દેશના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે સંસદમાં ચીન વિશેનું નિવેદન ભારત માટે ચિંતાજનક કેમ છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, દિપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
ચીન સાથે વધતી જતી વેપાર ખાધ ભારત સરકાર માટે લાંબા સમયથી ચિંતાનો વિષય છે.
પાછલી યુપીએ સરકાર અને નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર બંનેમાં આ વેપાર ખાધને અંકુશમાં લેવા માટેની વ્યૂહરચના અને તેને લાગુ કરવાના માર્ગ પર ચર્ચા થતી રહી છે.
તાજેતરમાં, સંસદમાં આ પ્રશ્ન પર ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં ચિંતા વ્યક્ત કરી કે ભારત કેટલી હદે અનેક મોરચે ચીન પર નિર્ભર થઈ રહ્યું છે.
ગોયલે યુપીએ સરકારનું નામ ન લીધું, પરંતુ તેમણે આંકડો ટાંક્યો કે 2003-2004માં ચીનમાંથી ભારતની આયાત 4.34 અબજ ડૉલર હતી. પરંતુ 2013-14 સુધીમાં તે વધીને 51.03 અબજ ડૉલર થઈ ગઈ.
એટલે કે દસ વર્ષમાં આ આયાત દસ ગણીથી વધુ થઈ ગઈ.
તેમણે કહ્યું, “આખો દેશ હલકી ગુણવત્તાની એવી વસ્તુઓથી ભરાઈ ગયો જેની કિંમતોમાં કોઈ પારદર્શિતા નથી. આટલાં વર્ષોમાં આપણે ચીની ચીજવસ્તુઓ પર સંપૂર્ણપણે નિર્ભર બની ગયા."
ગોયલે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે દેશમાં મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરને મજબૂત કરવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ) શરૂ કરી છે જેથી ચીન પરની આયાત નિર્ભરતા ઘટાડી શકાય.
ગોયલે કહ્યું કે અગાઉ દેશમાં ઉપયોગમાં લેવાતા લગભગ તમામ સ્માર્ટફોન ચીનથી આયાત કરવામાં આવતા હતા. ત્યારે અહીં મોબાઈલ હેન્ડસૅટના માત્ર બે પ્લાન્ટ હતા. પરંતુ હવે પીએલઆઈ સ્કીમને કારણે દેશમાં મોબાઈલ ફોન સૅક્ટરમાં 200 કંપનીઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ચીન કેટલું હાવી છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પીયૂષ ગોયલના મતે 2004-05માં ભારત અને ચીન વચ્ચે 1.48 અબજ ડૉલરની વેપાર ખાધ હતી પરંતુ 2013-14માં તે વધીને 36.21 અબજ ડૉલર થઈ ગઈ હતી.
તેમણે કહ્યું કે અગાઉ ભારત એપીઆઈ એટલે કે દવાઓ બનાવવામાં વપરાતા કાચા માલની સમગ્ર વિશ્વમાં નિકાસ કરતું હતું. પરંતુ છેલ્લા દસ-વીસ વર્ષોમાં ભારત આ વ્યવસાયમાં પાછળ રહી ગયું છે અને હવે અહીંનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ચીનના એપીઆઈ ઉદ્યોગ પર નિર્ભર બની ગયો છે.
ગોયલે કહ્યું કે ચીન સહિત અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે મોદી સરકારે 'મેક ઈન ઈન્ડિયા' અને પીએલઆઈ સ્કીમ જેવી ઝુંબેશ શરૂ કરી છે.
પરંતુ મોટો પ્રશ્ન એ છે કે ચીન પર ભારતની નિર્ભરતા ઘટાડવા પર સતત ભાર મુકવા છતાં બંનેનો વેપાર સતત વધી રહ્યો છે.
સરહદ પર તણાવ હોવા છતાં પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 43.3 ટકાનો વધારો થયો છે અને દ્વિપક્ષીય વેપારનું પલડું સંપૂર્ણપણે ચીનની તરફેણમાં નમેલું છે. એટલે કે ચીનની નિકાસ ભારત કરતા અનેક ગણી વધારે છે.
નાણાકીય વર્ષ 2020-21માં ચીને ભારતમાં 65.21 અબજ ડૉલરના માલની નિકાસ કરી હતી. પરંતુ નાણાકીય વર્ષ 2021-22માં તે ઝડપથી વધીને 94.57 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ.
પીયૂષ ગોયલે રાજ્યસભામાં રજૂ કરેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારત અને ચીન વચ્ચે 44.33 અબજ ડૉલરની વેપાર ખાધ હતી. પરંતુ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન તે વધીને 73.31 અબજ ડૉલર થઈ ગઈ.

સ્થિતિ સુધારવા માટે ભારતે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, ANI
નિષ્ણાતોનું કહેવું છે કે ભારત માટે હાલમાં ચીન પર નિર્ભરતા ખતમ કરવી ખૂબ જ મુશ્કેલ છે. પરસ્પર વેપારમાં ચીન ભારત પર એટલું પ્રભુત્વ ધરાવે છે કે આવનારા વર્ષોમાં તેને રાહત મળે તેમ લાગતું નથી.
પરંતુ આ માટે એક રસ્તો છે અને તે એ છે કે ભારતે તેના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવું જરૂરી છે.
નિષ્ણાતોના મતે, ભારતે તેની શરૂઆત કરી છે, પરંતુ તેના માટે લાંબા સમય સુધી સખત મહેનત કરવી પડશે.
આ મુદ્દે બીબીસી સાથે વાત કરતાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાઈનીઝ સ્ટડીઝના સિનિયર ફૅલો અરવિંદ યેલેરીએ કહ્યું, "આપણી પાસે ક્ષમતા છે પણ તેને વધારવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, આપણે ઇલેક્ટ્રૉનિક્સ અને કેમિકલ મૅન્યુફૅક્ચરિંગમાં આપણી ક્ષમતા વધારવી પડશે. આનાથી ત્રણ કામ થશે. એક તો આપણી ઉત્પાદન ક્ષમતા વધશે. રોજગારી વધશે અને દેશનું નિકાસ બજાર પણ વિસ્તરશે."
પરંતુ શું માત્ર મૅન્યુફૅક્ચરિંગમાં વધારો એજ એનો ઉકેલ છે?
અરવિંદ યેલેરી કહે છે, "હાલમાં, દેશમાં મૅન્યુફૅક્ચરિંગને રોજગાર વધારવાના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. પરંતુ આપણે નિકાસ બજાર પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણે એવા બજારોમાં પ્રવેશ કરવો જ્યાં સારી સંભાવનાઓ દેખાતી હોય. જો આપણે રોજગારની ગુણવત્તા સુધારીશું તો નવા નિકાસ બજારોમાં આપણી સ્પર્ધાત્મક ક્ષમતાઓ મજબૂત થશે.”

ટૂંકા અને લાંબા ગાળાની વ્યૂહરચના

ઇમેજ સ્રોત, AFP
ઘણા નિષ્ણાતો માને છે કે જો ભારતે ચીન પરની આયાત નિર્ભરતા ઘટાડવી હોય તો તેણે ટૂંકા અને લાંબા ગાળાની બંને રણનીતિ બનાવવી પડશે.
શિવ નાદર યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અને ચાઈનીઝ વિષયોના નિષ્ણાત જબીન ટી. જૅકબ કહે છે, "માત્ર મૅન્યુફૅક્ચરિંગને મજબૂત બનાવવાની સ્કીમ લાવવાથી ચાલશે નહીં. આ પ્રયાસમાં આપણે રાજ્યોને પણ સામેલ કરવા પડશે. કેન્દ્ર સરકાર તમામ સત્તા પોતાના હાથમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે. તેણે તેનાથી બચવું પડશે. રાજ્યોને તેમની ક્ષમતા વધારવાની તક આપવી પડશે જેથી કરીને ત્યાં મૅન્યુફૅક્ચરિંગ વિસ્તરી શકે.”
જૅકબ સમજાવે છે, “ચીનમાં જુદા જુદા પ્રાંતો રોકાણ વધારવા માટે જુદા જુદા દેશોમાં જાય છે. વાસ્તવમાં, ત્યાં રાજ્યોને આર્થિક નીતિ નક્કી કરવામાં ઘણી સ્વતંત્રતા આપવામાં આવે છે. સ્થાનિક સ્તરે કેન્દ્ર તરફથી ઘણી મદદ મળે છે પરંતુ ભારતમાં એવું નથી. કેન્દ્ર-રાજ્ય સંબંધો હજુ પણ અહીં ખૂબ જ રાજકીય છે. અર્થતંત્ર પર રાજનીતિ હાવી છે.”
ભારતમાં આ દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે તે સારી વાત છે. ઉદાહરણ તરીકે, સેમી-કન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ માટે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં ફૅબ્રિકેશન પ્લાન્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે.

