ભારત-ચીન સીમાવિવાદ : ચીનના કબજામાં તિબેટ ક્યારે અને કેવી રીતે આવ્યું?

ઇમેજ સ્રોત, SEAN CHANG
લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણનાં ત્રણ વર્ષ પહેલાં ડોકલામમાં પણ બંને દેશો આમનેસામને આવી ચૂક્યા હતા. ભારત-ચીન સીમાવિવાદ લદ્દાખ, ડોકલામ, નાથુલા થઈને અરુણાચલ પ્રદેશની તવાંગ ઘાટી સુધી પહોંચે છે.
અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પર ચીનની નજર હંમેશાં રહી છે.
તે તવાંગને તિબેટનો હિસ્સો માને છે અને કહે છે કે તવાંગ અને તિબેટમાં ઘણી વધુ સાંસ્કૃતિક સમાનતા છે. તવાંગ બૌદ્ધોનું અગ્રગણ્ય ધર્મસ્થળ પણ છે.
દલાઈ લામાએ જ્યારે તવાંગના મૉનેસ્ટ્રીની મુલાકાત લીધી ત્યારે પણ ચીને ઘણો વિરોધ કર્યો હતો.
ત્યાં સુધી કે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા ત્યારે પણ ચીને તેમની મુલાકાત પર ઔપચારિક રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ચીન તિબેટ સાથે અરુણાચલ પ્રદેશ પર પણ દાવો કરે છે અને એને દક્ષિણ તિબેટ કહે છે.
અરુણાચલ પ્રદેશની ચીન સાથે 3488 કિલોમીટર લાંબી સરહદ લાગે છે.
તિબેટને ચીને વર્ષ 1951માં પોતાના અંકુશમાં લઈ લીધું હતું, જ્યારે વર્ષ 1938માં ખેંચાયેલી મૅકમોહન લાઇન પ્રમાણે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તિબેટનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્યત્વે બૌદ્ધ ધર્મને માનનારા લોકોના આ સુદૂર પ્રદેશને 'વિશ્વનું છાપરું' પણ કહે છે. ચીનમાં તિબેટનો દરજ્જો એક સ્વાયત્ત ક્ષેત્ર તરીકેનો છે.
ચીનનું કહેવું છે કે આ પ્રદેશ પર સદીઓથી તેની સંપ્રભુતા રહેલી છે, જ્યારે ઘણા તિબેટિયન લોકો પોતાની વફાદારી તેમના વિસ્થાપિત આધ્યાત્મિક નેતા દલાઈ લામા પ્રત્યે રાખે છે.
દલાઈ લામાને તેમના અનુયાયીઓ એક જીવિત ઈશ્વર તરીકે જુએ છે, તો ચીન એમને એક અલગતાવાદી ખતરો માને છે.
તિબેટનો ઇતિહાસ ઘણો ઉતારચઢાવવાળો રહ્યો છે. ક્યારેક તે એક સ્વયંશાસિત પ્રદેશ તરીકે રહ્યો, તો ક્યારેક મોંગોલિયા અને ચીનના શક્તિશાળી રાજવંશોએ એના પર રાજ કર્યું.
પરંતુ વર્ષ 1950માં ચીને આ વિસ્તાર પર પોતાનો ઝંડો લહેરાવવા માટે હજારોની સંખ્યામાં સૈનિકો મોકલી આપ્યા. તિબેટના કેટલાક વિસ્તારોને સ્વાયત્ત ક્ષેત્રમાં ફેરવી દેવાયા, તો બાકીના વિસ્તારોને તેની પાસેના ચીની પ્રાંતોમાં ભેળવી દેવાયા.
પરંતુ વર્ષ 1959માં ચીન વિરુદ્ધ થયેલા એક નિષ્ફળ વિદ્રોહ પછી ચૌદમા દલાઈ લામાને તિબેટ છોડી ભારતમાં શરણ લેવી પડી, જ્યાં તેમણે તિબેટની વિસ્થાપિત સરકારની રચના કરી.
60 અને 70ના દાયકામાં ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન તિબેટના મોટા ભાગના બૌદ્ધવિહારોને નષ્ટ કરી દેવાયા. માનવામાં આવે છે કે દમન અને સૈનિક શાસન દરમિયાન હજારો તિબેટિયનોએ જીવ ગુમાવ્યા હતા.

ચીન-તિબેટ વિવાદ ક્યારે શરૂ થયો?

ઇમેજ સ્રોત, AFP
ચીન અને તિબેટ વચ્ચે વિવાદ તિબેટની કાયદાકીય સ્થિતિને લઈને છે. ચીન કહે છે કે તિબેટ તેરમી સદીના મધ્યથી ચીનનો ભાગ રહ્યો છે, પરંતુ તિબેટિયનોનું કહેવું છે કે તિબેટ અનેક સદીઓ સુધી એક સ્વતંત્ર રાજ્ય હતું અને ચીનનો એના પર સતત અધિકાર નથી રહ્યો.
મોંગોલ રાજા કુબ્લાઇ ખાને યુઆન રાજવંશની સ્થાપના કરી હતી અને તિબેટ જ નહીં, ચીન, વિયેતનામ અને કોરિયા સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો.
પછી 17મી સદીમાં ચીનના ચિંગ રાજવંશના તિબેટ સાથે સંબંધો બન્યા. 260 વર્ષના સંબંધો પછી ચીનની સેનાએ તિબેટ પર પોતાનો અધિકાર સ્થાપિત કરો કરી દીધો, પરંતુ ત્રણ વર્ષની અંદર જ એને તિબેટિયનોએ ખદેડી મૂકી. અને 1912માં તેરમા દલાઈ લામાએ તિબેટની સ્વતંત્રતાની ઘોષણા કરી. પછી 1951માં ચીની સેનાએ એક વાર ફરી તિબેટ પર નિયંત્રણ કરી લીધું અને તિબેટના એક પ્રતિનિધિમંડળ પાસે એક સંધિ પર સહી કરાવી લીધી, જે હેઠળ તિબેટની સત્તા ચીનને સોંપી દેવાઈ. દલાઈ લામા ભારત નાસી આવ્યા અને ત્યારથી જ તેઓ તિબેટની સ્વાયત્તતા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

લ્હાસા : એક પ્રતિબંધિત શહેર

ઇમેજ સ્રોત, PETE SOUZA / THE WHITE HOUSE
જ્યારે ચીને તિબેટ પર કબજો કર્યો ત્યારે એને બહારની દુનિયાથી બિલકુલ કાપી નખાયું.
તિબેટમાં ચીની સેના તહેનાત કરી દેવાઈ. ત્યાંના રાજકારણમાં દખલગીરી કરાઈ જેને કારણે તિબેટના નેતા દલાઈ લામાએ ભાગીને ભારતમાં શરણ લેવી પડી.
પછી તિબેટનું ચીનીકરણ શરૂં થયું અને તિબેટની ભાષા, સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા એ બધાને નિશાના બનાવાયાં.
કોઈ પણ બહારની વ્યક્તિને તિબેટની રાજધાની લ્હાસા જવાની પરવાનગી નહોતી.
એટલા માટે એને પ્રતિબંધિત શહેર કહેવાય છે. વિદેશી લોકોના તિબેટ આવવા પર આ 1963માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જોકે 1971માં તિબેટના દરવાજા વિદેશી લોકો માટે ખોલી દેવાયા હતા.

દલાઈ લામાની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
ચીન અને દલાઇ લામાનો ઇતિહાસ જ ચીન અને તિબેટનો ઇતિહાસ છે. વર્ષ 1409માં જે સિખાંપાએ જેલગ સ્કૂલની સ્થાપના કરી હતી. આ સ્કૂલના માધ્યમથી બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાતો હતો.
આ જગ્યા ભારત અને ચીન વચ્ચે હતી જેને તિબેટ નામથી ઓળખવામાં આવે છે. આ જ સ્કૂલના સૌથી ચર્ચિત વિદ્યાર્થી હતા ગેંદૂન દ્રુપ. ગેંદૂન આગળ જતા પહેલા દલાઈ લામા બન્યા. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દલાઈ લામાને એક પ્રતીક તરીકે જુએ છે. એમને કરુણાના પ્રતીકરૂપે પણ જોવામાં આવે છે.
બીજી તરફ તેમના સમર્થકો તેમને તેમના નેતાના રૂપમાં પણ જુએ છે. દલાઈ લામાને મુખ્ય રૂપથી શિક્ષક તરીકે જોવામાં આવે છે. લામાનો અર્થ ગુરુ થાય છે.
લામા તેમના લોકોને સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે. તિબેટિયન બૌદ્ધ ધર્મના નેતા દુનિયાના તમામ બૌદ્ધોને માર્ગદર્શન આપે છે.
1630ના દશકમાં તિબેટના એકીકરણના સમયથી જ બૌદ્ધો અને તિબેટના નેતૃત્વ વચ્ચે લડાઈ ચાલી આવે છે. માન્ચુ, મોંગોલ અને ઓઇરાતના જૂથો વચ્ચે અહીં સત્તા માટે લડાઈ થતી રહી છે. અંતે પાંચમા દલાઈ લામા તિબેટને એક કરવામાં સફળ રહ્યા હતા. આ સાથે જ તિબેટ સાંસ્કૃતિક રૂપથી સંપન્ન બનીને ઊભર્યું હતું. તિબેટના એકીકરણ સાથે જ અહીં બૌદ્ધ ધર્મ પણ સમૃદ્ધ બન્યો.
જેલગ બૌદ્ધોએ ચૌદમા દલાઈ લામાને પણ માન્યતા આપી. દલાઈ લામાની ચૂંટણીપ્રક્રિયાને લઈને જ વિવાદ રહ્યો છે. તેરમા દલાઈ લામાએ 1912માં તિબેટને સ્વતંત્ર ઘોષિત કરી દીધું હતું.
લગભગ 40 વર્ષ પછી ચીને તિબેટ પર આક્રમણ કર્યું. ચીનનું આક્રમણ ત્યારે થયું જ્યારે ત્યાં ચૌદમા દલાઈ લામાને ચૂંટવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તિબેટને આ લડાઈમાં હારનો સામનો કરવો પડ્યો. કેટલાંક વર્ષો પછી તિબેટના લોકોએ ચીની શાસન વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો. તેઓ પોતાની સંપ્રભુતાની માગ કરવા લાગ્યા.
જોકે વિદ્રોહીઓને આમાં સફળતા ન મળી. દલાઈ લામાને લાગ્યું કે તેઓ ચીનની ચુંગાલમાં ખરાબ રીતે ફસાઈ જશે. આ દરમિયાન તેમણે ભારત તરફ પ્રયાણ કર્યું. દલાઈ લામા સાથે મોટી સંખ્યામાં તિબેટિયનો પણ ભારત આવ્યા હતા. આ વર્ષ 1959નું હતું.
ચીનને ભારતમાં દલાઈ લામાને શરણ મળવી અનુકૂળ ન આવ્યું. ત્યારે ચીનમાં માઓત્સે તુંગનું શાસન હતું. દલાઈ લામા અને ચીનના કૉમ્યુનિસ્ટ શાસન વચ્ચે તણાવ વધતો ગયો. દલાઈ લામાને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મળી, પરંતુ હજી સુધી તેઓ વિસ્થાપિતનું જીવન જ જીવી રહ્યા હતા.

શું તિબેટ ચીનનો હિસ્સો છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચીન તિબેટ સંબંધો સાથે જોડાયેલા અનેક સવાલ છે જે લોકોના મનમાં ઘણી વાર આવે છે, જેમ કે શું તિબેટ ચીનનો હિસ્સો છે? ચીનના નિયંત્રણમાં આવ્યા પહેલાં તિબેટ કેવું હતું? અને તે પછી શું બદલાઈ ગયું?
તિબેટની વિસ્થાપિત સરકારનું કહેવું છે કે "એ વાત પર કોઈ વિવાદ નથી કે ઇતિહાસના અલગ-અલગ સમયખંડોમાં તિબેટ વિદેશી શક્તિઓના પ્રભાવમાં રહ્યું હતું. મંગોલો, નેપાળના ગોરખાઓ, ચીનના માંચુ રાજવંશ અને ભારત પર રાજ કરનાર બ્રિટિશ શાસકો તમામની તિબેટના ઇતિહાસમાં કેટલીક ભૂમિકા રહી છે, પરંતુ ઇતિહાસના અન્ય કાલખંડોમાં એ તિબેટ હતું, જેણે તેના પડોશીઓ પર શક્તિ અને પ્રભાવનો ઉપયોગ કર્યો અને આ પડોશીઓમાં ચીન પણ સામેલ હતું."
"દુનિયામાં આજે કોઈ પણ એવો દેશ શોધવો મુશ્કેલ હશે જેના ઉપર ઇતિહાસના કોઈક સમયે કોઈ વિદેશી શક્તિનો પ્રભાવ અથવા આધિપત્ય રહ્યું ન હોય. તિબેટના મામલામા વિદેશી પ્રભાવ અથવા દખલગીરી તુલનાત્મક રૂપે ઘણી જ સીમિત રહી હતી."
પરંતુ ચીનનું કહેવું છે કે 700 વર્ષથી પણ વધુ સમયથી તિબેટ પર ચીનની સંપ્રભુતા રહી છે. અને તિબેટ ક્યારેય પણ એક સ્વતંત્ર દેશ નથી રહ્યો. દુનિયાના કોઈ પણ દેશમાં ક્યારેય પણ તિબેટને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા નથી મળી.

જ્યારે ભારતે તિબેટને ચીનનો હિસ્સો માન્યો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2003ના જૂન મહિનામા ભારતે સત્તાવાર રીતે માની લીધું હતું કે તિબેટ ચીનનો હિસ્સો છે.
ચીનના રાષ્ટ્રપતિ જિયાંગ જેમીન સાથે ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની મુલાકાત પછી ભારતે પહેલી વાર તિબેટને ચીનનો ભાગ માની લીધો હતો. જોકે ત્યારે એમ કહેવાયું હતું કે આ માન્યતા પરોક્ષ છે.
પણ બંને દેશો વચ્ચે સંબંધોમાં એેને એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવ્યું હતું.
વાજપેયી-જિયાંગ જેમીનની વાતચીત પછી ચીને પણ ભારત સાથે સિક્કિમના રસ્તે વેપારની શરત માની લીધી હતી. ત્યારે આ પગલાને એ રીતે જોવાયું હતું કે ચીને પણ સિક્કિમને ભારતના હિસ્સાનાં રૂપમાં સ્વીકાર કરી લીધું છે.
ભારતીય અધિકારીઓએ એ વખતે એમ કહ્યું હતું કે ભારતે આખા તિબેટને માન્યતા નથી આપી જે ચીનનો એક મોટો હિસ્સો છે, પરંતુ એ હિસ્સાને માન્યતા આપી છે જેને સ્વાયત્ત તિબેટ ક્ષેત્ર માનવામાં આવે છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












