જર્મની પર કબજો કરવા માગતા એ લોકો જેમાં રાજપરિવારના સભ્ય અને ન્યાયમંત્રી પણ સામેલ હતા

- લેેખક, કાટ્યા ઍડલર
- પદ, યુરોપ એડિટર
જંગલની ઊઘાડી જમીન પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી.
પૂર્વ જર્મનીના વિસ્તાર પૂર્વ થુરિંજિયાના ગ્રામીણ રસ્તાઓ પર વળાંક લેતી વખતે અમને ત્રણ ઍલ્પકા (પ્રાણી) જોઈ રહ્યા હતા.
આ પ્રાણીઓની પાછળ, ટેકરીઓ પર, અંતે અમે જે દૃશ્ય માટે અહીં સુધી પ્રવાસ ખેડ્યો તે, 19મી સદીની સ્થાપત્ય કળાવાળી, પથ્થરના શિખરોવાળી, સ્કલોસ વાલ્ડમાશેલ હંટિંગ લૉજ દેખાઈ.
આ લૉજ આ બુધવાર સુધી જર્મન સંસદ પર કબજો કરવાના ઇરાદાવાળા જૂથનું મુખ્ય મથક હતી. આ જૂથનો હેતુ સંસદ પર કબજો કરી આધુનિક જર્મનીનાં બાંધકામ નષ્ટ કરવાનો, દેશમાં રાજાશાહી સ્થાપવાનો હતો.
આ જૂથ આ ક્ષેત્ર પર પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં રાજ કરનારા પરિવારના પ્રિન્સને દેશનું પ્રમુખપદ આપવા માગતું હતું. અને આ બધું નાતાલ સુધી કરવાની તેમની ઇચ્છા હતી.
આ બધું અજુગતું લાગે છે, લગભગ વિશ્વાસ ન આવે એવું. પરંતુ આ હવે આ જૂથના પ્રિન્સ પોલીસની કસ્ટડીમાં છે અને તેમની તહેવારોની સિઝન સળિયા પાછળ જ વીતશે.
જર્મનીનાં સુરક્ષા દળોએ આ પ્રયાસ નિષ્ફળ બનાવવા માટે તેમના ઇતિહાસના સૌથી મોટા દરોડા પૈકી એક પાડ્યો હતો, જેમાં તેમણે સમગ્ર દેશમાં અને તેની બહાર (ઑસ્ટ્રિયા અને ઇટાલી)માં પણ ઑપરેશન લૉન્ચ કર્યું હતું. આ દરોડામાં ત્રણ હજાર અધિકારીઓએ 150 સંપત્તિઓની તલાશ કરીને 25 લોકોની ધરપકડ કરી હતી.
ઇન્ટેલિજન્સ ઑફિસરોએ આવનારા દિવસોમાં વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે તેવું જણાવ્યું હતું. જર્મનીના સ્થાનિક મીડિયા પણ દેશની સંઘીય અને પ્રાદેશિક સંસદોમાં વધારી દેવાયેલા સુરક્ષા બંદોબસ્તની ચર્ચા ચાલી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પરિવારથી હાંકી કઢાયેલા' પ્રિન્સ

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છાપાંની હેડલાઇનોમાં કરાયેલા ચિત્રણથી વિપરીત હંટિંગ લૉજનાં મેદાન હાલ ખાલીખમ છે.
લૉજના તાળા લાગેલા ગેટની પેલી પાર મેં જોવાનો પ્રયત્ન કર્યો, પેલે પાર કદાચ અહીંના મેદાનમાં શિકાર કરાયેલ હરણની ખોપરી જર્જરિત આઉટહાઉસની દીવાલ પર ટિંગાડેલી જોવા મળી.
મીડિયાને વધુ પસંદ ન કરતા પાડોશીઓએ અનિચ્છાએ મને કહ્યું કે તેમણે આ લૉજમાં લાઇટ ચાલુ જોઈ છે, પરંતુ અહીં મહિનાઓથી કોઈને અંદર-બહાર જતાં જોયા નથી. મુલાકાતીઓ બીજા દરવાજેથી અંદર જતા હતા. તેમણે કહ્યું કે આ ઇમારતમાં આવનાર લોકો સ્થાનિક સ્મશાનભૂમિ પાછળ આવેલ એક જંગલી રસ્તાથી અહીં આવતાં-જતાં હતા.
હવે અમને સમજાઈ રહ્યું છે કે કેમ અહીંના મુલાકાતીઓ દેખાવા નહોતા માગતા.
તેમણે નવેમ્બર 2021થી જ આનું આયોજન કરવાની શરૂઆત કરી દીધી હતી. આ યોજના અંતર્ગત તેમણે પોતાના સામ્રાજ્યના મંત્રીઓની પણ નિમણૂક કરી દીધી હતી. જેનું નામ તેમણે અપાયું હતું કે નવી જર્મન શાસનપ્રણાલી. આ સિવાય આ જૂથની સૈનિક પાંખ પણ હતી.
પ્રિન્સના પરિવારના વડા, હાઇનરિક 14, ફર્સ્ટ રિઉસે મને ઝૂમ મારફતે ઑસ્ટ્રિયાથી કહ્યું, “અમે આશ્ચર્યચકિત છીએ.”
તેમણે કહ્યું કે, “તેને અમારા કુટુંબમાંથી વરસો પહેલાંથી બહાર કરી દેવાયો છે, એ પણ તેની વિચિત્ર કાવતરાની થિયરીઓ અને યહૂદીઓ વિરુદ્ધની નફરતવાળા વિચારોના કારણે. તે અમારા કુટુંબનો પ્રતિનિધિ નથી.”
ફર્સ્ટ રીયુસે મને જણાવ્યું કે હાઇનરિક 13એ ‘હંમેશાંથી એવા નહોતા.’ આ પરિવારના તમામ પુરુષોને હાઇનરિક કહેવાય છે, અને તેમની પાછળના અંક સાથે તેમનાં નામ ઉચ્ચારાય છે. આ ફૅમિલીના 30 પુરુષો જીવતા છે. તે પૈકી આ મામલામાં સંડોવાયેલા 13મા ક્રમના હાઇનરિકને યુવાનીમાં રેસિંગ હાઇનરિકનું ઉપનામ મળ્યું હતું. આ નામ તેમને તેમના ફાસ્ટ કારોના અને સુંદર મૉડેલના પ્રેમના કારણે મળ્યું હતું.
હંટિંગ લૉજ પર સદીઓથી પરિવારની માલિકી હતી, પરંતુ બીજા વિશ્વ યુદ્ધ બાદ પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકારે તે પડાવી લીધી હતી.
તેમના એક દૂરના સગાએ મને જણાવ્યું કે, “તેના નસીબ ખરાબ હતા.”

જૂથ સાથે સંકળાયેલા 25ની અત્યાર સુધી ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
હાઇનરિક 13ની દીકરી અત્યંત બીમાર છે, તેઓ ફ્રૅન્કફર્ટ બહાર રિયલ ઍસ્ટેટનો બિઝનેસ કરે છે, જે બહુ સફળ નહોતું થયું. આ સિવાય તેઓ પોતાના પરિવારની સંપત્તિઓ મેળવવા માટે કરેલા કેસોની નિષ્ફળતા માટે જર્મનીની સરકારને કારણભૂત માને છે.
સામ્યવાદીઓ હંટિંગ લૉજનો ઉપયોગ એક યુથ હૉસ્ટેલ તરીકે કરતા. પ્રિન્સે અંતે આ લૉજ 90ના દાયકાની શરૂઆતમાં ખરીદી લીધી.
ફર્સ્ટ રિઉસે મને જણાવ્યું કે, “તેઓ ખોટી સંગતમાં હતા. તે આપણે હવે જોઈ શકીએ છીએ.”
આ કહાણીના નાયકોની યાદી થ્રિલર સ્ટોરીના જાસૂસો કે તેની હળવા અંદાજમાં કરાયેલ નકલ જેવી છે.
જેમાં 71 વર્ષના જર્મન પ્રિન્સ, તેમજ તેમનાથી ઘણાં યુવાન એવાં તેમનાં રશિયન ગર્લફ્રેન્ડ, જેઓ ક્રૅમલિનથી આ આયોજન માટે સહાય મેળવવા પ્રયાસ કરી રહ્યાં હતાં, તે સામેલ છે.
આ સિવાય એક રસોઈયો, જર્મન સ્પેશિયલ ફોર્સના એક સભ્ય, ભૂતપૂર્વ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, બર્લિનના જજ અને જર્મનની સંસદના એક સભ્ય સામેલ હતા.
બર્ગિટ માલસૅક, એ આ નવી શાસનપ્રણાલીનાં ન્યાયમંત્રી હતાં. સંસદમાં તેમની હાજરીના કારણે મળેલ અંદરની માહિતી આ ‘તખતાપલટા’ની કાર્યવાહીમાં ચાવીરૂપ સાબિત થવાની હતી.
‘તખતાપલટા’ની યોજના બનાવનારાના ફોન કૉલ સાંભળી રહેલ એજન્ટોએ ‘અટલ’ મૃત્યુ અંગે પણ સાંભળ્યું.
માલસૅક અને વિંકરમૅનને કથિતપણે ગૂઢ વિદ્યામાં પણ રસ હતો, તપાસ કરનાર અધિકારીઓ અનુસાર, તેમણે ‘તખતાપલટા’ની કાર્યવાહી આરંભવા માટેનો યોગ્ય સમય જાણવા જ્યોતિષની પણ મદદ લીધી હતી.

જૂથની સૈન્ય પાંખ પણ હતી

ઇમેજ સ્રોત, Reuters
જૂથની સૈનિક પાંખના સભ્યોની યાદીના કારણે ઇન્ટેલિજન્સ કૉમ્યુનિટીને આ કાર્યવાહી અંગે ખબર પડી હતી. તપાસ અધિકારીઓ અનુસાર જૂથની સૈનિક પાંખના વડા પર જૂથને સંસદમાં પહોંચાડવાની જવાબદારી હતી. આ સિવાય તેમણે સાંસદોને હાથકડી પહેરાવીને પોલીસ સાથે બાથ ભીડવાની હતી.
સૈન્ય પાંખના વડા રુડિજર વોન પીએ સૈન્યની પૅરાશૂટ રેજિમૅન્ટના ભૂતપૂર્વ કમાંડર હતા. સ્થાનિક મીડિયા અનુસાર તેમના પર ફરજ દરમિયાન હથિયારોની હેરાફેરીની શંકા છે.
તેમનાથી નીચેના પદે હાલ સ્પેશિયલ ફોર્સમાં સેવા આપી રહેલા અધિકારી, એન્ડ્રિઆસ એમ હતા. આ સિવાય ભૂતપૂર્વ કર્નલ મૅક્સિમિલિયન ઍડર હતા. ઍડર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટેલિગ્રામમાં સક્રિય હતા, તેમણે પોતાના મિત્રોને તાજેતરમાં નાતાલ પછી મોટા પરિવર્તનની આગાહી કરતો વીડિયો મોકલ્યો હતો.
આ સિવાય આ પાંખમાં ડિસ્ચાર્જ થયેલ ચીફ ઇન્સ્પેક્ટર મીખેલ એફ અને બચાવ કૌશલ્યના નિષ્ણાત અને નવનાઝી ચળવળો સાથે જોડાયેલ પીટર ડબ્લ્યૂ હતા. તપાસ અધિકારીઓ અનુસાર તેમનું નામ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે તેમના ઘરની તપાસમાં હથિયાર મળી આવ્યાં હતાં.
બુધવારે દરોડામાં 50 સ્થળોએથી હથિયારો મળી આવ્યાં હતાં. જેમાં દક્ષિણ જર્મનીના આર્મી બૅરક પણ સામેલ છે. પોલીસ અધિકારીઓ પૈકી એકે કથિતપણે પાડોશીઓને જણાવ્યું કે તેઓ લૉજમાં સૈન્યસામગ્રી અને વિસ્ફોટકો શોધી રહ્યા હતા.
અતિ જમણેરી વંશવાદ અને યહૂદીઓ સામે નફરતના ભાવ અંગે બર્લિન એમેડેઓ એન્ટોનિયો ફાઉન્ડેશનના સિનિયર સંશોધક નિકોલસ પોટર પ્રમાણે, “જર્મન સૈન્ય દળોમાં આત્યંતિક વિચારધારા કેટલી હદ સુધી વિખેરાયેલી જોવા મળી શકે, તે કોઈ ન જણાવી શકે. જે ઘણું ચિંતાજનક છે.”


સ્થાનિક સરકાર બનાવવાની યોજના

તેમણે બીબીસીને તાજેતરમાં સૈન્યદળોમાં થયેલ સ્કૅન્ડલ અંગે વાત કરી, જેમાં જર્મનીની સ્પેશિયલ ફોર્સ કેએસકેની બીજી કંપનીને વિખેરી નાખવાની વાત સામેલ હતી. કારણ કે તેમાં અતિ જમણેરી વિચારધારાની હાજરી જોવા મળી હતી.
“હકીકત એ છે કે હાલ સૈન્યના મુકામો પરથી હથિયારો અને વિસ્ફોટકો ગાયબ થઈને અતિ જમણેરી વિચારધારાવાળા સૈનિકો પાસે પહોંચી રહી છે તે ખૂબ ચિંતાજનક મામલો છે. હજુ તો આ માત્ર શરૂઆતના તબક્કા પર જ આપણી નજર પડી છે, મને આ મામલો ઘણો વધુ જટિલ અને મોટો લાગે છે. આ ખૂબ ચિંતાજનક છે. આ એ વાત તરફ ધ્યાન દોરે છે કે લોકશાહીને નુકસાન કરે તેટલી હદે અને તેટલા પ્રમાણમાં તાલીમ મેળવેલા અને ઉત્સાહી સૈનિકોની આપણે જરૂર નથી.”
‘તખતાપલટા’ની યોજના ઘડનારાઓએ શાસનપ્રણાલીમાં કેટલાક નાગરિકોને પણ આ હેતુ માટે પસંદ કર્યા હતા – જેમાં 21 હજાર લોકો સામેલ છે, આ લોકો આધુનિક સંઘીય પ્રજાસત્તાક જર્મનીને માન્યતા આપતા નથી અને ટૅક્સ ભરવા, જર્મન જજોના નિર્ણયો કે ગાડી પર જર્મન નંબર પ્લેટ રાખવાનો ઇનકાર કરે છે. આ લોકો માને છે કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં રાજાશાહી સામ્રાજ્ય સમાપ્ત થયા બાદ જર્મનીનું એક દેશ તરીકેનું અસ્તિત્વ મટી ગયું હતું.
વર્ષ 2016માં આવી જ એક વ્યક્તિ પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર કબજે કરવા જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે તે વ્યક્તિએ ફાયરિંગ કરતાં એક અધિકારીનું નિધન થયું હતું. ઇન્ટેલિજન્સ અધિકારીઓએ અમને કહ્યું કે આવા લોકો વધુ અને વધુ તીવ્ર વિચારસરણી ધરાવતા થતા જઈ રહ્યા છે. જોકે, તેઓ માને છે કે આ પૈકી માત્ર અમુક ટકા લોકો જ હિંસાત્મક કાર્યવાહી કરવાના સમર્થક છે.
આ ઉનાળામાં, પ્રિન્સ રિઉસ, હાઇનરિક 13, એ બૅડ લોબેન્સ્ટેન નામના ટાઉનના રહેવાસીઓ સુધી લીફલેટ પહોંચાડવાનો કાર્યક્રમ આરંભ્યો હતો. આ લીફલેટમાં લખાયું હતું કે જો તેમની પાસે સંઘીય સરકારના જાહેર કરાયેલ ઓળખપત્રો હોય તો તેઓ યોગ્ય જર્મન નથી.
'તે અસ્થિર મગજનો હતો'

ઇમેજ સ્રોત, Getty Images
પેન્શન પર ગુજરાન કરતાં ઇઝાબેલે આકર્ષક જૂના ટાઉન સેન્ટર ખાતે કૅશ પૉઇન્ટ પર અમને કહ્યું કે, “મને લાગે છે કે તે અસ્થિર મગજનો હતો. તેના લીફલેટ પર એક લિંક હતી જેને અનુસરીને અમે શાસનપ્રણાલીના પાસપોર્ટ અને જૂના સામ્રાજ્ય સમયના ઝંડાવાળાં લાઇસન્સ ઑર્ડર કરી શકતા હતા. અમને અહીં એક નાનકડું રજવાડું સ્થાપવા માટે ચૂંટણીમાં ભાગ લેવા પણ આમંત્રિત કરાયા હતા. જેમાં કદાચ તેઓ પ્રમુખ હોત. મેં એ પેપરને વાળીચોળીને કચરાપેટીમાં નાખી દીધો.”
પરંતુ આ નગરમાં બધા ઇઝાબેલની જેમ પ્રિન્સને ફગાવી દેનારાં નહોતાં.
સ્થાનિક કામદાર સૅબેશ્ચિયને મને જણાવ્યું કે તેમના કેટલાક પરિવારજનો અને મિત્રોને પ્રિન્સ તરફ લાગણી હતી.
“મને આ કહેતા દુ:ખ થાય છે પરંતુ હા આવું હતું. અહીં એવા ઘણા લોકો છે જે દેશની હાલની પરિસ્થિતિથી ખુશ નથી. તેમને જર્મનીની સરકાર પર શંકા છે અને તેઓ એક અલગ પ્રકારનું જર્મની જોવા માગશે.”
બર્લિનના CEMASના ડિસઇન્ફર્મેશન સંશોધક જોસેફ હોલ્નબર્ગર જણાવે છે કે અભ્યાસ સૂચવે છે કે લગભગ 20 ટકા લોકો કાવતરાની થિયરીને સમર્થન આપી શકે છે. જેમાં ઓનલાઇન રશિયન પ્રોપેગેન્ડા પણ સામેલ છે.
તેમણે મને જણાવ્યું જર્મન હાલમાં નાજુક સ્થિતિમાં હતા. તેઓ કોરોના મહામારી બાદ હવે આર્થિક કટોકટી, ઊર્જાના વધતા ભાવથી લોકો ત્રસ્ત છે. આ માટે ઘણા સરકારને દોષિત માને છે.
થુરિંજિયાના પ્રાદેશિક ઇન્ટેલિજન્સના ચીફ સ્ટીફન ક્રેમરે કહ્યું કે, “પૂર્વ જર્મનીની પ્રિન્સની લૉજ, ટર્નિંગ પૉઇન્ટ તરીકે કોરોનાના સમય તરફ ઇશારો કરે છે. આવું માત્ર જર્મની માટે જ નહીં પરંતુ મોટા ભાગના યુરોપ માટે છે.”

'વિરોધી વિચારધારાવાળાં જૂથો પણ સાથે આવ્યાં'

તેમણે બીબીસીને જણાવ્યું કે, “જર્મનીના નવા સાંસ્કૃતિક નાઝી લોકો ક્યારેય રાજાશાહી સ્થાપિત કરનાર લોકોનું સમર્થન ન કરતા, કારણ કે તેમને હંમેશાં અસ્થિર મગજની વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. પરંતુ કોવિડ-19ના લૉકડાઉન વિરુદ્ધ દેખાવો કરતા આટલા બધા લોકોને જોઈને તેમને આમાં સામેલ થવાનું યોગ્ય લાગ્યું હશે.”
“તેઓ હવે સાથે મળીને કામ કરી રહ્યા છે, કારણ કે તેમનો હેતુ એક જ છે. એક જૂથ કહે છે કે સંઘીય પ્રજાસત્તાક દેશનું અસ્તિત્વ નથી (રાજાશાહી પરત લાવવા માગતા લોકો) અને બીજા (જમણેરી રાષ્ટ્રવાદી) કહે છે કે તે છે ખરું પરંતુ તેઓ સત્તાપરિવર્તન કરીને નવું (એકહથ્થુ) શાસન લાવવા માગે છે. તેઓ વિચારધારાની દૃષ્ટિએ જોડાયેલા નથી, પરંતુ તેમનો હેતુ એક છે. તેઓ એક સાથે દેખાવોમાં સામેલ થાય છે, જ્યાં તેઓ નવા સભ્યોની ભરતી કરે છે.”
કોરોના મહામારી સમયે બર્લિનમાં યોજાયેલા 40 હજાર લોકોની હાજરીવાળા એક આવા જ દેખાવોમાં એક અલગતાવાદી જૂથે સંસદમાં ઘૂસવા માટેનો એક પ્રતીકાત્મક પ્રયત્ન કર્યો હતો.
આ ઘટનાના પાંચ મહિના બાદ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને અન્યોએ વૉશિંગટન ખાતે કૅપિટલ બિલ્ડિંગની આસપાસ હિંસક પ્રદર્શન કર્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે પણ બર્લિનની આ ઘટના અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે ત્યાંના દેખાવકારો તેમને પસંદ કરે છે એવું તેમણે સાંભળ્યું હતું.
તેઓ સાચા પણ છે. બર્લિનમાં ઘણા લોકો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ‘સારા’ અને રૂઢિવાદી ખ્રિસ્તી સમાજને બચાવનારા ‘મજબૂત રક્ષક’ તરીકે ગમાડે છે.
અંગ્રેજીભાષી વિશ્વ બાદ જર્મનીમાં યુ.એસ.માંથી ઊપજેલ અને ટ્રમ્પને વખાણતી, QAnon કાવતરા થિયરીઓના સૌથી વધુ સમર્થકો છે. આ લોકો સમાજ અને સરકારમાં એક એવી વ્યવસ્થા હોવાનો દાવો કરે છે, જે સરકારની નીતિઓને તમામ રીતે કાબૂમાં રાખે છે, આ લોકો તેમની સામે નફરત ધરાવે છે. તેઓ એક ભ્રષ્ટ, સત્તાના ભૂખ્યા, બાળકોના હત્યારા અને શોષણખોર શ્રીમંત વર્ગની ધારણા કરે છે. તેમના દુશ્મન ઉદાર, વૈશ્વિક અને મોટા ભાગે યહૂદીઓ છે.
જર્મન QAnon સમર્થકોએ જાહેરમાં મત રજૂ કરતાં ઍન્ટિ-વૅક્સિન વિચારધારાવાળા લોકો, નવનાઝીઓ અને રાજાશાહી સ્થાપિત કરવા માગતા લોકો સાથે હાથ મિલાવ્યા અને ઑગસ્ટ 2020ના અંતે જર્મન સંસદ ભવન, રાઇકસ્ટૅગની આસપાસ ભેગા થયા હતા. પોલીસે આ પ્રદર્શનકારીઓને સંસદભવનમાં પ્રવેશ કરતાં પહેલાં અટકાવ્યા હતા. પરંતુ પ્રતીકાત્મકરૂપે એ દિવસ જર્મની સરકારવિરોધી પ્રવૃત્તિઓ માટે એક સફળ દિવસ બની ગયો.
એ દિવસે જર્મનીના જૂના સામ્રાજ્યના કાળા, સફેદ અને લાલ રંગના સંયોજનવાળા ઝંડા ઓઢેલા લોકોનાં દૃશ્યો સમગ્ર વિશ્વમાં પ્રસારિત થયાં હતાં. આ ઝંડો એ નવનાઝીઓની પણ પસંદ છે, કારણ કે સ્વસ્તિક ધરાવતી દરેક વસ્તુની જાહેરાત અહીં પ્રતિબંધિત છે.
આ અહેવાલ માટે તપાસ કરતી વખતે હું એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ઘણા લોકો, કે જેઓ ‘જર્મનીની સેવામાં’ છે, ને સમયાંતરે મૃત્યુની ધમકીઓ મળતી રહે છે.
એવા જ એક છે ડિસઇન્ફર્મેનશ નિષ્ણાત જોસેફ હોલ્નબર્ગર, જેમણે સુરક્ષાનાં કારણો આગળ ધરીને અમારી સાથે તેમની CEMASની ઑફિસથી દૂર જઈને વાત કરવા તૈયારી બતાવી. આ યાદીમાં ઇન્ટેલિજન્સ ચીફ સ્ટીફન ક્રૅમર પણ સામેલ છે, તેમના અનુસાર તેમના પર હંમેશાં હુમલાનો ભય હોય છે.

'વિરોધી તત્ત્વોને ઓળખવું બન્યું મુશ્કેલ'

ઇમેજ સ્રોત, Getty Images
આવી જ રીતે જર્મનીની અતિ જમણેરી વિચારધારાવાળી પ્રવૃત્તિઓ પર નજર રાખતા નિકોલસ પોટર અને તેમના સહકર્મીઓને હિંસક ધમકીઓ મળતી રહે છે. આ સિવાય ડાઈ લિંક નામના સાંસદ અને ફાસીવાદવિરોધી ચળવળકાર માર્ટિના રેનરને પણ આવી જ ધમકીઓનો સામનો કરવો પડે છે. તેમણે અમારી સાથે જર્મનીમાં આત્યંતિક ચળવળો સાથે સંકળાયેલા લોકોના વધતા જતા પ્રભાવ વિશે જ નહીં પરંતુ તેના કારણે વધી રહેલા હિંસક હુમલાઓ, જેમાં હત્યા સામેલ છે, અંગે પણ વાત કરી.
જ્યારે અમે ભૂતપૂર્વ નવનાઝી અને પાછળથી ફાસીવાદવિરોધી ઍક્ટિવિસ્ટ, ઇન્ગો હેઝલબાખ સાથે વાત કરી ત્યારે તેમણે અમને ચેતવ્યા કે અમે ‘જાહેરમાં વાત નહીં કરી શકીએ.’
હાલના દિવસોમાં માત્ર બાહ્ય સુરક્ષા જ નહીં પરંતુ આંતરિક ‘ખતરા’થી સુરક્ષા પણ મુદ્દો બની ગઈ છે.
તેઓ કહે છે કે, “આત્યંતિક વિચારધારાવાળી વ્યક્તિઓને હવે સરળતાથી ઓળખી શકાતી નથી. હવે સૂટબૂટવાળા નાઝી છે, નહીં કે મુંડન કરાવેલા, જાડો કોટ પહેરેલા મધ્યમ ઉંમરના લોકો. તેમને જોઈને એ વાતનો વિચાર પણ ન આવી શકે. આ સિવાય કેટલાક અતિ ડાબેરી વિચારધારાવાળા પણ છે, જેઓ અરાજકતાનું સમર્થન કરે છે અને સરકારને પાડી દેવા માગે છે. સરકારને ઉથલાવી દેવાની મંશા રાખનાર લોકોની સંખ્યા કૅન્સરની જેમ વધતી જઈ રહી છે. હજુ લઘુમતીમાં હોવા છતાં તેઓ વ્યવસ્થાની અંદર છે.”
જર્મનીનાં સુરક્ષા દળોના અન્ય અધિકારીઓની માફત સ્ટીફન ક્રૅમર પણ માને છે કે ‘તખતપલટ’ની કાર્યવાહી સંદર્ભે કરાયેલ ધરપકડ બાદ પણ જર્મનીની સરકાર અને સંસદની સુરક્ષા પર ભારે ખતરો પેદા થયો નથી. જોકે હિંસાનો ખતરો એ હકીકત છે.
તેમણે મજાકના અંદાજમાં મને કહ્યું કે, “હું ખરાબમાં ખરાબ પરિસ્થિતિની તૈયારી કરું છું અને બધું સારું થાય તેની કામના.”
બહારની દુનિયામાં જર્મનીની છબિ કરતાં વિપરીત ચિત્ર મારા મનમાં ઊપસી રહ્યું છે. જર્મની એક નિયમોને અનુસરનાર, હાઇટૅક, લો-પ્રોફાઇલ, જોખમને ટાળનાર, વચ્ચેનો માર્ગ પસંદ કરનાર, સલામત અને કેન્દ્રીત સમાજવાળો દેશ હોવાની ભૂતપૂર્વ ચાન્સેલસર ઍન્જેલા મર્કેલ દ્વારા પ્રેરિત છબિ કરતાં હકીકત વિપરીત દેખાઈ રહી છે.
નીકોલસ પોટર માને છે કે પાછલા ઘણા સમયથી અતિ જમણેરી અને અતિ ડાબેરી વિચારધારાથી પ્રેરિત હુમલાને ‘એકલદોકલ’ પ્રસંગો તરીકે જોઈને તેના પર ધ્યાન અપાતું નહોતું. ઉપરોક્ત છબિને તેઓ આના માટે કારણભૂત માને છે.
તેઓ વર્ષ 2019માં રૂઢિવાદી રાજનેતા અને જાહેરમાં રૅફ્યૂજી અને પ્રવાસી લોકોના હકો માટે બોલનારા વોલ્ટર લુબ્કની હત્યાના બનાવ તરફ ધ્યાન દોરે છે. આ કેસમાં હત્યારો અતિ જમણેરી જર્મન જૂથ NPD પાર્ટી અને બ્રિટિશ આત્યંતિક જમણેરી ગૃપ કૉમ્બેટ 18 સાથે સંકળાયેલો હતો.
“તમે એક કહેવાતા કાર્યક્ષમ જર્મન સમાજ જે સારી જાહેર મુસાફરીની સવલતો ધરાવે છે, પર ધ્યાન કેન્દ્રીત કરી શકો, પરંતુ આયોજિત હિંસા એ પણ આ જ જર્મન સમાજની હકીકત છે. આના પર અત્યાર સુધી વધુ ધ્યાન નથી અપાયું – જે આપણને રાજાશાહી સ્થાપવા માટે તત્પર લોકોનું જૂથ બની શકવાની વાત પરથી ખબર પડી ચૂક્યું છે.”














