યાસીન મલિક: પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરનાર કાશ્મીરી અલગતાવાદીની કહાણી

યાસીન મલિક

ઇમેજ સ્રોત, @MushaalMullick

ઇમેજ કૅપ્શન, યાસીન મલિક
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કાશ્મીરના અલગતાવાદી નેતા યાસિન મલિકનાં પત્ની મિશાલ હુસૈન મલિકને પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન અનવારુલ હક કાકડનાં એક વિશેષ સહાયક તરીકે નિમણૂક કરવામાં આવ્યાં છે.

પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે મિશાલ હુસૈન મલિકને 'માનવઅધિકાર અને મહિલા સશક્તિકરણ' બાબતોનાં સહાયક બનાવવામાં આવ્યાં છે.

મિશાલ પાકિસ્તાનનાં નાગરિક છે અને ત્યાં જ રહે છે.

યાસિન મલિકને ગત વર્ષે મેમાં એનઆઈએની એક અદાલતે ટેરર ફંડિંગના કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ તેમનાં પત્ની મિશાલને બીબીસીને જણાવ્યું હતું કે તેઓ આ મામલાને આગળ લઈ જશે.

યાસિન મલિક પર દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનો, ગુનાઇત ષડ્યંત્ર રચવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા જેવા ગંભીર આરોપો હતા. જોકે તેમણે કોર્ટમાં તેમના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કરી લીધો હતો.

ગુરુવારે જ વચગાળાના વડા પ્રધાનના વિવિધ મંત્રીઓને તેમનાં ખાતાંઓની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં શમશાદ અખ્તરને નાણામંત્રી, જલીલ અબ્બાસ જિલાનીને વિદેશમંત્રી અને સૈન્યમાંથી નિવૃત્ત થયેલા લેફ્ટનન્ટ જનરલ અનવર અલી હૈદરને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા છે.

કાશ્મીરી અલગતાવાદીની કહાણીની વાંચો...

મિશાલ હુસૈન

અગાઉ એનઆઈએ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં યાસીન મલિકને મળેલી આજીવન કેદની સજાને મૃત્યુદંડમાં તબદીલ કરવા અપીલ કરી હતી.

એનઆઈએએ પોતાની અપીલમાં જણાવ્યું છે કે 'ટ્રાયલ કોર્ટ આવા ભયાનક આતંકવાદીને મૃત્યુદંડની સજા ન આપે એ અન્યાય કહેવાય. કારણ કે આતંકવાદ માત્ર સમાજ વિરુદ્ધનો ગુનો નથી પણ સમગ્ર દેશ વિરુદ્ધનો ગુનો છે.'

અપીલમાં કહેવામાં આવ્યું છે કે 'અન્ય શબ્દોમાં આતંકવાદ એ બાહ્ય આક્રમણ, યુદ્ધનું કૃત્ય અને રાષ્ટ્રના સાર્વભૌમત્વના અપમાનનું કૃત્ય છે.'

અગાઉ એનઆઈએ કોર્ટે બે કેસમાં યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમની સામે યુએપીએ અને આઈપીસીની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

1980ના દાયકાના મધ્ય ભાગમાં ભારત અને પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર કાશ્મીરના ધ્યેયને સિદ્ધ કરવા માટે જે યુવાનોએ સરહદ પાર કરી તેમાં મલિક તથા તેમના પૈત્તૃક સંગઠન જેકેએલએફના અન્ય સાથીઓનો સમાવેશ થતો હતો.

ખીણપ્રદેશમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત માટે જેકેએલએફ, યાસિન મલિક અને બિટ્ટા કરાટે વગેરેને જવાબદાર માનવામાં આવે છે.

line

એ હાઈ-પ્રોફાઇલ અપહરણ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

1980ની શરૂઆતથી જ કાશ્મીરમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી, પરંતુ બ્રિટનમાં ભારતીય રાજદૂતની હત્યાના ગુનાસર મકબૂલ ભટને ફાંસી આપવામાં આવી, તે પછી સ્થિતિ વધુ વણસી ગઈ હતી. ભટ 'કાશ્મીર નેશનલ લિબ્રેશન ફ્રન્ટ'ના સહસ્થાપક હતા, જે જેકેએલએફનું (જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટ) પુરોગામી સંગઠન હતું.

અહીં યાસીન સહિત કેટલાક યુવકો 'તાલા પાર્ટી'ના સભ્ય હતા. તેમણે શ્રીનગર ખાતેની ભારત-વેસ્ટ ઇન્ડીઝ મૅચ પહેલાં પીચ ખોદી નાખી હતી. ભટની વરસી પર બંધનું એલાન આપ્યું હતું. એટલે તેઓ તાલા પાર્ટી તરીકે ઓળખાતા.

કાશ્મીરી મૂળના અમેરિકન પત્રકાર બશારત પીરે પોતાનું બાળપણ તથા તરુણાવસ્થા કાશ્મીરમાં પસાર કર્યાં હતાં.

તેઓ પોતાના પુસ્તકમાં 'કર્ફ્યુડ નાઇટ : અ ફ્રંટલાઇન મેમ્વાર ઑફ લાઇફ ઍન્ડ વૉર ઇન કાશ્મીર 'માં લખે છે, "મલિક તથા તેના મિત્રોના નેતૃત્વમાં એ સમયના જેકેએલએફના લડવૈયાઓને હીરો તરીકે જોવામાં આવતા હતા. જેઓ ભારત સરકારને પડકારી રહ્યા હતા. એમાંથી મોટા ભાગનાઓએ 1988ની શરૂઆતથી લઈને 1989ના અંત ભાગ સુધીમાં પાકિસ્તાની કૅમ્પોમાં તાલીમ લીધી હતી."

"પરત ફરીને બીજા અનેકને તેમણે કાશ્મીરમાં જ તાલીમ આપી. ભારત સરકારે કડક હાથે કામ લીધું. ભારતીય સુરક્ષાબળોના હાથે સેંકડોનાં મૃત્યુ થયાં તથા સેંકડો ઝડપાઈ ગયા."

તો પીડીપીનાં વડાં મહેબૂબાનાં બહેન રૂબિયાના અપહરણથી કાશ્મીરમાં ઉગ્રવાદને પ્રોત્સાહન મળ્યું હોવાનું કેટલાકનું માનવું છે.

એક હાઈપ્રોફાઇલ અપહરણને કારણે જેકેએલએફને રાતોરાત જબરદસ્ત પ્રસિદ્ધિ મળી હતી અને તેની ધાક બેસી ગઈ હતી. તેમણે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદનાં પુત્રી રૂબિયાનું અપહરણ કર્યું હતું.

'ધ લૉસ્ટ રિબેલિયન - કાશ્મીર ઇન ધ નાઇન્ટીન્સ'માં મનોજ જોશી લખે છે :

'8 ડિસેમ્બર, 1989ના રોજ મુફ્તીનાં પુત્રી ડૉ. રૂબિયા સૈયદ લાલ દેડ હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યાં. મિની-બસમાં જ પાંચ યુવાનો તેમનો પીછો કરી રહ્યા હતા. '

'જ્યારે બસ લગભગ ખાલી થઈ ગઈ અને શ્રીનગરની બહાર આવેલા નવગામ વિસ્તારમાં ડૉ. રૂબિયાના ઘર તરફ આગળ વધવા લાગી, ત્યારે તેમણે ડ્રાઇવરને બંદૂક દેખાડી અને રૂબિયા સાથે નાટીપૂરા તરફ દોરી ગયા.'

'બ્લૂ રંગની મારુતિ કારમાં તેમને સોપોર લઈ જવમાં આવ્યાં. મોડી બપોરે જેકેએલએફના પ્રવક્તાએ કાશ્મીરી દૈનિક 'કાશ્મીર ટાઇમ્સ'ને કૉલ કરીને જણાવ્યું કે 'મુજાહિદ્દો'એ તેમનું અપહરણ કર્યું છે.'

શરૂઆતમાં તેમણે જેલમાં બંધ એક સાથીને છોડાવવાની માગ કરી હતી, જે વધતા-વધતા પાંચ પર પહોંચી હતી. અંતે 13 ડિસેમ્બરે પાંચ ઉગ્રવાદીને છોડી દેવામાં આવ્યા, તેના બે કલાક પછી રૂબિયા સઈદ આઝાદ હતાં.

મૂળ કૉંગ્રેસી મુફ્તી મોહમ્મદ સઇદ રાજીવ ગાંધીથી અલગ થઈને વીપી સિંહ સાથે મળી ગયા હતા. તેઓ દેશના પ્રથમ મુસ્લિમ ગૃહમંત્રી બન્યા હતા.

line

એ ઘટનાએ બનાવ્યા ઉગ્રવાદી?

અનંતનાગની એક મસ્જિદમાં નરમ તથા ગરમ ભાગલાવાદીઓ વચ્ચેની ચર્ચાનું દૃશ્ય (ઑક્ટોબર-1989)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનંતનાગની એક મસ્જિદમાં નરમ તથા ગરમ ભાગલાવાદીઓ વચ્ચેની ચર્ચાનું દૃશ્ય (ઑક્ટોબર-1989)

1987માં કૉંગ્રેસ તથા નેશનલ કૉન્ફરન્સે યુતી કરી હતી. તેમની સામે હતું એમયુએફ. જેમાં સૈયદ અલી શાહ ગિલાનીની 'જમાત-એ-ઇસ્લામી', અબ્દુલ ગની લોનની 'પીપલ્સ લીગ' અને મીરવાઇઝની 'અવામી ઍક્શન કમિટી' સામેલ હતાં.

'કાશ્મીર એટ ધ ક્રૉસરોડ ઇનસાઇડ અ 21st સેન્ચુરી કૉન્ફ્લિક્ટ'માં સુમંત્રા બોઝ (પૃષ્ઠ ક્રમાંક 60) પર લખે છે, "41 વર્ષના સ્કૂલ ટીચર મહમદ યુસૂફ શાહ એમયુએફના ઉમેદવાર હતા. જેઓ એમયુએફના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. ધારાસભ્ય બનવાનો આ તેમનો ત્રીજો પ્રયાસ હતો. તેમના કૅમ્પેન કૉર્ડિનેટર હતા 20 વર્ષીય મહમદ યાસીન મલિક. મલિક શ્રીનગરની મધ્ય ભાગમાં આવેલા લાલચોકની પાસે શ્રમિકવર્ગના વિસ્તાર માઈસૂમાની સાંકળી ગલીઓમાં રહેતા હતા."

"મતગણતરીની શરૂઆતથી જ સ્પષ્ટ હતું કે શાહ જંગી બહુમતી તરફ આગળ વધી રહ્યા હતા. નેશનલ કૉન્ફરન્સના હતાશ ઉમેદવાર મતગતરીમથક છોડી ગયા. તેમને પાછા બોલાવવામાં આવ્યા અને તેમને વિજેતા જાહેર કરાયા. શાહ અને મલિકની 'જમ્મુ અને કાશ્મીર જાહેર સુરક્ષા ધારા' હેઠળ ધરપકડ કરવામાં આવી, બંને 1988ની શરૂઆત સુધી જેલમાં રહ્યા."

આગળ જતાં શિક્ષક ઉમેદવારે સૈયદ સલાલુદ્દીન નામ ધારણ કર્યું અને હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બન્યા. આ સંગઠન ભારત તથા પાકિસ્તાનથી સ્વતંત્રતાની વાત નહોતું કરતું પરંતુ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાની વાત કરતું હતું.

શાહ-મલિક સિવાય એમયુએફના અનેક ઉમેદવારો તથા પોલિંગ એજન્ટે સરહદ પાર જઈને તાલીમ લીધી હતી અને હથિયાર ઉઠાવ્યાં હતાં.

line

ચાર દોસ્ત, બે રસ્તા

શ્રીનગરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ઉગ્રવાદીઓ (જૂન-1991)

ઇમેજ સ્રોત, Langevin Jacques

ઇમેજ કૅપ્શન, શ્રીનગરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ઉગ્રવાદીઓ (જૂન-1991)

કાશ્મીરમાં ઉગ્રવાદનો પાયો જેકેએલએફે નાખ્યો હતો, જેમાં સેંકડો લોકો જોડાયેલા હતા, પરંતુ તે ચાર ઇસમોને કારણે જનતાની વચ્ચે લોકપ્રિય બન્યું હતું. આથી જ તેઓ HAJY જૂથ તરીકે ઓળખાતા હતા. આ ચાર શખ્સ હતા. હામીદ શેખ, અશફાક વાની, જાવેદ મીર તથા યાસીન મલિક.

માર્ચ-1990માં સુરક્ષાબળો સાથેની અથડામણમાં અશફાક વાનીનું 23 વર્ષની ઉંમરે મૃત્યુ થયું.

1992માં ભારતની અર્ધ-લશ્કરી સંસ્થા બીએસએફ (બોર્ડર સિક્યૉરિટી ફોર્સ)એ હામીદ શેખની ધરપકડ કરી હતી, પરંતુ પાકિસ્તાનતરફી 'હિઝબુલ મુજાહિદ્દીન' જેવાં સંગઠનો સામે તેમની ઉપયોગિતા જણાતી હોવાથી, તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. અમુક અઠવાડિયાં પછી એ જ વર્ષે નવેમ્બર મહિનામાં છ અન્ય સાથી સાથે ઍન્કાઉન્ટર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

6 ઑગસ્ટ, 1990ના ઘાયલ અવસ્થામાં મલિકની ધરપકડ કરવામાં આવી. તેમને દેશની અલગ-અલગ જેલોમાં રાખવામાં આવ્યા. બાદમાં બીમારીના કારણે તેમને છોડી દેવામાં આવ્યા.

આ બધાની વચ્ચે મે-1993માં જાવેદ મીરે જાહેરાત કરી હતી કે અને બંદૂક છોડી દીધી. 1994ના મધ્ય ભાગમાં બીમારી સબબ છૂટ્યા બાદ મલિકે જેકેએલએફ તરફથી સંઘર્ષવિરામની જાહેરાત કરી. તેમનો ફાંટો જેકેએલએફ-વાય બન્યો.

યાસીનની મુક્તિ બાદ સુરક્ષાબળો દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાનના જેકેએલએફના 100 જેટલા લડવૈયા ઠાર મરાયા

જેકેએલએફ સ્વતંત્ર કાશ્મીરની વાત કરતું હતું, જેમાં પાકિસ્તાનના કબજાવાળા ભાગનો પણ સમાવેશ થતો હતો. જ્યારે પાકિસ્તાનસમર્થિત હિઝબુલ મુજાહિદ્દીન 'કશ્મીર બનેગા પાકિસ્તાન'ની (કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે) હિમાયત કરતું હતું.

ઉપરોકત વિગતો સુમંત્રા બોઝ તેમના પુસ્તક(પૃષ્ઠ ક્રમાંક 69-90)માં આપી છે.

1990ના દાયકાના શરૂઆતના ભાગમાં મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટે (એમયુએફ) આગળ જતાં તેણે ઑલ પાર્ટી હુર્રિયત કૉન્ફરન્સ (એપીએચસી)નું સ્વરૂપ ધારણ કર્યું. ગિલાની, મલિક, લોન તથા મીરવાઇઝ જેવા નેતાઓ તેમાં પદાધિકારી બન્યા.

line

એક ઉગ્રવાદીની પ્રેમકહાણી

યાસીન મલિક

ઇમેજ સ્રોત, @MushaalMullick

2005માં કાશ્મીરી હેતુસર યાસીન મલિક પાકિસ્તાન ગયા હતા, ત્યારે પોતાના ભાષણ દરમિયાન તેમણે ફૈઝને ટાંક્યા હતા.

દર્શકોમાં 20 વર્ષીય યુવતી મિશાલ હુસૈન પણ હતાં. તેમણે યાસીનનો ઑટોગ્રાફ લીધો. બદલામાં યાસીને તેમના મિત્રો સાથે કાશ્મીર માટે મદદ માગી.

યાસીન પરત ફરવાના હતા એની આગલી સાંજે તેમણે મિશાલનાં માતા રેહાના હુસૈન મલિકના મોબાઇલ ઉપર ફોન કર્યો અને થોડી વાતચીત કરી. રેહાનાએ જણાવ્યું કે તેઓ યાસીનના મકસદની સાથે છે.

ફોન પર જ તેમણે ' I Love You' કહ્યું. મિશલે પૂછ્યું કે શું તમને પાકિસ્તાન ગમે છે, ત્યારે યાસીને કહ્યું કે 'હા, અને વિશેષ કરીને તું.'

માતાની હાજરીને કારણે નર્વસ થઈ ગયેલાં મિશાલ સિગ્નલના બહાને બારી પાસે સરકી ગયાં, ત્યારે ફરી એક વખત યાસીને પોતાના દિલની વાત ઉર્દૂમાં કહી હતી.

રેહાનાને આશંકા હતી કે યાસીનને ફરી જેલમાં ધકેલી દેવામાં આવશે. તેઓ અને યાસીનનાં માતાની વચ્ચે હજયાત્રા દરમિયાન મુલાકાત થઈ અને નિકાહ નક્કી થયાં.

હુર્રિયત સંગઠન દુખતરાન-એ-મિલાતનાં નેતા આશિયા અંદ્રાબીએ કહ્યું, "જો એમણે લગ્ન કરવાં જ હતાં તો કાશ્મીરની જેહાદમાં અનેક મહિલાઓએ તેમના પતિ ગુમાવ્યા છે, એવી જ કોઈ વિધવા સાથે નિકાહ કરવા જોઈતા હતા."

ભાગલાવાદી નેતા તથા તેમના પરિવારજનો ઉપર વૈભવી જિંદગી જીવવાના તથા સામાન્ય કશ્મીરીઓને દરિદ્રતા અને હાડમારીની ગર્તામાં ધકેલી દેવાના આરોપ લાગતા રહે છે.

હથિયાર છોડ્યાં પછી મલિક તથા ભારતના ગુપ્તચરતંત્ર વચ્ચે નિકટતા વધી હતી. મલિક ભારતીય તંત્રની સહકાર આપતા, જ્યારે તંત્ર દ્વારા તેમની બીમારીનો ખર્ચો ઉપાડવામાં આવતો તથા અન્ય જરૂરિયાતો સાચવવામાં આવતી.

રૂબિયા સૈયદના અપહરણ સમયે શ્રીનગરમાં ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા તથા આગળ જતાં વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન આઈબીના વડા એએસ દુલત પોતાના પુસ્તક 'કાશ્મીર : ધ વાજપેયી યર્સ' (પેજ નંબર 257) લખે છે :

મિશાલ સ્માર્ટ અને સુંદર છે. જ્યારે તેનાં માતા રેહાના પાકિસ્તાન મુસ્લિમ લીગની મહિલા પાંખના પૂર્વ મહાસચિવ હતાં. તેમના ભાઈ હૈદરઅલી હુસૈન મલિક અમેરિકાની નેવલ વૉર કૉલેજમાં પ્રોફેસર છે.

'એવી ચર્ચા છે કે મલિકના જીવન ઉપર તેમના સાસુનો મોટો પ્રભાવ છે અને તેઓ જ બધું નિયંત્રિત કરે છે. એવી પણ ચર્ચા છે કે યાસીનનું એક પાકિસ્તાની છોકરી સાથે લગ્ન કરાવવું એ સીઆઈએનું ઑપરેશન હતું.'

2012માં યાસીન તથા મિશલ માતા-પિતા બન્યાં, તેમનાં પુત્રીનું નામ રઝિયા સુલતાના છે.

મિશલ મલિક પીસ ઍન્ડ કલ્ચર નામની સંસ્થા ચલાવે છે. તેમણે પોતાનાં ટ્વિટર બાયોમાં લખ્યું છે, 'કાશ્મીરના ક્રાંતિકારી મુક્તિ નેતા યાસીન મલિકનાં પત્ની હોવાનો ગર્વ.'

line

મલિક, મિશાલ અને 'માલિક'

વીડિયો કૅપ્શન, વિશ્વ પ્રસિદ્ધ પશ્મિના શાલ બનાવતા મહિલા કારીગરોને નવજીવન આપવાના ઉદ્દેશની કહાણી INSPIRE

દુલતના કહેવા પ્રમાણે, મલિક વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની પણ નજીક છે.

2019માં કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ 370 તથા 35-અની નાબૂદી બાદ જેકેએલએફના યાસીન ફાંટાને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

આ વિશેના જાહેરનામા પ્રમાણે, યાસીન મલિકની સામે 60થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં દેશદ્રોહ, ટાડા, રણબીર દંડ સંહિતા હેઠળ હત્યા, હત્યાના પ્રયાસ તથા હથિયારધારાના ગુનાનો પણ સમાવેશ થાય છે. જ્યારે તેમના સંગઠન સામે 100થી વધુ કેસ નોંધાયેલા છે. જેની તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસ, સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તથા એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન) કરી રહી છે.

મલિકની ઉપર 1990માં ભારતીય વાયુદળના ચાર અધિકારીઓની હત્યા તથા અન્યોને ઈજા પહોંચાડવાનો કેસ પણ સામેલ છે. જેમાં આરોપનામું ઘડાઈ ગયું છે તથા અન્ય કેસ અલગ-અલગ તબક્કામાં છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન