ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ‘ભાજપના ગઢ’ને ફતેહ કરવામાં કેવી રીતે સફળ થયા?

ઇમેજ સ્રોત, ImranKhedawalaMLA/FB
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે.
ભાજપને 156 બેઠકો પર ‘અભૂતપૂર્વ’ જીત મળી છે, પરંતુ આ ‘પ્રો-ઇન્કમ્બન્સી ઝંઝાવાત’માં પણ ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમની બેઠક જાળવી રાખી શક્યા છે.
નોંધનીય છે કે અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક, જ્યાં ઇમરાન ખેડાવાલાએ સતત બીજી વખત કૉંગ્રેસને જીત અપાવી છે, તે એક સમયમાં ‘ભાજપનો ગઢ’ મનાતી હતી.
એક મહિનાથી ભરચક રહેતા જમાલપુરની કાચની મસ્જિદ વિસ્તારમાં ગઈકાલ સુધી એટલી ગરદી હતી કે પગ મૂકવાની જગ્યા પણ ભાગ્યે જ મળતી. પરંતુ આજે આ વિસ્તાર એકદમ શાંત છે, એટલું શાંત કે અહીં છોકરા ક્રિકેટ રમી રહ્યા છે.
‘ત્રણ અઠવાડિયાંથી અહીં મહિલાઓ કુરાનના પાઠ કરી રહી હતી’ તો પુરુષો ભેગા થઈને ‘એમના સમાજની એકતા જાળવવાના ઉપાય કરવામાં’ લાગેલા હતા, જોકે કૉંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત બાદ બધું સામાન્ય થઈ ગયું છે.

2012 બાદ બદલાયાં સમીકરણો

ઇમેજ સ્રોત, ImranKhedawalaMLA/FB
સામાન્ય રીતે આ બેઠકને કોઈ હાઇપ્રોફાઇલ બેઠક ગણતું નહોતું. વર્ષ 2012 સુધી અહીંથી ભાજપના ઉમેદવાર જીતતા આવતા હતા.
2012માં સીમાંકન બદલાઈ ગયા પછી પણ ‘ભાજપનો ગઢ’ ગણાતી આ વિધાનસભા બેઠક ભાજપ જીત્યો હતો, પણ 2017થી આ બેઠક પર કૉંગ્રેસનો કબજો છે.
જમાલપુર-ખાડિયા વિધાનસભાનો ચૂંટણીજંગ આમ તો ખરાખરીનો ખેલ હતો, અહીં ચતુષ્કોણીય જંગ હતો અને અધૂરામાં પૂરું ચાર અપક્ષ ઉમેદવાર પણ ઊભા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2012માં નવા સીમાંકન થયા પછી જમાલપુર-ખાડિયામાં મુસ્લિમ મતદાતા વધી ગયા હતા પણ અહીંથી મુસ્લિમ ઉમેદવારો અપક્ષ ઊભા રહેતાં સમીકરણ બદલાયાં અને ભાજપના ભૂષણ ભટ્ટ જીતી ગયા હતા.
એ સમયે 2,17,923 મતદાતામાંથી 1.30 લાખ મુસ્લિમ મતદારો છે એ વખતે અપક્ષ ઊભા રહેલા મુસ્લિમ અપક્ષ કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા.
આ વખતે ચતુષ્કોણીય જંગમાં ભાજપના ભૂષણ ભટ્ટ, કૉંગ્રેસના ઇમરાન ખેડાવાલા અને અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઈએમઆઈએમમાંથી સાબિર કાબલીવાલા અને આપમાંથી હારુન વોરા હતા.
અમદાવાદની જમાલપુર-ખાડિયા અને દરિયાપુર બેઠક પર અસદુદ્દીન ઓવૈસીએ ‘છેલ્લી ઘડી’ સુધી ‘ખૂબ પ્રચાર’ કર્યો હતો.
સ્થાનિક અહેવાલો અનુસાર તેમણે ‘મુસ્લિમ મતદારોને આકર્ષવા’ માટે દ્વારકા ડિમોલિશન, બિલકીસબાનો જેવા મુદ્દા ઉઠાવ્યા. આ મુદ્દા ઉઠાવતાં તેઓ ‘ભાવુક પણ થઈ ગયા હતા.’
તેમના પ્રચારની દરિયાપુર બેઠક પર ‘અસર પણ થઈ હોવાનું’ કહેવાઈ રહ્યું છે.

ભાજપ અને ઓવૈસીની પાર્ટીની ન ફાવી શકી

ઇમેજ સ્રોત, FACEBOOK/ASADUDDIN OWAISI
ઓવૈસીની પાર્ટીના ઉમેદવાર સાબિર કાબલીવાલાને આ ‘પ્રચારનો લાભ’ પણ થયો. તેમ છતાં ઇમરાન ખેડાવાલા આ બેઠક પર જીત મેળવવામાં સફળ રહ્યા હતા.
જો આંકડાઓની વાત કરીએ તો ઇમરાન ખેડાવાલાને કુલ 58,487 મત મળ્યા હતા, સામે પક્ષે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને 44,649 મત મળતાં તેઓ બીજા નંબરે રહ્યા હતા.
આ સ્પર્ધામાં ઓવૈસીના પક્ષના સાબિર કાબલીવાલાને 15,655 મત હતા.
અસદુદ્દીન ઓવૈસીના પ્રચારની ‘અસર દરિયાપુરમાં થઈ પરંતુ જમાલપુર-ખાડિયામાં ન થઈ’, આ અંગેનાં કારણો પર વાત કરતાં કૉંગ્રેસના નેતા જગત શુક્લે જણાવ્યું હતું કે, “જમાલપુર-ખાડિયામાં ઓવૈસીનાં આંસુની અસર એટલે ના થઈ કારણ કે અહીં 85.31% શિક્ષિત મતદાતા છે, આ વિસ્તારમાં હિંદુ મુસ્લિમનું ધ્રુવીકરણ બીજા વિસ્તારો જેટલું નથી. આ વિસ્તારમાં 2012માં સીમાંકન બદલાયા પછી મુસ્લિમ મતદાતા વધ્યા છે પછી પણ સ્થાનિક સમીકરણોને કારણે ભાજપ જીત્યો. 2017માં ઇમરાન ખેડાવાલા સામે કોઈ અપક્ષ ઉમેદવાર ન હતો એટલે એમને ફાયદો થયો હતો.”

કોરોનાકાળમાં કરેલી કામગીરી ફળી?

ઇમેજ સ્રોત, Facebook
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોરોનાકાળમાં બધા સમાજના લોકો માટે ‘સતત સેવાકાર્યમાં જોતરાયેલા રહ્યા બાદ તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.’ આ વાતને લઈને સ્થાનિકોના મનમાં તેમના માટે ‘સહાનુભૂતિ’ હતી.
જમાલપુરના રઝાક મંસૂરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ખેડાવાલાએ કોરોના દરમિયાન કરેલી કામગીરીને યાદ કરતાં કહ્યું હતું કે, “એક વર્ષ પહેલાં થયેલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં અમે ઓવૈસીની પાર્ટીને વોટ આપ્યા અને કૉંગ્રેસને હરાવી, તેમ છતાં અમારી મુશ્કેલીના સમયે ઇમરાન ખેડાવાલા ઊભા રહેતા હતા એટલું જ નહીં કોરોના મહામારીમાં અમારે ખાવાનાં ફાંફાં હતાં ત્યારે તેમણે રોટી માટે લોટ અને બટેટાં-ડુંગળી અમને આપ્યાં હતાં. તેથી અમે આ વખત તેમને મત આપવાનું નક્કી કર્યું હતું.”
આ વિસ્તારના સ્થાનિક પત્રકાર ઐફુજ તિર્મિઝી ઇમરાન ખેડાવાલાની જીતનું વિશ્લેષણ કરતા તેનાં કારણો અંગે જણાવે છે કે, “શરૂઆતમાં ઇમરાન ખેડાવાલાની જીત અઘરી લાગી રહી હતી. કારણકે, સાબિર કાબલીવાલા એમના પરંપરાગત રાજકીય દુશ્મન હતા, ઇમરાન ખેડાવાલાની જેમ તેઓ પણ છીપા મુસ્લિમ છે. આ ઉપરાંત આપમાંથી પણ મુસ્લિમ ઉમેદવાર હતા, આ સંજોગોમાં મુસ્લિમ વોટ વહેંચાઈ જાય તેવી પૂરી શક્યતા હતી અને ભાજપના હિંદુ મતો એકતરફી રહે તો 2012ની જેમ ભાજપની જીતની પૂરેપૂરી શક્યતા હતી.”

‘ટાઇપિસ્ટ તરીકે કરી કારકિર્દીની શરૂઆત’

ઇમેજ સ્રોત, ImranKhedawalaMLA/FB
જમાલપુરના સામાજિક કાર્યકર અને ત્યાર બાદ ધારાસભ્ય થયેલા ઉસ્માનગની દેવડીવાલાના ‘ટાઇપિસ્ટ તરીકે 1993માં કારકિર્દીની શરૂઆત કરનાર ઇમરાન ખેડાવાલાએ રાજકારણના પાઠ તેમની પાસેથી જ શીખ્યા હતા.’
‘તેઓ ઉસ્માનગની દેવડીવાલાથી પ્રભાવિત હતા’, ‘ઉસ્માનગનીને સમાજસેવા અને સંસારની ભાંજગડ વચ્ચે સંતુલન સાધવા માટે સંઘર્ષ કરતાં જોઈ ઇમરાને સમાજસેવા માટે લગ્ન ન કરવાનું ઠરાવ્યું હતું.’
ઇમરાન ખેડાવાલાની કારકિર્દીને નજીકથી જોનારા અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ટુડેના જોઇન્ટ એડિટર અમલદાર બુખારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ઇમરાન ખેડાવાલા ઉસ્માનગની દેવડીવાલાને ત્યાં કામ કરતા હતા, ઉસ્માનગની દેવડીવાલા જમાલપુર બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય હતા. શંકરસિંહ વાઘેલા પછી દિલીપ પરીખની સરકાર બની ત્યારે તેઓ પ્રધાન પણ રહી ચૂક્યા હતા. 1998માં ફરી ચૂંટણી થઈ ત્યારે દેવડીવાલા ફરી ચૂંટાયા, ત્યાં સુધીમાં ઇમરાન ખેડાવાલા પણ સમાજસેવાને કારણે લોકપ્રિય થઈ ચૂક્યા હતા, ઉસ્માનગની દેવડીવાલાના સહકારથી વર્ષ 2000માં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી અપક્ષ તરીકે લડ્યા અને એમાં તેમને જીત હાંસલ થઈ હતી.”
તેઓ ઇમરાન ખેડાવાલાના જીવન વિશે વધુ માહિતી આપતાં કહે છે કે, “મૂળ રાજસ્થાની ઇમરાન ખેડાવાલા માત્ર મુસ્લિમ નહીં રાજસ્થાનથી આવીને વસેલા હિંદુઓમાં પણ લોકપ્રિય છે.”
જાણીતા પત્રકાર પ્રકાશ રાવલ ઇમરાન ખેડાવાલાની રાજકીય સફર વિશે વાત માંડતાં જણાવે છે કે, “અપક્ષ ચૂંટાયા પછી તેઓ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા, એમની લોકપ્રિયતા જોઈ કૉંગ્રેસે એમને મ્યુનિસિપલ હેલ્થ કમિટી અને લીગલ કમિટીના ચૅરમૅન પણ બનાવ્યા. આ સમયગાળામાં ઑગસ્ટ 2003માં ઇમરાનના રાજકીય ગુરુ ઉસ્માનગની દેવડીવાલાનું નિધન થયું અને એમણે ધારાસભ્યની પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી ટિકિટ માંગી પણ કૉંગ્રેસે સાબિર કાબલીવાલાને ટિકિટ આપી અને એ પેટાચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યા, પણ અહીંથી સાબિર કાબલીવાલા અને ઇમરાન ખેડાવાલા વચ્ચે રાજકીય દુશ્મની શરૂ થઈ ગઈ, સાબિર કાબલીવાલાએ 2005માં થનારી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના મળે એવો આગ્રહ રાખ્યો અને કૉંગ્રેસે ટિકિટ આપી અને ચૂંટાઈ આવ્યા.”
જમાલપુર-ખાડિયા વિસ્તારના રાજકારણ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ઇમરાન ખેડાવાલાએ 2007માં ફરી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ માગી પરંતુ કૉંગ્રેસે સાબિર કાબલીવાલા પર પસંદગી ઉતારી, ટિકિટ મેળવ્યા બાદ સાબિરને જીત પણ હાંસલ થઈ હતી. સાબિર કાબલીવાલાએ તે બાદની મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં લોકપ્રિય કૉર્પોરેટર હોવા છતાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના આપવા દીધી અને ફરી ઇમરાન ખેડાવાલા અપક્ષ લડ્યા અને જીત્યા એ પછી આગામી વિધાનસભાની ચૂંટણીમાં 2012માં નવા સીમાંકન બાદ કૉંગ્રેસે સમીર ખાન પઠાણને ટિકિટ આપી, ત્યારે સમયે સાબિર કાબલીવાલા બળવો કરી અપક્ષ લડ્યા અને મુસ્લિમ વોટનું વિભાજન થયું અને ભાજપ જીત્યો.

ઇમેજ સ્રોત, facebook
તેમણે વધુમાં ઉમેર્યું, "ત્યાર બાદ 2017ની ચૂંટણીમાં અહમદ પટેલે ઇમરાન ખેડાવાલાની તાકાત જોઈ કડિયા જમાલપુરની ટિકિટ આપી અને તેઓ જીત્યા. એ પછી પણ તેમની મુસીબતોમાં એમના રાજકીય હરીફ સાબિર કાબલીવાલાએ ઘટાડો ના આવવા દીધો. તેમણે ઓવૈસીની પાર્ટી સાથે હાથ મિલાવીને ઇમરાન ખેડાવાલાની પૅનલને વર્ષ 2021ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં હરાવ્યા તેમજ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે ઇમરાન સામે પૂરતા પડકારો સર્જવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેડાવાલા અંતે જીતવામાં સફળ રહ્યા.”
સાબિર કાબલીવાલા અંગે કરાયેલ આ તમામ વાતો અંગે તેમનો મત જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

ઇમેજ સ્રોત, Facebook
‘લોકસેવા માટે આજીવન કુંવારા રહેવાનો નિર્ધાર કરનારા’ ઇમરાન બીબીસી ગુજરાતીને ‘તેમના સમર્થકોએ તેમની જીત માટે રાખેલ બાધા-મન્નત પૂરી કરાવવાના કામસર સતત મંદિર-દરગાહ-મસ્જિદે જવામાં વ્યસ્ત હતા’, ત્યારે મળ્યા.
તેમને જ્યારે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા, એવો પ્રશ્ન પુછાયો, તો એના જવાબમાં તેમણે હસતાં-હસતાં કહ્યું કે, “હવે ઉંમર થઈ ગઈ, લગ્ન તો મેં લોકસેવા સાથે જ કરી લીધાં છે, હવે લગ્નની જંજાળમાં નથી પડવું.”
ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય તરીકેનાં પોતાનાં ભવિષ્યનાં આયોજનો અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય હોવાના કારણે મારી જવાબદારીઓ વધી જાય છે પણ મુસ્લિમોની સમસ્યાની સાથોસાથ દલિત અને વંચિતોની સમસ્યાને પણ એટલું જ પ્રાધાન્ય આપતો રહીશ.”
આ વખતની ચૂંટણીમાં પડેલ મુશ્કેલીઓ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “આ ચૂંટણીમાં કપરાં ચઢાણ હતાં, પણ મુસ્લિમ અને હિંદુ મતદાતાઓએ મને સેવા કરવાની વધુ એક તક આપી છે એનો ઉપયોગ કરીશ.”
ચૂંટણીમાં પરાજિત થયેલ ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ તેમની હારનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, “ભાજપની લહેર હતી આ વખત આ બેઠક પર પણ ભાજપ જ જીત્યો હોત પણ અમારા વિસ્તારમાં થયેલું ઓછું મતદાન, કોટ વિસ્તાર છોડીને અન્યત્રે રહેવા ગયેલા લોકો મતદાન સમયે આવી ના શક્યા અને સામાજિક પ્રસંગ, લગ્નગાળાને કારણે ભાજપના મતદાતાનું ઓછું મતદાન થયું છે નહીંતર આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત હતી.”















