શું મહારાષ્ટ્ર સરકાર પડશે? કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે આટલી ચકમક કેમ ઝરી રહી છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

તારીખ 23 નવેમ્બર, 2019. સમય હતો સવારનો. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય કોલાહલની વચ્ચે ટીવી અને મોબાઇલ પર એક તસવીર ફ્લૅશ થવા માંડી.

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે બીજી વાર સોગંદ લીધા. એનસીપી નેતા અજિત પવાર બન્યા ઉપ મુખ્ય મંત્રી.

આ પહેલાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરાયું હતું.

દેવેન્દ્ર ફડળનવીસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, તારીખ 23 નવેમ્બર, 2019, દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે બીજી વાર સોગંદ લીધા હતા.

એક દિવસ પહેલાં જ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના નેતાઓ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવાના મુદ્દે સહમત થયા હતા પણ, રાતોરાત બધું બદલાઈ ગયું.

ત્યારે, શિવસેનાના નેતા સંજય રાઉતે એનસીપીના નેતા અજિત પવારને લઈને કહેલું કે, "એમને ઈડીની તપાસની બીક હતી, એટલા માટે એમણે શરદ પવારને દગો દીધો, કેમ કે ફડણવીસ હંમેશાં કહેતા હતા કે અજિત પવારને જેલમાં મોકલીશું."

અજિત પવાર અને અનિલ દેશમુખનો કેસ

અનિલ દેશમુખ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને છ નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલાયા છે

આ ઘટનાનાં બે વર્ષ પછી… ગઈ કાલે મહારાષ્ટ્રના બે સમાચાર જાણવા મળ્યા.

એક સમાચાર મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર સાથે સંકળાયેલા છે.

મંગળવારે આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારની 1000 કરોડથી વધારે રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

બીજા સમાચાર છે, હવાલાના આરોપમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ થઈ.

પ્રવર્તન નિર્દેશાલય (ઈડી - એન્ફૉર્સમેન્ટ ડાયરેક્ટરેટ) કેન્દ્ર સરકારને અધીન કામ કરે છે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે દેશમુખ પર પોલીસ અધિકારીઓ દ્વારા દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ મૂક્યો હતો.

આ આરોપ પછી બૉમ્બે હાઈકોર્ટે એમની વિરુદ્ધ સીબીઆઇ દ્વારા તપાસ કરવાનો આદેશ કર્યો હતો અને એમને (દેશમુખને) મહારાષ્ટ્રના ગૃહમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

ઈડી અને આઇટી વિભાગે મહારાષ્ટ્ર સરકારના બે મોટા નેતા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તપાસકર્તા બંને વિભાગ કેન્દ્ર સરકાર અધીન કામગીરી કરે છે.

મહારાષ્ટ્રમાં ધ હિન્દુ અખબારના વરિષ્ઠ પત્રકાર આલોક દેશપાંડે જણાવે છે કે, "કેન્દ્રીય વિભાગોની રાજ્યના નેતાઓ પરની કાર્યવાહી દરમિયાન એક સવાલ છે જે કોઈ નથી પૂછતું તે એ કે, આ એ જ અજિત પવાર છે જેમણે દેવેન્દ્ર ફડણવીસની સાથે મળીને સરકાર બનાવેલી. શું 1000 કરોડની સંપત્તિ માત્ર બે વર્ષમાં થઈ ગઈ? 2019માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ માત્ર 4 દિવસ માટે જ મુખ્ય મંત્રી બનેલા અને અજિત પવાર ઉપ મુખ્ય મંત્રી, ત્યારે શું કોઈને આ વાતની જાણ નહોતી?"

line

નવાબ મલિકનો આક્રમક અભિગમ

નવાબ મલિક

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નવાબ મલિક સતત આર્યન ખાન ડ્રગ કેસમાં એનસીબીની કાર્યવાહી પર પ્રહાર કરી રહ્યા છે

આ બે ઘટનાક્રમ દરમિયાન મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે મંગળવારે ફરી એક પ્રેસ કૉન્ફરન્સ કરી.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ડિવિઝનના ડાયરેક્ટર સમીર વાનખેડે પર એમણે ફરી હુમલો કર્યો.

એમણે આરોપ મૂક્યો કે વાનખેડે, દેવેન્દ્ર ફડણવીસની સાથે નજીકનો સંબંધ ધરાવે છે અને ડ્રગ્સના બનાવટી કેસ ઊભા કરીને કરોડો રૂપિયા એકત્ર કરે છે.

નવાબ મલિક છેલ્લા એક મહિનાથી એમના પર આવા આક્ષેપ મૂકતા રહ્યા છે.

આ મામલો મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં બૉલીવુડના અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડથી શરૂ થયો હતો.

બીજી તરફ નવાબ મલિક પર એ આરોપ મુકાયો છે કે એમના જમાઈ સમીર ખાનની એનસીબીએ ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી, એ કારણે તેઓ વ્યક્તિગતરૂપે એનસીબીની સામે પડ્યા છે.

વાત મહારાષ્ટ્ર સરકારની હોય કે બીજેપીની હોય - એકબીજાને લક્ષ્ય બનાવવાની એક પણ તક કોઈ છોડતા નથી.

મહારાષ્ટ્રના અગ્રણી પત્રકાર અને પૂર્વ મહારાષ્ટ્ર ટાઇમ્સ સાથે જોડાયેલા વિજય ચોરમોરે જણાવે છે કે, "આ મામલો બંને તરફથી રાજનીતિપ્રેરિત છે. પણ આ પહેલી વાર બન્યું છે જ્યારે નવાબ મલિકના કારણે રાજ્ય સરકાર 'અટૅકિંગ મૂડ'માં છે, બીજેપી બચાવ કરી રહી છે. આ મામલમાં નવાબ મલિક એકલા જ લડી રહ્યા છે."

line

તકરારની શરૂઆત

અજિત પવાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની 1000 કરોડની સંપત્તિ જપ્ત કરી

ફ્લૅશબૅકમાં જઈને જોઈએ તો, મહારાષ્ટ્રની આ દિલચસ્પ પટકથાની શરૂઆત 24 ઑક્ટોબર 2019થી થાય છે. એ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં હતાં.

ભાજપ અને શિવસેનાએ સાથસહકારથી ઝુકાવ્યું તો બીજી બાજુ કૉંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન હતું.

ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત લાયક સીટ્સ મળી હતી, પણ મુખ્ય મંત્રી કોણ બનશે એ બાબતે મતભેદ થતાં કોકડું ગૂંચવાયું હતું.

ભાજપ અને શિવસેના વચ્ચે મનમેળ ન થયો, પરિણામે, કેટલાક દિવસ સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હતું.

નવેમ્બર 2019માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ નાટકીય અંદાજમાં બીજી વાર મુખ્ય મંત્રી બન્યા તો 80 કલાકમાં જ તેમણે રાજીનામું ધરી દેવું પડ્યું.

ત્યાર બાદ, શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચી.

ત્યારથી માંડીને આજ સુધી મહારાષ્ટ્ર સરકાર અને ભાજપ વચ્ચે શતરંજ ખેલ ચાલી રહ્યો છે.

line

ઇન્ટરવલ પછી નવા મામલા

મોદી અને ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે ( ફાઇલ ફોટો)

ધ હિન્દુના વરિષ્ઠ પત્રકાર આલોક દેશપાંડે જણાવે છે કે, "આ ચેક મેટના ખેલમાં એક ખૂબ નવાઈની વાત છે. કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીઓના લીધે મહા વિકાસ અઘાડી સરકારનાં ત્રણ ઘટક દળ એકબીજાંની નજીક આવી ગયાં છે. જો બીજેપી આ આરોપ ન કરત તો એનસીપી-કૉંગ્રેસ-શિવસેના વચ્ચે ઘણા ઝઘડા થઈ ગયા હોત. હવે એવું લાગે છે કે હાલ તરત તો આ સરકાર પડી ભાંગવાની નથી. આ કારણે બીજેપી પાસે પણ કોઈ વિકલ્પ નથી. આ સિલસિલો વધુ કેટલાક દિવસ ચાલતો રહેશે."

પણ શું આ ઘટનાક્રમ પાંચ વર્ષ સુધી ચાલશે અને શું આ ગઠબંધન સરકાર પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી લેશે?

આ સવાલનો જવાબ આપતાં આલોકે જણાવ્યું કે, "રાજનીતિમાં આવો કોઈ અંદાજ ન કરી શકાય. મુંબઈ સહિત ઘણાં મોટાં શહેરોમાં આવતા વર્ષની શરૂઆતમાં કૉર્પોરેશનની ચૂંટણી થવાની છે, એના પર બધાની નજર ચોંટેલી છે. એમાં પાર્ટીના પ્રદર્શન પર ઘણો બધો આધાર રહેશે."

મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્રની વચ્ચે આ રસાકસીભરી કહાણીમાં દરેક નાના ઇન્ટરવલ પછી નવા મામલા સામે આવે છે.

line

ભીમા-કોરેગાંવ મામલો

ભીમા કોરેગાંવ
ઇમેજ કૅપ્શન, ભીમા કોરેગાંવ

વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમોરેની વાત માનીએ તો, તપાસ એજન્સીઓને મહોરું બનાવવાની શરૂઆત ભીમા-કોરેગાંવ મામલાથી થઈ.

31 ડિસેમ્બર 2017ના રોજ પૂણેમાં એલ્ગાર પરિષદની બેઠકમાં કથિતરૂપે લોકોને ભડકાવવા માટે નવ કાર્યકર્તા અને વકીલોની મહારાષ્ટ્ર પોલીસે 2018માં ધરપકડ કરી હતી.

મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા પછી જાન્યુઆરી 2020માં રાજ્ય સરકારે સંકેત આપ્યા કે જો પૂણે પોલીસ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ નીવડે તો આ કેસ એક વિશેષ તપાસપંચ (એસઆઇટી)ને સોંપી દેવામાં આવશે.

એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો.

મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી-કૉંગ્રેસ સરકારે ભીમા-કોરેગાંવ હિંસા કેસના આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટની સમીક્ષા માટે એક બેઠક યોજી હતી, જેના એક દિવસ પછી કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસપંચ (એનઆઈએ)ને સોંપી દીધી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના આ નિર્ણય પછી મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર વચ્ચે વિવાદ ઊભો થયો હતો.

વિજય ચોરમોરે જણાવે છે કે, "હું નથી માનતો કે બીજેપીની પ્રાથમિકતા મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી દેવાની છે. કેન્દ્રની બીજેપી શિવસેનાને કૉંગ્રેસ અને એનસીપીથી છૂટી પાડવા માગે છે, જેથી બીજેપી અને શિવસેના સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી શકે. નહીંતર બીજેપીને લોકસભામાં 20થી વધારે સીટ્સનું નુકસાન થશે. બધી કવાયત આ માટે જ થઈ રહી છે."

line

પાલઘર મામલો અને અર્નબની ધરપકડ

ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 16 એપ્રિલ 2020એ મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુના લિંચિંગનો મામલો ગરમાયો હતો.

ભીમા-કોરેગાંવ મામલાથી જે તકરાર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે શરૂ થઈ એ હજી સુધી ચાલુ છે.

16 એપ્રિલ 2020એ મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુના લિંચિંગનો મામલો ગરમાયો હતો.

ભાજપે આ મામલામાં ઉદ્ધવ સરકાર પર પસ્તાળ પાડી હતી. પાલઘર મામલાની તપાસની બાબતે પોલીસ પર આક્ષેપો કરાયા હતા.

આ મુદ્દે પોતાની ટીવી ચૅનલ પરની ચર્ચાઓ દરમિયાન અર્નબ ગોસ્વામીએ સોનિયા ગાંધી વિશે ટિપ્પણી કરી હતી.

પાછળથી મહારાષ્ટ્ર પોલીસે અર્નબ ગોસ્વામીની અન્ય એક મામલામાં ધરપકડ કરી, જેને પાલઘર મામલે એમણે કરેલી ટિપ્પણી સંદર્ભે જોવાઈ.

52 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઈકને આત્મહત્યા કરવા પ્રેરવાના મામલે અર્નબની ધરપકડ કરાઈ હતી.

જોકે, અન્વય નાઈકના આત્મહત્યા કેસની તપાસ એક વાર પહેલાં પણ થઈ ચૂકી હતી, તે પછી 2019માં રાયગઢ પોલીસે આ કેસ બંધ કરી દીધો હતો.

આ કેસમાં ન્યાયાધીશે પોલીસના 2019ના રિપૉર્ટને માન્ય ગણી લીધો હતો. પણ મહારાષ્ટ્ર સરકારે કેસને ફરીથી ચલાવવાની મંજૂરી માગી હતી.

line

સુશાંતસિંહનું મૃત્યુ અને ડ્રગ્સ રૅકેટની તપાસ

સુશાંતસિંહ

ઇમેજ સ્રોત, PRATHAM GOKHALE/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, અભિનેતા સુશાંતસિંહના મૃત્યુ પછી કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે રસાકસી જામી હતી

2020ના જૂન મહિનામાં ઍક્ટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી બંને પાર્ટીઓ વચ્ચે મતભેદ વધવા માંડ્યા છે.

સુશાંતસિંહે આત્મહત્યા કરી હતી કે એમની હત્યા થઈ હતી એ મુદ્દે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે મામલો ત્યારે ગૂંચવાયો જ્યારે બિહાર પોલીસે એ કેસ સીબીઆઇને સોંપવાની વિનંતી-રજૂઆત કરી અને કેન્દ્ર સરકારે એ માગ સ્વીકારી લીધી.

મહારાષ્ટ્ર સરકારે આનો જોરદાર વિરોધ કર્યો હતો અને એ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે એને સીબીઆઇને સોંપી દેવા માટે મંજૂરી આપી દીધી.

પછીથી, સુશાંતસિંહના મૃત્યુ-કેસમાં રિયા ચક્રવર્તીની એન્ટ્રી થઈ. એમના પર સુશાંતસિંહની હત્યાનો આરોપ મુકાયો, જે સાબિત ન થયો. પછી ડ્રગ્સ અંગે તપાસ થવા લાગી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા, એમના ભાઈ અને બીજા કેટલાક લોકોની એનડીપીએસ ઍક્ટ અંતર્ગત ધરપકડ કરી.

આ મુદ્દે 'બૉલીવુડને બદનામ કરવા' અને 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ડ્રગ્સને સંપૂર્ણ દૂર કરવા' જેવા બે મુદ્દા પર એક તરફ શિવસેના ઊભી હતી તો બીજી તરફ બીજેપી. ત્યાર બાદ આ કેસમાં ફિલ્મ સ્ટાર કંગના રનૌતની એન્ટ્રી થઈ અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે રસાકસીભરી તકરાર ચાલી.

વીડિયો કૅપ્શન, પ્રેગનેન્સી દરમિયાન થતી બીમારી : હાઇપરમેસિસ ગ્રેવિડેરમ શું છે?
line

ટીઆરપી સ્કૅમ

અર્ણવ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ વિરુદ્ધ ટીઆરપી કેસમાં કાર્યવાહી થઈ હતી

એ પછી આવ્યો ઑક્ટોબર મહિનો.

ઑક્ટોબર 2020માં મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને અર્નબ ગોસ્વામીની રિપબ્લિક ટીવી અને બીજી ચૅનલ્સ પર ટીઆરપીમાં ગોટાળો કરવાનો આરોપ મૂક્યો હતો.

એ પ્રેસ કૉન્ફરન્સના લગભગ 10 દિવસ પછી, ટીઆરપી મામલે લખનૌમાં એક એફઆઇઆર થઈ હતી. પછી, ઉત્તરપ્રદેશ પોલીસે એ કેસ સીબીઆઇને સોંપવાની માગણી કરી હતી.

જવાબમાં મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે સીબીઆઈને અપાતી સામાન્ય સહમતી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો.

મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકનો કેસ

મુકેશ અંબાણીનું ઘર

ઇમેજ સ્રોત, FRÉDÉRIC SOLTAN/CORBIS VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી અને પછી કેસ વધુ ગૂંચવાયો હતો

માર્ચ 2021માં ફરી એક વાર કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર આમનેસામને આવી ગઈ.

મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકોથી ભરેલી એક એસયૂવી મળી આવી, જેમાં જિલેટિનની સ્ટિક્સ હતી. એ સ્કૉર્પિયો મનસુખ હિરેનની હતી.

કેસની તપાસ માટે મનસુખ હિરેનની પૂછપરછ કરવામાં આવી હતી. પાછળથી મુંબ્રા ખાડીમાંથી એમની લાશ મળી હતી.

મહારાષ્ટ્ર પોલીસે મનસુખ હિરેનના મૃત્યુને ખૂન કેસ તરીકે નોંધ્યો હતો. પાછળથી આ કેસને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)ને સોંપી દેવાયો હતો. પણ પછીથી, વિસ્ફોટક સાથે સંકળાયેલા આ કેસની તપાસનું કામ કેન્દ્ર સરકારે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી દીધું.

બંને કેસના તાર એકબીજા સાથે જોડાતા હતા. આ કારણે એ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર ફરી એક વાર એકબીજાના વિરોધમાં જોવા મળી.

પછીથી, મુંબઈ પોલીસ કમિશનરપદ પરથી પરમબીરસિંહને હઠાવી દેવાયા અને પછી પરમબીરસિંહે અનિલ દેશમુખ પર ગંભીર આરોપ મૂક્યા.

આ આરોપોના ક્રમમાં હવે અનિલ દેશમુખને ઈડીના રિમાંડ પર સોંપી દેવાયા છે.

જાણકારો કહે છે કે ચેક મેટનો આ ખેલ આવનારા સમયમાં પણ ચાલતો રહેશે એમ લાગે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો