ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 : 2024ની તૈયારી પણ વર્તમાનનું શું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી

સારાંશ

  • ગુજરાતમાં નવા મુખ્ય મંત્રી અને નવી કેબિનેટ રચતી વખતે ભાજપે જ્ઞાતિ-જાતિ અને વિસ્તારના સમીકરણને સાધવાનો પ્રયાસ કર્યો છે
  • ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમં સવર્ણ પ્રધાનોની ટકાવારી 41.18 ટકા જેટલી થાય છે
  • ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજને બાદ કરતાં ગુજરાતમાં સવર્ણોની વસતિ 18 ટકા જેટલી છે
  • અપેક્ષા મુજબ, સૌથી મોટા સવર્ણ વર્ગ પાટીદારોના ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બન્યા છે
  • એકમાત્ર મહિલા ધારાસભ્ય ભાનુબહેન બાબરિયાને કૅબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે
  • "પરંપરાગત રીતે સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના ગઢ રહ્યા છે"
બીબીસી ગુજરાતી

સોમવારે ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. તેમના મંત્રીમંડળમાં કુલ 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપે જ્ઞાતિ-જાતિ અને વિસ્તારના સમીકરણને સાધવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરીને 2024માં લોકસભાની ચૂંટણીમાં લાભ મળી રહે.

છતાં પટેલ મંત્રીમંડળમાં સમાજના એક ચોક્કસ વર્ગનું અસામાન્ય પ્રતિનિધિત્વ તથા અમુક સમુદાયને તેની વસતી કરતાં ખૂબ જ નીચું પ્રતિનિધિત્વ મળ્યું છે.

બીબીસી ગુજરાતી

સવર્ણોની બોલબાલા

ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમં સવર્ણ પ્રધાનોની ટકાવારી 41.18 ટકા જેટલી થાય છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ (પાટીદાર), કનુભાઈ દેસાઈ (અનાવિલ બ્રાહ્મણ), ઋષિકેશ પટેલ (પાટીદાર), રાઘવજી પટેલ (પાટીદાર), બળવંતસિંહ રાજપૂત (ક્ષત્રિય), હર્ષ સંઘવી (જૈન), પ્રફુલ પાનસેરિયાનો (પાટીદાર) સમાવેશ થાય છે.

ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજને બાદ કરતાં ગુજરાતમાં સવર્ણોની વસતી 18 ટકા જેટલી છે. તેમને વસતિની સરખામણીમાં બમણું પ્રતિનિધિત્વ મળતું જણાય છે. અપેક્ષા મુજબ, સૌથી મોટા સવર્ણવર્ગ પાટીદારોના ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બન્યા છે. તેમના સિવાય ત્રણ અન્યને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.

અન્ય પછાત વર્ગના (ઓબીસી) પ્રધાનોની ટકાવારી 41.18 ટકા જેટલી થાય છે. આ વર્ગના કુંવરજીભાઈ બાવળિયા (કોળી), મૂળુભાઈ બેરા (આહીર), મુકેશ પટેલ (કોળી પટેલ), જગદીશ પંચાલ (વિશ્વકર્મા), પરષોત્તમ સોલંકી (કોળી), બચુભાઈ ખાબડ (કોળી), ભીખુસિંહ પરમારને (ઠાકોર) મંત્રી બનાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં ઓબીસી સમાજની વસતી લગભગ 40 ટકા જેટલી છે એટલે તેમને વસતિ જેટલું પ્રતિનિધિત્વ મળતું જણાય છે.

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, ડૉ. કુબેર ડિંડોર, મુકેશ પટેલ, જગદીશ પંચાલને ફરી સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય કુંવરજીભાઈ બાવળિયા, બચુભાઈ ખાબડ, મૂળુભાઈ બેરા અગાઉ મોદી-આનંદીબહેન અને રૂપાણી મંત્રીમંડળોમાં રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલના પહેલા મંત્રીમંડળમાંથી જીતુભાઈ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, અર્જુનસિંહ ચૌહાણ, નિમિષાબહેન સુથાર, મનિષાબહેન વકીલ, જીતુભાઈ ચૌધરી, ગજેન્દ્ર પરમાર, વિનુ મોરડિયા તથા દેવાભાઈ માલમ જેવા ચહેરાને પડતા મૂકવામાં આવ્યા છે.

