ચીન તિબેટ પર પોતાની પકડ મજબૂત કેમ કરી રહ્યું છે અને તેનો અર્થ શો છે?
- લેેખક, પદ્મજા વેંકટરમન
- પદ, ચીન મામલાનાં વિશેષજ્ઞ
ચીને તિબેટ પર એવા સમયે પોતાનો સકંજો વધુ મજબૂત કર્યો છે જ્યારે પશ્વિમના દેશ તેની તરફ વધુ ધ્યાન આપવા લાગ્યા છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના રાષ્ટ્રપતિ તરીકે જુલાઈમાં રાજકીય રીતે અશાંત તિબેટનો પ્રવાસ કર્યો. જે બાદથી જ ત્યાં ચીનના સૈન્યની હાજરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ વધ્યું છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ચીનના સૈન્યે આ ક્ષેત્રમાં મોટા પાયે સૈન્ય અભ્યાસ કર્યા છે અને ચીનનું સરકારી મીડિયા તેનું અંગ્રેજી ભાષાવાળું નામ મિટાવવામાં લાગેલું છે.
એવું લાગી રહ્યું છે કે શી જિનપિંગની મુલાકાત બાદ ચીન આ સ્વશાસિત ક્ષેત્ર પર પોતાનું નિયંત્રણ મજબૂત કરી રહ્યું છે.

શી જિનપિંગની જુલાઈમાં રાષ્ટ્રપતિ તરીકે તિબેટની મુલાકાત

ઇમેજ સ્રોત, REUTERS
શી જિનપિંગે જુલાઈમાં રાષ્ટ્રપતિ તરીકે તિબેટની મુલાકાત લીધી. આ પાછલા ત્રણ દાયકા દરમિયાન ચીનના કોઈ નેતાની આ ક્ષેત્રની પ્રથમ મુલાકાત હતી.
આ મુલાકાત બાદ સપ્ટેમ્બરમાં ચીનની સંઘ સરકારના ઉપક્રમે અહીં 2021-25 દરમિયાન 260 યુઆનના રોકાણની જાહેરાત કરાઈ.
તેના બીજા જ મહિને ચીનની સૌથી મોટી બંધારણીય સંસ્થા નેશનલ પીપલ્સ કૉંગ્રેસ (NPC)ની સમિતિએ સીમાક્ષેત્રમાં સુરક્ષા મજબૂત બનાવવા માટે નવો કાયદો પસાર કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનનું આ પગલું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ એવા સમયે થયું છે જ્યારે હિમાલય ક્ષેત્રમાં ભારત-ચીન સીમાને લઈને બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે.
આના અમુક દિવસ પહેલાં જ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં કહેવાયું હતું કે ચીન સીમા પર સમૃદ્ધ ગામડું વિકસાવી રહ્યું છે.
લેખમાં કહેવાયું હતું કે આ ગામો વસાવવાથી સીમાસુરક્ષામાં મદદ મળી રહી છે.
આ રિપોર્ટમાં ભારત અને ભૂતાન સાથે જોડાતાં તિબેટ ક્ષેત્રમાં ગામડાંના વિકાસની માહિતી અપાઈ હતી.
ભારત અને ભૂતાન બે એવા દેશ છે જેની સાથે હજુ પણ ચીનનો સીમાવિવાદ છે.

ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બરમાં જ ચીનની સૈના PLAએ તિબેટમાં ઊંચાઈ પર લડાઈનો અભ્યાસ કર્યો.
તેમજ 8 નવેમ્બરના રોજ ચીને જણાવ્યું કે ભારતના લદ્દાખમાં સૈન્ય અભ્યાસ કર્યો હતો, જેનામાં તેની સેનાએ પણ તિબેટના પશ્ચિમ ભાગમાં ઘણા સૈન્ય અભ્યાસ કર્યા.
તેના બીજા જ દિવસે ગ્લોબલ ટાઇમ્સના એક રિપોર્ટમાં કહેવાયું કે ચીને શિયાળા પહેલાં ઊંચાઈ પર મોજૂદ સૈનિકોને રાહત આપવા માટે માળખાકીય વ્યવસ્થા મજબૂત કરી છે.
તિબેટમાં પોતાનાં કામોને દુનિયા સામે રજૂ કરવા માટે ચીનના વિદેશ મંત્રાલયે એક કાર્યક્રમ પણ કર્યો હતો, જેને નામ અપાયું હતું – ચીનની નવી યાત્રા : ખુશાલ અને નવા તિબેટ માટે વિકાસનો નવો અધ્યાય.
આ કાર્યક્રમમાં વિદેશના રાજદૂતો પણ સામેલ થયા. કાર્યક્રમમાં ચીનના વિદેશમંત્રી વાંગયીએ કહ્યું કે ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના શાસનમાં તિબેટ વિકાસનું નવું કીર્તિમાન બની ગયું છે.