ખાનગી ક્ષેત્રની સાથે જાહેર ક્ષેત્રને પણ મહત્ત્વ મળે

ઇમેજ સ્રોત, Getty Images
જૅકબ તેને સારી શરૂઆત માને છે અને કહે છે કે આવું હોવું જોઈએ. આ યોગ્ય વ્યૂહરચના છે.
પરંતુ તેઓ કહે છે, "તે સારી વાત છે, પરંતુ સરકારે માત્ર ખાનગી ક્ષેત્રમાં જ નહીં પરંતુ જાહેર ક્ષેત્રમાં પણ મૅન્યુફૅક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવો જોઈએ. ચીનમાં કેન્દ્રીય અને પ્રાંતીય સરકારો જાહેર અને ખાનગી બંને ક્ષેત્રો માટે સુવિધાઓ વધારવા પર ભાર મૂકે છે."
જૅકબ કહે છે, “ભારતમાં જાહેર ક્ષેત્રમાં કાર્યક્ષમતાનો અભાવ અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ આ ક્ષેત્રને અવગણી ન શકાય તેટલું મોટું છે. તેની ક્ષમતાઓ અપાર છે. તેથી ભારત સરકારે જાહેર ક્ષેત્રને અન્ય દેશોમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. જોખમ ઉઠાવવા જોઈએ. ભૂલો થશે પણ આમાંથી રસ્તો નીકળશે. સરકારે ટેકો આપવા તૈયાર રહે. તો જ ભારત તેની નિકાસ ક્ષમતા મજબૂત કરી શકશે અને ચીન સાથે સ્પર્ધા કરી શકશે.”

ચીનની સરખામણીમાં ભારતીય મૅન્યુફૅક્ચરિંગ કેટલું પાછળ?

ઇમેજ સ્રોત, Getty Images
અરવિંદ યેલેરી કહે છે, “ચીનમાં ઉચ્ચ અને તકનીકી શિક્ષણમાં ઘણું રોકાણ કરવામાં આવી રહ્યું છે. તેના કારણે મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરની ક્ષમતાઓ વધી રહી છે. ભારતે પણ આ કરવું પડશે. આજે સ્થિતિ એવી છે કે ચીનની યુનિવર્સિટીઓ નવી પેટન્ટથી ભરેલી છે. આ મામલે તે અમેરિકાને પણ સ્પર્ધા આપી રહી છે.
“ચાઈનીઝ મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ જાણે છે કે શું અને કેવી રીતે બનાવવું. આ સાથે તેઓ એ પણ જાણે છે કે તેનું માર્કેટ ક્યાં હોઈ શકે છે. ચીનની મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ આ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ આક્રમક રીતે કામ કરે છે.”
ભારત સરકાર ચીનના માલના ડમ્પિંગને લઈને ચિંતિત છે અને તેણે પડોશી દેશોમાંથી એફડીઆઈ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. જો કે તેનો હેતુ ચાઈનીઝ એફડીઆઈને રોકવાનો હતો જેથી ચીનની કંપનીઓ કોરોના દરમિયાન ભારતીય કંપનીઓને હસ્તગત ન કરી શકે.
ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના પાંચ ઉત્પાદનો પર ઍન્ટિ ડમ્પિંગ ડ્યૂટી પણ લગાવી હતી. તેમાં ઍલ્યુમિનિયમ અને રાસાયણિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તેનો હેતુ ભારતીય કંપનીઓને સુરક્ષા આપવાનો હતો.
જબીન જૅકબ કહે છે કે સરકારે ભારતીય કંપનીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ જેથી તેઓ બહાર જઈને રોકાણ કરી શકે.