બીબીસી ગુજરાતી

પ્રમાણ અને પ્રતિનિધિત્વ

ભાનુબહેન બાબરિયા

ઇમેજ સ્રોત, @BhanubenMLA

ઇમેજ કૅપ્શન, ભાનુબહેન બાબરિયાને કૅબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપનાં 14 મહિલા ધારાસભ્ય ચૂંટાઈ આવ્યાં છે, જેમાંથી એકમાત્ર મહિલા ધારાસભ્ય ભાનુબહેન બાબરિયાને કૅબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. મહિલાઓનું પ્રતિનિધિત્વ ટકાવારીમાં 5.88 ટકા જેવું થાય છે. ગુજરાતમાં વસતિની દૃષ્ટિએ તેમની ટકાવારી લગભગ 50 ટકા છે.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક તથા રાજ્યમાં જ્ઞાતિગત રાજકારણના અભ્યાસુ પ્રો. ગૌરાંગ જાનીના કહેવા પ્રમાણે, "ગુજરાતના મંત્રીમંડળમાં મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ એ માત્ર આ વખતની નહીં, પરંતુ બહુ જૂની સમસ્યા રહી છે. તાલુકાપંચાયત અને જિલ્લા પંચાયતમાં મહિલા અનામત છે, પરંતુ લોકસભા અને વિધાનસભામાં નથી."

"આ વખતના ચૂંટણીપરિણામો અને મંત્રીમંડળમાં મહિલાઓના પ્રતિનિધિત્વનો પદાર્થપાઠ એ છે કે જો કૅબિનેટમાં મહિલાઓની સંખ્યા વધારવી હોય તો મહિલા અનામત લાવવું જ રહ્યું."

બાબરિયા અનુસૂચિત જાતિ માટે અનામત રાજકોટ ગ્રામીણની બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં છે. ગુજરાતમાં આ સમાજ માટે 13 બેઠક અનામત રાખવામાં આવી છે, જેમાંથી (વડગામ અને દાણીલીમડાને બાદ કરતા) 11 પર ભાજપનો વિજય થયો છે.

કુબેર ડિંડોર (સંતરામપુર) અને કુંવરજી હળપતિ અનુસૂચિત જનજાતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમાજને માટે ગુજરાતમાં 27 બેઠક અનામત રાખવામાં આવી છે. ભાજપને 23, કૉંગ્રેસને ત્રણ તથા આપને એક બેઠક મળી છે. ટકાવારીની દૃષ્ટિએ અનુસૂચિત જનજાતિને 11.77 ટકા પ્રતિનિધિત્વ મળ્યું છે.

પ્રો. જાનીના કહેવા પ્રમાણે, "ગુજરાતના રાજકારણમાં પુરુષપ્રધાન હિંદુ સવર્ણોનો દબદબો ઊડીને આંખે વળગે છે અને તેનું જ પ્રતિબિંબ મંત્રીમંડળમાં ઝીલાયું છે. ભાજપ જ નહીં, રાજકીયપક્ષો દ્વારા અનામત ન હોય, તેવી બેઠકો પર એસસી કે એસટી સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં નથી આવતા. જે દર્શાવે છે કે આ વર્ગને મળતી અનામત શા માટે જરૂરી છે."

જાની ઉમેરે છે કે ગુજરાતમાં મુસ્લિમોની વસતી અંદાજે 10 ટકા છે. 182 ધારાસભ્યમાંથી એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ આવ્યા છે. ભાજપે તો ટિકિટ જ નહોતી આપી. ત્યારે 'સબકા સાથ, સબકા વિકાસ' સૂત્ર સામે સવાલ ઊઠવા પામે છે.

બીબીસી ગુજરાતી

2024ની તૈયારી

ગુજરાતએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગુજરાતએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ અને તેના ઘટકોને 2024ની તૈયારી સાથે જોડીને જોવામાં આવે છે. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અજય ઉમટના કહેવા પ્રમાણે :

"પરંપરાગત રીતે સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના ગઢ રહ્યા છે, પરંતુ ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનો આ વિસ્તારોમાં રકાસ થયો હતો. એટલે આ વખતે પૂરતું પ્રતિનિધિત્વ આપીને આ ગઢને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લેઉવા પાટીદારોમાંથી રાઘવજી પટેલ અને આહીરોના(યાદવ) પ્રતિનિધિ તરીકે મૂળુભાઈ બેરાને મંત્રી બનાવવામાં આવ્યા છે."

"બીજી બાજુ, 'મિની સૌરાષ્ટ્ર' સુરતમાંથી પ્રફુલ પાનસેરિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે. જેથી વિસ્તાર અને સમાજને એકસાથે સાચવી શકાય. પરષોત્તમ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા સ્વરૂપે સૌરાષ્ટ્રના કોળી સમીકરણને સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે."

