બર્લિનમાં મહિલાઓને ટૉપલેસ નાહવાની મંજૂરી, જર્મનોને જાહેરમાં નગ્ન થવું કેમ ગમે છે?
- લેેખક, ક્રિસ્ટિન આર્નેસન
- પદ, બીબીસી
જર્મનીની રાજધાની બર્લિનમાં હવેથી મહિલાઓ પણ જાહેર સ્વિમિંગ-પૂલમાં ટૉપલેસ નાહી શકશે. શહેરના તંત્રે સંબંધિત મંજૂરી આપી છે. તાજેતરમાં જ અહીંના એક જાહેર સ્વિમિંગ-પૂલમાં ટૉપલેસ સનબાથિંગ લેતાં અટકાવાયેલી એક મહિલાએ કરેલી કાયદાકીય કાર્યવાહી બાદ સંબંધિત નિર્ણય લેવાયો છે.
આવી રીતે કોઈ મહિલાને ટૉપલેસ સ્વિમિંગ-પૂલમાં નહાતાં રોકવી એ ભેદભાવ હોવાનું શહેરના તંત્રે સ્વીકાર્યું છે અને જણાવ્યું છે કે બર્લિનના સ્વિમિંગ-પૂલોમાં હવેથી લિંગના ભેદભાવ વગર તમામ લોકો ટૉપલેસ નહાઈ શકશે.
'ફ્રી બૉડી કલચર'ના નેજા તળે ચળવળ ચલાવનારા સંગઠને આ નિર્ણયને આવકાર્યો છે. શહેરનાં તળાવોના કિનારે, બગીચા કે સોનામાં નગ્ન નજરે પડતા જર્મનનોને જોતાં પ્રવાસીઓ ઘણી વખત ચોંકી જતા હોય છે અથવા અસહજ અનુભવ કરતા હોય છે. જોકે, આ એ દેશ છે જે જાહેર નગ્નતાનો સ્વીકાર કરે છે અને અમુક અંશે એને સ્વાસ્થ્યવર્ધક પણ ગણે છે.

ઇમેજ સ્રોત, ImageBroker/Alamy
વર્ષો સુધી બર્લિનમાં રહ્યા પછી જર્મનો માટે કંઈ પણ કરવું સહજ છે એ વાત મને સમજાઈ છે. અમેરિકાના મિડવેસ્ટમાં મારો ઉછેર થયો તેનાથી વિપરિત અહીં લોકો નગ્નતાને સહજતાથી લે છે.
અમેરિકામાં નગ્નતાને જાતીયતા સાથે જોડવામાં આવે છે, પણ અહીં જર્મનીમાં રોજબરોજનાં કાર્યો દરમિયાન વસ્ત્રોના ત્યાગને અસામાન્ય ગણવામાં આવતો નથી.
સૂર્યસ્નાન વખતે નિર્વસ્ત્ર થવાનું કે સ્વિમિંગ પુલમાં કૂદતાં પહેલાં બધાં જ વસ્ત્રોનો ત્યાગ કરવો કરવો સ્વાભાવિક ગણાવા લાગ્યો છે.
એક વાર હું મસાજ થેરપી માટે ગઈ અને સ્વંય વસ્ત્રોનો ત્યાગ કરવા લાગી ત્યારે થેરપિસ્ટને નવાઈ લાગેલી, કેમ કે અમેરિકન લોકોને નિર્વસ્ત્ર થવા માટે જણાવવું પડે છે.
જોકે પ્રથમવાર જાહેરમાં કોઈને નિર્વસ્ત્ર જોવાની ઘટનાને ભૂલી ના શકાય તે વાત પણ સાચી છે. મારો અનુભવ બર્લિનના દક્ષિણમાં આવેલા એક પાર્કમાં થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૂર્યસ્નાન કરવા માટે અનેક લોકો ત્યાં નિરાવરણ પડ્યા હતા.

ઇમેજ સ્રોત, Ageofstock/Alamy)
મેં કેટલાક મિત્રોને પૂછપરછ પણ કરી અને ગૂગલમાં સર્ચ કરીને જાણવાની કોશિશ પણ કરી કે આવું શા માટે, અને મને જાણવા મળ્યું કે બર્લિનમાં જાહેર બગીચામાં એક ખૂણે કે બીચ પર કુદરતી વેશભૂષામાં શરીરોને જોવા કંઈ નવાઈની વાત નથી.
આ બર્લિનની કોઈ છૂપી વાત નથી, પરંતુ અહીં પ્રચલિત બનેલી "મુક્ત-તન સંસ્કૃતિ" (ટૂંકમાં FKK તરીકે ઓળખાતી રીત)નો જ હિસ્સો છે. જોકે તે નવી સંસ્કૃતિ પણ નથી અને જર્મીનીમાં 19 સદીના પાછલા હિસ્સાથી તે પ્રચલિત બનવા લાગી હતી.
સ્પેનમાં બીચ પર ટોપ કાઢી નાખીને મોકળા થવા પૂરતી આ વાત નથી; જર્મનીમાં FKK સંસ્કૃતિ વધારે ઊંડી ભાવના સાથેની છે. આવી રીતને જર્મનીમાં રૂઢિના વિરોધની સાથે જાતના બંધનોને ત્યાગીને મુક્ત થવાની ભાવના તરીકે પણ જોવામાં આવે છે.
"જર્મનીમાં ન્યૂડીઝમની લાંબી પરંપરા રહી છે," એમ બર્લિનન ફ્રેઇ યુનિવર્સિટીના મોર્ડન હિસ્ટ્રીના એસોસિએટ પ્રોફેસર આર્ન્ડ બૉકેમ્પર કહે છે.
વીસમી સદીની શરૂઆતમાં જીવનશૈલીમાં સુધારાની હવા ચાલી હતી.

