પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોની નરેન્દ્ર મોદી પર વિવાદી ટિપ્પણી, ભારતે શું કહ્યું?

બિલાવલ

ઇમેજ સ્રોત, ANI

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારતની સ્થાયી સદસ્યતાના દાવાના વિરોધ બાદ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે તેમના પર હુમલો કર્યો છે.

ગત પહેલી ડિસેમ્બરથી ભારતે એક મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કામચલાઉ પ્રમુખપદ સંભાળ્યું હતું.

આ અંતર્ગત આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બ્રીફિંગ બાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પર ચર્ચા દરમિયાન ઝરદારીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ઝરદારીએ કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવને લાગુ કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાં શાંતિ લાવવાની તેમની પ્રતિબદ્ધતા સાબિત કરવામાં આવે.

ત્યારબાદ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ભૂમિકા અંગેના ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદન પર એક પાકિસ્તાની પત્રકારના પ્રશ્નના જવાબમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કાયમી સભ્યપદના દાવાનો વિરોધ કર્યો હતો.

ત્યાર બાદ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે 'આતંકી' ઓસામા બિન લાદેનની યાદ અપાવી હતી. લાદેનનું નામ સાંભળતાં જ પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવવા લાગી હતી.

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એક પ્રેસ-કૉન્ફરન્સમાં ગુજરાતનાં રમખાણોની વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એસ. જયશંકરને લઈને 'અપમાનજનક ટિપ્પણી' કરી હતી.

બિલાવલની આ ટિપ્પણીનો ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓએ પાકિસ્તાની દૂતાવાસ બહાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાનની વિરુદ્ધ નારા પોકાર્યા હતા.

બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, “ઓસામા મરી ગયો છે, પરંતુ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન છે. વડા પ્રધાન બનતા પહેલાં તેમના પર અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો."

આ સિવાય બિલાવલે આરએસએસ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ આરએસએસના વડા પ્રધાન છે, આ આરએસએસના વિદેશમંત્રી છે. આરએસએસ શું છે? તે હિટલરમાંથી પ્રેરણા લે છે.”

બિલાવલે કહ્યું હતું કે, “ભારત હવે ગાંધીની વિચારધારાથી નથી ચાલતું."

આ પહેલાં તેમણે બુધવારે યુએનએસસીમાં કહ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર એક મોટો મુદ્દો છે અને યુએનના પ્રસ્તાવોને લાગુ કરવા જોઈએ.”

ભારતના વિદેશ મંત્રાલયે બિલાવલ ભુટ્ટોના વિવાદાસ્પદ નિવેદનનો વિગતવાર જવાબ આપ્યો છે.

ગ્રે લાઇન

'પાકિસ્તાન પોતાનું વલણ બદલે'

બાગચી

ઇમેજ સ્રોત, ANI

બીબીસી ગુજરાતી

એક નિવેદન બહાર પાડીને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું-

  • પાકિસ્તાનના હિસાબે પણ આ નિવેદન ખૂબ જ નીચલા સ્તરનું છે. પાકિસ્તાનના લઘુમતીઓ પ્રત્યેના વલણમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તેને ભારત પર દોષારોપણ કરવાનો કોઈ અધિકાર નથી.
  • આતંકવાદને આર્થિક મદદ કરવી, આશ્રય આપવો અને સ્પોન્સર કરવામાં પાકિસ્તાનની નિર્વિવાદ ભૂમિકા હંમેશા સમાચારોમાં રહી છે. પાકિસ્તાનના વિદેશમંત્રીના અસભ્ય શબ્દો, એ દેશની આતંકવાદનો પ્રોક્સી તરીકે ઉપયોગ કરવામાં નિષ્ફળતાનું પરિણામ છે.
  • ન્યૂયૉર્ક, મુંબઈ, પુલવામા, પઠાણકોટ અને લંડન જેવાં ઘણાં શહેરો પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના સાક્ષી છે. આ આતંક તેમના સ્પેશિયલ ટેરરિસ્ટ ઝોનમાંથી આખી દુનિયામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. 'મેક ઇન પાકિસ્તાન' આતંકવાદને રોકવો પડશે.
  • પાકિસ્તાન ઓસામા બિન-લાદેનને શહીદ તરીકે ગૌરવ આપે છે અને લખવી, હાફિઝ સઈદ, મસૂદ અઝહર, સાજિદ મીર અને દાઉદ ઈબ્રાહીમને આશ્રય આપે છે. દુનિયાના બીજા કોઈ દેશમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા 126માંથી 27 આતંકવાદીઓ રહેતા નથી.
  • પાકિસ્તાનના વિદેશમંત્રીએ ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્રમાં મુંબઈ હુમલાની સાક્ષી અંજલિ કુલ્થેના નિવેદનને ધ્યાનથી સાંભળવાની જરૂર હતી. અંજલિએ પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબથી 20 ગર્ભવતી મહિલાઓનો જીવ બચાવ્યો હતો.
  • પાકિસ્તાનના વિદેશમંત્રીએ તેમના દેશમાં આતંકવાદના માસ્ટર માઇન્ડ્સ પર વધુ ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનમાં આતંકવાદનો ઉપયોગ દેશની પૉલિસી તરીકે થઈ રહ્યો છે. પાકિસ્તાને પોતાનો અભિગમ બદલવાની જરૂર છે.
બીબીસી ગુજરાતી

બીજી તરફ, ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "યુવા મોરચો પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોની વડા પ્રધાન મોદી વિરુદ્ધની અણગમતી અને અપમાનજનક ટિપ્પણીની સખત નિંદા કરે છે. જે દેશ માત્ર આતંકવાદની નિકાસ કરી જાણે છે તેની પાસેથી વધુ સારી કંઈ પણ અપેક્ષા રાખી શકાય નહીં."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

ગ્રે લાઇન

પાકિસ્તાન આતંકવાદનું ‘એપિસેન્ટર’ : જયશંકર

જયશંકર

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનનાં વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારે ગત બુધવારે ઇસ્લામાંબાદમાં એક પત્રકારપરિષદમાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારત કરતાં સારી રીતે કોઈએ આતંકવાદનો ઉપયોગ નથી કર્યો.

આ નિવેદન અંગે પલટવાર કરતાં એસ. જયશંકરે કહ્યું કે, “મને ખ્યાલ છે આપણે પાછલાં અઢી વર્ષથી કોવિડ સામે ઝઝૂમી રહ્યા છીએ. આના કારણે આપણા પૈકી મોટા ભાગના લોકો બ્રેન ફોગિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.”

“પરંતુ હું આપને આશ્વસ્ત કરવા માગું છું કે વિશ્વ એ નથી ભૂલ્યું કે આતંકવાદ ક્યાં જન્મ લે છે. અને તે ક્ષેત્ર (દક્ષિણ એશિયા) અને તેનાથી આગળ સામે આવનાર આતંકવાદી પ્રવૃત્તિઓ પર કોના હાથનાં નિશાન છે.”

તેમણે આ અંગે આગળ વાત કરતાં કહ્યું હતું કે, “આ પ્રકારની કાલ્પનિક કહાણીઓ ઘડવા કરતાં તેમને આ બાબતનો ખ્યાલ થવો જોઈએ.”

આ નિવેદન સાથે તેમણે અમેરિકાનાં તત્કાલીન વિદેશમંત્રી હિલેરી ક્લિંટને વર્ષ 2011માં પાકિસ્તાનમાં આપેલ નિવેદનને યાદ કરાવ્યું.

તેમણે કહ્યું, “મેં હિના રબ્બાની ખારના નિવેદન સાથે સંકળાયલ રિપોર્ટ વાંચ્યા છે. અને એ વાંચીને મને દસ વર્ષ જૂની વાત યાદ આવી ગઈ. હિલેરી ક્લિંટન પાકિસ્તાનના પ્રવાસે આવ્યાં હતાં. હિના રબ્બાની ખાર એ સમયે મંત્રી હતાં.”

“અને હિલેરી ક્લિંટને તેમની પાસે ઊભાં રહીને કહ્યું હતું કે જો તમે તમારા ઘરની પાછળ સાપ પાળી રહ્યા હો તો તમે એ આશા ન રાખી શકો કે એ માત્ર તમારા પાડોશીઓને જ કરડશે, આખરે તે એમને પણ કરડશે, જેમના ઘરની પાછળ તે રહે છે.”

“પરંતુ આપ બધા જાણો છો કે પાકિસ્તાન સલાહ માનવામાં સારું નથી. તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાને સૌથી પહેલાં પોતાની કરતૂતો સુધારીને સારા પાડોશી બનવું જોઈએ.”

રેડ લાઇન
રેડ લાઇન