ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયાએ ચૂંટણી લડવા માટે સુરત કેમ પસંદ કર્યું?

ગોપાલ ઈટાલિયાને આપે સુરતની કતારગામ બેઠક પરથી ટિકિટ આપી છે

ઇમેજ સ્રોત, GOPAL ITALIA/FB

ઇમેજ કૅપ્શન, ગોપાલ ઈટાલિયાને આપે સુરતની કતારગામ બેઠક પરથી ટિકિટ આપી છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
રેડ લાઇન
  • આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયા સહિત મોટા નેતાઓને સુરતની બેઠકો પરથી ઉતાર્યા ચૂંટણીમેદાને
  • પાટીદારોના દબદબાવાળા વિસ્તારોમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકશે આપ?
  • રાજકીય વિશ્લેષકોના મતે સુરતમાંથી આપનાં ‘મોટાં માથાં’ ઉતારવાનો નિર્ણય ‘સમજી-વિચારીને ઘડાયેલ વ્યૂહરચના’
રેડ લાઇન

ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપ, મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ અને ત્રીજા મોરચા તરીકે મેદાનમાં ઊતરેલી આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર ગુજરાતમાં પાર્ટીને સમર્થન મળી રહ્યું હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી માટે પસંદ કરાયેલા ઉમેદવારોની યાદીને ધ્યાનથી ચકાસવામાં આવે તો ગોપાલ ઈટાલિયા સહિતના આપનાં ‘મોટાં માથાં’ સુરતથી ચૂંટણીમેદાને ઝંપલાવી પાર્ટીની જીત સુનિશ્ચિત કરવામાં લાગેલા છે.

આ યાદીમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથિરિયા, મનોજ સોરઠિયા, રામ ધડૂક વગેરેનાં નામ સામેલ છે.

આ તમામ નેતાઓમાં એક વાત સામાન્ય છે કે તેઓ બધા સુરત જિલ્લાની વિવિધ બેઠક પરથી ચૂંટણીમેદાને છે.

પરંતુ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ‘સમર્થનની લહેર’ હોવાનો દાવો કરતા પક્ષનાં ‘મોટાં માથાં’ કેમ સુરતમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ગુજરાતના રાજકીય પરિદૃશ્યથી પરિચિત કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાતચીત કરી હતી.

ગ્રે લાઇન

સુરતમાં કેમ આપે લગાવ્યું સંપૂર્ણ જોર?

આપ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં વર્ષ 2021માં થયેલી સ્થાનિક નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસને સ્થાને બીજા ક્રમની પાર્ટી બનીને સામે આવી હતી.

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરતમાં 27 બેઠક મળી હતી અને વોટનો શૅર 28 ટકા રહ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકીય વિશ્લેષકો માને છે કે આમ આદમી પાર્ટી આ જીતથી ઉત્સાહમાં છે અને તેમને આશા છે કે આ પરિણામોનું તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ ક્ષેત્રમાં પુનરાવર્તન કરી શકશે.

આમ આદમી પાર્ટી કેમ સુરતમાં વધુ જોર લગાવી રહી છે? આ પ્રશ્નના જવાબમાં ગુજરાતના રાજકારણ પર ઝીણી નજર રાખતા વરિષ્ઠ પત્રકાર અજય નાયક જણાવે છે કે, "આમ આદમી પાર્ટીના ગુજરાતના રાજકારણનું કેન્દ્ર સુરત રહેવાનું સૌથી મોટું કારણ ગત વર્ષે નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમને આ ક્ષેત્રમાં મળેલી સફળતા છે."

"આમ આદમી પાર્ટીને લાગે છે કે તેમને અગાઉ જેવું જ પરિણામ વિધાનસભાની ચૂંટણીમાં પણ મળશે."

સુરતમાં આમ આદમી પાર્ટીએ કેમ પોતાનાં મોટાં માથાં ઉતારી દીધાં છે?

આ પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે કે, "સુરતના ઉમેદવારો પર નજર કરીએ તો કેટલાંકનાં મૂળ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલાં છે. અને પાટીદાર અનામત આંદોલનને સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયનું સમર્થન હાંસલ હતું."

"આ સમુદાય સુરતમાં પણ અમુક બેઠકો પર ચાવીરૂપ ભૂમિકામાં છે, તેમની એક પ્રકારે આ વિસ્તારોના મતદારો પર પકડ છે. તેથી આ વાતનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટીએ આ ઉમેદવારોને સુરતથી ઉતાર્યા છે."

ગ્રે લાઇન

એ બેઠકો જ્યાં આપ બગાડી શકે છે ભાજપની બાજી

આપે વરાછા બેઠક પરથી અલ્પેશ કથિરિયાને આપી ટિકિટ

ઇમેજ સ્રોત, ALPESH KATHIRIA FACEBOOK

ઇમેજ કૅપ્શન, આપે વરાછા બેઠક પરથી અલ્પેશ કથીરિયાને આપી ટિકિટ

જો નિષ્ણાતોની વાત માનીએ તો આમ આદમી પાર્ટીએ ‘સમજી-વિચારીને બનાવેલી વ્યૂહરચના’ના ભાગરૂપે સુરતમાં તેનાં ‘મોટાં માથાં’ને મેદાને ઉતાર્યાં છે.

સ્થાનિક વરિષ્ઠ પત્રકાર અને ધબકારના તંત્રી નરેશ વારિયા જણાવે છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતની કેટલીક બેઠકો પર આપને ‘ચોક્કસ લાભ’ થવાનો છે.

તેનાં કારણો આપતાં વારિયા કહે છે કે, "ગત વખતની નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં ભાજપની સ્ટાઇલથી ચૂંટણીનું મૅનેજમૅન્ટ કરવાની સાથે સંગઠન ગોઠવ્યું હતું, જેને તેનો લાભ થયો."

"એ વખતે પાર્ટીનું સંગઠન સુરતમાં બાલ્યાવસ્થામાં હોવા છતાં તેઓ અહીં બેઠકો મેળવી શક્યા હતા. જ્યારે આ વખતે તો તેમણે સમજી-વિચારીને મતદારોને આકર્ષી શકે તેવાં સમીકરણો સાથે ઉમેદવારોની પસંદગી કરી અને પૂરતો પ્રચાર પણ કર્યો છે, જેનો લાભ આમ આદમી પાર્ટીને અમુક બેઠક પર તો મળશે જ."

જો નરેશ વારિયાનું માનીએ તો આમ આદમી પાર્ટીના લોકલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના વાયદાઓને કારણે સમાજનો એક વર્ગ તેમના તરફ આકર્ષાયો છે.

તેઓ આ સુરતની આ બેઠકોનું વધુ વિશ્લેષણ કરતાં કહે છે કે, "અહીં પાટીદાર ફૅક્ટર, પાટીદાર અનામત આંદોલન સમિતિનું સમર્થન, યુવા નેતાઓની લોકપ્રિયતા અને આર્થિક આધારે મળેલ અનામતના લાભનો પ્રચાર પણ સુરતની પાટીદાર પ્રભાવ સિવાયની બેઠકો પર આમ આદમી પાર્ટીને ફાયદો કરાવી શકે છે."

અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઈટાલિયા

ઇમેજ સ્રોત, @Gopal_Italia

નરેશ વારિયા પોતાના વિશ્લેષણમાં જણાવે છે કે, "ભાજપ ભલે દાવા કરે કે આમ આદમી પાર્ટીને આ વખત એક પણ બેઠક નહીં મળે. પરંતુ મારા વિશ્લેષણ અને ફિલ્ડવર્કના આધારે મને લાગે છે કે આ વખત કતારગામ અને વરાછાની બેઠક પર તો આમ આદમી પાર્ટીને જરૂર સફળતા મળશે. અને તેનો આંકડો આ સિવાય વધશે તેવી પૂરી શક્યતા છે."

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર વરાછા બેઠક પર 1.98 લાખ મતદારો છે. જેમાં પાટીદારોની બહુમતી છે. ત્યાંથી આપે અલ્પેશ કથિરિયાને ઉતાર્યા છે.

તેમજ 3.59 લાખ મતદારોવાળી બેઠક ઓલપાડમાં પણ આપે ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે.

આ બંને યુવા નેતાઓએ ગત વખતે નગરપાલિકા-મહાનગરપાલિકાની ચંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

કામરેજ બેઠક પરથી પણ આપે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા રામ ધડૂકને ટિકિટ આપી છે, જે ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

રેડ લાઇન
રેડ લાઇન