ઇમેજ સ્રોત, ImageBroker/Alamy
ઓર્ગેનિક આહાર, મુક્ત યૌનાચાર, વૈકલ્પિક સારવાર અને કુદરતની વધારે નજીક રહીને સાદું જીવન જીવવા પર ભાર મૂકવા લાગ્યો હતો. "એ વ્યાપક ઝુંબેશના ભાગરૂપે ન્યૂડીઝમ આવ્યું હતું. તેમાં ઔદ્યોગિક આધુનિકતા, 19મી સદીમાં આકાર લઈ રહેલા સામાજિક પ્રવાહોનો વિરોધ હતો," એમ તેઓ કહે છે.
લિબનીઝ સેન્ટર ફોર કન્ટેમ્પરરી હિસ્ટ્રી પોડસ્ટેમના ઇતિહાસકાર હન્નો હોકમથના જણાવ્યા અનુસાર બર્લિન સહિતનાં મોટાં શહેરોમાં આ ચળવળને વધારે પ્રતિસાદ મળ્યો હતો.
વેઇમર એરા (1918-1933) દરમિયાન દરિયાકિનારે FKK ચળવળના અનુયાયી નિરાવરણ દેખાવા લાગ્યા હતા. સામ્રાજ્યવાદી જર્મનીમાં (1871થી 1918 સુધી) આપખુદ સમાજમાં લોકો ગૂંગળાતા રહ્યા હતા, તે પછી મુક્તિ માટેની ઝંખના જાગી હતી."
1926માં આલ્ફેર્ડ કોચે બર્લિન સ્કૂલ ઑફ ન્યુડીઝમની સ્થાપના કરી હતી, જ્યાં સ્ત્રીપુરુષ બધા ભેગાં થઈને નિર્વસ્ત્ર કસરત કરી શકે.

ઇમેજ સ્રોત, Kuttig/Alamy
આમ કરવાથી કુદરત સાથે તાદાત્મ્ય અને સુખાકારી વધે છે એમ તેમનું માનવું હતું.
પ્રારંભમાં નાઝી વિચારસરણીમાં આને અનૈતિક ગણીને FKKનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ 1942 સુધીમાં ત્રીજી નાઝી સરકારે જાહેરમાં ન્યૂડિટી પરના પ્રતિબંધો હળવા કર્યા હતા.
જોકે નાઝીઓ જેમને ધિક્કારતા હતા તે યહુદી અને સામ્યવાદીઓને છૂટ અપાઈ નહોતી.
જોકે વિશ્વ યુદ્ધ પછી જર્મનીના બે ટુકડા થયા તે પછી આ ચળવળને વેગ મળ્યો હતો. ખાસ કરીને પૂર્વ જર્મનીમાં FKK ચળવળ આગળ વધી.
સામ્યવાદી પૂર્વ જર્મનીમાં જીવતા નાગરિકો માટે પ્રવાસ, ખરીદી અને અંગત સ્વતંત્રતા પર મર્યાદાઓ હતી ત્યાં બળાપો કાઢવા અને પ્રતિબંધો વચ્ચે થોડી વ્યક્તિગત મુક્તિ માણીને હળવા થવા માટે FKK ચળવળ ઉપયોગી થઈ હતી, એમ બોકેમ્પર માને છે.
હોચમથ બાળક હતા ત્યારે માતાપિતા સાથે પૂર્વ બર્લિનના ન્યૂડ બીચ પર જતા હતા અને તેઓ પણ આ વાતને સ્વીકારે છે. "તેનાથી થોડી મુક્તિનો અહેસાસ થતો હતો".
સામ્યવાદી પક્ષના જાતભાતનાં ફરમાનો લોકોએ પાળવા પડતાં હતાં, જેમ કે પક્ષની રેલીઓમાં જવાનું અને દર શનિરવિમાં મફતમાં સામાજિક કાર્યો કરવાની ફરજ પડવી વગેરે," એમ તેઓ કહે છે.

ઇમેજ સ્રોત, NurPhoto/Getty Images
પૂર્વ જર્મનીમાં લોકો ખાનગીમાં ન્યૂડિટીને માણતા રહ્યા અને ચકોર નજર રાખતા કે આસપાસ પોલીસ ના હોય.
તે પછી છેક 1971માં એરિક હોનેકરના શાસન વખતે ફરીથી સત્તાવાર રીતે FKKને મંજૂરી મળી હતી.
બોરકેમ્પર કહે છે કે દુનિયાના લોકોમાં સારા દેખાવા માટે તેમની સરકારે વિદેશી તથા સ્થાનિક નીતિઓમાં થોડી ઢીલ મૂકવાનું શરૂ કર્યું હતું.
તેઓ કહે છે, "પૂર્વ જર્મનીની સરકાર કહી શકતી હતી કે જુઓ અમે તો ન્યૂડિટી પણ ચલાવીએ છીએ, અમે તો મુક્ત સમાજ છીએ."
1990માં બંને જર્મની એક થઈ ગયા અને તે પછી પ્રતિબંધો પણ હટી ગયા. જોકે તે પછી FKK કલ્ચરમાં લોકોને રસ ઓછો થવા લાગ્યો.
1970 અને '80ના દાયકામાં હજારો લોકો મેદાનોમાં, દરિયાકિનારે, બગીચામાં નિર્વસ્ત્ર જોવા મળતા હતા. પરંતુ 2019માં જર્મન ઍસોસિએશન ફૉર ફ્રી બોડી કલ્ચરે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે હવે માત્ર 30,000થી થોડા વધુ સભ્યો નોંધાયેલા હતા અને મોટા ભાગના મોટી ઉંમરના હતા.
આજે પણ FKKની અસર જર્મનીના કલ્ચર પર થઈ રહી છે, ખાસ કરીને પૂર્વ જર્મનીમાં હતા તે વિસ્તારોમાં.

માણસ નિર્વસ્ત્ર થયો તે પછી જંગલી ભૂંડ કપડાં લઈને ભાગી ગયું...
તેના કારણે ક્યારેય સમાચારો પણ ચગે છે, જેમ કે બર્લિન સરોવરમાં FKK લોકો માટે નિશ્ચિત કરાયેલી જગ્યામાં એક માણસ નિર્વસ્ત્ર થયો તે પછી તેનાં કપડાં અને લેપટોપ સાથેની બેગ લઈને જંગલી ભૂંડ ભાગી ગયું હતું.
જર્મનીમાં આ પરંપરાને કારણે જાહેર સ્થળોએ નિર્વસ્ત્ર થવા માગતા લોકો માટે અલગ જગ્યાઓ રાખવામાં આવે છે.
મેં જોયું કે આજે પણ અનેક જગ્યાએ આવાં સ્થળો મળી આવે છે, અને ત્યાં સ્વાસ્થ્ય માટેની જાગૃત્તિના પ્રયાસો પણ થતા હોય છે.
દરિયાકિનારે અને બગીચાઓમાં ક્યાં આવી જગ્યાઓ છે તેની યાદી પણ Nacktbaden.de વેબસાઇટ પર મળી જાય છે.
એ સિવાય કાર્યક્રમોમાં જોડાવા માગતા હો, જેમ કે રમતગમતની ક્લબ FSV Adolf Koch ખાતે ન્યૂડ યોગાસનો પણ થાય, વૉલીબોલ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ પણ રમી શકાય.
ઘણી રીતે આ પરંપરાથી એ પણ ખ્યાલ આવે છે કે કઈ રીતે પૂર્વ જર્મનીના લોકો આજે પણ આ મુદ્દે એકરૂપતા અનુભવી શકે છે.
પૂર્વ જર્મનીમાં ન્યૂડ બીચના અનુભવો વચ્ચે ઉછરેલા સિલ્વા સ્ટેનકોફ માને છે કે મુક્ત-તનની આ સંસ્કૃતિનું પણ આગવું મૂલ્ય છે અને તેને સંતાનોમાં ઉતારવું જોઈએ.

'અમે લોકોને બાહ્ય દેખાવથી નથી જોતા'
"મને લાગે છે કે મારી પેઢીના પૂર્વ જર્મનીના લોકોમાં આજે પણ આ ભાવના રહેલી છે."
હું પણ મારાં બાળકોમાં તે ઉતારવા કોશિશ કરું છું. પોતાના શરીર માટે સહજ થવાનું અને નિરાવરણ થવામાં કોઈ સંકોચ ના હોય તે શીખવું છું" એમ સિલ્વા કહે છે.
સિલ્વા માને છે કે જાતીયતાને બાજુએ રાખીને નિરાવરણ દેહ જોવાથી લોકો બાહ્ય દેખાવ સિવાયની રીતે પણ સામી વ્યક્તિને જાણી શકે છે.
વસ્ત્રો વિના માત્ર શરીર નહીં, પણ તેને ધારણ કરનાર વ્યક્તિત્વને પણ જાણી શકાય છે.
"તમે લોકોને નિર્વસ્ત્ર જોવા ટેવાયેલા હો તો પછી દેખાવની બાબતને બહુ મહત્ત્વ નહીં આપો.
મને લાગે છે કે પૂર્વ જર્મનીમાં આ વાત વધારે પ્રચલિત છે. અમે લોકોને બાહ્ય દેખાવથી નથી જોતા, પણ તેની અંદરના માણસને જોઈએ છીએ," એમ સિલ્વા કહે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













