ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી બનનારા પરસોત્તમ સોલંકી કોણ છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પરષોત્તમ સોલંકી
લાઈન

સારાંશ

  • કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા
  • ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપની ટિકિટ પર પરસોત્તમ સોલંકીએ કૉંગ્રેસના રેવતસિંહ ગોહિલને હરાવ્યા હતા
  • પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઘણાં વરસોથી જીતતા આવ્યા છે
  • વર્ષ 2013માં પરસોત્તમ સોલંકી પર 400 કરોડના ફિસરીઝ કૌભાંડનો આરોપ લાગ્યો હતો
લાઈન

વિધાનસભાની ચૂંટણીમાં પ્રંચડ બહુમતી મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્ય મંત્રીપદના બીજી વખત શપથ લીધા તો આ સાથે કુલ 16 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકેના શપથ લીધા.

કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીએ આ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.

નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની સામેના બળવાખોર જૂથમાં રહેલા સોલંકીએ રાજ્યના રાજકારણમાં અને તેમની રાજકીય કારકીર્દીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે.

જાણકારો અનુસાર પરષોત્તમ સોલંકી ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પકડ ધરાવતા નેતા છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક 2012માં અસ્તિત્વમાં આવી ત્યારથી અહીં પરષોત્તમ સોલંકી જ જીત્યા છે.

ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપની ટિકિટ પર પરસોત્તમ સોલંકીએ હાલની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને 73, 484 મતોથી હરાવ્યા હતા. સોલંકીનો આ સતત છઠ્ઠો વિજય હતો. તેઓ 1998થી ચૂંટતી જીતતા આવે છે.

ચૂંટણી પહેલાં સોલંકી તેમના પ્રતિસ્પર્ધી રેવતસિંહને હૉસ્પિટલમાં મળવા ગયા હતા. હૃદયરોગના હુમલાના કારણે રેવતસિંહ હૉસ્પિટલમાં દાખલ હતા ત્યારે સોલંકીએ એમના ખબરઅંતર પૂછ્યા હતા.

બીબીસી ગુજરાતી

કોણ છે પરસોત્તમ સોલંકી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARSHOTTAMSOLANKI/FB

ઇમેજ કૅપ્શન, “પરષોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના ભાજપના એક વગદાર નેતા છે"

પરષોત્તમ સોલંકી કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી જેવા મુખ્ય મંત્રીઓની સરકારમાં મંત્રીપદ સંભાળી ચૂક્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2013માં પરસોત્તમ સોલંકી પર 400 કરોડના ફિસરીઝ કૌભાંડનો આરોપ લાગ્યો હતો અને લાંચરુશવતવિરોધી કોર્ટમાં હજુ પણ કેસ પૅન્ડિંગ છે.

મત્સ્યઉદ્યોગમંત્રી તરીકે સોલંકી પર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 58 જળાશયોમાં માછીમારીના કૉન્ટ્રેક્ટ આપી દેવાનો આરોપ લાગ્યો હતો.

તેમની રાજકીય વગ વિશે વાત કરતાં સૌરાષ્ટ્રના એક પત્રકારે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, “પરસોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના ભાજપના એક વગદાર નેતા છે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા એ સમયથી તેમને સ્ટારપ્રચારક તરીકે મતવિસ્તારોમાં મોકલવામાં આવતા. મુખ્ય મંત્રી સિવાય પ્રચાર માટે હેલિકૉપ્ટર મેળવનાર ઉમેદવારોમાં પણ તેમનું નામ રહેતું. આ વાત તેમની રાજકીય વગ જણાવે છે.”

પરસોત્તમ સોલંકીની એક એવા નેતા તરીકેની ઓળખ છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ કાપી શક્યું નથી.

કોળી સમાજ પર પ્રભુત્વ ધરાવતા પરસોત્તમ સોલંકી વિશે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ જણાવે છે કે, “તેમને મોટા ભાગની સરકારોમાં મંત્રીપદ મળ્યું છે, આ બાબત ગુજરાત ભાજપમાં તેમનું કદ કહી આપે છે.”

ઘણાં વરસો સુધી સોલંકીના પર્સનલ આસિસ્ટન્ટ રહેલા વીરેન્દ્ર મણિયાર જણાવે છે કે, “તેઓ એક લોકપ્રિય નેતા છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તે સમયના ઊર્જામંત્રી સૌરભ પટેલે તેમની સાથેના અણબનાવને કારણે બોટાદની પોતાની બેઠક બદલવાની ફરજ પડી હતી.”

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ જણાવે છે કે, “તેમને મોટા ભાગની સરકારોમાં મંત્રીપદ મળ્યું છે, આ બાબત ગુજરાત ભાજપમાં તેમનું કદ કહી આપે છે.”

બીબીસી ગુજરાતી

સોલંકી બંધુઓનો પ્રભાવ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @hirabhaisolanki

ઇમેજ કૅપ્શન, “સૌરાષ્ટ્રના કોળી બેલ્ટમાં બંને ભાઈઓનું પ્રભુત્વ છે"

આ ઉપરાંત પરસોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજુલા બેઠક પર હાર્યા હોવા છતાં તેમને ફરી એક વખત ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી હતી.

રાજુલાના પત્રકાર જયદેવ વરુ હીરા સોલંકી વિશે વાત કરતાં જણાવે છે કે, “સૌરાષ્ટ્રના કોળી બેલ્ટમાં બંને ભાઈઓનું પ્રભુત્વ છે. આ સિવાય હીરા સોલંકી અમિત શાહની ગુડ બુકમાં નામ ધરાવતા નેતા હોવાનું મનાય છે. ભાજપે પરસોત્તમ અને હીરા સોલંકીનો વિકલ્પ શોધવાનો પ્રયત્નો કર્યો તો ખરો પરંતુ આ નેતાઓ જેવી લોકપ્રિયતા કોઈ હાંસલ કરી શક્યું નથી.”

હીરા સોલંકી અને ભાજપની ટોચની નેતાગીરી વિશેના સંબંધો વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા તે સમયે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટાર પ્રચારક તરીકે હીરા સોલંકીને મોકલવામાં આવતા. ગુજરાત ઘણી ચૂંટણીઓમાં દરિયાકાંઠાના મતો અંકે કરવાની જવાબદારી ભાજપ અને ખુદ નરેન્દ્રભાઈ તેમના પર નાખી ચૂક્યા છે. આ વાતો ભાજપના ટોચના નેતૃત્વ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમની અસર જણાવી દે છે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી