ચીન કોની સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે?
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મંગળવારે દેશના સેન્ટ્રલ મિલિટરી કમિશનના જોઈન્ટ ઓપરેશન કમાન્ડ હેડક્વાર્ટરમાં કહ્યું હતું કે આપણે યુદ્ધ લડવા અને જીતવા માટે તૈયાર રહેવું પડશે
- દરમિયાન જિનપિંગે ચીની સેના (પીપલ્સ લિબરેશન આર્મી)ને "લશ્કરી તાલીમ અને યુદ્ધની તૈયારીઓને વધારી દેવા" માટે હાકલ કરી છે
- રક્ષામંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં મિલિટરી કમાન્ડર્સની કૉન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારત એક શાંતિ પ્રેમી દેશ છે જેણે ક્યારેય કોઈ દેશને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ જો કોઈ દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે
- તો ચીન કોની સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?
- રક્ષા મંત્રી રાજનાથસિંહનું નિવેદન ચીનને વળતો જવાબ આપવાનો પ્રયાસ છે કે આ માત્ર એક સંયોગ છે?
- શું ત્રીજી વખત દેશની સુકાન સંભાળ્યા પછી, જિનપિંગ દરેક વિભાગને સંબોધિત કરી રહ્યા છે અને વિશ્વ સમક્ષ પોતાની મજબૂત છબી અને નેતૃત્વ રજૂ કરવાનો પ્રયાસ માત્ર કરી રહ્યા છે? વાંચો આ વિસ્તૃત અહેવાલ...
- લેેખક, પ્રેરણા
- પદ, બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, Getty Images
"ભારત એક શાંતિ પ્રેમી દેશ છે જેણે ક્યારેય કોઈ દેશને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ જો કોઈ દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે."
રક્ષામંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં મિલિટરી કમાન્ડર્સની કૉન્ફરન્સને સંબોધિત કરતા આ વાત કહી હતી.
7-11 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ કૉન્ફરન્સમાં બુધવારે રક્ષા મંત્રીએ કહ્યું કે સરહદો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને દેશ તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.
ભારતીય મીડિયામાં રાજનાથસિંહના આ નિવેદનની ચોમેર ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને, તેને 8 નવેમ્બરે સીએમસી (સેન્ટ્રલ મિલિટરી કમિશન)ના જૉઈન્ટ ઑપરેશન કમાન્ડ હેડક્વાર્ટરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપેલા નિવેદન સાથે જોડવામાં આવી રહ્યું છે.

યુદ્ધની તૈયારીનું આહ્વાન

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી વખત ચૂંટાયા બાદ શી જિનપિંગ મંગળવારે દેશના સેન્ટ્રલ મિલિટરી કમિશનના જોઈન્ટ ઓપરેશન કમાન્ડ હેડક્વાર્ટરના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, અહીં સૈન્યને સંબોધતા જિનપિંગે કહ્યું કે ચીનની રાષ્ટ્રીય સુરક્ષા વધતી જતી અસ્થિરતા અને અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં આપણે યુદ્ધ લડવા અને જીતવા માટે તૈયાર રહેવું પડશે.
આ દરમિયાન જિનપિંગે ચીની સેના (પીપલ્સ લિબરેશન આર્મી)ને "લશ્કરી તાલીમ અને યુદ્ધની તૈયારીઓને વધારી દેવા" માટે હાકલ કરી છે.
તો ચીન કોની સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે? રક્ષા મંત્રી રાજનાથસિંહનું નિવેદન ચીનને વળતો જવાબ આપવાનો પ્રયાસ છે કે આ માત્ર એક સંયોગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બંને નેતાઓના નિવેદનો શું સૂચવે છે?
આ પ્રશ્નના જવાબમાં જેએનયુમાં ચાઈનીઝ સ્ટડીઝના પ્રોફેસર અલકા આચાર્ય કહે છે, "2020ની ગલવાન અથડામણ પછી ભારતે સાવધાન રહેવાની જરૂર તો છે જ, પરંતુ જ્યારે પણ ચીની નેતાઓ અથવા રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમની સેના સાથે વાત કરે કે સંબોધિત કરે ત્યારે એવું માની લેવાની જરૂર નથી કે તેમણે આપણને ધ્યાનમાં રાખીને આમ કહ્યું છે. કોઈપણ નેતા પોતાની સેના સાથે વાત કરે અને ઉત્સાહ વધારે તે સ્વાભાવિક છે.”
"દુનિયાના બધા દેશો હાલમાં સુરક્ષાને લઈને પડકારોનો સામનો કરી રહ્યા છે, તેથી સૈન્યને તૈયાર રહેવા માટે પ્રેરિત કરવું એક સામાન્ય વાત છે, તમે તેને ચીનના દૃષ્ટિકોણથી જુઓ કે ભારતના દૃષ્ટિકોણથી."
પ્રોફેસર અલકા આચાર્ય રક્ષામંત્રી રાજનાથસિંહ અને ચીનના રાષ્ટ્રપતિના નિવેદનને જોડવાના પક્ષમાં નથી.
તેઓ કહે છે કે ત્રીજી વખત દેશની સુકાન સંભાળ્યા પછી, જિનપિંગ દરેક વિભાગના લોકોને માત્ર મળી રહ્યા છે, તેમને સંબોધિત કરી રહ્યા છે અને વિશ્વ સમક્ષ પોતાની મજબૂત છબી અને નેતૃત્વ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



ભારતે સાવધાન રહેવાની જરૂર છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત-ચીન સંઘર્ષ પર તાજેતરમાં પ્રકાશિત પુસ્તક 'ધ લાસ્ટ વૉર'ના લેખક પ્રવીણ સાહનીનું પણ માનવું છે કે બંને નેતાઓના નિવેદનોને જોડીને ન જોવું જોઈએ.
તેઓ રક્ષામંત્રી રાજનાથસિંહના નિવેદનને ચૂંટણી પ્રચારનો ભાગ ગણાવે છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિવેદનને મહત્ત્વપૂર્ણ ગણાવે છે.
પ્રવીણ સાહનીનું કહેવું છે કે જિનપિંગના નિવેદનને સાદા નિવેદન તરીકે ન જોવું જોઈએ.
તેઓ કહે છે, "આપણે એ સમજવાની જરૂર છે કે જિનપિંગે જોઈન્ટ ઑપરેશન સેન્ટરમાં આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે આર્મી યુનિફોર્મ પહેર્યો હતો અને તેમનો ભાર એ વાત પર હતો કે 2027 સુધીમાં પીએલએને વર્લ્ડ ક્લાસ આર્મી બનાવી દેવામાં આવે."
આ સિવાય તેમણે યૂનીફિકેશન અને રિજનલ વૉર પર પણ ભાર મૂક્યો છે. તેથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે ચીનના રાષ્ટ્રપતિ તમામ જરૂરી પ્લેટફોર્મ પર તેમની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા અને મજબૂત રહેવાની વાતને દોહરાવી રહ્યા છે."
જો કે ભારત સિવાય એવા ઘણા દેશો છે જેની સાથે ચીનના સંબંધો તણાવપૂર્ણ છે, આવી સ્થિતિમાં શું ચિંતાના વાદળો એમની પર પણ છવાયેલા છે?
આ પ્રશ્નના જવાબમાં સાહની કહે છે કે "જ્યારે પણ ચીન રિયૂનીફિકેશનની વાત કરે છે, ત્યારે ખાસ કરીને તિબેટ અને તાઈવાન તેના નિશાના પર હોય છે, જોકે અન્ય દેશોએ પણ સાવધ રહેવાની જરૂર છે તે શક્યતાને અવગણી શકાય નહીં."

ભારત સિવાય કયા દેશો સાથે ચીનના સંબંધો વણસેલા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના કુલ 17 પાડોશી દેશો છે જેની સાથે તેમનો કોઈને કોઈ સરહદી વિવાદ છે. ભારત ઉપરાંત તેમાં ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, જાપાન, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, સિંગાપુર, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, મલેશિયા, બ્રુનેઈ, લાઓસ, મંગોલિયા અને તિબેટનો સમાવેશ થાય છે.
આમાં તાઈવાન પણ છે (જે પોતાને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર માને છે, જ્યારે ચીન માને છે કે તાઈવાને ચીનમાં જોડાઈ જવું જોઈએ).
ચીનનો ભારત, નેપાળ, ભૂતાન, લાઓસ, મંગોલિયા, મ્યાનમાર અને તિબેટ સાથે ભૂમિ વિવાદ છે જ્યારે બાકીના દેશો સાથે સમુદ્રી (દક્ષિણ ચીન સમુદ્ર) વિવાદ છે.
દક્ષિણ ચીન સાગરમાં 250 જેટલા નાના-મોટા ટાપુઓ છે. આ વિસ્તાર હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની વચ્ચે છે અને તે ચીન, તાઈવાન, વિયેતનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, બ્રુનેઈ અને ફિલિપાઈન્સથી ઘેરાયેલો છે.
ચીન આ વિસ્તારને પોતાનો ગણાવે છે અને એક ખૂબ જ મહત્ત્વાકાંક્ષી પરિયોજના હેઠળ તે અહીં એક કૃત્રિમ ટાપુ બનાવી રહ્યું છે. બીજી બાજુ, લગભગ બાકીના તમામ દેશો કોઈને કોઈ હિસ્સાને પોતાનો ગણાવે છે.
અમેરિકી કૉંગ્રેસના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત અને રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીનના અમેરિકા અને પશ્ચિમી દેશો સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી છે.
અમેરિકા અને બ્રિટન બંને ચીનને મોટા ખતરારૂપ ગણાવી ચૂક્યા છે.