"આ સિવાય બચુભાઈ ખાબડ, જગદીશ પંચાલ, ભીખુભાઈ પરમાર દ્વારા બક્ષીપંચ (ઓબીસી) સમાજને સાચવવાનો પ્રયાસ થયો છે. કુંવરજી હળપતિ, હર્ષ સંઘવી અને કનુભાઈ દેસાઈ દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો છે."

ઉમટ ઉમેરે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત તમામ 26માંથી 26 બેઠક મળે તે પ્રકારે જ્ઞાતિ-જાતિ અને વિસ્તારના સમીકરણ બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાતએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. 2014 અને 2019માં ભાજપે અહીંની તમામ 26 બેઠક એકલાહાથે જીતી હતી એટલે 2024માં આવા જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનું મનોવૈજ્ઞાનિક દબાણ મોદી-શાહ, ગુજરાત ભાજપ તથા ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ પર રહેશે.

બીબીસી ગુજરાતી

વિસ્તાર અને મંત્રી

33માંથી 11 જિલ્લાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે

ઇમેજ સ્રોત, @BJP4India

ઇમેજ કૅપ્શન, 33માંથી 11 જિલ્લાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે

ગુજરાતમાં કુલ 33 જિલ્લામાંથી 11 જિલ્લામાંથી ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને જ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને 66.66 ટકા (22 જિલ્લા) પ્રતિનિધિત્વથી વંચિત રહી જવા પામ્યા છે.

ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલના પ્રભુત્વવાળા દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે. અહીંથી હર્ષ સંઘવી, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા કુંવરજી હળપતિને મંત્રી બનાવવામાં આવ્યા છે. જિલ્લાના કુલ 16માંથી ચાર ધારાસભ્યને મંત્રીપદ મળતા તેનું પ્રતિનિધિત્વ 25 ટકા જેટલું રહેવા પામ્યું છે.

નવી સરકારમાં અમદાવાદના બે (ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા) અને રાજકોટ બે (કુંવરજીભાઈ બાવળિયા અને ભાનુબહેન બાબરિયા) લોકપ્રતિનિધિને સરકારમાં સ્થાન મળ્યું છે.

આ સિવાય મહિસાગર (ડૉ. કુબેર ડિંડોર), મહેસાણા (ઋષિકેશ પટેલ), વલસાડ (કનુભાઈ દેસાઈ), પાટણ (બળવંતસિંહ રાજપૂત) , દેવભૂમિ દ્વારકા (મુળુભાઈ આહીર), જામનગર (રાઘવજી પટેલ), ભાવનગર (પરષોત્તમ સોલંકી) અને અરવલ્લી (ભીખુસિંહ પરમાર) જિલ્લામાંથી એક-એક ધારાસભ્યને પ્રતિનિધિત્વ મળ્યું છે.

બીબીસી ગુજરાતી

એક સમસ્યા આ પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

1995થી ગુજરાતમાં સત્તા ઉપર છે, ત્યારથી 2017 સુધીની છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતેલી બેઠકોની સરેરાશ કાઢવામાં આવે તો તે 116 જેટલી નીકળે છે. 2022માં ગત વખતની (99 બેઠક) સરખામણીએ 63 ટકા વધુ બેઠક મળી છે અને આ આંકડો 156 પર પહોંચ્યો છે. એટલે ભાજપની સામે ધારાસભ્યોને મંત્રીપદ કે યોગ્ય જવાબદારી આપવાનો પડકાર ઊભો થશે.

રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા અને સહકારક્ષેત્રના અગ્રણી શંકર ચૌધરીને નિશ્ચિત માનવામાં આવતા હતા, પરંતુ વર્તમાન સંજોગોમાં તેમનો સમાવેશ થઈ શક્યો નથી. આ સિવાય આંદોલનમાંથી નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સ્થાન નથી મળ્યું.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓ અને ધારાસભ્યોને પણ રાજકીય મહત્ત્વકાંક્ષા હોય. જો તે ન સંતોષાય તો કૉંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી તરફ નજર દોડાવવા માટે પ્રેરિત થાય.

કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે, કુલ લોકપ્રતિનિધિના (ધારાસભ્ય કે સંસદસભ્ય) મહત્તમ 15 ટકાને પ્રધાન બનાવી શકાય. એ હિસાબે ગુજરાતમાં કુલ 27નું મંત્રી મંડળ બની શકે, એટલે આગામી સમયમાં વધુ 10 ધારાસભ્યને પ્રધાનપદ આપવાનો અવકાશ પાર્ટી પાસે રહે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી