એડલ્ફ હિટલરને પડકારી જર્મનીને પ્રેરણા આપનાર વિદ્યાર્થિની સોફી સ્કૉલ કોણ હતાં?

કિશોર વયે સોફી હિટલરનું સમર્થન કરતાં પણ પછી તેમના વિચારમાં બદલાવ આવ્યો હતો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કિશોર વયે સોફી હિટલરનું સમર્થન કરતાં પણ પછી તેમના વિચારમાં બદલાવ આવ્યો હતો
    • લેેખક, જેની હિલ
    • પદ, બીબીસી બર્લિન સંવાદદાતા

જર્મનીની બહાર તેમનું નામ બહુ જાણીતું નથી, પરંતુ પોતાના દેશમાં સોફી સ્કૉલ એક દંતકથા સમાન છે અને તેની પાછળ એક અસાધારણ ગાથા રહેલી છે.

હિટલરની સામે થવા બદલ તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

પુસ્તકો, ફિલ્મો અને નાટકોમાં તેમના પ્રતિકારની વાર્તા અનેક વખત રજૂ કરવામાં આવી છે. આજે પણ તે લોકોને પ્રોત્સાહિત કરે છે.

1921માં સોફી સ્કૉલનો જન્મ થયો ત્યારે જર્મની ભારે અંધાધૂંધીમાંથી પસાર થતું હતું. પરંતુ તેમનું બાળપણ સુરક્ષિત અને આરામદાયક રીતે વીત્યું.

તેમના પિતા દક્ષિણ-પશ્ચિમે આવેલા ફોર્ચટેન્બર્ગ શહેરના મેયર હતા. ત્યારબાદ તેમનો પરિવાર ઉલ્મ રહેવા જતો રહ્યો હતો. સોફી અને તેમનાં પાંચ ભાઈ-બહેનનો ઉછેર લ્યુથેરનસ્થિત પરિવારમાં થયો હતો જ્યાં ખ્રિસ્તી ધર્મનું ચુસ્ત રીતે અનુકરણ કરવામાં આવતું હતું.

પરંતુ સોફી તરુણાવસ્થામાં પ્રવેશી, ત્યાં સુધીમાં દેશમાં ઍડોલ્ફ હિટલરનું શાસન આવી ગયું હતું.

line

'આ પિતૃભૂમિ માટે છે એવું મને ન કહો'

સોફી અને હેન્સનો વિદ્યાર્થીકાળનો 1940ની આસપાસનો ફોટો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સોફી અને હેન્સનો વિદ્યાર્થીકાળનો 1940ની આસપાસનો ફોટો

શરૂઆતમાં સોફી અને તેમના મોટા ભાઈ પણ અન્ય યુવાનોની જેમ નેશનલ સોશિયાલિસ્ટ પાર્ટીને સપોર્ટ કરતાં હતાં. સોફીના ભાઈ પાર્ટીની હિટલર યૂથ મૂવમૅન્ટમાં જોડાયા, જ્યારે સોફી તેની ભગીની સંસ્થા લીગ ઑફ જર્મન ગર્લ્સમાં સામેલ થયાં હતાં.

તેમના પિતા હિટલરના ઉગ્ર ટીકાકાર હતા. સોફી અને તેમના ભાઈને હિટલર પ્રત્યેનો ઉત્સાહ જોઈને ભારે ગુસ્સો આવતો હતો. પરિવાર અને મિત્રોનો પ્રભાવ ધીમેધીમે સોફી પર અસર કરવા લાગ્યો.

સમય જતા સોફી અને તેમના ભાઈને સમજાયું કે તેમના ઉદાર વિચારો અને થર્ડ રાઇક (Third Reich)ના રાજકારણ વચ્ચે કોઈ મેળ બેસી શકે તેમ નથી. યહુદી સાથીદારો અને કલાકારોની સાથે જે પ્રકારનો વર્તાવ થતો હતો તેને જોયા પછી સોફીનો હિટલર પ્રત્યે મોહભંગ થયો.

હિટલરે પૉલેન્ડ પર આક્રમણ કર્યું ત્યાં સુધીમાં તેઓ તેમના વિરોધી બની ગયાં હતાં.

જર્મનીના યુવાનોને યુદ્ધ લડવા માટે મોરચે મોકલવામાં આવતા હતા ત્યારે સોફીએ પોતાના સૈનિક બૉયફ્રેન્ડ ફ્રિત્ઝ હાર્ટનેજલને કડવાશ સાથે લખ્યું, "મને સમજાતું નથી કે કેટલાક લોકો શા માટે બીજા લોકોના જીવ માટે સતત જોખમ પેદા કરતા રહે છે. મને તે ક્યારેય નહીં સમજાય અને મને લાગે છે કે તે ભયંકર છે. મને એવું ન કહેશો કે આ પિતૃભૂમિ (ફાધરલેન્ડ) માટે છે."

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરમાં લૉન્ચ થયેલા આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આધુનિક કલાકારો દ્વારા સોફી સ્કોલની વાર્તા પુનઃજીવંત કરવામાં આવી છે અને તેને અડધા કરોડ જેટલા ફૉલોઅર્સ મળ્યા છે.

સોફી પોતાના ભાઈ હેન્સનું અનુકરણ કરીને મ્યુનિક યુનિવર્સિટી ગયા જ્યાં હેન્સ મેડિસિનનો અભ્યાસ કરતો હતો. સ્કૉલ ભાઈ-બહેન એક મિત્રજૂથનો હિસ્સો બન્યા જેઓ કળા, સંસ્કૃતિ અને ફિલોસોફી અંગે એકસમાન વિચાર ધરાવતાં હતાં.

સોફી બાયૉલૉજીની સાથે આ વિષયોનો અભ્યાસ કરતા હતા. તેમને ડાન્સ કરવાનું અને પિયાનો વગાડવાનું પસંદ હતું તેમ કહેવામાં આવે છે. તેઓ એક પ્રતિભાશાળી ચિત્રકાર પણ હતાં.

પરંતુ તે હિંસક યુગ હતો. કેટલાક વિદ્યાર્થીઓ સેનામાં સક્રિય ફરજ બજાવી આવ્યા હતા. તેઓ એક સરમુખત્યારશાહીમાં જીવતા હતા અને તેમણે પ્રતિકાર કરવાનો દૃઢ નિર્ણય લીધો હતો.

line

'અમને ચૂપ કરાવી નહીં શકાય'

લુડવિગ યુનિવર્સિટીમાં ચોપાનિયું

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, મ્યૂનિકમાં લુડવિગ મૅક્સિમિલિયન યુનિવર્સિટીના ટોચના માળ પરથી સોફીએ ચોપાનિયાં ફેક્યાં હતાં.

'વ્હાઇટ રોઝ' ગ્રૂપમાં છ સભ્યો હતા જેની સ્થાપના અસલમાં સોફીના ભાઈ હેન્સ સ્કૉલ અને તેમના મિત્ર ઍલેક્ઝાન્ડર સ્કમોરેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાં સોફી, ક્રિસ્ટોફર પ્રોબ્સ્ટ અને વિલ ગ્રાફ તથા તેમના એક પ્રોફેસર કર્ટ હ્યુબર પણ જોડાયાં.

મિત્રો અને ટેકેદારોના એક નેટવર્કની મદદથી આ જૂથે ચોપાનિયાં છાપ્યાં અને વિતરીત કર્યાં, જેમાં નાગરિકોને નાઝી શાસનનો પ્રતિકાર કરવા હાકલ કરવામાં આવી હતી.

તેમણે યહુદી નાગરિકોની હત્યાઓનો વિરોધ કર્યો હતો અને યુદ્ધ સમાપ્ત કરવાની માગણી કરી હતી.

એક ચોપાનિયામાં લખ્યું હતું, "અમને ચૂપ કરાવી નહીં શકાય, અમે તમારો ખરાબ અંતરાત્મા છીએ. વ્હાઇટ રોઝ તમને શાંતિથી જીવવા નહીં દે."

1943ની શરૂઆતમાં આ જૂથે તેનું છઠ્ઠું ચોપાનિયું બહાર પાડ્યું હતું.

"જર્મનીના યુવાનો અંતે જાગશે નહીં, બદલો નહીં લે અને પ્રાયશ્ચિત નહીં કરે તથા પોતાના અત્યાચારીઓને કચડી નહીં નાખે અને નવા આધ્યાત્મિક યુરોપની સ્થાપના નહીં કરે તો જર્મનીના નામને કાયમી કલંક લાગશે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

આ તેમનું અંતિમ ચોપાનિયું હતું.

18 ફેબ્રુઆરી, 1943ના રોજ હેન્સ અને સોફી યુનિવર્સિટીમાં ચોપાનિયાં વહેંચતાં હતાં.

હજુ પણ એ સ્પષ્ટ નથી કે સોફી શા માટે ટોચના માળ પર ચઢી ગઈ જ્યાંથી યુનિવર્સિટીની મુખ્ય ઇમારત દેખાતી હતી. ત્યાંથી તેમણે કેટલાંક ચોપાનિયાંનો જથ્થો બહારની તરફ ફેંક્યો.

મોટા ભાગના લોકો માને છે કે તે ઇચ્છતી હતી કે શક્ય એટલા વધુ વિદ્યાર્થીઓ તે ચોપાનિયાં વાંચી શકે.

પરંતુ ચોપાનિયાં ઊડીને જમીન પર પડ્યાં ત્યારે જ એક કેર ટેકર આ જોઈ ગયા. તેઓ સોફીને છેતરીને તેને હિટલરની ગુપ્ત પોલીસ ગેસ્ટેપો પાસે લઈ ગયા.

line

હિટલરના જજે ફટકારી મોતની સજા

હિટલરના જજ ફ્રેસલર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિટલરના જજ તરીકે ઓળખીના રોલેન્ડ ફ્રેસલરે સોફી અને હેન્સ સ્કૉલ અને ક્રિસ્ટોફ પ્રોબ્સ્ટને મોતની સજા ફટકારી હતી

સોફી અને તેમના ભાઈની પૂછપરછ કરવામાં આવી અને બનાવટી કેસ ચલાવ્યા પછી તેમને મોતની સજા સંભળાવવામાં આવી. તેમણે પોતાના જૂથના બીજા સભ્યોનાં નામ આપીને ગદ્દારી કરવાનો ઇનકાર કરી દીધો. પરંતુ સત્તાવાળાઓએ તેમને એક પછી એક શોધી કાઢ્યા.

થોડા જ મહિનામાં તેમના તમામ મિત્રોને મૃત્યુદંડ આપી દેવાયો હતો.

21 વર્ષીય સોફીનો જે દિવસે શિરચ્છેદ કરવામાં આવ્યો તે સવારે તેમણે લખ્યું હતું,

"આટલો સરસ તડકાવાળો દિવસ છે અને મારે જવાનું છે....મારા મૃત્યુનો શું અર્થ છે, જો અમારા કારણે કેટલાક હજાર લોકો જાગી ઊઠે અને લડત આપે?"

જર્મનીમાં આ શબ્દો અને તેમની બહાદુરીને આજે પણ સન્માન આપવામાં આવે છે. અહીં શાળાઓ અને રસ્તાઓને સોફી અને તેમના ભાઈના નામ અપાય છે.

line

ઇતિહાસમાં કેટલું સ્થાન અપાયું?

લુડવિગ યુનિવર્સિટીમાં ચોપાનિયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોફી અને હેન્સ સ્કૉલનું નામ તો જર્મનીમાં જાણીતું છે પરંતુ એલેક્ઝેન્ડર શ્મોરેલ, ક્રિસ્ટોફ પ્રોબ્સ્ટ, કાર્લ હ્યૂબર અને વિલી ગ્રાફ વધારે જાણીતા નથી.

કેટલાક લોકોને એ બાબતનો પણ ખેદ છે કે વ્હાઇટ રોઝ ગ્રૂપના બીજા સભ્યોને એટલું મહત્ત્વનું સ્થાન નથી અપાયું. આ ઉપરાંત સોફીના નામનો સહેલાઈથી દુરુપયોગ પણ થાય છે.

થોડાં વર્ષો અગાઉ કટ્ટર જમણેરી પક્ષ એએફડીએ એક સ્લોગન આપ્યું 'સોફી સ્કૉલે એએફડીને વોટ આપ્યો હોત' ત્યારે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગયા નવેમ્બરમાં કોવિડ વિરોધી આકરા પગલાંનો વિરોધ કરવા હેન્વર ખાતે રેલી યોજાઈ હતી જેમાં એક યુવતી સ્ટેજ પર દોડી આવી અને પોતાની જાતને સોફી સ્કૉલ સાથે સરખાવી હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન