Made in India iPhone 14: શું ભારત બનશે 'વૈશ્વિક ફેકટરી'? શું ચીનનું સ્થાન લઈ લેશે?

ઇમેજ સ્રોત, APPLE
- લેેખક, નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈ
ગયા અઠવાડિયે ઍપલ કંપનીએ જાહેરાત કરી કે તે ફોનના નવા મૉડલ આઈફોન 14નું ભારતમાં ઉત્પાદન કરશે. ચીન બહાર અન્ય કોઈ દેશમાં ફોનનું ઉત્પાદન કરવાનો કંપનીનો આ નિર્ણય ઘણો અગત્યનો મનાય છે.
આઈફોન 14નું પાંચ ટકા ઉત્પાદન હવે ભારતમાં શિફ્ટ થવા જઈ રહ્યું છે, તજજ્ઞોને આશા નહોતી કે આટલી ઝડપથી ઉત્પાદન ભારતમાં શિફ્ટ થઈ જશે.
જેપી મૉર્ગન ઇન્વેસ્ટમૅન્ટ બૅન્કના વિશેષજ્ઞ કહે છે કે વર્ષ 2025 સુધી કંપનીના એક ચતુર્થાંશ આઈફોન ભારતમાં બનવા લાગશે.
જોકે ઍપલ કંપની વર્ષ 2017થી ભારતીય રાજ્ય તામિલનાડુમાં આઈફોનનું નિર્માણ કરી રહી છે, પરંતુ ચીન અને અમેરિકાના તણાવ વચ્ચે ફોનના નવા મૉડલને ભારતમાં લૉન્ચ કરવાના નિર્ણયને ઘણો મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.
આ નિર્ણયનું એક કારણ એ પણ છે કે ચીનમાં ''ઝીરો-કોવિડ'' નીતિ લાગુ છે, જેના કારણે વૈશ્વિક પુરવઠાની ચેઇન પ્રભાવિત થઈ છે. ચીનમાં કોરોનાના લીધે લદાયેલા પ્રતિબંધના કારણે ઉદ્યોગો બંધ થયા છે અને પુરવઠા પર પણ અસર થઈ છે.
આના કારણે દુનિયાભરમાં કંપનીઓ 'પ્લસ વન' ની રણનીતિ અપનાવી રહી છે, જેથી તેમની પાસે ચીન ઉપરાંત અન્ય વિકલ્પ પણ રહે અને ઉત્પાદન તથા પુરવઠાને અસર ન થાય.
ચીન એક મૅન્યુફૅક્ચરિંગ હબ તરીકે ઓળખાય છે. ભારત એ દિશામાં વધવાના સતત પ્રયાસ કરી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ સ્થિતિ ભારત માટે અનુકૂળ બની છે, પરંતુ તેની સામે પડકારો પણ છે.

'રાહ નથી જોઈ શકતી કંપનીઓ'

ઇમેજ સ્રોત, APPLE INC/REUTERS
લૉજિસ્ટિક કંપની ડીએચએલની સપ્લાય ચેઇન વિભાગના સીઈઓ ઑસ્કર ડે બોકે બીબીસીને કહ્યું, ''ચીનમાં કંપનીઓ નીતિ બદલવાની રાહ જોઈ શકતી નથી અને એક જ જગ્યાએ નિર્ભર પણ રહી શકતી નથી. તેઓ બે અથવા ત્રણ વિકલ્પ રાખવા માગતી હોય છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોક કહે છે કે વર્તમાન સમયમાં કંપનીઓની બદલાતી દિશાથી ભારત, વિયતનામ અને મૅક્સિકો જેવા દેશોને ફાયદો થઈ શકે છે.
બોકે છેલ્લાં પાંચ વર્ષમાં ડીએચએલની વૅરહાઉસિંગ ક્ષમતા અને કર્મચારીઓ વધારવા માટે 40 અબજ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.
તેઓ કહે છે કે મોદી સરકાર એ કંપનીઓને આર્થિક પ્રોત્સાહન આપી રહી છે, જે ભારતને ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા માગે છે. તેનાથી નિર્માણ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વિદેશી રોકાણમાં વધારો થયો છે અને અમે આ પ્રતિબદ્ધતા કરી શક્યા છે.
આર્થિક પ્રોત્સાહન યોજના હેઠળ વેદાંતા રિસોર્સિઝે ભારતમાં સેમિકંડક્ટર પ્લાન્ટ લગાવવા માટે અંદાજે 16 અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટ તાઇવાનની ઇલેક્ટ્રોનિક મૅન્યુફૅક્ચરિંગ કંપની ફૉક્સકૉન સાથે શરૂ કરવામાં આવશે.
વેદાંતા રિસોર્સિઝના અધ્યક્ષ અનિલ અગ્રવાલે ગયા મહિને કહ્યું હતું કે દુનિયા 'ચાઇના પ્લસ વન' નીતિ તરફ આગળ વધી રહ્યું છે અને એમાં ભારતની સ્થિતિ સારી છે.

ભારતનાં મજબૂત પાસાં
1. ઘણું મોટું બજાર અને સસ્તો શ્રમ
2. છથી સાત ટકાનો જીડીપીમાં વધારો અને બીજા દેશો કરતાં સારી આર્થિક સ્થિતિ
3. સરકાર દ્વારા દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવાના પ્રયત્ન
4. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બની રહેલા પ્રસંગો
5. ચીનમાં કોરોના સાથે જોડાયેલા કાયદા વચ્ચે કંપનીઓ માટે વધતી સમસ્યાઓ

ભારતના પક્ષમાં શું છે?
ભારત એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. તે નિર્માણ અને નિકાસના કેન્દ્ર દ્વારા બહુરાષ્ટ્રીય કંપનીઓને લલચાવાના પ્રયત્ન કરી રહ્યા છે. ભારતનું બજાર ઘણું મોટું છે અને ઓછા ખર્ચે શ્રમ ઉપલબ્ધ છે.
આર્થિક સ્થિતિને અનુલક્ષીને જોઈએ તો 6થી 7 ટકા જીડીપી વૃદ્ધિ અને મોંઘવારીનો દર બીજા દેશની દૃષ્ટિએ સારો છે. આ વર્ષે ભારત સારું પ્રદર્શન કરનારી મોટી અર્થવ્યવસ્થાઓમાં છે.
ભારતનું મર્ચેન્ડાઇઝ ઍક્સપૉર્ટ છેલ્લા એક દાયકામાં 300 અબજ ડૉલર પર રોકાયા બાદ હવે 400 અબજ ડૉલર પર પહોંચ્યું છે.
આ ઉપરાંત મોદી સરકાર દ્વિપક્ષીય વેપાર સમજૂતીમાં વધારો કરવાના પ્રયત્ન પણ કરી રહી છે, જેથી ભારત વૈશ્વિક પુરવઠાની ચેઇનનો વધુ ઉંડાણથી ભાગ બની શકે અને મોડેથી નિર્ણય લેતા દેશની છબિ બદલી શકે.
કારોબારીઓએ આ પહેલનું સ્વાગત કર્યું છે.
ભારત માટે પડકાર

- આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાના કારણે કંપનીઓની ફરિયાદ
- લાલફીતાશાહીમાં ફસાયેલા લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ
- લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સહયોગી માહોલ ઊભો કરવો
- ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસના મામલે રૅન્ક સુધારવો

ભારત સામે પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
તજજ્ઞો કહે છે કે વેપારના ઉદારીકરણ સંદર્ભે ભારતે એક પગલું આગળ વધારીને ત્રણ પગલાં પાછળ ભર્યાં છે.
એક બાજુ બજાર સુધીની પહોંચ સુધારવા અને ટૅરિફ ઓછી કરવા માટે મુક્ત વેપાર સમજૂતી માટે ઉચાટ વર્તાય છે, તો બીજી બાજુ આત્મનિર્ભરતાની વાત થાય છે અને ઓછામાં ઓછી 3000 વસ્તુઓની કિંમત વધારવામાં આવી છે, જેમાંથી કેટલીક ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ છે.
કેટલીક વિદેશી કંપનીઓ પણ સરખા અવસરની અછત અને વધતા સંરક્ષણવાદની ફરિયાદ કરે છે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે પરંતુ તે લાલફીતાશાહીની જાળમાં ફસાઈ જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભૂમિઅધિગ્રહણ અને લાઇસન્સિંગને લઈને સુધારા જોવા મળતા નથી અને ખરાબ બુનિયાદી ઢાંચો એક મોટી સમસ્યા છે.
ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના નિદેશક મિહિર શર્મા કહે છે કે, ''અત્યાર સુધી ઍપલ એક સફળ કહાણી છે પરંતુ ભારતને ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા માટે માત્ર નિકાસની મોટી-મોટી હેડલાઇનો જ નહીં જોઈએ પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે એક સહયોગ માહોલ બનાવવો પણ જરૂરી છે.''
''બધા નિકાસ મોટાપાયે કરવામાં આવશે કે નહીં અને શું તે સમય સાથે સંકળાયેલા રહેશે.''
મિહિર શર્મા મુજબ, ''એસએમઈમાં ભારતની મોટી શ્રમશક્તિ લાગેલી છે પરંતુ તેને મોટા ભાગે મોદી સરકારની આર્થિક પ્રોત્સાહન યોજનાથી બહાર રાખવામાં આવી છે.''
તેઓ કહે છે, "ટેક્સટાઇલને સિવાયના અન્ય શ્રમશક્તિવાળા ઉત્પાદનક્ષેત્રો આ યોજના હેઠળ આવતાં નથી. આનાથી ભારત નિકાસ-આધારિત વિકાસની પ્લસ-વન રણનીતિનો લાભ ઉઠાવી શકતું હતું અને દર વર્ષે શ્રમશક્તિમાં સામેલ થનારા એક કરોડ 20 લાખ લોકો માટે નોકરીઓ ઊભી થઈ શકે છે."

શું કરી શકે છે ભારત

ઇમેજ સ્રોત, Getty Images
મિહિર શર્માનું કહેવું છે કે ભારતે પોતાના લોકોને વધુ કુશળ બનાવવાની જરૂર છે અને સાથે કારોબાર માટે અનુકૂળ માહોલ તૈયાર કરવાની જરૂર છે, જેથી તે અન્ય એશિયન અર્થતંત્રો સાથે પ્રતિસ્પર્ધા કરી શકે.
થાઈલૅન્ડ, વિયતનામ અને દક્ષિણ કોરિયા આ દેશ વિશ્વ બૅન્કની 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' રેન્કિંગમાં ભારત કરતાં વધુ ઉપર છે. વિયતનામે મોટા સ્તરે ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ ઇન્ટિગ્રૅટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉરિડોર બનાવવા 2030નો માસ્ટર પ્લાન બનાવી દીધો છે.
હિનરિક ફાઉન્ડેશનના રિસર્ચ ફેલો ઍલેક્સ કૅપ્રી કહે છે, '' ભારત પહેલાં કરતાં આ ''ઐતિહાસિક અવસર''નો ફાયદો ઉઠાવવા માટે ઘણી સારી સ્થિતિમાં છે.''
તેઓ કહે છે કે ભારતમાં તામિલનાડુ, તેલંગણા અને દિલ્હી એવાં રાજ્યો છે, જે મોટાપાયે ઉત્પાદન માટે તૈયાર છે.
કૅપ્રી કહે છે, ''મારા એક ભારતીય મિત્રે કહ્યું હતું કે ભારત તક ગુમાવવાની કોઈ તક છોડતું નથી. પરંતુ, મને લાગે છે કે આ વખતે બધું ઘણું અલગ છે.''

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













