ભારત-ચીન સીમા વિવાદઃ અક્સાઈ ચીનથી તવાંગ સુધી, ક્યાં-ક્યાં છે તંગદિલી?

પેગોંગ ત્સો સરોવર

ઇમેજ સ્રોત, VEER KAUR/INDIAPICTURES/UNIVERSAL IMAGES/GETTY

ઇમેજ કૅપ્શન, પેગોંગ ત્સો સરોવર
    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી

સારાંશ

  • અરુણાચલ પ્રદેશના તવાંગમાં બન્ને દેશના સૈનિકો વચ્ચે 2022ની નવ ડિસેમ્બરે અથડામણ થઈ હતી
  • ચીને પૂર્વ લદ્દાખના પેગોંગ ત્સો સરોવરમાં પેટ્રોલિંગ બોટની તૈનાતી વધારી દીધી હતી
  • ભારતની ચીન સાથે 3,488 કિલોમીટર લાંબી સહિયારી સીમા છે
  • 134 કિલોમીટર લાંબું પેગોંગ ત્સો હિમાલયમાં લગભગ 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે
  • ગલવાન ખીણનો વિવાદાસ્પદ વિસ્તાર અક્સાઈ ચીનમાં આવેલો છે
  • ભારત અને ચીન વચ્ચે ડોકલામ બાબતે 2017માં જોરદાર વિવાદ થયો હતો
બીબીસી ગુજરાતી

ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર સીમા વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે.

અરુણાચલ પ્રદેશના તવાંગમાં બન્ને દેશના સૈનિકો વચ્ચે 2022ની નવ ડિસેમ્બરે અથડામણ થઈ હતી. ભારતીય સૈન્યનું કહેવું છે કે, તે અથડામણમાં બન્ને દેશના કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા, પરંતુ તેમાં ચીની સૈનિકોની સંખ્યા વધારે છે.

1975 પછી બન્ને દેશના સૈનિકો વચ્ચે 2020માં પૂર્વ લદ્દાખના ગલવાનમાં હિંસક અથડામણ થઈ હતી. તેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

એ પછી ચીને પૂર્વ લદ્દાખના પેગોંગ ત્સો સરોવરમાં પોતાની પેટ્રોલિંગ બોટની તૈનાતી વધારી દીધી હતી. આ વિસ્તાર લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે આવેલો છે.

વાસ્તવિક નિયંત્રણ રેખા પર બન્ને દેશો પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યા હોવાના સમાચાર આ અગાઉ પણ આવ્યા હતા.

એ સમયે ભારતે જણાવ્યું હતું કે, અક્સાઈ ચીનસ્થિત ગલવાન ખીણના કિનારે, ચીની સૈન્યના કેટલાક તંબુ જોવા મળ્યા છે. એ પછી ભારતે પણ ત્યાં પોતાના સૈન્યની તૈનાતી વધારી હતી.

ચીનનો આરોપ હતો કે, ભારત ગલવાન ખીણ પાસે સંરક્ષણ સંબંધી ગેરકાયદે નિર્માણ કરી રહ્યું છે. સવાલ એ છે કે, ભારત અને ચીન વચ્ચે અલગ-અલગ વિસ્તારોમાં આવા વિવાદ આખરે શા માટે સર્જાય છે?

બીબીસી ગુજરાતી

વર્ષો જૂનો સીમા વિવાદ

ભારત અને ચીની સૈનિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અને ચીની સૈનિક
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતની ચીન સાથે 3,488 કિલોમીટર લાંબી સહિયારી સીમા છે. તે સીમા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે.

આ સરહદ ત્રણ સૅક્ટરમાં વહેંચાયેલી છે. પશ્ચિમી સૅક્ટર એટલે કે જમ્મુ-કાશ્મીર, મિડલ સૅક્ટર એટલે કે હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડ અને પૂર્વ સૅક્ટર એટલે કે સિક્કિમ તથા અરુણાચલ પ્રદેશ.

બન્ને દેશ વચ્ચે અત્યારસુધી સંપૂર્ણ સીમાંકન થયું નથી, કારણ કે અનેક વિસ્તારો બાબતે બન્ને વચ્ચે મતભેદ છે.

ભારત પશ્ચિમી સૅક્ટરમાં અક્સાઈ ચીન પર પોતાના કબજાનો દાવો કરે છે, પરંતુ એ વિસ્તાર હાલ ચીનના નિયંત્રણમાં છે. ભારત સાથે 1962ના યુદ્ધ દરમિયાન ચીને એ સમગ્ર વિસ્તાર પર કબજો કરી લીધો હતો.

પૂર્વ સેક્ટરમાં પણ ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. ચીન કહે છે કે, તે દક્ષિણ તિબેટનો હિસ્સો છે. ચીન તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મૅકમોહન રેખાને પણ સ્વીકારતું નથી.

ચીનનું કહેવું છે કે, 1914માં બ્રિટિશ ભારત તથા તિબેટના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી થઈ ત્યારે તેમાં તે હિસ્સેદાર ન હતું. તિબેટ ચીનનું અંગ છે. તેથી તે પોતે કોઈ નિર્ણય કરી શકે નહીં.

વાસ્તવમાં 1914માં તિબેટ એક સ્વતંત્ર, પરંતુ નિર્બળ દેશ હતો, પણ ચીને તિબેટને ક્યારેય સ્વતંત્ર દેશ ગણ્યો નથી. 1950માં ચીને તિબેટને સંપૂર્ણ રીતે પોતાના કબજામાં લઈ લીધું હતું.

આમ ચીન અરુણાચલ પ્રદેશમાં મૅકમોહન રેખાનો સ્વીકાર કરતો નથી અને અક્સાઈ ચીન પરના ભારતના દાવાનો પણ અસ્વીકાર કરે છે.

બીબીસી ગુજરાતી

વાસ્તવિક નિયંત્રણ રેખા

આ વિવાદોને કારણે બન્ને દેશ વચ્ચે ક્યારેય સીમા નિર્ધારણ થઈ શક્યું નથી. યથાસ્થિતિ જાળવી રાખવા માટે લાઈન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ એટલે કે એલએસી શબ્દનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. જોકે, હજુ તે પણ સ્પષ્ટ નથી. બન્ને દેશ પોતપોતાની અલગ-અલગ વાસ્તવિક નિયંત્રણ રેખા દર્શાવે છે.

એલએસી પર અનેક ગ્લૅશિયર, બરફના રણ, પહાડ અને નદીઓ આવેલી છે. એલએસી નજીકના અનેક વિસ્તારોમાં ભારત તથા ચીનના સૈનિકો વચ્ચે તંગદિલીના સમાચાર વારંવાર આવતા રહે છે.

બીબીસી ગુજરાતી

પેગોંગ ત્સો વિશેનો વિવાદ

134 કિલોમીટર લાંબું પેગોંગ ત્સો હિમાલયમાં લગભગ 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. એ સરોવરનો 45 કિલોમીટર હિસ્સો ભારતમાં આવેલો છે, જ્યારે 90 કિલોમીટર ક્ષેત્ર ચીનમાં આવેલું છે. વાસ્તવિક નિયંત્રણ રેખા સરોવરની વચ્ચેથી પસાર થાય છે.

પશ્ચિમી સેક્ટરમાં ચીન તરફથી અતિક્રમણ એક તૃતિયાંશ કિસ્સામાં આ પેગોંગ ત્સો પાસેથી કરવામાં આવતું હોવાનું કહેવાય છે.

તેનું કારણ એ છે કે આ ક્ષેત્રમાં બન્ને દેશો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા બાબતે સહમતિ નથી. બન્ને દેશે પોતપોતાની અલગ-અલગ એલએસી નક્કી કરી છે.

તેથી આ વિવાદિત હિસ્સામાં બન્ને દેશના સૈનિકો વચ્ચે અનેકવાર અથડામણ થાય છે. બન્ને દેશને લાગે છે કે સામા દેશના સૈનિકો તેમના ક્ષેત્રમાં આવી ગયા છે.

વ્યૂહાત્મક રીતે આ સરોવર બહુ મહત્ત્વનું છે, કારણ કે તે ચુશૂલ ખીણના રસ્તામાં આવેલું છે અને ચીન એ માર્ગનો ઉપયોગ ભારતના અંકુશ હેઠળના વિસ્તારમાં હુમલા માટે કરી શકે છે.

1962ના યુદ્ધ દરમિયાન આ જ સ્થળેથી ચીને પોતાનું મુખ્ય આક્રમણ શરૂ કર્યું હતું. પાછલા વર્ષોમાં ચીને પેગોંગ ત્સોના પોતાના હિસ્સામાંના કિનારા પર રસ્તાનું નિર્માણ કર્યું હોવાના સમાચાર પણ આવ્યા હતા.

બીબીસી ગુજરાતી

ગલવાન ખીણનો વિવાદ

સિક્કિમની રાજધાની ગંગટોકથી લગભગ 54 કિમી દૂર છે નાથૂલા ગેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિક્કિમની રાજધાની ગેંગટોકથી લગભગ 54 કિમી દૂર છે નાથૂલા ગેટ

ગલવાન ખીણનો વિવાદાસ્પદ વિસ્તાર અક્સાઈ ચીનમાં આવેલો છે. ગલવાન ખીણ લદ્દાખ તથા અક્સાઈ ચીન વચ્ચે ભારત-ચીન સીમા નજીક આવેલી છે.

અહીં એલએસી અક્સાઈ ચીનને ભારતથી અલગ કરે છે. આ ખીણ ચીનના દક્ષિણ શિનજિયાંગ અને ભારતના લદ્દાખ સુધી ફેલાયેલી છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એસ. ડી. મુનિએ બીબીસીને જણાવ્યુ હતું કે, “આ પ્રદેશ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે, કારણ કે તે પાકિસ્તાન, ચીનના શિનજિયાંગ અને લદ્દાખની સીમાને અડીને આવેલો છે. 1962માં પણ ગલવાન નદીનો આ પ્રદેશ યુદ્ધનું મુખ્ય કેન્દ્ર હતું.”

એસ.ડી. મુનિએ જણાવ્યુ હતું કે, ચીન ગલવાન ખીણમાંના ભારતના નિર્માણને ગેરકાયદે ગણાવી રહ્યું છે, કારણ કે એલએસીને સ્વીકારવાનો અને તેમાં નવું નિર્માણ નહીં કરવાની સમજૂતી ભારત અને ચીન વચ્ચે થયેલી છે.

અલબત, ચીન ત્યાં જરૂરી સૈન્ય બાંધકામ પહેલાંથી જ કરી ચૂક્યું છે અને હવે તે યથાસ્થિતિ જાળવી રાખવાની વાત કરે છે. પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે હવે ભારત પણ ત્યાં વ્યૂહાત્મક બાંધકામ કરવા ઇચ્છે છે.

બીબીસી ગુજરાતી

ડોકલામનો વિવાદ

ભારત અને ચીન વચ્ચે ડોકલામ બાબતે 2017માં જોરદાર વિવાદ થયો હતો. તે 70-80 દિવસ ચાલ્યો હતો અને પછી વાતચીત વડે તેનું નિરાકરણ થયું હતું.

ભારતે પહાડી ક્ષેત્ર ડોકલામમાં માર્ગ બનાવવાના ચીનના પ્રયાસનો વિરોધ કર્યો, ત્યારે વિવાદ શરૂ થયો હતો.

ડોકલામ આમ તો ચીન અને ભૂતાન વચ્ચેનો વિવાદ છે, પરંતુ એ વિસ્તાર સિક્કિમ સરહદ નજીક આવેલો છે. વાસ્તવમાં તે એક ટ્રાઈ-જંક્શન પોઇન્ટ છે એટલે કે ભારત, ચીન અને ભૂતાન ત્રણેયની સીમા ત્યાં મળે છે.

આ જ કારણસર સમગ્ર વિસ્તાર ભારત માટે વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનો છે. ચીન ડોકલામમાં સડક બનાવી લે તો ભારતની ચિકન નેક પર જોખમ સર્જાઈ શકે છે.

દક્ષિણમાં બાંગ્લાદેશ અને ઉત્તર ભૂતાનની સીમા વચ્ચે આવેલા 20 કિલોમીટર પહોળા વિસ્તારને ચિકન નેક કહેવામાં આવે છે. આ પ્રદેશ ભારતને પૂર્વોત્તર ભારત સાથે જોડે છે.

ભારતીય સૈન્યના જાણકારો માને છે કે, ડોકલામ નજીકનું સિક્કિમ જ એ જગ્યા છે, જ્યાંથી ભારત ચીનના કોઈ પણ પ્રયાસ પર કોઈક રીતે હુમલો કરી શકે.

સીમા પર હિમાલયમાં આ એકમાત્ર એવો પ્રદેશ છે, જેને ભૌગોલિક રીતે ભારતીય સૈન્ય સારી રીતે સમજે છે અને તેનો વ્યૂહાત્મક લાભ લઈ શકે છે. ભારતીય સૈન્યને અહીં ઉંચાઈનો લાભ મળી શકે છે, જ્યારે ચીની સૈન્ય ભારત તથા ભૂતાન વચ્ચે ફસાયેલું રહેશે.

બીબીસી ગુજરાતી

તવાંગની વાત

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પર ચીનનો ડોળો કાયમ રહ્યો છે. તે તવાંગને તિબેટનો હિસ્સો માને છે અને કહે છે કે, તવાંગ તથા તિબેટની સંસ્કૃતિમાં ઘણી સાંસ્કૃતિક સમાનતા છે.

તવાંગ બૌદ્ધોનું મુખ્ય ધર્મસ્થળ પણ છે. તેથી કહેવામાં આવે છે કે, ચીન તવાંગને પોતાની સાથે લઈને મુખ્ય બૌદ્ધ ધર્મસ્થળો પરની મજબૂત પકડ બનાવવા ઇચ્છે છે.

દલાઈ લામાએ તવાંગના બૌદ્ધ મઠની મુલાકાત લીધી, ત્યારે પણ ચીને તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

બીબીસી ગુજરાતી

નાથૂલાનું શું છે?

નાથૂલા હિમાલયનો એક પહાડી માર્ગ છે, જે સિક્કિમ તથા દક્ષિણ તિબેટમાંની ચુમ્બી ખીણને જોડે છે. તે ભારતની બાજુએ સિક્કિમની રાજધાની ગેંગટોકથી લગભગ 54 કિલોમીટર પૂર્વમાં આવેલો છે.

14,200 ફીટની ઊંચાઈ પર આવેલો નાથૂલા ભારત માટે મહત્ત્વનો છે, કારણ કે ચીની તિબેટ ક્ષેત્રમાં સ્થિત કૈલાસ માનસરોવરની યાત્રા માટે ભારતીયો અહીંથી પસાર થાય છે.

1962માં ભારત-ચીન યુદ્ધ પછી આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. 2006માં અનેક દ્વિપક્ષી વ્યાપાર કરાર બાદ નાથૂલા ફરી ખોલવામાં આવ્યો હતો, કારણ કે 1890ની સંધિ અનુસાર, ભારત અને ચીન વચ્ચે નાથૂલા સીમા બાબતે કોઈ વિવાદ નથી.

જોકે, મે, 2020માં સમાચાર આવ્યા હતા કે, નાથૂલા પાસ નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

બીબીસી ગુજરાતી

સીમા વિવાદના નિરાકરણના પ્રયાસ

ભારત-ચીનની બાબતો પર નજર રાખતા ગીતા કોચરે જણાવ્યું હતું કે, “બન્ને દેશોએ બોર્ડર મૅનેજમૅન્ટ સમિતિઓની રચના કરી છે.”

તેમણે કહ્યું હતું કે, “સીમા નિર્ધારણનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સીમા વિવાદ સંબંધી જે સમસ્યાઓ સર્જાય તેને મોટી તંગદિલીમાં પરિવર્તીત થતી રોકવાનું કામ આ સમિતિઓનું છે, જેથી યુદ્ધની સ્થિતિ ન સર્જાય.”

પીઆઈબીના જણાવ્યા મુજબ, ભારત અને ચીને સીમા સમસ્યાના સમાધાનની રૂપરેખા તૈયાર કરવા માટે પોતપોતાના વિશેષ પ્રતિનિધિઓની નિમણૂક કરી છે. આ પ્રતિનિધિઓ વચ્ચે અનેક વખત મંત્રણા થઈ છે.

ભારત-ચીન સીમા વિવાદ માટે વિશેષ પ્રતિનિધિઓની બાવીસમી બેઠક 2019ની 21 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાઈ હતી. તેમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કર્યું હતું.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી