ભારત-ચીન સીમાવિવાદ : 'મારી પિસ્તોલની ગોળી ચીની સૈનિકની ડાબી આંખની ઉપર વાગી'

ચીન
    • લેેખક, કે. કે. તિવારી
    • પદ, ભારતીય સેનાના મેજર જનરલ (રિટાયર્ડ)

19 ઑક્ટોબરની રાત મેં ગોરખાઓ સાથે વિતાવી. મારો ઇરાદો હતો કે 20 ઑકટોબરની સવારે હું રાજપૂતો પાસે જાઉં પરંતુ એવું ન થઈ શક્યું. એ પછી તો ચીનીઓની ઇચ્છા પ્રમાણે મારે કરવું પડ્યું. પછીની સવારે હું રાજપૂતો પાસે ગયો જરૂર પરંતુ એક યુદ્ધબંદી તરીકે.

20 ઑકટોબરની સવારે ભારે બૉમ્બમારાના અવાજ સાંભળીને ગાઢ ઊંઘમાંથી મારી આંખ ખૂલી.

હું બંકરમાંથી બહાર આવ્યો અને કોઈક રીતે ચાલતાં-પડતાં સિગ્નલના બંકર સુધી પહોંચ્યો જ્યાં મારી રેજિમૅન્ટના બે સિગ્નલમૅન મુખ્યાલય સાથે રેડિયો સંપર્ક જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા હતા.

ટેલિફોન લાઇનો કપાઈ ગઈ હતી પરંતુ કોઈક રીતે બ્રિગેડ મુખ્યાલય સાથે રેડિયોસંપર્ક સ્થાપિત થઈ ગયો. મેં એમને જબરદસ્ત બૉમ્બમારાની સૂચના આપી.

line

સન્નાટો અને ફરી ગોળીબારી

મેજર જનરલ કે કે તિવારી સાથે બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ
ઇમેજ કૅપ્શન, મેજર જનરલ કે કે તિવારી સાથે બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ

થોડીવારમાં ગોળીબાર રોકાઈ ગયો અને ઘેરો સન્નાટો છવાઈ ગયો.

થોડીવાર પછી પહાડ પરથી નાનાં હથિયારો વડે રહી-રહીને ફાયરિંગ થવા લાગ્યું અને મેં જોયું કે લાલ તારો લગાડેલી ખાખી વર્દી પહેરેલા ચીની સૈનિક નીચે ઊતરતાં-ઊતરતાં ફાયરિંગ કરી રહ્યા છે અને અમારા બંકર તરફ આવી રહ્યા છે.

ત્યારે જ મને અનુભવ થયો કે મને અને મારા બે સિગ્નલમૅન (જે ત્યાં મહેમાન તરીકે આવ્યા હતા)ને છોડીને બટાલિયનના બધા લોકો ક્યારના પાછળ હટી ચૂક્યા હતા.

મેં કોઈ ચીની સૈનિકને આટલા નજીકથી અગાઉ ક્યારેય જોયો ન હતો. મારાં ધબકારા વધવા લાગ્યા હતા.

ચીનીઓનું પહેલું ઝૂંડ અમને પાછળ છોડીને આગળ નીકળી ગયું હતું.

અમે હજુ તો વિચારી જ રહ્યા હતા કે બંકરમાંથી બહાર નીકળીએ અને બ્રિગેડ મુખ્યાલય તરફ જવાનું શરૂ કરીએ. ત્યાં જ અમને ચીની સૈનિકોનું બીજું ઝૂંડ નીચે ઊતરતું દેખાયું.

તેઓ પણ અગાઉની રીતે જ રહી-રહીને ફાયરિંગ કરી રહ્યા હતા. પરંતુ આ ઝૂંડ એક-એક બંકરની તપાસ કરતાં આગળ વધતું હતું. તેઓ બંકરોમાં ગ્રૅનેડ્સ ફેંકી રહ્યા હતા જેથી એમાં કોઈ ભારતીય સૈનિક જીવતો બચી ન જાય.

line

જે ઘા રુઝાયા નથી

ચીનની સરહદ

એ જમાનામાં હું મારી પાસે 9 એમ એમની બ્રાઉનિંગ ઑટોમૅટિક પિસ્તોલ રાખતો હતો.

મને વિચાર આવ્યો કે મારા મૃતદેહ પાસે એવી પિસ્તોલ ન મળવી જોઈએ જેમાંથી એક પણ ગોળી ચાલી ન હોય.

એનો ઉપયોગ થવો જોઈએ. ભલે અમારી હાલત કેટલી પણ દયનીય કેમ ન હોય.

જેવા ચીની સૈનિકો અમારા બંકર તરફ આવ્યા કે મેં પિસ્તોલની આખી ક્લિપ એમના ઉપર ખાલી કરી દીધી, પહેલાં ચીની સૈનિકની ડાબી આંખની ઉપર ગોળી વાગી અને તે ત્યાં જ પડી ગયો અને નીચેની તરફ ગબડતો ગયો.

તે મરી જ ગયો હશે કારણ કે ન તો તેણે બૂમ પાડી કે ન તો એણે કોઈ અન્ય અવાજ કર્યો. બીજા ચીની સૈનિકના ખભા પર ગોળી વાગી અને એ પણ નીચે પડી ગયો. એ પછી તો જાણે આફત જ આવી ગઈ.

ગોળીઓ વરસાવતાં અને બૂમો પાડતાં અનેક ચીની સૈનિકો બંકર તરફ આવવા લાગ્યા. એક સિગ્નલમૅન તો ગોળીઓથી ખરાબ રીતે ઘાયલ થઈ ગયો.

મને હજુ પણ યાદ છે કે તેના શરીરમાંથી એ રીતે લોહી નીકળી રહ્યું હતું જાણે કોઈ નળમાંથી પાણી નીકળતું હોય. એ પછી બે ચીની સૈનિક અમારા બંકરમાં કૂદ્યા.

એમણે રાયફલની બટથી મારા પર પ્રહાર કર્યો અને મને ખેંચીને ધક્કા મારતાં બંકરની બહાર લઈ આવ્યા. મને માર્ચ કરાવતાં થોડી દૂર લઈ જવાયો અને મને બેસવાનું કહેવામાં આવ્યું.

line

ચીની સૈનિકનું વર્તન અપમાનજનક હતું

ચીનની સરહદ

થોડીવાર પછી એક ચીની અધિકારી આવ્યો જે ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલી શકતો હતો એણે મારા ખભા પર લાગેલા મારા રૅન્કને જોયો અને તે મારી સાથે અપમાનજનક રીતે વર્તવા લાગ્યો.

મારી પાસે જ એક ગોરખા સૈનિક પડ્યો હતો જે બેહોશ હતો.

કેટલીક ક્ષણો માટે જ્યારે એને હોશ આવ્યો તો એણે મારી તરફ જોયું અને કદાચ મને ઓળખીને કહ્યું કે "સા'બ પાણી."

હું કૂદીને એની મદદ માટે આગળ વધ્યો ત્યાં જ ચીની કૅપ્ટને મને માર્યું અને તે મારી પર બરાડ્યો, "બેવકૂફ કર્નલ બેસી જા. તું કેદી છે. જ્યાં સુધી હું ન કહું તું હલી શકે નહીં. નહીં તો હું તને ગોળી મારી દઈશ."

થોડીવાર પછી અમને નામકા ચૂ નદીની પાસે એક પાતળા રસ્તા પર માર્ચ કરાવાઈ. પહેલાં ત્રણ દિવસ અમને કંઈ પણ ખાવાનું આપવામાં ન આવ્યું.

પછી પહેલીવાર બાફેલા ખારા ભાત અને તળેલા સૂકા મૂળા ખાવામાં આપ્યા.

line

હૃદયદ્રાવક દૃશ્ય

ચીનની સરહદ

ઇમેજ સ્રોત, Bharat Rakshak

અમે 26 ઑકટોબરે ચેન યેની યુદ્ધબંદી શિબિરમાં પહોંચ્યા.

મને પહેલાં બે દિવસ સુધી એક અંધારા અને ભેજવાળા ઓરડામાં એકલો રાખવામાં આવ્યો. એ પછી કર્નલ રિખને મારા ઓરડામાં લાવવામાં આવ્યા, જેઓ ખરાબ રીતે ઘાયલ હતા.

શિબિરમાં અમને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. અધિકારીઓ અને જવાનોને અલગ-અલગ રખાયા હતા. દરેક સમૂહની પોતાની અલગ રસોઈ હતી.

જ્યાં ચીનીઓ દ્વારા નક્કી કરાયેલા ભારતીય સૈનિક બધા માટે ખાવાનું બનાવતા હતા.

જે ઘરમાં અમને રખાયા હતા, એને બારી અને દરવાજા નહોતાં. કદાચ ચીનીઓએ એનો ઉપયોગ બળતણ તરીકે કરી લીધો હતો.

હું સમય પસાર કરવા મારા ઓરડામાં જ ચારે બાજુ ફરતો હતો.

line

કડકડતી ઠંડી

ઝંડો

પહેલી બે રાતો તો અમે ઠંડીથી થથરતા રહ્યા. અમને જ્યારે અંદર લવાઈ રહ્યા હતા ત્યારે અમે જોયું કે ત્યાં જંગલી ઘાસનો ઢગલો પડયો હતો અમે ચીનીઓને પૂછ્યું કે શું અમે એનો ઉપયોગ કરી શકીએ છીએ.

સદ્ભાગ્યે ચીનીઓએ અમારી આ વિનંતી માની લીધી. ત્યાર પછી તો અમે આ જંગલી ઘાસને ગોદડાં અને ધાબળા તરીકે વાપર્યું.

8 નવેમ્બરે જ્યારે ચીનીઓએ અમને જણાવ્યું કે તમાંગ પર એમનો કબજો થઈ ગયો છે, તો અમે ઘણા ચિંતિત થઈ ગયા. ત્યાં સુધી અમને કોઈ પણ અંદાજ નહોતો કે લડાઈ કઈ તરફ જઈ રહી છે.

એમણે ક્યાંકથી જાણકારી મેળવી લીધી કે મને 4 નવેમ્બર 1942માં ભારતીય સેનામાં કમિશન મળ્યું હતું.

4 નવેમ્બર 1962ના દિવસે એક ચીની અધિકારી ભારતીય સેનામાં મારા જોડાયાની 20મી વર્ષગાંઠ ઊજવવા માટે વાઇનની એક નાની બૉટલ લઈને મારી પાસે આવ્યો.

ભારતીય સૈનિકોની ભાવનાઓેને પ્રભાવિત કરવા માટે ચીનીઓ ખાસ તહેવારો પર વિશેષ ખાવાનું આપતા હતા અને ભારતીય ફિલ્મો પણ બતાવતા હતા.

અમારા કૅમ્પમાં એક ખૂબ જ સુંદર ચીની લેડી ડૉક્ટર હતી જે ક્યારેક-ક્યારેક રિખને જોવા માટે આવતી હતી. સાચું કહું તો અમને બધા લોકોને એની સાથે પ્રેમ થઈ ગયો હતો.

line

રેડ ક્રૉસ તરફથી પાર્સલ

કે કે તિવારીએ ચીની સૈનિકોના પદોનાં નામ હિંદીમાં લખ્યા હતા
ઇમેજ કૅપ્શન, કે કે તિવારીએ ચીની સૈનિકોના પદોનાં નામ હિંદીમાં લખ્યા હતા

ડિસેમ્બરના અંત સુધી રહે રેડ ક્રૉસે ભારતીય યુદ્ધકેદીઓ માટે બે પાર્સલ મોકલ્યા.

એકમાં ગરમ કપડાં હતાં, જર્મન બેન્ટિલ ડ્રેસ, ગરમ ગંજી, મફલર, ટોપી, ગરમ શર્ટ, જૂતાં અને ટુવાલ. બીજા પૅકેટમાં ખાવાનો સામાન હતો.

સાથે ચૉકલેટ, દૂધનાં ટિન, જામ, માખણ, માછલીઓ, ખાંડનાં પૅકેટ, લોટ, દાળ, સૂકાં વટાણાં, મીઠું, ચા, બિસ્કિટ, સિગારેટ અને વિટામિનની ગોળીઓ.

16 નવેમ્બરે પહેલીવાર અમને ઘરે કાગળ લખવાની મંજૂરી અપાઈ. અમને ચાર લેફ્ટિનન્ટ કર્નલને ઘરે તાર મોકલવાની અનુમતિ પણ અપાઈ.

અમારા પત્રો સેન્સર થઈ રહ્યા હતા એટલા માટે અમે ચીનાઓને ન ગમે એવી કોઈ પણ વાત લખી શકતા ન હતા.

એક પત્રના અંતે મેં લખ્યું કે મને રેડ ક્રૉસ તરફથી કેટલાંક ગરમ કપડાં અને ખાવાની વસ્તુઓ મોકલો.

મારી ચાર વર્ષની પુત્રી આભાએ એનો અર્થ એમ લગાવ્યો અને એણે પોતાની માતાને કહ્યું પણ કે લાગે છે કે ડૅડીને ઠંડી લાગી રહી છે અને તેઓ ભૂખ્યા પણ છે.

ચીનીઓ ઘણીવાર પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ પર ભારતીય ગીતો વગાડતાં હતાં.

એક ગીત વારંવાર વગાડવામાં આવતું હતું અને એ હતું લતા મંગેશકરનું ગીત આ જા રે મેં તો કબસે ખડી ઇસ પાર... આ ગીત સાંભળીને અમને ઘરની ઘણી યાદ આવવા લાગતી.

line

બહાદુરશાહ ઝફરની ગઝલો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અમને એ દિવસે ઘણું આશ્ચર્ય થયું, જ્યારે એક ચીની મહિલાએ આવીને અમને બહાદુરશાહ ઝફરની કેટલીક ગઝલો સંભળાવી.

અમારા સાથી રતન અને આ મહિલાએ એકબીજાને ઝફરના લખેલા શેર સંભળાવ્યા, જે તેમણે દિલ્હીથી કાઢી મુકાયા પછી રંગૂનમાં લખ્યા હતા. કદાચ આ ઉર્દૂ બોલનારી મહિલા લખનૌમાં અનેક વર્ષો સુધી રહી હશે.

અમે આ દરમિયાન ચીનમાં સોય દ્વારા કરાતી સારવારનો કમાલ પણ જોયો. અમારા મિત્ર રિખની માઇગ્રેનની સમસ્યા પણ એનાથી કાયમ માટે જતી રહી.

આમાં પેલી સુંદર લેડી ડૉક્ટરની ભૂમિકા હતી કે સોયની, એ તો તમે અંદાજ લગાવી શકો.

ચીનીઓએ નક્કી કરી લીધું કે ભારત મોકલતા પહેલાં અમને ચીનદર્શન કરાવાય. વુહાનમાં 10 અન્ય ભારતીય યુદ્ધબંદી અધિકારી અમને આવીને મળ્યા.

એમાં મેજર ધનસિંહ થાપા પણ હતા, જેમને વીરતા માટે પરમવીર ચક્ર આપવામાં આવ્યું હતું.

line

બીબીસી સાંભળવાની છૂટ

બીબીસી

અહીં પહેલી વાર અમને છૂટથી રેડિયો સાંભળવાની પરવાનગી અપાઈ અને અમે ચીનમાં પહેલી વખત ઑલ ઇન્ડિયા રેડિયો અને બીબીસીને સાંભળ્યા.

ચીનમાં ફર્યા એ દરમિયાન એક સરસ કપડાં પહેરેલો ચીની અમારી સાથે રહ્યો. અમે એને જનરલ કહીને બોલાવતા હતા.

એની પાછળ હંમેશાં એક બીજો ચીની ચાલતો હતો, જે એને માટે ખુરશી ખેંચતો હતો અને ચા બનાવતો હતો. અમે એને જનરલ નો અર્દલી કહેતા.

જ્યારે અમને ભારત પરત મોકલવાનો સમારોહ થઈ રહ્યો હતો ત્યારે ચીન તરફથી કાગળ ઉપર હસ્તાક્ષર કરનાર વ્યક્તિ આ પેલો અર્દલી હતો અને હસ્તાક્ષર કરવા માટે એને કલમ આપી રહેલો વ્યક્તિ જનરલ હતો.

સવારે નવ વાગ્યે અમે કુનમિંગથી કોલકાતા માટે ઉડાણ ભરી. બપોરે એક વાગીને વીસ મિનિટે અમે ત્યાં ઊતરાવાના હતા પરંતુ અમારું વિમાન ઉપર જ ચક્કર લગાવતું રહ્યું.

વિમાનચાલકે ઘોષણા કરી કે વિમાનનાં પૈડાં ખૂલી નથી રહ્યાં અને બની શકે કે અમારે ક્રૅશ-લૅન્ડ કરવું પડે. છેવટે અમે બે વાગીને ત્રીસ મિનિટે દમદમ હવાઈ મથકે ઊતર્યા.

કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ત્યાં ફાયરબ્રિગેડની એક આખી કતાર ઊભી હતી.

જ્યારે વિમાન હવામાં હતું ત્યારે અમે વિચારી રહ્યા હતા કે આને વિડંબના જ કહેવાશે કે ચીનથી આટલી મુસીબતો વચ્ચે પણ બચ્યા પછી અમે ભારતમાં ક્રૅશ-લૅન્ડ કરીને મરવા જઈ રહ્યા હતા.

(બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ સાથેની વાતચીત પર આધારિત. આ વાતચીત 2012માં કરવામાં આવી હતી. મેજર જનરલ કે કે તિવારી હવે આ દુનિયામાં નથી. 2016માં તેમનું પુડુચેરીમાં નિધન થ ગયું)

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો