઢ મકરાન

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

શહઝાદા ઝુલ્ફિકારે જણાવ્યું હતું કે ટીટીપીનો આ દાવો સાચો હોય તો તે એવું સાબિત કરવા ઇચ્છે છે કે રાષ્ટ્રવાદીઓનો ગઢ ગણાતા મકરાનનો ત્યાં પણ પ્રભાવ છે અને ત્યાંથી પણ લોકો તેમાં સામેલ થઈ રહ્યા છે.

આ સમૂહ કેટલો પ્રભાવશાળી હશે તે કહેવાનું અત્યારે ઉતાવળું ગણાશે, પરંતુ તે સંગઠિત થશે અને કોઈ કાર્યવાહી કરશે તો મકરાન પર તેનો પ્રભાવ પડશે અને તેઓ જ્યાં કાર્યવાહી કરી રહ્યા છે ત્યાં તેમનું કામ આસાન થશે, એમ શહઝાદા ઝુલ્ફિકારે જણાવ્યું હતું.

તેમણે એવું પણ કહ્યું હતું કે “ટીટીપીએ સરકારને પરેશાન કરી શકાય એટલા માટે મીડિયામાં મહત્ત્વ મેળવવા આ જૂથનો ઉપયોગ કર્યો હશે તો તેની કોઈ અસર થશે નહીં.”

વહીવટી રીતે મકરાનમાં બલૂચિસ્તાનના ત્રણ જિલ્લા ગ્વાદર, કેચ અને પંજગુરનો સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લાની પશ્ચિમ ઈરાન સાથે સહિયારી સરહદ છે.

મકરાન બલૂચિસ્તાનના એવા પ્રદેશો પૈકીનું એક છે, જ્યાં વિવિધ બલૂચ કબીલાઓના લોકો રહે છે. આ ડિવિઝન બલૂચિસ્તાનના એવા પ્રદેશો પૈકીનું એક છે કે જ્યાં સાક્ષરતાનો દર વધારે છે.

મકરાનમાં રહેતા લોકો બલૂચિસ્તાનના વિવિધ કબીલાઓના હોવા છતાં ત્યાંની કબીલા વ્યવસ્થા કલાત ડિવિઝન, સબી ડિવિઝન, નસીરાબાદ ડિવિઝન કે બલુચિસ્તાનનાં અન્ય ક્ષેત્રો જેટલી મજબૂત નથી.

ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર(સીપેક)ના મહત્ત્વના પ્રકલ્પોનું કેન્દ્ર ગ્વાદર માત્ર મકરાન ડિવિઝનનો હિસ્સો જ નથી, પરંતુ ગ્વાદર પૉર્ટને બલૂચિસ્તાન કે પાકિસ્તાનના અન્ય ક્ષેત્રો સાથે જોડતો માર્ગ પણ મકરાનના વિવિધ વિસ્તારોમાંથી જ પસાર થાય છે.

રેડ લાઇન
રેડ લાઇન