ભાજપના દિગ્ગજોને હરાવનારા પરેશ ધાનાણી કેમ ચૂંટણી હારી ગયા?

પરેશ ધાનાણી

ઇમેજ સ્રોત, Paresh Dhanani fb

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનું પરિણામ ભાજપે "નિર્ધારિત" કરેલા આંકડા પ્રમાણે અને કૉંગ્રેસની "અપેક્ષા" કરતા ઘણું ઓછું આવ્યું છે.

અત્યાર સુધીનાં પરિણામો પર નજર કરીએ તો કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને વર્તમાન ધારાસભ્યો પણ સીટ બચાવી શક્યા નથી.

આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની ચૂંટણીમાં હારજીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

સૌરાષ્ટ્રના ઇતિહાસ પર નજર કરીએ તો અહીં ગત ચૂંટણીમાં કૉંગ્રેસ દબદબો જળવાઈ રહ્યો હતો. ખાસ કરીને અમરેલી જિલ્લામાં.

2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના મોટા ભાગના દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયા હતા, પણ અમરેલીમાં પાંચમાંથી પાંચ બેઠકો કૉંગ્રેસને મળી હતી.

અમરેલી સીટ પરથી ખુદ પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા અને જીતી ગયા હતા, જોકે આ ચૂંટણીમાં ભાજપ સામે તેમનો પરાજ્ય થયો છે.

અમરેલીમાં ભાજપમાંથી કૌશિક વેકરિયા ચૂંટણી લડ્યા હતા અને આમ આદમી પાર્ટીમાંથી રવિ ધાનાણી મેદાને હતા. ભાજપના કૌશિક વેકરિયાનો અહીં વિજય થયો છે.

તો અમરેલી બેઠક પર પોતાની હાર સ્વીકારતાં પરેશ ધાનાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જિતેલા ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયાને અભિનંદન આપ્યાં હતાં.

તેમજ અમરેલીના લોકોએ તેમને આપેલાં સમર્થન-પ્રેમ બદલ આભાર માન્યો હતો અને અમરેલીના વિકાસ માટે કામ કરતા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રવિ ધાનાણીએ પણ હારજીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે પરિણામ પરથી જોઈ શકાય છે.

પરેશ ધાનાણીની સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતા તરીકે ગણના થાય છે. ભૂતકાળમાં તેમણે ભાજપના મંત્રીઓને પણ હરાવ્યા છે. 2017 જિલ્લામાં થયેલું સારું પ્રદર્શન પણ પરેશ ધાનાણીને ફાળે ગયું હતું.

ત્યારે સવાલ એ થાય કે એક સમયે આખો જિલ્લો કૉંગ્રેસમય રાખ્યો હતો, એ પરેશ ધાનાણી કેમ ચૂંટણી હારી ગયા?

કૉંગ્રેસના દિગ્ગજ નેતા કેમ હારી ગયા?

પરેશ ધાનાણી

ઇમેજ સ્રોત, Paresh Dhanani fb

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપની "વિજયઆંધી"માં કૉંગ્રેસના મોટા ભાગના નેતાઓ ચૂંટણી હારી ગયા છે અને તેમાં સૌરાષ્ટ્ર પણ બાકાત નથી.

2017ની વાત કરીએ તો એ સમયે અહીં પાટીદાર આંદોલન અને "ખેડૂતોનો રોષ" ભાજપની હાર માટે જવાબદાર હતાં. જોકે આ ચૂંટણીમાં એવો કોઈ ઠોસ મુદ્દો ન હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

પરેશ ધાનાણીની હારનું કારણ આગળ ધરતાં રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી સાથે વાત કરતા કહે છે, "પરેશ ધાનાણી હારી ગયા એમાં સૌથી મહત્ત્વની વાત તો ભાજપની ઉમેદવાર પસંદગી હતી."

"કૌશિક વેકરિયા અમરેલીના જિલ્લા પ્રમુખ છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સારી નામના ધરાવે છે, તેમજ લોકચાહના પણ ધરાવે છે."

તેમના મતે, ‘ભાજપને મજબૂત કરવા માટે વેકરિયાએ ખૂબ કામ કર્યું છે. તેમનો લોકસંપર્ક વગેરે કારણો એમનું જમાપાસું છે. બીજું કે તેમની સામે કોઈ અસંતોષ પણ નહોતો.’

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના રવિ ધાનાણીને 25 હજારથી વધુ મત મળ્યા છે.

જગદીશ આચાર્ય કહે છે, "કૉંગ્રેસના પરેશ ધાનાણીની હારમાં આપે પણ મોટું ગાબડું પાડ્યું છે. પરેશ ધાનાણી ધારાસભ્ય હતા એટલે સ્વાભાવિક છે કે તેમના વિસ્તારમાં લોકોની નાનીમોટી નારાજગી પણ હોય."

તેઓ કહે છે કે "ભાજપે જો કૌશિક વેકરિયા સિવાય અન્ય કોઈને ટિકિટ આપી હોત તો પરેશ ધાનાણી જીતી ગયા હોત."

તો બીબીસીના સહયોગી ફારુક કાદરી કહે છે કે "મોદીલહેર"માં અમરેલી જિલ્લામાં કૉંગ્રેસની હાર થઈ છે, અને એમાં પરેશ ધાનાણી પણ આવી ગયા.

તેઓ પરેશ ધાનાણીના હારનું કારણ જણાવતા કહે છે કે "કૉંગ્રેસમાં સંગઠનનો અભાવ છે અને તે કાર્યકરોને સાચવી શકતી નથી."

કાદરી કહે છે, "આમ આદમી પાર્ટીમાં જેમણે ચૂંટણી લડી હતી એ રવિ ધાનાણી અગાઉ કૉંગ્રેસમાં હતા અને કૉંગ્રેસમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા અને માત્ર 51 મતથી તેઓ હારી ગયા હતા."

બીબીસી

જ્યારે દિગ્ગજ નેતાઓ ધાનાણી સામે હાર્યા

પુરુષોત્તમ રૂપાલા

ઇમેજ સ્રોત, Parshottam Rupala fb

પરેશ ધાનાણીએ અગાઉ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ જેવા ભાજપના દિગ્ગજોને હરાવ્યા હતા.

પરેશ ધાનાણી મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જિતેલા પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા હતા.

અમરેલીનાં 70 જેટલાં ગામોમાં અડધોઅડધ વસતિ પટેલની છે, પણ તેમાંથી 90 ટકા લેઉઆ છે, જ્યારે કડવા દસેક ટકા છે.

કડવા પટેલ રૂપાલા ભાજપની 'વાણિયા-બ્રાહ્મણ વૉટબૅન્ક' અને દિલીપ સંઘાણીના સહયોગથી જીતતા હતા, પણ યુવાન લેઉઆ ધાનાણી સામે અને કડવા-લેઉઆ રાજકારણમાં રૂપાલા અને સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓ ટકી શક્યા નહોતા.

ધાનાણીને 2007માં 4,000 મતોથી હાર જોવી પડી, કેમ કે અમરેલી બેઠક પાછી મેળવવા માટે ભાજપે દિલીપ સંઘાણીને ઉતાર્યા હતા.

ત્રીજી વાર 2012ની વિધાનસભા ચૂંટણીમાં ફરી દિલીપ સંઘાણીનો સામનો કરવાનો આવ્યો હતો, પણ આ વખતે હવે સંઘાણીને પણ પરેશ ધાનાણીએ 30,000 મતોથી હરાવી દીધા.

2017માં ભાજપમાં જોડાઈ ગયેલા બાવકુ ઉંધાડને હવે ભાજપે મેદાનમાં ઉતાર્યા અને સામે ધાનાણી હતા.

સતત ચૂંટણી જીતતા ધાનાણી હવે રાજકીય રીતે પરિપક્વ અને અનુભવી થઈ ગયા હતા.

તેમણે બાવકુ ઉંધાડને 12,000 મતોથી હરાવ્યા એટલું જ નહીં, અમરેલીની પાંચેય બેઠકો અને સૌરાષ્ટ્રમાં 30માંથી 23 બેઠકો કૉંગ્રેસને જીતાડવાનો જશ પણ ધાનાણીને મળ્યો હતો.

કોઈ રાજકીય વારસા વિના યુવા તરીકે મંત્રીને હરાવીને અપસેટ કરનારા ધાનાણી વિપક્ષના નેતા પણ બન્યા હતા.

બીબીસી

કોણ છે પરેશ ધાનાણી?

પરેશ ધાનાણી

ઇમેજ સ્રોત, FACEBOOK/PARESH DHANANI

પરેશ ધાનાણી તેમનાં નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે અને તેમના વીડિયો પણ ઘણા વાઇરલ થતા હોય હોય છે, જેમાં તેમની છાપ એક સામાન્ય નાગરિકને શોભે તેવી હોય છે.

માત્ર 26 વર્ષની ઉંમરે મજબૂત નેતાને હરાવીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા પરેશ ધાનાણીને સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતા બનવાની તક યુવા વયે જ મળી ગઈ.

2017માં કૉંગ્રેસનો દેખાવ ખૂબ સારો રહ્યો. અમરેલી જિલ્લાની બધી પાંચ બેઠક કૉંગ્રેસે જીતી લીધી.

2017ની વિધાનસભાની એ ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી અને કૉંગ્રેસને 77 બેઠક મળી હતી.

વિપક્ષના નેતા રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ડૉ. તુષાર ચૌધરી સહિતના સિનિયર નેતાઓ હારી ગયા હતા. શંકરસિંહ વાઘેલા સાથે પણ કેટલાક સિનિયરો પક્ષ છોડી ગયા હતા એટલે હવે યુવા નેતા ગણાય તેવા પરેશ ધાનાણીને તક મળી ગઈ.

પરેશ ધીરજલાલ ધાનાણીનો જન્મ 15 ઑગસ્ટ, 1976ના રોજ અમરેલીમાં થયો હતો. પિતા અમરેલી જિલ્લા સહકારી બૅન્કમાં નોકરી કરતા અને સેવાભાવી સ્વભાવને કારણે ધીરુ ભગતના નામે જાણીતા હતા.

સામાજિક સેવાની આ મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળી, કદાચ એટલે જ 2000ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણ તરફ આકર્ષાયા હતા.

રાજકોટમાં કૉલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ બન્યા હતા.

બીબીસી
બીબીસી