આવું કેમ થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તિબેટ પર ચીનના નિયંત્રણનાં 70 વર્ષ થઈ રહ્યાં છે. CCPએ 23 મે 1951ના રોજ તિબેટ પર નિયંત્રણ કરી લીધું હતું. CCP આ વર્ષે તેની ઉજવણી કરી રહ્યું છે.
આ ક્રમમાં શી જિનપિંગની યાત્રાના અમુક દિવસ બાદ જ ચીનના પ્રમુખ રાજકીય સલાહકાર વાંગ યૈંગે એક દળ સાથે બીજિંગથી લ્હાસાનો પ્રવાસ કર્યો.
તેમણે ચેતવણી આપી કે દુનિયામાં કોઈની પાસે તિબેટ મામલે ચીન પર આંગળી ચીંધવાનો અધિકાર નથી.
તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં ચીનની ભાષા શીખવવા માટે પણ ભાર મૂકવો જોઈએ.
ચીન તિબેટ પર એવા સમયે નિયંત્રણ મજબૂત કરી રહ્યું છે જ્યારે પાડોશી ભારત સાથે તણાવ છે અને પશ્ચિમના દેશ પણ આ ક્ષેત્ર તરફ ધ્યાન આપી રહ્યા છે.
મે મહિનામાં અમેરિકાએ પહેલી વખત ભારતના ધર્મશાલાથી સંચાલિત તિબેટની નિર્વાસિત સરકાર માટે થયેલી ચૂંટણીમાં માન્યતા આપી હતી.
જૂનમાં અમેરિકા અને યુરોપિયન સંઘે તિબેટમાં માનવાધિકારોના કથિત ઉલ્લંઘન પર એક સંયુક્ત ઠરાવ પસાર કર્યો અને ચીનની ટીકા કરી.
તેમજ જુલાઈમાં ભારતની યાત્રા દરમિયાન વિદેશમંત્રી એન્ટની બ્લિંકેને દિલ્હીમાં તિબેટના લોકોના ધર્મગુરુ દલાઈ લામાના પ્રતિનિધિ સાથે મુલાકાત કરી.
દલાઈ લામા 1959માં પોતાના અનુયાયીઓ સાતે તિબેટથી ભાગી છૂટીને ભારત પહોંચ્યા હતા. ચીન તેમને એક અલગતાવાદી તરીકે જુએ છે.

મીડિયાના સંદેશામાં ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
ચીનનું મીડિયા પણ હવે તિબેટ માટે અંગ્રેજી શબ્દ તિબેટનો ઉપયોગ કરવાના સ્થાને પિનયિન શબ્દ શીજાંગનો ઉપયોગ કરી રહ્યું છે.
આ વર્ષે ઑગસ્ટ બાદથી જ તિબેટ વિશે રિપોર્ટોમાં શીજાંગ શબ્દનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે.
26 ઑક્ટોબરના રોજ સેન્ટ્રલ તિબેટિયન ઍડમિનિસ્ટ્રેશનના પ્રકાશન બિટર વિંટરે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેમાં કહેવાયું હતું કે ચીન તિબેટ પાસેથી તેનું નામ પણ ચોરી રહ્યું છે.
આ રિપોર્ટમાં જણાવાયું હતું કે તિબેટમાં CCPના સચિવનું પદ સંભાળવાના તરત બાદ વાંગ જુનઝેંગે આધિકારિક દસ્તાવેજોમાં શીઝાંગ શબ્દના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, XINHUA
ચીન શિનજિયાંગ અને હૉંગકૉંગ પર પશ્ચિમના દેશોની ટીકા પર વધુ ધ્યાન નથી આપી રહ્યું, આવી સ્થિતિમાં બની શકે કે તિબેટ પર પોતાની પકડ તે હજુ વધુ મજબૂત કરે.
તેનો સ્પષ્ટ સંકેત હતો કે વાંગ જુનઝેંગને તિબેટમાં CCPના સચિવ બનાવવા. વાંગ જુનઝેંગે પર અમેરિકા, યુરોપિયન સંઘ અને બ્રિટનને શિનજિયાંગમાં માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને પ્રતિબંધ લાદેલા છે.
ચીનની એકૅડેમી ઑફ સાયન્સમાં સંશોધકો શાઈ માઓસોંગે સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટમાં મે મહિનામાં પ્રકાશિત થયેલા લેખમાં તિબેટમાં પાર્ટીના પૂર્વ સચિવ અને યિંગજીના નિવેદન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીને તિબેટના બૌદ્ધ ધર્મમાં ચીનની વસ્તુઓને સામેલ કરવી જોઈએ.
શાઈએ કહ્યું હતું કે "ચીન હવે તિબેટ અને અન્ય નસ્લીય લઘુમતીઓને લઈને ઐતિહાસિક દૃષ્ટિકોણ બદલીને નવા ચીનનો ઐતિહાસિક દૃષ્ટિકોણ ઘડવાની કોશિશ કરી રહ્યું છે."
શાઈએ કહ્યું હતું, "આ ફેરફાર પાછલાં અમુક વર્ષોમાં જ થયા છે, અમે અગાઉ આના પર વધુ ભાર નહોતો મૂક્યો."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












