ચીને લોકોને જીવનજરૂરી સામગ્રી સંઘરવાની સલાહ કેમ આપી?
ચીનની સરકારે કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા જીવનજરૂરી સામગ્રીનો સંગ્રહ કરવાની સલાહ આપી છે.
વાણિજ્ય મંત્રાલય દ્વારા આ માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ તાજેતરમાં દેશમાં કોરોના વાઇરસના કેસો ફરીથી સામે આવવા લાગ્યા છે અને અમુક જગ્યાઓએ લૉકડાઉનની સ્થિતિ છે તેમજ ભારે વરસાદના કારણે શાકભાજીના પુરવઠા પર અવળી અસર પડી છે, તેવા વખતે આ નોટિસ જારી કરાઈ છે.

ઇમેજ સ્રોત, EPA
મંત્રાલયે સ્થાનિક તંત્રને પુરવઠાતંત્રને સરળ રીતે ગતિમાન રાખવા અને ભાવોને નિયંત્રણમાં રાખવા જણાવ્યું છે.
બાદમાં 'પૅનિક બાઇંગ'ના વિવિધ અહેવાલ સામે આવતાં સરકારી મીડિયાએ લોકોને શાંતિ જાળવવા જણાવવું પડ્યું છે.
એક યૂઝરે ચાઇનીઝ સોશિયલ મીડિયા વીબોમાં લખ્યું કે, "આ સમાચાર આવતાં જ મારી આસપાસ રહેતા વૃદ્ધો સુપર માર્કેટમાં પૅનિક બાઇંગ માટે જતા જોવા મળ્યા."
ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી સમર્થિત ન્યૂઝપેપર 'ઇકૉનૉમિક ડેઇલી'એ તેમના વાચકોને ન ગભરાવાની અપીલ કરી છે.
સમાચારપત્રમાં લખાયું કે સરકારે એટલા માટે આવી સલાહ આપી હતી કે જો તેમના વિસ્તારમાં લૉકડાઉન લાદવામાં આવે તો જે-તે વિસ્તારના લોકો તૈયાર રહે.
'ધ પીપલ્સ ડેઇલી' ન્યૂઝપેપરે લખ્યું કે આવી નોટિસો એ અસામાન્ય નથી, પરંતુ તે કોરોનાના નવા કેસોના કારણે અને શાકભાજીના ભાવમાં વધારાના કારણે આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનમાં સામાન્યપણે જ્યારે શિયાળો નજીક આવે ત્યારે ખાદ્ય પદાર્થોના ભાવ વધે છે. પરંતુ હાલમાં વાતાવરણમાં અનપેક્ષિત ફેરફારોને કારણે શાકભાજીના ભાવ વધ્યા છે.
આ દરમિયાન દેશમાં કોરોના વાઇરસના નવા કેસો ન આવે તે માટે કડક લૉકડાઉન લાદવામાં આવી રહ્યું છે. ચીન ફેબ્રુઆરીમાં યોજાનાર વિન્ટર ઑલિમ્પિક પહેલાં ઝીરો ઇન્ફેક્શનના લક્ષ્યને મેળવવા માગે છે.
સોમવારે ચીનમાં કોરોના વાઇરસના 92 નવા કેસો સામે આવ્યા હતા. એક મુલાકાતી કોરોના પૉઝિટિવ મળી આવતાં શાંઘાઈ ડિઝનીલૅન્ડને બંધ કરી દેવાયું હતું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












