ઓસામા બિન લાદેને પોતાનાં જ પાળેલા કૂતરા પર રાસાયણિક હથિયારોનું પરિક્ષણ કરીને મારી નાખ્યો?

2001માં પાકિસ્તાની પત્રકાર હામિદ મીર સાથેની મુલાકાત દરમિયાન લેવામાં આવેલી ઓસામા બિન લાદેનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, 2001માં પાકિસ્તાની પત્રકાર હામિદ મીર સાથેની મુલાકાત દરમિયાન લેવામાં આવેલી ઓસામા બિન લાદેનની તસવીર
    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મુસ્લિમ સમાજમાં કૂતરાં પાળવાની મનાઈ છે, તેમ છતાં મારા પતિ ઓસામા બિન લાદેને યુરોપમાંથી બે જર્મન શેફર્ડ કૂતરાં આયાત કર્યાં હતાં, તેમનાં નામ સફિયર અને ઝાયર હતાં. જ્યારે ઓમરે મને ખાર્તુમમાં કહ્યું કે અબ્બા કૂતરાંને પંપાળી રહ્યા છે, ત્યારે મને નવાઈ લાગી હતી. નવાઈ લાગવાનું કારણ એ હતું કે તેઓ ઇસ્લામમાં માનતા હતા અને ઇસ્લામમાં મુસલમાનોને કૂતરાંથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.”

ઉપરોક્ત વાત "ગ્રોઇંગ અપ બિન લાદેન: ઓસામાઝ વાઇફ ઍન્ડ સન ટેક અસ ઇનસાઇડ ધેર સિક્રેટ વર્લ્ડ" નામના પુસ્તકમાં નજવા બિન લાદેને લખી છે.

ઓસામા બિન લાદેનનાં પ્રથમ પત્ની નજવાએ 2015માં તેમનાં પુત્ર ઉમર બિન લાદેન અને લેખક જોન સૅસોં સાથે મળીને આ પુસ્તક લખ્યું હતું, જેમાં પ્રકરણ 17માં ઓસામાનાં કૂતરાં પ્રત્યેના પ્રેમ બાદ શું થયું તેની વિગતો છે.

નજવાએ આગળ લખ્યું છે, "એક કૂતરું ચોરાઈ ગયું ત્યારે અફસોસ થયો હતો. પરંતુ બીજા કૂતરાને ઘણી તકલીફ સહન કરવી પડી હતી કારણ કે તેને કોઈ રહસ્યમય બીમારી લાગુ પડી હતી જેના કારણે તેનું અચાનક મૃત્યુ થઈ ગયું."

આ પુસ્તકના પ્રકાશનનાં સાત વર્ષ બાદ ઉમર બિન લાદેને 'ધ સન' અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે "અબ્બા ઓસામા બિન લાદેને કૂતરાં પર રાસાયણિક હથિયારોનું પરીક્ષણ કર્યું હતું."

2011માં પાકિસ્તાનમાં અમેરિકી સૈન્યની કાર્યવાહીમાં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ લાદેનના સહયોગીઓએ રાસાયણિક હથિયારોનું પરીક્ષણ કર્યું હોવાનો દાવો કરતા અનેક અહેવાલો સામે આવ્યા છે. આ અંગે ઉમરે કહ્યું, “મેં આ જોયું હતું.”

"અબ્બાએ મારા કૂતરા પર પરીક્ષણ કર્યું તેનાથી હું ખુશ ન હતો. હું હવે એ બધી ખરાબ યાદોને ભૂલી જવા માગુ છું. ભૂલવું મુશ્કેલ છે. તમારે સતત તેની સામે ઝઝૂમવું પડે છે."

જ્યારે ઉમર તેમના પિતા અને પરિવાર સાથે અફઘાનિસ્તાનમાં રહેતા હતા, ત્યારે તેમની પાસે પોતાનું કૂતરું હતું જેનું નામ બૉબી હતું. તેઓ તેને ગાર્ડ ડૉગની જેમ તાલીમ પણ આપતા હતા. પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે "બૉબી જલદી મરી ગયો, કારણની કોઈને ખબર પડી નહી".

ગ્રે લાઇન

ઉમર બિન લાદેન કોણ છે

ઉમર બિન લાદેન અને તેમના પત્ની જેન્સ ફેલિક્સ બ્રાઉન

ઇમેજ સ્રોત, ELISABETTA A. VILLA/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઉમર બિન લાદેન અને તેમના પત્ની જેન્સ ફેલિક્સ બ્રાઉન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2010માં જાન્યુઆરીની શિયાળાની રાતે ઓસામા બિન લાદેનના ચોથા પુત્ર ઉમર ન્યૂયૉર્ક ટાઇમ્સના બૅસ્ટસેલર રહેલા લેખક અને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ ગાય લૉસનને દમાસ્કસની એક નાઇટક્લબમાં લઈ ગયા.

‘રોલિંગ સ્ટોન’ મૅગેઝિનની કવર સ્ટોરી "ઓસામાઝ્ સન: ધ ડાર્ક, ટ્વિસ્ટેડ જર્ની ઑફ ઉમર બિન લાદેન" માં, ગાય લૉસન લખે છે, "ભોંયરાના બારમાં ઝાંખો પ્રકાશ હતો જ્યાં ડઝન જેટલા આરબ પુરુષો વ્હિસ્કી પીતા પોલ-ડાન્સ જોઈ રહ્યા હતા. ઉમરે સૉફ્ટ ડ્રિંકની ચૂસકી લેતા કહ્યું હતું, "રશિયન મહિલાઓ સુંદર હોય છે, ઢીંગલી જેવી".

ગાય લૉસન અને ઉમર વચ્ચેની આ મુલાકાત સમયે ઓસામ બિન લાદેન જીવિત હતો અને તે ક્યાં છુપાયેલો છે તેની કોઈને ખબર નહોતી. અલબત્ત, તે સમયે તે વિશ્વનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હતો, જેને અમેરિકા લાંબા સમયથી શોધી રહ્યું હતું.

કેટલાંક વર્ષો પહેલાં જ્યારે ઓસામા બિન લાદેન તેમના પરિવાર સાથે અફઘાનિસ્તાનના તોરાબોરાના પહાડોમાં રહેતો હતો. ત્યારે ઉમર હજુ લવરમૂંછિયા હતા અને તે પણ અબ્બાની સાથે રહેતા હતા. નજીકના લોકોમાં બધા જાણતા હતા કે ઓસામાએ 'ગ્લોબલ જેહાદ' માટે ઉમરને તેના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા.

પરંતુ 2001માં અમેરિકામાં ઉગ્રવાદી હુમલાની યોજના ઘડનાર ઓસામા બિન લાદેન વિશ્વનો મોસ્ટ વૉન્ટેડ વ્યક્તિ બન્યો તે પહેલાં જ ઉમર બિન લાદેન તેમના અબ્બાનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

ઉમર બિન લાદેન હવે 41 વર્ષના છે, તેઓ 1991 થી 1996 સુધી તેમના અબ્બા સાથે સુદાનમાં રહેતા હતા કારણ કે ઓસામાને સાઉદી અરેબિયા છોડવું પડ્યું હતું. પાછળથી, તેના પિતાનો પક્ષ છોડ્યા પછી, ઉમરે કબૂલ્યું હતું કે તેમણે અલ-કાયદાના તાલીમ શિબિરોમાં હથિયારોની તાલીમ લીધી હતી.

તેમની આત્મકથા "ગ્રોઇંગ અપ બિન લાદેનઃ ઓસામાઝ્ વાઇફ ઍન્ડ સન ટેક અસ ઇનસાઇડ ધેર સિક્રેટ વર્લ્ડ"માં ઉમર લખે છે, "મેં અલ-કાયદા એટલા માટે છોડી દીધું કારણ કે હું નાગરિકોનેી હત્યા સાથે મારી જાતને જોડી શકતો નહોતો. હું એમાંથી બહાર નિકળી જવા માગતો હતો પરંતુ મારા અબ્બા મારા જવાથી ખુશ ન હતા. તો પણ તેમણે મને અલવિદા કહ્યું."

આ પછી ઉમર બિન લાદેન સાઉદી અરેબિયા ગયા અને બિઝનેસ કરવા લાગ્યા અને પછી 2006માં તેમણે યુરોપ જવાનું વિચાર્યું.

ગ્રે લાઇન

ઉમરનું અંગત જીવન

પુત્ર હમજાનાં લગ્નમાં ઓસામા બિન લાદેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુત્ર હમજાનાં લગ્નમાં ઓસામા બિન લાદેન

દરમિયાન ઉમરે પણ લગ્ન કર્યાં અને છૂટાછેડા પણ લઈ લીધા. તેમને એક પુત્ર પણ છે.

બીબીસી વનએ 2006માં અહેવાલ છાપ્યો હતો કે તે જ વર્ષે ઇજિપ્તમાં તેમની મુલાકાત બ્રિટિશ નાગરિક જેમ્સ ફેલિક્સ-બ્રાઉન સાથે થઈ. ફેલિક્સ ઉમર કરતાં 24 વર્ષ મોટાં હતાં અને તેમના પાંચ પૌત્રો હતા.

બંનેએ ત્યાં શાદી કરી લીધી, ખાતુનનું નામ ઝૈના રાખવામાં આવ્યું અને પછી જેદ્દાહમાં થોડા મહિના રહ્યા પછી તેઓ બ્રિટન જતાં રહ્યાં.

ઉમરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, "યુરોપ જવામાં, નાગરિકતા મેળવવા વગેરે બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ પડી, પરંતુ અમારી શાદી બાદ જીવનને એક નવી દિશા મળી. મારે પણ આત્મમંથન કરવાનું હતું, એ જાણવું હતું કે હું જીવનમાં શું કરવા માગુ છું."

સમાચાર એજન્સી એપીએ પણ 2008માં અહેવાલ આપ્યો હતો કે, "ઉમર શાંતિ માટે કામ કરવા માગે છે અને બીજું કંઈ નહીં".

આ દરમિયાન ઉમરે કેટલાક ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા, જેમાં લાદેન પરિવાર અને પરસ્પર સંબંધો વિશે વધુ માહિતી આપવામાં આવી હતી.

વૅનિટી ફેર મૅગેઝિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, ઉમરે જણાવ્યું હતું કે, "મારા દાદા, મોહમ્મદ બિન અવાદ બિન લાદેન એટલા અમીર હતા કે તેમણે થોડાં વર્ષો પછી અમને જે ચાર લગ્નોની મંજૂરી આપવામાં આવી હતી તે ચાર લગ્ન કરીને કેટલાંક વર્ષો બાદ તમામને તલાક આપી દેતા હતા, જેથી ખાલી પડેલા સ્થાને નવી શાદીઓ કરી શકે. હવે આટલી બધી પત્નીઓ અને ભૂતપૂર્વ પત્નીઓને કારણે એટલાં બધાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ છે કે અમે બધાં સાથે એક મજબૂત સંબંધ પણ સ્થાપિત કરી શકતા નથી".

ઉમર હવે તેમનાં પત્ની ઝૈના સાથે ફ્રાન્સના નૉર્મેન્ડીમાં રહે છે અને એક વ્યાવસાયિક ચિત્રકાર છે. તેઓ માને છે કે કલા અને તેમને પ્રિય એવા પહાડો તેમના માટે ઉપચારનું કામ કરી રહ્યા છે.

બીબીસી સમાચાર

પિતા ઓસામા વિશે ઉમર શું કહે છે

1988માં છપાયેલી ઓસામા બીન લાદેનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1988માં છપાયેલી ઓસામા બીન લાદેનની તસવીર

બ્રિટનના 'ધ સન'ને આપેલા તાજેતરના ઇન્ટરવ્યૂમાં ઉમરે કહ્યું, "બીજી મે, 2011ના દિવસે જ્યારે મેં સાંભળ્યું કે યુએસ નેવી સીલે મારા પિતાને પાકિસ્તાનમાં સેફહાઉસમાં મારી નાખ્યા છે, ત્યારે હું કતારમાં હતો".

જોકે, ઉમરનું કહેવું છે કે તેમને નથી લાગતું કે અમેરિકાએ તેના પિતાના મૃતદેહને દરિયામાં ફેંકી દીધો છે.

તેઓ કહે છે, "મને ખબર નથી કે તેઓએ મારા પિતા સાથે શું કર્યું. તેઓ કહે છે કે તેઓએ મૃતદેહને સમુદ્રમાં ફેંકી દીધો પરંતુ મને એ વાત પર વિશ્વાસ નથી. મને લાગે છે કે તેઓ મૃતદેહને અમેરિકા લઈ ગયા, જેથી લોકોને બતાવી શકાય."

તેમના પિતા વિશે ઉમરે ભૂતકાળમાં કહ્યું હતું કે "તે એક સારા પિતા હતા, બસ અમારા રસ્તા અલગ-અલગ હતા".

પરંતુ કદાચ દમાસ્કસના બારમાં 2010ની એ રાતે ઉમર બિન લાદેને ગાય લૉસની સામે પોતાનું દિલ ખોલી દીધું હતું.

‘રોલિંગ સ્ટોન’ મૅગેઝિન કવર સ્ટોરી "ઓસામાસ સન: ધ ડાર્ક, ટ્વિસ્ટેડ જર્ની ઑફ ઉમર બિન લાદેન"ના લેખ અનુસાર, ઉમરે કહ્યું, "આ રશિયન પોલ-ડાન્સર્સ સાથે પહેલાં પણ મેં વાતો કરી છે. મારું નામ જણાવુ છું તો ઘણીવાર તેઓ માનવા તૈયાર નથી થતી. મને ખબર છે કે તેઓ ગરીબીને કારણે આ રીતે નાચવા માટે મજબૂર છે. મારા પિતાએ તેમની (રશિયા) અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી. હવે તેઓ અમેરિકા સાથે પણ આવું જ કરી રહ્યા છે."

રેડ લાઇન
રેડ લાઇન