હિટલર માટે મહિલાઓએ પેદા કરેલા હજારો 'આર્ય પુત્રો'નું શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images

- હિટલરના 12 વર્ષના શાસનકાળમાં મહિલાઓએ મુખ્યત્વે જર્મની તથા નોર્વેમાં આશરે 20,000 બાળકોને જન્મ આપ્યો હતો
- કૉન્ટ્રાક્ટ પર સહીસિક્કા કર્યા પછી યુવતીઓને જેની સાથે સહશયન કરવા ઈચ્છતી હોય તેવા પાર્ટનરની પસંદગીની તક આપવામાં આવતી
- આ રીતે જન્મેલાં બાળકોને ખાસ શૈક્ષણિક સંસ્થામાં તેઓ નાઝી વિચારધારાને સંપૂર્ણપણે વફાદાર ન થઈ જાય ત્યાં સુધી ભણાવવામાં આવતાં
- ગાઈલ્સ મિલ્ટને તેમના પુસ્તકમાં હિલ્ડેગાર્ડના અનુભવ અને શા માટે અનેક જર્મન યુવતીઓ હિટલર માટે ગર્ભવતી થવા તૈયાર હતાં તેની વિગત આલેખી છે

એડોલ્ફ હિટલરનો જન્મ 1889ની 20 એપ્રિલે થયો હતો અને તેમનું મૃત્યુ 1945ની 30 એપ્રિલે થયું હતું. 1934માં તેઓ તેમના દેશના નેતા બન્યા હતા અને તેમને 'મહાન નેતા' કહેવામાં આવતા હતા.
બીજા વિશ્વયુદ્ધના અંતે હિટલરના નાઝી સૈન્યનો સ્ટાલિનની રેડ આર્મી સામે જર્મનીની રાજધાની બર્લિનમાં પરાજય થયો હતો. રેડ આર્મીના સૈનિકો પહોંચે તે પહેલાં હિટલર અને તેમનાં પત્નીએ આપઘાત કરી લીધો હતો.
પહેલા વિશ્વયુદ્ધને કારણે જર્મનીની વસ્તીમાં મોટો ઘટાડો થયો હતો. જર્મનોની વસ્તી વધારવા માટે નાઝીઓએ એક મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી હતી. ગર્ભવતી થવા અને દેશ માટે બાળકને જન્મ આપવા ઘણી મહિલાઓ તૈયાર થઈ હતી. આ વિશેનો ઇતિહાસ બહુ ઓછા લોકો જાણે છે.
નાઝીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં સ્નાતક મહિલા હિલ્ડેગાર્ડ ડ્રુત્ઝને જર્મન વંશની શુદ્ધ મહિલા તરીકે એક કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
બાળકને જન્મ આપવાની અપેક્ષાએ 'શૂટ્ઝસ્ટાફેલ' નામે ઓળખાતા એસએસ અધિકારીઓ સાથે એવી મહિલાઓના જાતીય સંબંધને નાઝી શાસનની સેવા ગણવામાં આવતું હતું.
આ એસએસ અધિકારીઓ હિટલરના કાળા ગણવેશધારી મુખ્ય અંગરક્ષકો હતા. તેમનું નેતૃત્વ હિમલર કરતા હતા. જનરલ હિમલરની ભૂમિકા હિટલરના પડછાયા જેવી હતી. તેઓ હિટલરના આદેશોનો અમલ કરાવતા હતા.
દેશ માટે બાળકને સ્વૈચ્છાએ જન્મ આપવા તૈયાર હોય તેવી મહિલાઓ માટેનો લેબેન્સબોર્ન કાર્યક્રમ હિમલરના ભેજાની નીપજ હતો. જર્મનોનો જન્મદર વધારવાના એક પ્રયાસ તરીકે લેબેન્સબોર્ન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
એ સમયે જર્મનીનો બાળજન્મદર સતત ઘટી રહ્યો હતો. આ કાર્યક્રમનો એક હેતુ લશ્કરી રાજવંશને નાઝી વિચારધારા હેઠળ પવિત્ર સ્વરૂપે વર્ગીકૃત કરવાનો પણ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતે રોમન સામ્રાજ્ય અને જર્મન સામ્રાજ્યના સીધા વારસદાર હોવાનો દાવો હિટલર કરતા હતા. 1933થી 1945 સુધીના હિટલરના બાર વર્ષના શાસનકાળમાં મુખ્યત્વે જર્મની અને નોર્વેમાં 20,000 બાળકોનો ઉછેર લેબેન્સબોર્ન યોજના હેઠળ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે.
આ યોજના મુજબ, સૈન્યમાં કામ કરતા લોકોને ત્યાં કમસે કમ ચાર બાળકો હોવાં અનિવાર્ય હતું. એ બાળકો પણ આર્યન વંશની મહિલા મારફતે જન્મ્યાં હોવાં જરૂરી હતાં, પરંતુ આ યોજનાથી હિટલરને અપેક્ષિત લાભ થયો ન હતો.

હિટલરથી અંજાયેલી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images
એ સમયગાળા દરમિયાન બ્રિટિશ લેખક ગાઈલ્સ મિલ્ટને સ્વૈચ્છાએ બાળકને જન્મ આપતાં એક યુવતી વિશે પુસ્તક લખ્યું હતું. એ યુવતીનું નામ હિલ્ડેગાર્ડ ડ્રુત્ઝ હતું.
હિલ્ડેગાર્ડ હિટલરના નાઝી પક્ષની માન્યતા ધરાવતી એકમાત્ર યુવા ચળવળની મહિલા ટુકડીનાં સભ્ય હતાં. જર્મનીમાં એ ટુકડીને 'બંડ ડ્યૂશેર મૈડેલ' (બીડીએમ) કહેવામાં આવતી હતી.
ગાઈલ્સ મિલ્ટને તેમના પુસ્તકમાં હિલ્ડેગાર્ડના અનુભવ અને શા માટે અનેક જર્મન યુવતીઓ હિટલર માટે ગર્ભવતી થવા તૈયાર હતી તેની વિગત આલેખી છે.
હિલ્ડેગાર્ડ હિટલરની નેતાગીરીની વફાદાર ટેકેદાર હતાં. તેઓ 1933માં બીડીએમમાં જોડાયાં હતાં અને તેમની સાપ્તાહિક બેઠકોમાં નિયમિત હાજરી આપતાં હતાં. તેઓ ટૂંક સમયમાં જ સ્થાનિક સંગઠનના મોખરાનાં નેતા બની ગયાં હતાં.
હિલ્ડેગાર્ડે કહ્યું હતું કે "મને એડોલ્ફ હિટલરમાં અને અમારા નવા જર્મનીમાં પારાવાર વિશ્વાસ હતો. ટીમમાં જોડાયા પછી મને સમજાયું હતું કે અમે યુવા લોકો જર્મની માટે કેટલાં મૂલ્યવાન છીએ."
હિલ્ડેગાર્ડના જણાવ્યા મુજબ, "મારા જર્મન મહિલા જેવા ખભા સુધી લાંબા વાળ અને બ્લ્યુ આંખોને કારણે નેતાઓ મને નોર્ડિક મહિલાનું આદર્શ ઉદાહરણ ગણાવતાં હતાં. લાંબા પગ, મજબૂત હિપ્સ અને યોનીમાર્ગ પાસેનું હાડકાનું પહોળું માળખું ગર્ભધારણ માટે બંધબેસતું હતું, મારું શરીર એ રીતે આદર્શ હતું."
હિલ્ડેગાર્ડે 1936માં 18 વર્ષની વયે શાળાભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. પછી શું કરવું એ બાબતે વિમાસણમાં હતાં. એ વખતે બીડીએમના એક નેતાએ આપેલી સલાહને લીધે હિલ્ડેગાર્ડનું સમૂળગું જીવન બદલાઈ ગયું હતું.
એ નેતાએ હિલ્ડેગાર્ડને કહ્યું હતું કે "જીવનમાં શું કરવું છે તેનો ખ્યાલ ન હોય તો હિટલર માટે એક બાળકને જન્મ શા માટે નથી આપતી? જર્મનીને સૌથી વધારે જરૂર બાળકોની છે."
નેતાએ આ વાત કરી તે પહેલાં સુધી હિલ્ડેગાર્ડ સરકાર પ્રેરિત લેબેન્સબોર્ન કાર્યક્રમ વિશે કશું જ જાણતાં ન હતાં. એ કાર્યક્રમનો હેતુ વિશુદ્ધ કુમારિકાઓ સાથે પ્રજનનના માધ્યમથી બ્લોન્ડ વાળ અને બ્લ્યુ આંખવાળા આર્યન બાળકોના જન્મદરમાં વધારો કરવાનો હતો.
બીડીએમની નેતાગીરી માનતી હતી કે વિશુદ્ધ કુમારિકાઓ એસએસ અધિકારીઓ સાથે સેક્સ કરશે તો ગર્ભવતી થશે અને આર્યન બાળકોને જન્મ આપશે.
લેબેન્સબોર્ન કાર્યક્રમ શું છે તે પેલા નેતાએ હિલ્ડેગાર્ડને સમજાવ્યું હતું. તેમાં ભાગ લેવા તૈયાર યુવતીએ સૌપ્રથમ તબીબી પરીક્ષણ કરાવવું પડતું હતું. તેનાથી યુવતીના કુળની જાણકારી મળતી હતી. તેના શરીરમાં જ્યુ લોકોના લોહીનું ટીપું સુધ્ધાં નથી તે સુનિશ્ચિત કરવા આ પરીક્ષણ કરવામાં આવતું હતું. આ પરીક્ષણ પૂર્ણ થયા પછી સ્વયંસેવી મહિલા તેમના પાર્ટનરની પસંદગીના સ્તરે પહોંચતાં.
હિલ્ડેગાર્ડ ટીનેજર હતાં અને હિટલર માટે બાળકને જન્મ આપવાની યોજનામાં તેમને રસ પડ્યો હતો. તેમણે સહમતીના ફૉર્મ પર તત્કાળ સહી કરી હતી અને આ કાર્યક્રમમાં જોડાઈ ગયાં હતાં.
હિલ્ડેગાર્ડનાં માતા-પિતા આવી વિવાદાસ્પદ યોજનામાં ભાગ લેવાની મંજૂરી પોતાની પુત્રીને આપવા રાજી ન હતાં. તેમણે હિલ્ડેગાર્ડને રાષ્ટ્રીય સમાજવાદની એક વર્ષની તાલીમ માટે બૉર્ડિંગ સ્કૂલમાં મોકલવાની ચેતવણી આપી હતી.

ગ્રાન્ડ ફોર્ટમાં કુશાંદે સુવિધાઓ

ઇમેજ સ્રોત, Getty Images
એ પછી નાઝી સત્તાવાળાઓ હિલ્ડેગાર્ડને બાવરિયા નજીકના તાગેન્ઝે નામના સ્થળે લઈ ગયાં હતાં. ત્યાં તેમને બીડીએમની નેતાગીરી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં.
એ વિશાળ કિલ્લામાં તેમની જેવી બીજી 40 યુવતીઓ હતી. દરેક યુવતીનું ખરું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હતું અને બધી છદ્મનામે ઓળખાતી હતી. પોતે આર્યન વંશની છે તે પુરવાર કરીને પ્રમાણપત્ર લેવા માટે એ યુવતીઓએ છેક ત્યાં સુધી જવું પડ્યું હતું.
એ કિલ્લો સમૃદ્ધિના શિખર જેવો હતો. વિશાળ કિલ્લામાં વિશાળ કૉમન રૂમ્સ હતા. રમતગમત તથા ઈન્ડોર સ્પૉર્ટ્સ માટે પણ વિશાળ ખંડ હતા. તેમાં એક લાઇબ્રેરી હતી, એક મ્યુઝિક રૂમ હતો અને એક થિયેટર હતું. હિલ્ડેગાર્ડે જણાવ્યું હતું કે એ વાતાવરણે તેમને આળસુ બનાવી દીધાં હતાં અને તેમને વૈભવી જીવનની આદત પડી ગઈ હતી.
એ કિલ્લાનો સમગ્ર અંકુશ એસએસના એક ડૉક્ટરના હાથમાં હતો.
ટ્રૂસ્ટ નામની એક યુવતીએ જણાવ્યું હતું કે "અમે કિલ્લામાં પ્રવેશ્યાં કે તરત જ ડૉક્ટરે તમામ યુવતીઓના શરીરની ઈંચેઈંચ તપાસ કરી હતી. અમે કોઈ આનુવંશિક રોગ ધરાવતાં નથી, અમને દારૂનું વ્યસન નથી અને કોઈ પારિવારિક સંબંધ નથી, તેવું જણાવતા એક દસ્તાવેજ પર સ્વૈચ્છાએ સહી કરવાનું અમને બધાને જણાવવામાં આવ્યું હતું."
યુવતીઓ જે બાળકને જન્મ આપશે તેમની માતા હોવાનો દાવો કરશે નહીં એવું જણાવતા દસ્તાવેજ પર પણ સહી કરવાનું યુવતીઓને જણાવવામાં આવ્યું હતું. એ બાળકને દેશની સંપત્તિ ગણવામાં આવશે તેવું ડૉક્ટરે સ્પષ્ટ જણાવ્યું હતું.
આ રીતે જન્મેલાં બાળકોને નશસ્થિત ખાસ શૈક્ષણિક સંસ્થામાં તેઓ નાઝી વિચારધારાને સંપૂર્ણપણે વફાદાર ન થઈ જાય ત્યાં સુધી ભણાવવામાં આવતા હતાં.

પાર્ટનરની પસંદગીની અને એક સપ્તાહ તેની સાથે રહેવાની તક

ઇમેજ સ્રોત, Getty Images
હિલ્ડેગાર્ડ અને તેમની સાથેની તમામ યુવતીઓ બધા આદેશનું પાલન કરવા સહમત થઈ હતી. એ પછી કૉન્ટ્રાક્ટ ડૉક્યુમેન્ટ્સ પર સહીસિક્કા કર્યા હતા એ યુવતીઓને, તેઓ જેમની સાથે સહશયન કરવા ઈચ્છતી હોય તેવા પાર્ટનરની પસંદગીની તક આપવામાં આવતી હતી.
તેમના પાર્ટનર ઊંચા, તગડા, બ્લ્યુ આંખવાળા યુવાન સૈનિકો હતા. યુવાન સૈનિકો અને યુવતીઓ વચ્ચે ગાઢ પરિચય થાય એ હેતુસર તેમને એકમેકને ઓળખ, ગ્રૂપ ગેમ્સ, સાથે ફિલ્મ જોવી અને સામાજિક ચર્ચા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી.
હિલ્ડેગાર્ડે કહ્યું હતું કે "દરેક યુવતીને પાર્ટનરની પસંદગી કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવતો હતો. પાર્ટનરની પસંદગી કરતી વખતે યુવતીના વાળનો રંગ અને યુવા સૈનિકની આંખનો રંગ સમાન હોય તે ધ્યાનમાં લેવાની સલાહ આપવામાં આવતી હતી."
"આ પ્રવૃત્તિનો ભાગ બનતા યુવા સૈનિક કે અધિકારીનું નામ યુવતીઓને જણાવવામાં આવતું ન હતું. ઓળખની ગુપ્તતા લેબેન્સબોર્ન પ્રોજેક્ટનો આધાર હતી."
હિલ્ડેગાર્ડે ઉમેર્યું હતું કે "એ હકીકતમાં સેક્સુઅલ પ્રવૃત્તિ જ હતી એ જાણવા છતાં મને એ વાતનો ગર્વ હતો કે હું એ કામ મારા ગોડફાધર હિટલર માટે કરી રહી છું. મેં અને મારા પાર્ટનરે સંબંધ બાંધ્યો હતો, એકમેકનો હેતુ બરાબર સમજ્યાં હતાં. અમને તે કરવામાં જરાય શરમ આવી ન હતી. હકીકતમાં હું મારા આકર્ષક પાર્ટનર પર મોહી પડી હતી."

માતાઓથી દૂર સંતાનો

ઇમેજ સ્રોત, Getty Images
સપ્તાહના પહેલા ત્રણ દિવસ હિલ્ડેગાર્ડ તેના એસએસ ઑફિસર પાર્ટનર સાથે સહશયન કરતાં હતાં. એ પછીના ત્રણ દિવસ તે પાર્ટનરને અન્ય યુવતી સાથે સહશયનનો આદેશ આપવામાં આવતો હતો.
હિલ્ડેગાર્ડ થોડા સપ્તાહમાં જ ગર્ભવતી થઈ ગયાં હતાં. પરીક્ષણ વડે તેને સમર્થન મળ્યું પછી તેમને કિલ્લામાં આવેલા મેટરનિટી વોર્ડમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે "હું કિલ્લામાંથી આટલી ઝડપભેર બહાર આવી જઈશ એ મેં ક્યારેય વિચાર્યું ન હતું. ડિલિવરીનો દિવસ આવ્યો. એ પીડાદાયક હતું. એ સમયે એકેય જર્મન મહિલા કૃત્રિમ રીતે બાળકને જન્મ આપવા ઈચ્છતી ન હતી."
હિલ્ડેગાર્ડે પ્રસવપીડા પછી બાળકને જન્મ આપ્યો. બે સપ્તાહ સુધી તેની સારસંભાળ રાખી. એ પછી બાળકને તેમની પાસેથી લઈ જવામાં આવ્યું હતું અને એસએસ હૉસ્ટેલમાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. તેનો ઉછેર નાઝી સૈન્યના વફાદાર સૈનિકો કરતા હતા.
પોતે જેની સાથે સહશયન કરીને ગર્ભવતી થયાં હતા એ એસએસ અધિકારીને પછી હિલ્ડેગાર્ડે કે તેમના સંતાને પણ ક્યારેય જોયા ન હતા.
રિકવરી બાદ ઘરે પાછા ફર્યા પછી બીડીએમના નેતાએ હિલ્ડેગાર્ડને રાષ્ટ્રસેવા માટે વધુ બાળકોને જન્મ આપવા પ્રોત્સાહિત કર્યાં હતાં, પરંતુ તેઓ એક અન્ય યુવા અધિકારીના દોસ્ત બનીને તેમને પરણી ગયાં હતાં.
તેમણે તેમના પતિને, હિટલર માટે બાળકને જન્મ આપ્યાની વાત જણાવી હતી, પણ તેમના પતિ એ વાત સાંભળીને રાજી થયા ન હતા. તેમણે હિલ્ડેગાર્ડની ઝાટકણી કાઢી હતી. હિલ્ડેગાર્ડ આજે પણ માને છે કે તેમણે જે કર્યું તે હિટલર પ્રત્યેની ફરજ સમજીને કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પોતે જેને જન્મ આપ્યો હતો એ બાળકનું શું થયું તેની ખબર હિલ્ડેગાર્ડને છેલ્લે સુધી પડી ન હતી. લેબેન્સબોર્ન યોજના હેઠળ જન્મેલાં બીજાં બાળકોની માફક હિલ્ડેગાર્ડના બાળકનું ભાવિ રહસ્ય જ બની રહ્યું હતું.
આ રીતે જન્મેલાં બાળકો મોટાં થાય પછી તેમને યુદ્ધ લડવા માટે મોકલવામાં આવતાં હતાં.
હિટલરના એક જનરલ હિમલર માનતા હતા કે લેબેન્સબોર્ન યોજના હેઠળ કમસે કમ બે કરોડ બાળકો જન્મે તો તેઓ આખી દુનિયાને પોતાના તાબામાં લઈ શકે, પરંતુ તેમની યોજના સાકાર થાય તેટલી યુવતીઓ જર્મનીમાં ન હતી. તેથી હિટલરના નાઝી સૈન્યને વિશ્વના અન્ય ભાગોમાંથી પણ આર્યન વંશનાં લક્ષણો ધરાવતા લોકોનું અપહરણ કરીને જર્મની લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ઇતિહાસ જણાવે છે કે નાઝી સૈન્ય બીજા વિશ્વયુદ્ધને કારણે જર્મની છોડીને ભાગી ગયેલા અને યુરોપમાં અન્યત્ર રહેતા જર્મનોને નિશાન બનાવતું હતું.
એક અંદાજ મુજબ, હિટલરના 12 વર્ષના શાસનકાળમાં હિલ્ડેગાર્ડ જેવાં મહિલાઓએ મુખ્યત્વે જર્મની તથા નોર્વેમાં આશરે 20,000 બાળકોને જન્મ આપ્યો હતો.
એવાં ઘણાં બાળકોને યુદ્ધ પછી દત્તક લઈ લેવામાં આવ્યાં હતાં અને તેમના જન્મના તમામ રેકૉર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. એ પૈકીના કેટલાકે ન્યાય મેળવવા માટે અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. ઘણાં બાળકો કુમળી વયે મૃત્યુ પામ્યાં હતાં.
(આ લેખમાંની હિલ્ડેગાર્ડ ડ્રુઈડ્ઝ સંબંધી કેટલીક માહિતી ગ્લાઈસ મિલ્ટનના પુસ્તકમાંથી સંકલિત કરવામાં આવી છે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













