ચીન અરુણાચલ પ્રદેશને ‘દક્ષિણ તિબેટ’ કેમ કહે છે?

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે કહ્યું છે કે નવ ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સંસદમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે ચીનના સૈનિકોએ તવાંગ સૅક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં, વાસ્તવિક નિયંત્રણ રેખા (લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ – એલએસી) પર દબાણ કરીને નિયત કરેલી સ્થિતિને એક તરફી રીતે બદલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સૈનિકોએ તેને નિષ્ફળ બનાવી દીધો હતો.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે એ ઘર્ષણમાં કોઈ પણ ભારતીય સૈનિકનું મૃત્યુ નથી થયું કે કોઈ સૈનિક ગંભીરપણે ઘાયલ નથી થયો.

રાજનાથ સિંહે કહ્યું, "ચીનના આ પ્રયાસનો આપણી સેનાએ દૃઢતાથી સામનો કર્યો. આ ઘર્ષણમાં ઝપાઝપી થઈ. ભારતીય સેનાએ બહાદુરી સાથે ચીનના સૈનિકોને આપણા વિસ્તારમાં ઘૂસવાથી રોક્યા અને તેમને તેમની પોસ્ટ પર પાછા ફરવા માટે મજબૂર કર્યા. આ ઘર્ષણમાં બન્ને તરફના કેટલાક સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે પરંતુ તેનાથી કોઈ સૈનિકનું મૃત્યુ નથી થયું."

ચીન અરુણાચલ પ્રદેશ વિશે ભારતના દાવા પર હંમેશાંથી સવાલ ઉઠાવતું રહ્યું છે. તે કોઈ પણ ભારતીય નેતાની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર વાંધો ઉઠાવતું આવ્યું છે.

જોકે, ભારતે વારંવાર કહ્યું છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે અને તેને અલગ ન કરી શકાય. ભારતે કહ્યું કે અરુણાચલમાં ભારતીય નેતાઓની મુલાકાત પર વાંધો ઉઠાવવાનો કોઈ તર્ક નથી.

આ અગાઉ ચીને વર્ષ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહના અરુણાચલ પ્રદેશના પ્રવાસ સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. વર્ષ 2020માં ગૃહમંત્રી અમિત શાહના અરુણાચલ પ્રવાસ સામે પણ ચીને વાંધો નોંધાવ્યો હતો.

ગ્રે લાઇન

ભારત અને ચીનના દાવા

ચીન-ભારત સીમાવિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત દરેક વખતે ચીનના વાંધાને નકારતું આવ્યું છે. ચીન અરુણાચલ પ્રદેશમાં 90 હજાર વર્ગ કિલોમિટર જમીન પર પોતાનો દાવો કરે છે, જ્યારે ભારત કહે છે કે ચીને પશ્ચિમમાં અક્સાઈ ચીનના 38 હજાર વર્ગ કિલોમિટરના ક્ષેત્રમાં ગેરકાયદેસર કબજો કરી રાખ્યો છે.

ભારતીય નેતાઓના અરુણાચલ પ્રવાસ પર ચીનના વિરોધ વિશે ભારતના જાણીતા રક્ષા વિશેષજ્ઞ બ્રહ્મ ચેલાણીએ થોડા મહિના પહેલાં ટ્વીટ કરીને કહ્યું હતું, "ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તિબેટ ગયા ત્યારે ભારતે કંઈ નહોતું કહ્યું. ત્યાં સુધી કે ભારતની સરહદથી માત્ર 15 કિલોમિટરના અંતરે સ્થિત પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના બેઝ પર શી જિનપિંગ એક રાત રોકાયા પણ હતા. એ પગલાને ચીનની યુદ્ધની તૈયારીના રૂપે જોવામાં આવ્યું હતું. ભારતીય નેતાઓના પ્રવાસ પર ચીનનો વિરોધ નવો કે આશ્ચર્યજનક નથી.”

ચીનના ઇતિહાસ પર પુસ્તક લખનારા માઇકલ શુમૅને અરુણાચલ પ્રદેશમાં ભારતીય નેતાઓના પ્રવાસ પર ચીનના વિરોધને લઈને ટ્વીટ કરીને કહ્યું હતું, "ચીન ભારત સાથેના સંબંધોને ખૂબ જ ખરાબ રીતે હૅન્ડલ કરી રહ્યું છે. આ ચીનની વિદેશનીતિની મોટી નિષ્ફળતા હોઈ શકે છે."

ગ્રે લાઇન

દક્ષિણ તિબેટ

ચીન-ભારત સરહદ વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ ગણાવે છે. બન્ને દેશો વચ્ચે 3,500 કિલોમિટરની લાંબી સરહદ છે. વર્ષ 1912 સુધી તિબેટ અને ભારત વચ્ચે કોઈ સ્પષ્ટ નિયત સરહદ નહોતી બનાવવામાં આવી.

આ વિસ્તારો પર મોઘલો કે અંગ્રેજો કોઈનું નિયંત્રણ નહોતું. ભારત અને તિબેટના લોકો પણ કોઈ સ્પષ્ટ સીમારેખા વિશે ચોક્કસ નહોતા.

બ્રિટનના શાસકોએ પણ તેની કોઈ જહેમત નહોતી લીધી. તવાંગમાં જ્યારે બૌદ્ધ મંદિર મળ્યું ત્યારે સીમારેખાનું નિર્ધારણ શરૂ થયું. વર્ષ 1914માં શિમલામાં તિબેટ, ચીન અને બ્રિટિશ ભારતના પ્રતિનિધિઓની બેઠક થઈ અને સરહદની રેખા નક્કી કરવામાં આવી.

ચીને તિબેટને ક્યારેય સ્વતંત્ર દેશ નથી માન્યું તેણે વર્ષ 1914ના શિમલાકરારમાં પણ એવું નહોતું માન્યું. 1950માં ચીને તિબેટને પૂર્ણ રીતે પોતાના કબજામાં લઈ લીધું હતું. ચીન ઇચ્છતું હતું કે તવાંગ તેનો ભાગ રહે જે તિબેટના બૌદ્ધો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

બીબીસી ગુજરાતી

ચીન અને તિબેટ

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 1949માં માઓત્સે તુંગે 'પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના'ની સ્થાપના કરી. એક ઍપ્રિલ 1950ના રોજ ભારતે તેને માન્યતા આપી અને રાજકીય સંબંધ સ્થાપિત કર્યા.

ચીનને આ રીતે પ્રાથમિકતા આપનારો ભારત પહેલો બિન-સામ્યવાદી દેશ બન્યો.

વર્ષ 1954માં ભારતે તિબેટ માટે પણ ચીનના સાર્વભૌમત્વને સ્વીકારી લીધું. એટલે કે ભારતે માની લીધું કે તિબેટ ચીનનો ભાગ છે. એ સમયે ‘હિંદી-ચીની, ભાઈ-ભાઈ’ના સૂત્રોચ્ચાર પણ થયા.

વર્ષ 1914માં શિમલા કરાર હેઠળ મૅકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ માની લેવાઈ, પરંતુ 1954માં નહેરુએ તિબેટને એક કરાર હેઠળ ચીનનો ભાગ માની લીધો.

જૂન 1954 થી જાન્યુઆરી 1957 વચ્ચે ચીનના પહેલા વડા પ્રધાન ચાઉ એન લાઈ ચાર વખત ભારતના પ્રવાસે આવ્યા. ઑક્ટોબર 1954માં નહેરુ પણ ચીન ગયા.

વર્ષ 1950માં ચીને તિબેટ પર હુમલો શરૂ કરી દીધો અને તેનો પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધું. તિબેટ પર ચીનના હુમલાએ આ સમગ્ર વિસ્તારના ભૌગોલિક રાજકારણને બદલી નાખ્યું.

ચીનના હુમલા પહેલાં તિબેટની નિકટતા ચીનની સરખામણીએ ભારત સાથે વધુ હતી. આખરે તિબેટ એક સાર્વભૌમત્વ ધરાવતો દેશ ન રહી શક્યો.

ભારતીય વિસ્તારોમાં પણ ઘૂસણખોરીની શરૂઆત ચીનના 1950ના દાયકના મધ્યમાં જ શરૂ કરી દીધી હતી. વર્ષ 1957માં ચીને અક્સાઈ ચીનના રસ્તે પશ્ચિમમાં 179 કિલોમિટર લાંબો રસ્તો બનાવ્યો.

સરહદ પર બન્ને દેશોના સૈનિકો વચ્ચે પહેલું છમકલું 25 ઑગસ્ટ 1959માં થયું હતું. ચીનની પેટ્રોલિંગ ટુકડીએ નેફા ફ્રંટિયર પર લોંગઝુ પર હુમલો કર્યો હતો. એ જ વર્ષે 21 ઑક્ટોબરે લદ્દાખના કોંગકામાં ગોળીબાર થયો.

તેમાં 17 ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને ચીને તેને સ્વરક્ષણમાં કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી હતી. ભારતે ત્યારે કહ્યું હતું કે, "તેના સૈનિકો પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો."

બીબીસી ગુજરાતી

એલએસી પણ બની એલઓસી?

ચીન-ભારત સીમાવિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના હુમલા બાદ જ તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ ભાગવું પડ્યું હતું. 31 માર્ચ 1959ના દિવસે દલાઈ લામાએ ભારતમાં પ્રવેશ કર્યો હતો. 17 માર્ચે તેઓ તિબેટની રાજધાની લ્હાસાથી પગપાળા જ નીકળ્યા હતા અને હિમાલયના પહાડોને પાર કરીને 15 દિવસો પછી ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા.

એપ્રિલ, 2017માં તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ અરુણાચલ પ્રદેશની યાત્રા કરી હતી ત્યારે ચીને કડક વિરોધ કરતાં કહ્યું હતું કે ભારતે તેની મંજૂરી આપવી નહોતી જોઈતી અને તેનાથી ભારતને કોઈ ફાયદો નહીં થાય.

બે જૂન 2017ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ફોરમના પૅનલ ડિસ્કશનમાં કહ્યું હતું કે, "ચીન અને ભારત વચ્ચે ભલે સરહદનો વિવાદ હોય, પરંતુ બન્ને દેશો વચ્ચે સરહદ પર છેલ્લાં 40 વર્ષોથી એક પણ વખત ગોળીબાર નથી થયો."

ચીને વડા પ્રધાન મોદીના આ નિવેદનને આવકાર્યું હતું અને તેનો ઉપયોગ પણ કર્યો હતો.

પરંતુ ભારત હવે આવું કહેવાની સ્થિતિમાં પણ નથી. જૂન 2020માં ગલવાન ખીણમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. ભારતના 20 સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને ચીન તરફથી આવેલી માહિતી અનુસાર તેના ચાર સૈનિકો માર્યા ગયા હતા.

આ દરમિયાન ઘણા વિસ્તારોમાં નાનું-મોટું ઘર્ષણ થતું રહ્યું છે. અને હવે તવાંગમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે.

રેડ લાઇન
રેડ લાઇન