ગુજરાત વિધાનસભા ચૂંટણી : એ ચૂંટણી જ્યારે આપના ઉમેદવારો ડિપૉઝિટ પણ નહોતા બચાવી શક્યા

ઇમેજ સ્રોત, ISUDAN GADHVI/FB
ગુજરાતમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, અને 8મી ડિસેમ્બરે થનારી મતગણતરીમાં આ વિધાનસભાની ચૂંટણીમાં કયો પક્ષ સરકાર બનાવીને ગુજરાતમાં સત્તાના સુકાન સંભાળશે અને કોણ વિરોધપક્ષમાં બેસશે એ સ્પષ્ટ થઈ જશે.
ગુજરાતના સત્તાધારી પક્ષ ભાજપ, મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ અને ત્રીજા વિકલ્પ તરીકે સામે આવેલ પક્ષ આમ આદમી પાર્ટી તરફથી પોતે ‘ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહ્યા હોવાના’ દાવા કરાઈ રહ્યા છે.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી અને તે અગાઉના પ્રચાર-પ્રસાર દરમિયાનના સમયની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ તરફથી ‘જોરશોરથી પ્રચાર’ કરાઈ રહ્યો હતો.
એક સમય તો એવો પણ જોવા મળ્યો હતો જ્યારે ગુજરાતમાં રાજકીય પક્ષોના શાબ્દિક હુમલા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા જંગ ‘આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કેન્દ્રિત હોય’ તેવું જણાઈ રહ્યું હતું. એ સમયે રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલ ખેંચતાણમાં ‘કૉંગ્રેસ ઓછી નજરે પડી રહી હતી.’
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન બાદ આવેલા લગભગ તમામ ઍક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી કરતાં પણ વધુ બેઠકો મળવાનો દાવો કરાઈ રહ્યો છે. છતાં પણ આમ આદમી પાર્ટી ‘આત્મવિશ્વાસ’ સાથે ટૂંક સમયમાં ‘ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી હોવાનો’ દાવો કરી રહી છે.
હવે જ્યારે ગુજરાતના રાજકારણમાં પોતાને ‘નવા અને કારગત વિકલ્પ’ સ્વરૂપે રજૂ કરનાર આમ આદમી પાર્ટીના ‘મોટા દાવા’ની વાત થઈ રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભાની એ ચૂંટણી પણ યાદ કરવી ઘટે તો, જેમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ડિપૉઝિટ પણ નહોતા બચાવી શક્યા.
આ ચૂંટણી હતી વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી. આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેમના ભાગે કુલ મતદાન પૈકી માન્ય મતોના 0.10 ટકા હિસ્સો જ આવ્યો હતો.
આ કારણે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ આપના ઉમેદવારોની ડિપૉઝિટ પણ ડૂલ થઈ હોવાનું સામે આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે આવાં પરિણામ કેમ આવ્યાં હતાં? અને કેમ આ વખતે ‘સરકાર રચવાના’ દાવા કરનારી પાર્ટી એ વખતે પોતાના ઉમેદવારોની ડિપૉઝિટ બચાવવામાં પણ નિષ્ફળ રહી હતી?

આપ કેમ નહોતી મેળવી શકી પૂરતા મત?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર, “વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બિલકુલ પ્રચાર કર્યો નહોતો. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ગોપાલ રાય સહિતના મોટા આપ નેતાઓએ ગુજરાતમાં પ્રચાર નહોતો કર્યો.”
અહેવાલ અનુસાર, “દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે એ સમયે ચર્ચાતા મુદ્દા ઉના દલિત અત્યાચાર કાંડ અને પાટીદાર અનામત આંદોલન બાબતે ટિપ્પણીઓ કરી પરંતુ સપાટી પર તેની કોઈ અસર ન જોવા મળી.”
અહેવાલમાં જણાવાયું છે કે આ પહેલાં યોજાયેલ ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પણ 39 બઠકોમાંથી 38 બેઠકો પર પાર્ટીના ઉમેદવારો ડિપૉઝિટ બચાવી શક્યા નહોતા. આ સિવાય પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીના બે ડઝન કરતાં વધુ ઉમેદવારોના આવા જ હાલ થયા હતા.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી અગાઉ કહી ચૂકી હતી કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યમાં તમામ બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ પાર્ટીના એક નેતાએ બાદમાં જણાવ્યું હતુ કે પાર્ટીએ બંને રાજ્યોમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને ધ્યાને જોતાં દિલ્હી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું વિચાર્યું હતું.
અહેવાલ અનુસાર ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટી બધી સીટો પર લડે તેવી ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા હોવા છતાં અંતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 29 બેઠકો પર જ વિધાનસભાની ચૂંટણી લડવાનું વિચાર્યું.
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શનનું વિશ્લેષક કરતાં કહે છે કે, “એ સમયે પાર્ટીનું ગુજરાતમાં કોઈ સંગઠન નહોતું. તેથી તે ચૂંટણી લડવા માટે ગંભીર પણ લાગતી નહોતી. આમ આદમી પાર્ટી પણ એ સમયે ઘણી બધી પાર્ટીઓની જેમ માત્ર હાજરી પુરાવા માટે ચૂંટણી લડી રહી હતી.”
તેઓ કહે છે કે, “વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી કદાચ રાજ્યના લોકોનો મિજાજ પારખવા માટે પણ ઊતરી હોઈ શકે.”
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સર્જેલી સ્પર્ધા અંગે વાત કરતાં તેઓ આગળ કહે છે કે, “જો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર નજર નાખવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જેટલી ગંભીરતાથી ચૂંટણી લડી તેને રાજકીય ચમત્કાર ગણાવી શકાય. વર્ષ 2017ની ચૂંટણીમાં સારું પ્રદર્શન ન કર્યું હોવા છતાં પાર્ટી પોતાનું સંગઠન ગુજરાતમાં ઊભું કરવામાં સફળ રહી છે. આ વખતની ચૂંટણીમાં તેમણે ભાજપને પ્રચાર બાબતે કૉંગ્રેસ કરતાં પણ વધુ ટક્કર આપી છે.”

29 બેઠકો પર લડી હતી ચૂંટણી

ઇમેજ સ્રોત, GOPAL ITALIA/FB
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો અગાઉ જોયું તેમ આ વખત ચૂંટણીમાં જીતનો દાવો કરતી આમ આદમી પાર્ટીએ માત્ર 29 બેઠકો પર જ ઉમેદવારો ઉતાર્યા હતા.
જેમાં ગાંધીધામ, પાલનપુર, ઊંઝા, ગાંધીનગર ઉત્તર, બાપુનગર, દસાડા, ધાંગધ્રા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ, ગોંડલ, ધોરાજી, જામનગર ગ્રામ્ય, ખંભાળિયા, લાઠી, બોટાદ, છોટા ઉદેપુર, વડોદરા શહેર, માંજલપુર, કરજણ, અંકલેશ્વર, ઓલપાડ, કામરેજ, સુરત પૂર્વ, કરંજ, લિંબાયત, કતારગામ, વલસાડ અને પારડી સામેલ છે.
આ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નગણ્ય મતો મળ્યા હતા. જેમાંથી કેટલીક બેઠકોમાં તો પાર્ટીના ઉમેદવારો એક હજારોનો આંકડો પણ નહોતો પાર કરી શક્યા.
નોંધનીય છે કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન થઈ ગયા બાદ આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર અને પાર્ટીના મોટા નેતાઓ પાર્ટીને રાજ્યમાં ‘બહુમત’ મળી રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. જોકે, આ અંગે ખરું ચિત્ર 8 ડિસેમ્બરે જ સામે આવશે.