ભારત-ચીન વચ્ચે સંબંધો કેવા છે?

ઇમેજ સ્રોત, KENZABURO FUKUHARA/AFP VIA GETTY IMAGE
તાજેતરમાં, ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શોક સંદેશ મોકલ્યો હતો.
પરંતુ ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીની 20મી નેશનલ કૉંગ્રેસ દરમિયાન જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ત્રીજી ટર્મ માટે પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાદ કરતા વિશ્વભરના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
સપ્ટેમ્બરમાં સમરકંદમાં યોજાયેલી એસસીઓ (શાંઘાઈ કૉ-ઓપરેશન ઑર્ગેનાઈઝેશન)ની બેઠકમાં ગલવાન સંઘર્ષ બાદ પીએમ મોદી અને શી જિનપિંગ પહેલીવાર એક મંચ પર આવ્યા હતા, ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને વચ્ચે વાતચીત થઈ શકે છે, પરંતુ બંને નેતાઓએ એકબીજા સામે જોયું પણ નહીં.
ઑક્ટોબરમાં ચીનના શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકાર ભંગ સંબંધિત મુદ્દા પર ચર્ચા માટેનો ઠરાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ ભારતે આ મુદ્દે ચીનની વિરુદ્ધ ન જવાનો નિર્ણય કર્યો હતો.
નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત વખતે પણ ભારતે ચીનના વલણનો વિરોધ કર્યો ન હતો. આ મામલે ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ગયા માર્ચમાં પાકિસ્તાનમાં ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કૉ-ઓપરેશનના ઉદ્ઘાટન સમારોહમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

'ભારત-ચીન સંબંધો સૌથી મુશ્કેલ સમયમાં'
ફેબ્રુઆરી 2022માં મ્યુનિક સિક્યોરિટી કૉન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ચીન દ્વારા સરહદી સમજૂતીઓના ઉલ્લંઘન બાદ ભારત અને ચીનના સંબંધો સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
સપ્ટેમ્બરની શરૂઆતમાં બંને દેશોના કમાન્ડરો વચ્ચે 16મા રાઉન્ડની વાટાઘાટો બાદ બંને દેશોની સેનાઓ જિયનાન દબાન (ગોગરા હોટસ્પ્રિંગ)માંથી ખસી જવા માટે સંમત થયા હોવા છતાં, મડાગાંઠનો સાવ અંત આવ્યો ન હતો.
હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો પર ટિપ્પણી કરતા પ્રવીણ સાહની કહે છે, "અત્યારે સંબંધો સારા થવાના કોઈ સંકેત દેખાતા નથી કારણ કે ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ચીન સરહદે સામાન્ય સ્થિતિનું નિર્માણ નહીં કરે ત્યાં સુધી સંબંધો સુધરી શકશે નહીં.”
જ્યારે ચીનનું કહેવું છે કે સરહદી વિવાદ હવે નૉર્મલ થઈ ગયો છે અને હવે આ કેવળ એક મુદ્દો છે, આપણે અન્ય મુદ્દાઓ પર વાત કરવી જોઈએ. આ જ કારણે કે એસસીઓની બેઠકમાં વડા પ્રધાને ચીનના રાષ્ટ્રપતિની અવગણના કરી હતી."
તો પ્રોફેસર અલકા આચાર્ય માને છે કે ભારત-ચીન સંબંધો હજી પણ અટકેલા છે જ્યાંથી કોઈ હિલચાલ જણાતી નથી.
પહેલાં ડોકલામ વિવાદ અને પછી ગાલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા હતા તે યથાવત રહ્યા છે.
















