જર્મનીના હિટલરને મૂરખ બનાવવા કેવી રીતે નકલી પેરિસ ઊભું કરાયું?

    • લેેખક, ગાવિન મૉર્ટિમર
    • પદ, બીબીસી હિસ્ટ્રી ઍક્સ્ટ્રા

4 ઑક્ટોબર 1920ના રોજ બ્રિટિશ અખબાર ધ ગ્લોબમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. તેની હેડલાઇન હતી, 'નકલી પેરિસ : જર્મન આક્રમણખોરોને છેતરવાની ફ્રેન્ચ યોજના.'

જર્મની ફ્રાન્સ યુદ્ધ

આ યોજના પરથી જ્યારે પડદો ઊઠ્યો ત્યારે તે માનવામાં આવે તેમ ન હતી.

અહેવાલમાં જણાવ્યું હતું કે "યુદ્ધવિરામ દરમિયાન જ્યારે સૈન્ય કાર્યવાહી બંધ થઈ ત્યારે ફ્રેન્ચ એન્જિનિયરોએ રસ્તા, ફૅક્ટરીઓ, ઘરો, ટ્રેનો અને સ્ટેશનો સાથેની રેલપ્રણાલી ઊભી કરવાનું સાહસ ખેડ્યું હતું."

આ સમગ્ર યોજના ફર્ડિનાન્ડ જૅકોપોઝી નામના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના મગજની ઊપજ હતી. આ યોજનાનો હેતુ જર્મન વિમાનોનું ધ્યાન ફ્રાન્સની રાજધાની પેરિસથી ભટકાવીને એક એવા સ્થળે મોકલવાનો હતો, જ્યાં તેમના બૉમ્બમારાથી કોઈ જાનહાનિ ન સર્જાય.

પેરિસ પર ઇતિહાસમાં પહેલી વખત 30 ઑગસ્ટ 1914ના દિવસે બૉમ્બમારો થયો હતો. તે પણ જર્મન વિમાનો દ્વારા. તે સમયે જાનહાનિ ખૂબ નજીવી હતી પરંતુ લોકોના માનસ પર તેની ગંભીર અસર પડી હતી.

ત્યાર બાદથી આકાશ યુદ્ધક્ષેત્ર બની ગયું હતું અને બાળકો તેમજ મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નહોતાં.

લાઇન

જાણો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં શું થયું હતું?

લાઇન

વિશ્વના સૌથી મોટા યુદ્ધ તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ જાણીતું છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વમાં આ પ્રકારે ખુવારી નહોતી થઈ. આ યુદ્ધને લીધે નાનાં મોટાં તમામ આંતરિક યુદ્ધોનો અંત આવ્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોએ વધુ ઝડપી, વધુ મજબૂત અને વધુ શક્તિશાળી વિમાનોનું સર્જન કર્યું હતું.

આ યુદ્ધમાં જ આકાશમાંથી પહેલી વાર બૉમ્બ વર્ષા કરવામાં આવી. પહેલી વાર જ દુશ્મનોની જાસૂસી માટે વિમાનનો ઉપયોગ થયો હતો.

11 નવેમ્બર 1918ના રોજ હથિયારો હેઠાં મુકાયાં હતાં અને પ્રથમ વિશ્વયુદ્ધનું સમાપન થયું હતું. જોકે, યુદ્ધની અસર લાંબા ગાળા સુધી અનુભવાઈ હતી.

પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભે એકલા ફ્રાંસ પાસે 140 વિમાન હતાં. યુદ્ધના અંતે આ સંખ્યા 4,500 પર પહોચી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ અંગે વધુ વાંચો.

line

આકાશમાંથી મૃત્યુ

જર્મની ફ્રાન્સ યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

આગામી દોઢ વર્ષ દરમિયાન ઘણા છૂટાછવાયા હુમલા થયા. આ દરમિયાન 1915માં પહેલી વખત ઝૅપલિન્સ દ્વારા પણ હુમલો કરાયો હતો.

ઝૅપલિન્સ વિમાનને તેનું નામ તેના સંશોધક કાઉન્ટ ફર્ડિનાન્ડ વૉન ઝૅપલિનના નામ પરથી મળ્યું હતું અને હુમલો કરનાર વિમાન બૅલ્જિયમ ખાતેના તેમના બેઝ પરથી મોકલવામાં આવ્યું હતું. જોકે, તેમાં મોટી જાનહાનિ સર્જાઈ ન હતી.

જોકે, 29 જાન્યુઆરી 1916ના રોજ શિયાળાની ઝાંખી સવારમાં પેરિસના આકાશમાં બે ઝૅપલિન્સ વિમાન જોવાં મળ્યાં. તેણે કરેલા બૉમ્બમારામાં 24 ફ્રેન્ચ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં અને 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સાત ફેબ્રુઆરીએ મૃતકોની અંતિમયાત્રા યોજાઈ, જેમાં લાખો શોકાતુર પેરિસવાસીઓ જોડાયા હતા.

આ અંતિમયાત્રા દરમિયાન છ રથમાં મૃતકોને પેરિસના મશહૂર ચર્ચ નોત્રે-ડૅમ ડે લા ક્રૉઇક્સ સુધી લાવવામાં આવ્યા હતા. જેમાં રાજકારણીઓથી લઈને તમામ ખ્યાતનામ લોકો જોડાયા હતા.

જર્મની ફ્રાન્સ યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

આ અંતિમયાત્રાની આગેવાની પેરિસના આર્કબિશપ કાર્ડિનલ લિઑન ઍડોલ્ફ અમૅટે કરી રહ્યા હતા. બ્રિટિશ અખબારો મુજબ તેમણે આપેલું પ્રવચન એ 'હરતી ફરતી પ્રાર્થના' હતું.

પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું, "આ તમારી સામે છે જર્મન બર્બરતાનો ભોગ બનેલા એ માસૂમ લોકો, જે કોઈ યુદ્ધભૂમિમાં ગયા જ નથી."

"તેમના મૃત્યુ માનવતાના ઉદ્દેશને મદદ કરશે તેમજ દુશ્મનને નબળો પાડવા, તેમના ગુનાના પુનરાવર્તનને અટકાવવાના દૃઢ નિશ્ચયને મજબૂત કરશે."

જોકે, ત્યાર બાદના મહિનાઓમાં હવાઈ હુમલા વધતા પરિસ્થિતિ વધુ કપરી બની.

વર્ષ 1917માં જર્મનીએ લંડન પર હવાઈ હુમલા વધારતા પેરિસને થોડી ઘણી રાહત થઈ હતી. જૂન 1917માં જર્મનીએ લંડન પર પોતાના નવા બૉમ્બર પ્લેન 'ગોથા' દ્વારા કરેલા હવાઈ હુમલામાં 162 બ્રિટિશ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં.

ફ્રાન્સે ખ્યાલ હતો જ કે તેમનો વારો આવશે. પણ તેઓ ખુદને બચાવશે કઈ રીતે?

line

બનાવટી પેરિસ

જર્મની ફ્રાન્સ યુદ્ધ

ફર્ડિનાન્ડ જૅકોપોઝીને લાગ્યું કે તેમની પાસે ઉપાય છે.

જન્મથી ફ્લૉરેન્ટાઇન એવા જૅકોપોઝીએ અગાઉ વર્ષ 1900માં યોજાયેલા પેરિસ ઇન્ટરનેશનલ ઍક્સ્પોમાં કામ કર્યું હતું. આ ઍક્સ્પોમાં તે પહેલાંની સદીની સિદ્ધિઓ અને આગામી સદીની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આવનારી સદીને વિકાસ અને મહત્ત્વાકાંક્ષી માનનારા જૅકોપોઝી પેરિસમાં રહ્યા અને એક સમકાલીન અખબાર મુજબ "તેમણે શહેરની ઇલૅક્ટ્રિકલ લાઇટિંગનો અભ્યાસ કર્યો."

ચોક્કસ કારણસર તેઓ ગુપ્ત પ્રોજેક્ટમાં જોડાયા કઈ રીતે તે ચોકસાઈપૂર્વક જાણી શકાય તેમ નથી પરંતુ 1917માં ડીસીએ (ફ્રાન્સને હવાઈ હુમલાથી બચાવવા માટે તૈયાર કરાયેલ વિશેષ વિભાગ) તેમને જર્મન બૉમ્બર્સને છેતરવા માટે બનાવટી પેરિસ તૈયાર કરવાનું કહ્યું હતું.

આજની ઘડીએ આ યોજના મૂર્ખતાભરી લાગે તેમ છે, પણ તે સમય પ્રમાણે આ યોજના કામ કરે તેમ હતી.

વિરોધીઓના વિમાન રાત્રિ દરમિયાન પેરિસ સુધી પહોંચતા તો હતા પણ કોઈ ટેક્નોલૉજીની મદદથી નહીં, પરંતુ શહેરી લાઇટોના પ્રકાશની રૂપરેખાના આધારે.

તેઓ સામાન્ય રીતે સિઈન નદીને અનુસરતા હતા અને તેની આસપાસ બૉમ્બ ફેંકતા હતા.

પણ સિઇન નદી વાંકીચૂકી છે. પેરિસના મધ્યમાંથી પસાર થતી આ નદીમાં એક જેવા કુલ બે વળાંક છે. એક પેરિસમાં અને બીજો પેરિસથી થોડે દૂર આવેલો છે.

આ બીજો વળાંક મેસન્સ-લાફિટૅ નામના વિસ્તારમાં આવેલો છે, જ્યાં જૅકોપોઝીએ બનાવટી પેરિસ બનાવવાનું હતું.

આ સિવાય બીજા હુમલા માટે બીજા બે બનાવટી સ્થળો બનાવવાના હતાં. જેમાં પેરિસથી 16 કિલોમીટર પૂર્વમાં એક નકલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને ઉત્તર પૂર્વમાં સેન્ટ ડૅનિસ.

line

લાઇટની કરામત

જર્મની ફ્રાન્સ યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

જૅકોપોઝીએ પોતાનું કામ 1918માં વિલેપિન્ટેમાં શરૂ કર્યું. સૌથી પહેલા તેમણે પેરિસના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન 'ગૅર દે ઇએસ્ટ'ની પ્રતિકૃતિ તૈયાર કરી.

આ સાથે તેમણે એક હરતીફરતી ટ્રેન પણ તૈયાર કરી. આકાશમાંથી ટ્રેન હરતીફરતી દેખાય તે માટે તેમણે કન્વેયર બેલ્ટ પર લાકડાનું માળખું તૈયાર કરીને તેના પર લાઇટો ફિટ કરી.

ત્યાર બાદ ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો વારો હતો. જૅકોપોઝીએ ફૅક્ટરીઓ માટે લાકડાની ફ્રેમ બનાવી. સીલિંગ માટે તેમણે કૅનવાસ પર ઝીણવટભરી રીતે પેઇન્ટનો ઉપયોગ કર્યો.

લાલ, સફેદ અને પીળા રંગના બલ્બોનો આબેહૂબ ઉપયોગ કરીને તેમણે ફૅક્ટરીઓની આગ અને ધુમાડો તૈયાર કર્યો. તેમણે એકદમ નાની બાબતો પર ધ્યાન આપ્યું, કારણ કે તેઓ શહેરને ક્રિસમસ ટ્રીની જેમ સજાવીને જર્મન વિમાનચાલકોને શંકા કરવા દેવા માગતા ન હતા.

કામ ખૂબ કઠિન હતું પણ જૅકોપોઝી તેને પૂર્ણ કરવાને આરે હતા અને જર્મન ગોથા વિમાને 16 સપ્ટેમ્બરના રોજ 22 હજાર કિલોગ્રામના બૉમ્બ પેરિસ પર ફેંક્યા. જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં અને 15 ઇજાગ્રસ્ત થયા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બીજી વખત તેઓ પાછા ફરે તે પહેલાં જૅકોપોઝીની યોજના તૈયાર થઈ જવી જોઈતી હતી. પણ તેઓ પાછા ન ફર્યા.

બે મહિના બાદ યુદ્ધ પૂરું થઈ ગયું અને જૅકોપોઝી એ ન જાણી શક્યા કે તેમની રચના જર્મન પાઇલટોને મૂર્ખ બનાવી શક્યું કે નહીં.

જોકે, ફ્રેન્ચ સરકારનું માનવું હતું કે ભવિષ્યના યુદ્ધમાં પેરિસને બૉમ્બમારાથી બચાવવા માટે તે રક્ષણનું મહત્ત્વપૂર્ણ સંસાધન બની શકે છે.

જૅકોપોઝીની રચના પર ગુપ્તતાનો પડદો ઢાંકી દેવામાં આવ્યો. જે 1920માં ત્યારે ઊંચકાયો જ્યારે બ્રિટિશ અખબાર 'ધ ગ્લોબ' દ્વારા આ વિશે એક અહેવાલ છાપવામાં આવ્યો.

ઑક્ટોબર 1920માં ધ ગ્લોબે આ વિશે છાપ્યું હતું પણ 'ધ ઇલ્યુસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ' દ્વારા છ નવેમ્બર 1920ના રોજ જૅકોપોઝીની આ રચના વિશે તસવીરો સાથે લેખ પ્રકાશિત કર્યો હતો.

તેમાં તસવીરો હતી, નક્શાઓ હતા અને સાથોસાથ ચોંકાવનારા ખુલાસા પણ હતા.

line

રોશની કરનારા વિસરાયા

જર્મની ફ્રાન્સ યુદ્ધ

ઇમેજ સ્રોત, AFP

અખબારમાં તસવીરો, નકશા અને ખુલાસા તો હતા પણ આ શહેર તૈયાર કરનારાનું નામ ન હતું.

જૅકપોઝીને ફ્રેન્ચ સરકારે લિજન ઑફ ઑનરથી સન્માનિત કર્યા અને તેમણે 1920ના દાયકામાં સારી એવી સફળતા પણ માણી હતી.

ઍફિલ ટાવર પર રોશની કર્યા બાદ તેમણે ફ્રાન્સનાં કેટલાંક પ્રખ્યાત સ્થળોને પણ રોશનીથી શણગાર્યાં. તેમના કામને જોઈને કેટલીક કંપનીઓએ પોતાની જાહેરાતો માટે તેમને કૉન્ટ્રાક્ટ આપ્યા.

જૅકોપોઝીનું વર્ષ 1932માં પેરિસમાં મૃત્યુ થયું હતું.

એક અખબારે તેમના મૃત્યુના સમાચાર છાપતા લખ્યું હતું કે, તેમણે ઍફિલ ટાવરની રોશનીથી વિશ્વભરમાં આકર્ષણ જમાવ્યું અને પેરિસને પ્રકાશનું શહેર બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ફ્રાન્સના યુદ્ધમાં તેમનું યોગદાન અને બનાવટી પેરિસ વિશે ક્યાંય કોઈ ઉલ્લેખ નથી.

* ગાવિન મૉર્ટિમર ઇતિહાસકાર અને લેખક છે. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. બીબીસી હિસ્ટ્રી ઍક્સ્ટ્રા મેગેઝિન માટે તેમણે આ લેખ લખ્યો હતો. તે અહેવાલ તમે અહીં વાંચી શકો છો.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો