પિતરાઈ ભાઈ-બહેનનાં લગ્નથી પેદા થતાં બાળકોને કેવી બીમારીઓનો ખતરો રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
- પદ, .
શું સાચું છે અને શું ખોટું એ વિશેના દરેક સંસ્કૃતિના પોતાનાં, ઊંડાં મૂળિયાં ધરાવતાં નીતિ-નિયમો હોય છે, નિષિદ્ધ-અનિષિદ્ધ હોય છે.
આ પ્રકારની નિષિદ્ધ બાબતો એક પ્રકારનું સામાજિક નિયંત્રણ હોય છે, જે આપણને જણાવે છે કે ક્યો વ્યવહાર સ્વીકાર્ય છે અને ક્યો નથી.
અસ્વીકૃતિઓ સંસ્કૃતિનો એક મોટો હિસ્સો છે અને કોઈ એક સમાજમાં પ્રતિકારક ગણવામાં આવતી કોઈ બાબતને બીજા સમાજમાં દૈનિક જીવનના અભ્યાસનું સ્વરૂપ ગણવામાં આવતી હોય છે.
પિતરાઈ ભાઈ - બહેન વચ્ચેનાં લગ્ન સમગ્ર વિશ્વમાં બહુ સામાન્ય બાબત છે. ખાસ કરીને મધ્ય-પૂર્વ, દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશોમાં.
ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોમાં આ પ્રકારનાં લગ્ન અનેક સમુદાયોમાં સદીઓથી થતાં આવ્યાં છે.
દુનિયાના લગભગ દસેક ટકા એટલે કે 75 કરોડથી વધારે પરિવારો એવાં યુગલ બનાવે છે, જે પિતરાઈઓ કે નજીકનાં સગાં હોય. મોટાભાગના યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકાના કેટલાક હિસ્સામાં અને એશિયામાં આવું કરવાની છૂટ છે. આ સંદર્ભમાં અમેરિકાના પિતરાઈઓ મૅરેજ કાયદાઓ ચીથરાં વડે બનાવેલી રજાઈ જેવા લાગે છે.
અમેરિકાના ન્યૂ યૉર્ક, કૅલિફોર્નિયા અને ફ્લોરિડા જેવાં રાજ્યોમાં વ્યક્તિ તેના ફર્સ્ટ (નજીકના) પિતરાઈ સાથે કોઈ નિયંત્રણ વિના લગ્ન કરી શકે છે, પરંતુ વેસ્ટ વર્જિનિયા, કેન્ટુકી અને ટેક્સાસ જેવાં અન્ય રાજ્યોમાં પિતરાઈઓ મૅરેજ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
પિતરાઈઓ વચ્ચે લગ્નની શરતી પરવાનગી આપતાં કેટલાંક રાજ્યો પણ છે. એરિઝોના, ઈલિનોઈસ અને યુટાહમાં ઇન્ફર્ટાઇલ એટલે કે બાળક પેદાં કરી શકવાં સમર્થ ન હોય અથવા પુરુષ અને સ્ત્રી બન્નેની વય એક ચોક્કસ પ્રમાણથી વધારે હોય એવા પિતરાઈઓ જ એકમેકની સાથે લગ્ન કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેઈને નામના રાજ્યમાં એવો કાયદો છે કે આનુવંશિક સલાહ-મસલત કરી હોય એવી વ્યક્તિ જ તેની પિતરાઈ સાથે લગ્ન કરી શકે છે.
આનુવંશિક સલાહ-મસલત શા માટે? પિતરાઈ મૅરેજ શા માટે અયોગ્ય છે એવું અમેરિકનોને પૂછવામાં આવે તો મોટાભાગના એવું કહેશે કે પિતરાઈ મૅરેજને કારણે પેદા થતાં બાળકોને આનુવંશિક રોગ થાય છે, પણ એ વાત સાચી છે?

પિતરાઈ સાથે લગ્ન કરો તો શું થાય? શું છે માન્યતા, શું છે હકીકત?

- પિતરાઈ ભાઈ - બહેન વચ્ચેનાં લગ્ન સમગ્ર વિશ્વમાં બહુ સામાન્ય બાબત છે. ખાસ કરીને મધ્ય-પૂર્વ, દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશોમાં
- નિયાના લગભગ દસેક ટકા એટલે કે 75 કરોડથી વધારે પરિવારો એવાં યુગલ બનાવે છેસામાન્ય વસતીની સરખામણીએ ફર્સ્ટ પિતરાઈઓનાં સંતાનોમાં આનુવંશિક રોગનું પ્રમાણ કેટલું હોય છે?
- લોકો ઘણા સંજોગોમાં તેમના પિતરાઈઓ સાથે લગ્ન કરતા હોય છે, સૌથી પહેલું કારણ પરિવારની સંપત્તિ પરિવારમાં જ જાળવી રાખવાનું હોય છે
- સામાન્ય રીતે પિતરાઈઓ વચ્ચેનાં લગ્ન ઘણાં સલામત હોય છે, પરંતુ કેટલાક ચોક્કસ વર્ગ કે પરિવારો માટે તે વધારે જોખમી સાબિત થઈ શકે છે
- તમારે ત્યાં રિસેસિવ ડિસૉર્ડરવાળું સંતાન જન્મે તો તમે તમારા પિતરાઈ સાથે લગ્ન કર્યાં હોય તે જરૂરી નથી

સમાન જીન્સના મિશ્રણનું જોખમ

ઇમેજ સ્રોત, Thinkstock
ન્યૂ યૉર્કની કૉલમ્બિયા યુનિવર્સિટીનાં જીનેટિસિસ્ટ વૅન્ડી ચન્ગ આનુવંશિક બીમારીઓ વિશે સંશોધન કરી રહ્યાં છે. તેઓ આનુવંશિક બીમારી ધરાવતા પરિવારોના સલાહ તથા સારવાર પણ આપે છે.
વૅન્ડી ચન્ગ કહે છે કે "મારા માટે જીનેટિક્સ અત્યંત તાર્કિક છે. તે બહુ સંતોષકારક છે. તે વિજ્ઞાનને સમજવામાં અને લોકોને, અસરગ્રસ્ત પરિવારો મદદરૂપ થવામાં બહુ ઉપયોગી છે."
ગર્ભાશયમાં ગર્ભ વિકસે છે ત્યારે ત્યાં જનીનોમાં તમામ પ્રકારના ફેરફાર થઈ શકે છે અને વિકૃતિઓ સર્જાઈ શકે છે. કેટલીક જન્મજાત વિસંગતતાઓ હોય છે. તેમાં શરીરનો કોઈ ભાગ અપેક્ષિત રીતે વિકસતો નથી.
સામાન્ય વસ્તીની સરખામણીએ ફર્સ્ટ પિતરાઈઓનાં સંતાનોમાં આનુવંશિક રોગનું પ્રમાણ કેટલું હોય છે?
વૅન્ડી ચન્ગ કહે છે કે, "આવાં યુગલો સંતાનો પેદા કરવાનો નિર્ણય કરે ત્યારે મુખ્ય પ્રકારની સમસ્યાઓ ધરાવતું બાળક જન્મવાની શક્યતા ત્રણથી ચાર ટકાની વચ્ચે હોય છે. ફર્સ્ટ (નજીકના)પિતરાઈઓના કિસ્સામાં એ પ્રમાણ બમણું થઈ જાય છે."
લોકો ઘણા સંજોગોમાં તેમનાં પિતરાઈઓ સાથે લગ્ન કરતાં હોય છે. સૌથી પહેલું કારણ પરિવારની સંપત્તિ પરિવારમાં જ જાળવી રાખવાનું હોય છે. વળી, પિતરાઈ હોય એટલે પારિવારિક પરિચય પણ હોય છે.
જેમણે ઍરેન્જ્ડ મૅરેજ કર્યાં છે તેમને, બે-ચાર મુલાકાત થઈ હોય એવી કોઈ અજાણ મહિલા કે પુરુષની સરખામણીએ તેઓ વર્ષોથી પરિચિત હોય તેવાં મહિલા કે પુરુષ સાથે જીવન પસાર કરવાનું વધારે અનુકૂળ હોઈ શકે છે.
અમેરિકા અને યુરોપમાં પિતરાઈઓ વચ્ચેનાં લગ્ન બહુ સામાન્ય બાબત ગણાતાં હતાં. ચાર્લ્સ ડાર્વિન, એડગર એલન પો અને આલ્બર્ટ આઈન્સ્ટાઇન જેવા મહાન લોકો તેમનાં સગાં પિતરાઈ બહેનને પરણ્યા હતા.
હજુ હમણાંનું ઉદાહરણ લઈએ તો ન્યૂ યૉર્કના ભૂતપૂર્વ મેયર રુડોલ્ફ ગિલિયાનીનાં પહેલાં પત્ની તેમની બીજાં પિતરાઈ બહેન હતાં.

અસામાન્ય જીન્સ

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે પિતરાઈઓ વચ્ચેનાં લગ્ન ઘણાં સલામત હોય છે, પરંતુ કેટલાક ચોક્કસ વર્ગ કે પરિવારો માટે તે વધારે જોખમી સાબિત થઈ શકે છે.
તેનું કારણ ચોક્કસ પ્રકારની જીનેટિક કન્ડિશનો હોય છે, એમ જણાવતાં વૅન્ડી ચન્ગ કહે છે કે "કેટલીક ચોક્કસ પરિસ્થિતિ હોય છે, જેમાં કશુંક થાય એ માટે બે વ્યક્તિની જરૂર હોય છે. દરેક વ્યક્તિ પાસે તેના પિતાનું એક અને માતાનું એક એમ જીન્સની બે કૉપી હોય છે. અમુક પરિસ્થિતિમાં જીન્સની આ બન્ને કૉપીમાંના આનુવંશિક પરિવર્તન સમસ્યાનું કારણ બનતાં હોય છે."
વૅન્ડી ચન્ગ ઉમેરે છે કે "તમારામાં એ પૈકીનાં 50 ટકા જીન્સ તેમનું કામ કરતાં હોય તો બરાબર છે, પરંતુ 100 ટકા જીન્સ એબ્નૉર્મલ હોય ત્યારે સમસ્યા સર્જાય છે."
વૅન્ડી ચન્ગ ઑટોસોમલ રિસેસિવ કન્ડિશનની વાત કરે છે. એવી બીમારીના હજારો પ્રકાર હોય છે. તેમાં સિકલ સેલ એનીમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ કે સ્પાઇનલ મસ્ક્યુલર ઍટ્રૉફી જેવી કેટલીક જાણીતી તથા ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે.
વિશ્વના મોટાભાગના લોકોમાં કેટલાક ઍબ્નૉર્મલ રિસેસિવ જીન્સ હોય છે. તમારા શરીરમાં એક ઍબ્નૉર્મલ કૉપી હોય તો ઠીક છે, પણ બે કૉપી હશે તો તમને કોઈ વિકાર થશે.
તેથી તમારે ત્યાં રિસેસિવ ડિસૉર્ડરવાળું સંતાન જન્મે તો તમે તમારા પિતરાઈ સાથે લગ્ન કર્યાં હોય તે જરૂરી નથી.
અલબત્ત, આ વાત સમજાવતાં વૅન્ડી ચન્ગ કહે છે કે, "તમારા અને તમારા પાર્ટનરના જીન્સમાં સાડા બાર ટકા આનુવંશિક સમાનતા હોય તો તમારાં બન્નેના એ જ સમાન જીન્સમાં પરિવર્તન થાય છે, જે તમને તમારા પૂર્વજો પાસેથી વારસામાં મળેલું છે."
બન્ને એકસમાન રિસેસિવ જીનેટિક કન્ડિશન ધરાવતા હોય તો શું થાય? એવા કિસ્સામાં તેમને ત્યાં જીનેટિક બીમારી સાથેનું સંતાન જ જન્મે તેવી શક્યતા પ્રબળ હોય છે.

પારિવારિક સમાનતા

પિતરાઈઓ વચ્ચેનાં લગ્નમાં કેટલું આનુવંશિક જોખમ છે તે નક્કી કરવાના સંદર્ભમાં સંબંધિત યુગલ કે પરિવાર ઉપરાંતની બાબતોને પણ ધ્યાનમાં લેવી પડે.
વૅન્ડી ચન્ગ કહે છે કે "આ માત્ર ફર્સ્ટ પિતરાઈઓનાં લગ્ન પૂરતી મર્યાદિત બાબત નથી. વાસ્તવમાં તેનો સંબંધ વસ્તીના એક મોટા હિસ્સા સાથે છે. અમુક જ્ઞાતિઓમાં દાયકાઓથી ઇન્ટરકાસ્ટ લગ્નની પ્રથા છે."
તેઓ ઉમેરે છે કે "દ્વીપ હોય કે શહેર હોય કે મહાનગર હોય, કેટલાંક જીન્સમાં ચોક્કસ પ્રકારના વૈવિધ્યનું પ્રમાણ બહુ વધારે હોય છે અને તેથી બીમારીનું જોખમ વધે છે."
તેમના જણાવ્યા મુજબ, "કેટલાક રાજવી પરિવારોમાં આવું પરિવારમાં જ સત્તા અને સંપત્તિ જાળવી રાખવા માટે કરવામાં આવતું રહ્યું છે. તેથી આ બાબત માત્ર સાડા બાર ટકા આનુવંશિક સમાનતા પૂરતી મર્યાદિત નથી. વાસ્તવમાં તેમાં પાછલી અનેક પેઢીઓની આનુવંશિક સમાનતાનો હિસ્સો પણ ભળે છે."
વૅન્ડી ચુન્ગના જણાવ્યા મુજબ, "સંખ્યાબંધ લોકોએ તેમના પિતરાઈઓ સાથે લગ્ન કર્યાં હોય ત્યારે સમાજમાં જીનેટિક બીમારી સાથેનાં સંતાનોના જન્મનું જોખમ વધી જાય છે, પરંતુ જે સમાજમાં ઓછા પ્રમાણમાં પિતરાઈઓનાં લગ્ન થયાં હોય આવા જોખમનું પ્રમાણ ઘણું ઓછું હોય છે."

ઇમેજ સ્રોત, Getty Images
પ્રજોત્પતિશાસ્ત્રીઓ માટે તમામ પિતરાઈઓ મૅરેજમાં રિસેસિવ કન્ડિશનોના જોખમની ગણતરી કરવી મુશ્કેલ છે, કારણ કે દરેક પરિવાર અને દરેક યુગલ અલગ હોય છે.
રિસેસિવ કન્ડિશનનું જોખમ નક્કી કરવા માટે એવાં યુગલોના જીન્સ ચકાસીને જાણવું પડે કે તેમાં ચોક્કસ પ્રકારની કેટલી અસમાનતા છે. ન્યૂ યોર્કના અલ્ટ્રા-ઑર્થોડૉક્સ જ્યુ જેવા કેટલાક સમુદાયોમાં આવા રોગોનું પ્રમાણ વધારે છે. એ સંદર્ભમાં ઉપરોક્ત ચકાસણી બહુ જરૂરી છે.
વૅન્ડી ચન્ગના જણાવ્યા મુજબ, આ સમુદાયના એક સભ્ય રબ્બી એકસ્ટીન અને તેમના પરિવારમાં એ ગંભીર સમસ્યા હતી, કારણ કે તેમનાં અનેક બાળકો ટાય-સેક નામના ઘાતક રોગથી પીડાતાં હતાં.
"આ રોગની કોઈ સારવાર આજની તારીખે ઉપલબ્ધ નથી અને બાળક પાંચ વર્ષનું થાય એ પહેલાં જ મૃત્યુ પામે છે. વળી કોઈ વ્યક્તિ ટાય-સેક રોગની વાહક હોય એ હકીકત કલંકરૂપ છે. જે પરિવારમાં આવી સમસ્યા હોય તેના સભ્યો સાથે લગ્ન કરવાનું સમુદાયમાં કોઈ વિચારતું નથી."
આ સમુદાયમાં મોટાભાગનાં લગ્ન મૅચમેકિંગ મારફત જ કરવામાં આવે છે અને એ સાંસ્કૃતિક પરંપરા ટાય-સેકની સમસ્યાના નિવારણની તક બની છે.
રબ્બી એકસ્ટીને તેમના સમુદાયના લગ્નોત્સુક યુવાનોના જીનેટિક પરીક્ષણની યોજના તૈયાર કરી હતી.
વૅન્ડી ચન્ગ કહે છે કે "સાંસ્કૃતિક રીતે એ યોજનાને ભારે આવકાર મળ્યો અને આ કાર્યક્રમ ઑર્થોડૉક્સ જ્યુઝ સમુદાય માટે વ્યાપક પરિવર્તનકારક સાબિત થયો છે. તેમાં ટાય-સેકના કિસ્સાઓ લગભગ જોવા મળતા નથી."
આમ, પિતરાઈઓ વચ્ચેનાં લગ્ન કેટલાક સમુદાયોમાં જોખમી સાબિત થઈ શકે છે. સામાન્ય વસ્તીમાં આવું જોખમ બહુ મોટું નથી અને વિજ્ઞાનની મદદ વડે સમુદાયો આવા રિસેસિવ જીન્સનું જોખમ ઘટાડી શકે છે.

'તેનો સામાન્ય ગણીને સ્વીકાર કરાતો નથી'

ઇમેજ સ્રોત, Getty Images
મોના ચલાબી તેમના પૉડકાસ્ટમાં જણાવે છે કે પિતરાઈ સાથે લગ્ન કરવાના આનુવંશિક જોખમને બહુ મોટું સ્વરૂપ આપી દેવાયું છે અને આધુનિક વિજ્ઞાને કરેલી પ્રગતિને ધ્યાનમાં લેતાં પિતરાઈ મૅરેજ અગાઉ ક્યારેય ન હતાં એટલા સલામત છે.
અમેરિકામાં પિતરાઈ મૅરેજ પરના મોટાભાગના પ્રતિબંધો 19મી સદીની મધ્યથી 20મી સદીની શરૂઆત સુધી લાદવામાં આવ્યા હતા, પરંતુ ટેક્સાસમાં હજુ 2005માં પિતરાઈ મૅરેજ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બાળકોના શોષણ માટે કુખ્યાત કટ્ટરપંથી મોર્મન સમુદાયના આગમનના પ્રતિસાદમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
તેમાં પિતરાઈઓ વચ્ચેનાં લગ્નની સાથે બાળવિવાહનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. આ દરખાસ્ત રજૂ કરનાર સરકારી પ્રતિનિધિએ જણાવ્યું હતું કે "જે રીતે સગાં ભાઈ-બહેનનાં લગ્ન ન થાય એવી રીતે પિતરાઈઓનાં પણ ન થાય અને એવું થાય ત્યારે તેનું પરિણામ ખરાબ આવે છે. તેને સામાન્ય બાબત ગણી શકાય નહીં."
ટેક્સાસના કાયદામાં પિતરાઈ મૅરેજને કલંક અને વર્જિત ગણવામાં આવ્યાં છે.
મોના ચલાબીને એ વાતનું આશ્ચર્ય છે કે આવા પ્રતિબંધથી ખરેખર કોનું ભલું થાય છે. અશ્વેત સમાજમાં પિતરાઈ મૅરેજનું ચલણ વ્યાપક છે અને તેના પ્રત્યેનો પૂર્વગ્રહ વંશવાદી વલણ છે.
આરબો, ઉત્તર અમેરિકનો અને દક્ષિણ એશિયનો આવું કરશે તો કેટલાક લોકો તેને ભદ્દું ગણશે, પરંતુ તમને તમારી પિતરાઈ કે તમારો પિતરાઈ ગમતો હોય તો આ વાંચ્યા પછી તમે તેને ડેટ પર જવાનું કહો તે શક્ય છે, એવું મોના ચલાબી ધારે છે.
(નોંધઃ આ લેખ મોના ચલાબીના "એમ આઈ નૉર્મલ?" પૉડકાસ્ટના ટેડ ઑડિયો કલેક્ટિવ અને બીબીસી દ્વારા પુનઃ પ્રસ્તુત કરવામાં આવ્યો છે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













