દલાઈ લામા : 85 વર્ષના વૃદ્ધથી ચીન આટલું કેમ ચીડાય છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
દલાઈ લામા 85 વર્ષના થઈ ગયા. તેઓએ 61 વર્ષ પહેલાં 1959માં તિબેટથી ભાગવું પડ્યું હતું. ત્યારથી તેઓ ભારતમાં રહે છે.
ભારત-ચીન તણાવ વચ્ચે દલાઈ લામાના આ જન્મદિન પર બધાની નજર છે.
ઘણા લોકોનું કહેવું છે કે ભારત ગલવાન ખીણમાં ચીનનું વલણ જોતાં તિબેટ અને દલાઈ લામા પર પોતાની નીતિ પર ફરીથી વિચાર કરી શકે છે.
હાલમાં જ તિબેટિયનના નિર્વાસિત રાજકીય નેતા ડૉક્ટર લોબસાંગ સાંગેયે ભારત પાસે ચીન વિરુદ્ધ તિબેટનો મુદ્દો ઉઠાવવાની માગ કરી હતી.
31 માર્ચ, 1959માં તિબેટના આ ધર્મગુરુએ ભારતમાં પગ મૂક્યો હતો. 17 માર્ચે તેઓ તિબેટની રાજધાની લ્હાસાથી પગપાળા નીકળ્યા હતા અને હિમાલયના પહાડો પાર કરીને 15 દિવસ બાદ ભારતીય સીમામાં દાખલ થયા હતા.
યાત્રા દરમિયાન તેમના અને તેમના સહયોગીઓના કોઈ સમાચાર ન મળતાં ઘણા લોકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે તેમનું મૃત્યુ થઈ ગયું હશે.
દલાઈ લામા સાથે કેટલાક સૈનિકો અને કૅબિનેટના મંત્રી હતા. ચીનની નજરથી બચવા માટે આ લોકો માત્ર રાતે જ સફર કરતા હતા.
ટાઇમ મૅગેઝિન અનુસાર બાદમાં એવી અફવા પણ ફેલાઈ હતી કે "બૌદ્ધ ધર્મના લોકોની પ્રાર્થનાને કારણે અંધારું થયું અને વાદળોએ લાલ જહાજોની નજરથી તેમને બચાવી રાખ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોણ છે દલાઈ લામા?

ઇમેજ સ્રોત, EPA
દલાઈ લામા 85 વર્ષીય તિબેટના આધ્યાત્મિક નેતા છે. ચીન તિબેટ પર પોતાના દાવો રજૂ કરે છે. આખરે 85 વર્ષીય આ વૃદ્ધથી ચીન આટલું કેમ ચીડાય છે? જે દેશમાં દલાઈ લામા જાય છે ત્યાં સત્તાવાર રીતે ચીન પોતાનો વિરોધ નોંધાવે છે. આખરે આવું શા માટે?
ચીન દલાઈ લામાને અલગાવવાદી નેતા માને છે. તે વિચારે છે કે દલાઈ લામા તેમના માટે સમસ્યા છે.
દલાઈ લામા અમેરિકા જાય તો પણ ચીનના કાન ઊંચા થઈ જાય છે. 2010માં તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ચીનનો વિરોધ છતાં દલાઈ લામા સાથે મુલાકાત કરી હતી.
ચીન અને દલાઈ લામાનો ઇતિહાસ જ ચીન અને તિબેટનો ઇતિહાસ છે.
1409માં જે સિખાંપાએ જેલગ સ્કૂલની સ્થાપના કરી હતી. આ સ્કૂલના માધ્યમથી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાતો હતો.
આ જગ્યા ભારત અને ચીન વચ્ચે હતી જે તિબેટના નામથી જાણીતી છે. આ સ્કૂલના સૌથી ચર્ચિત વિદ્યાર્થી હતા ગેંદુન દ્રૂપ. ગેંદુન આગળ જતાં પહેલા દલાઈ લામા બન્યા.

ઇમેજ સ્રોત, PETE SOUZA / THE WHITE HOUS
બૌદ્ધ ધર્મના અનુયાયી દલાઈ લામાને એક રૂપકના રૂપમાં પણ જુએ છે. તેમને કરુણાના પ્રતીકના રૂપમાં જોવામાં આવે છે.
બીજી તરફ તેમના સમર્થકો તેમને પોતાના નેતાના રૂપે પણ જુએ છે. દલાઈ લામાને મુખ્ય રીતે શિક્ષક તરીકે જોવામાં આવે છે. લામાનો અર્થ ગુરુ થાય છે.
લામા પોતાના લોકોને સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે.
તિબેટી બૌદ્ધ ધર્મના નેતા દુનિયાભરના બધા બૌદ્ધોને માર્ગદર્શન આપે છે.
1630ના દશકમાં તિબેટના એકીકરણ સમયથી જ બૌદ્ધો અને તિબેટી નેતૃત્વ વચ્ચે લડાઈ છે. માન્ચુ, મંગોલ અને ઓઈરાતનાં જૂથોમાં અહીં સત્તા માટે લડાઈ થતી રહે છે.
આખરે પાંચમા દલાઈ લામા તિબેટને એક કરવામાં સફળ રહ્યા હતા.
આ સાથે જ તિબેટ સાંસ્કૃતિક રીતે સંપન્ન થઈને ઊભર્યું હતું. તિબેટના એકીકરણ સાથે જ અહીં બૌદ્ધ ધર્મમાં સંપન્નતા આવી. જેલગ બૌદ્ધોએ 14મા દલાઈ લામાને પણ માન્યતા આપી.

ચીન અને દલાઈ લામા વચ્ચે સમકાલીન સંબંધ

દલાઈ લામાની ચૂંટણીપ્રક્રિયાને લઈને વિવાદ રહ્યો છે. 13મા દલાઈ લામાએ 1912માં તિબેટને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું.
અંદાજે 40 વર્ષ બાદ ચીનના લોકોએ તિબેટ પર આક્રમણ કર્યું. ચીનનું આ આક્રમણ થયું ત્યારે ત્યાં 14મા દલાઈ લામાને ચૂંટવાની પ્રક્રિયા ચાલતી હતી. તિબેટને આ લડાઈમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કેટલાંક વર્ષો પછી તિબેટના લોકોએ ચીની શાસન સામે વિદ્રોહ કર્યો. તેઓ પોતાની સંપ્રભુતાની માગ કરવા લાગ્યા. જોકે વિદ્રોહીઓને તેમાં સફળતા ન મળી.
દલાઈ લામાને લાગ્યું કે તેઓ ખરાબ રીતે ચીનની ચુંગાલમાં ફસાઈ જશે. આ દરમિયાન તેઓએ ભારત તરફ પ્રયાણ કર્યું. દલાઈ લામાની સાથે મોટી સંખ્યામાં તિબેટિયનો પણ ભારત આવ્યા હતા. આ વર્ષ 1959નું હતું.
ભારતમાં દલાઈ લામાને શરણ મળતાં ચીનને સારું ન લાગ્યું. ત્યારે ચીનમાં માઓત્સે તુંગનું શાસન હતું.
દલાઈ લામા અને ચીનના કૉમ્યુનિસ્ટ શાસન વચ્ચે તણાવ વધતો ગયો. દલાઈ લામાને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મળી, પરંતુ હજુ સુધી તેઓ નિર્વાસનની જિંદગી જીવી રહ્યા છે.

દલાઈ લામાની છબિ શાંતિનું પ્રતીક

1989માં દલાઈ લામાને શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો. દલાઈ લામાનું હવે કહેવું છે કે તેઓ ચીનથી આઝાદી નથી ઇચ્છતા, પણ સ્વાયત્તતા ઇચ્છે છે.
1950ના દશકથી દલાઈ લામા અને ચીન વચ્ચે શરૂ થયેલો વિવાદ હજુ સુધી ખતમ થયો નથી.
દલાઈ લામાના ભારતમાં રહેવાથી ચીન સાથેના સંબંધો ખરાબ રહે છે.
ભારતનું વલણ પણ તિબેટને લઈને બદલાતું રહે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












