ગુજરાત ચૂંટણી : 2017 કરતાં થયેલું ઓછું મતદાન પરિણામ પર શું અસર કરશે?

ગુજરાત ચૂંટણી

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું.

બીજા તબક્કામાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 61 રાજકીય પક્ષોમાંથી 833 ઉમેદવારો મેદાનમાં હતા.

ચૂંટણીપંચ અનુસાર, અત્યાર સુધીમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે બીજા તબક્કાની તમામ બેઠકો પર વર્ષ 2017ની સરખામણીએ ઓછું મતદાન થયું છે.

સૌથી વધુ 65.84 ટકા મતદાન સાબરકાંઠા જિલ્લામાં, તો સૌથી ઓછું 53.84 ટકા મતદાન અમદાવાદમાં નોંધાયું હતું.

આ મતદાન ચૂંટણીના પ્રથમ તબક્કા અને ગત વર્ષની સરખામણીએ ઓછું થયું હોવાનું રાજકીય વિશ્લેષકો ગણાવી રહ્યા છે.

જોકે, ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર થયા બાદ જ ગુજરાતમાં બંને તબક્કામાં કુલ કેટલું મતદાન થયું છે તે જાણી શકાશે.

મતદાનની ઘટતી ટકાવારી પરથી પ્રશ્ન એ ઊભો થાય છે કે પરિણામ દરમિયાન તેની અસર સૌથી વધારે ક્યા પક્ષને પડી શકે છે.

ગ્રે લાઇન

ઓછા મતદાનની સૌથી વધુ અસર કોને પડશે?

ગુજરાત વિધાનસભા ચૂંટણી

જાણકારોના મત પ્રમાણે, ઓછું મતદાન હંમેશાં સત્તાપક્ષને નુકસાન કરતું હોય છે.

જોકે, બીજા તબક્કાના મતદાનમાં થયેલા ઓછા મતદાન અંગે રાજકીય વિશ્લેષક મયૂર પરીખે કહ્યું, “ભાજપ માટે એ જોવું રહેશે કે તેમના પ્રભાવવાળા વિસ્તારમાં મતદાન ઓછું થયું છે કે તેમનો પ્રભાવ જ્યાં નથી. એવા વિસ્તારોમાં મતદાન ઓછું થયું છે.”

તેઓ આગળ કહે છે, “પ્રથમ તબક્કામાં થયેલું ઓછું મતદાન ભાજપ માટે અઘરું રહ્યું હતું, કારણ કે ત્યાં કૉંગ્રેસનું વર્ચસ્વ હતું અને ભાજપ સામે તેને દૂર કરવાનો પડકાર હતો. જોકે, બીજા તબક્કાની બેઠકો ભાજપનું વર્ચસ્વ હતું અને કૉંગ્રેસ સામે તેને દૂર કરવાનો પડકાર હતો.”

“બંને તબક્કામાં ઓછું મતદાન થતાં અસર બંને પક્ષોને પડી શકે છે. જોકે, ભાજપ માટે અન્ય એક પડકાર પોતાની શહેરી બેઠકો જાળવવાનો પણ રહેશે.”

ગુજરાત ચૂંટણી

અન્ય એક રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યનું પણ કંઈક એવું જ માનવું છે.

તેઓ કહે છે, “બીજા તબક્કામાં મતદાન ઘટવાથી ભાજપની વર્ચસ્વ ધરાવતી બેઠકો પર તેમની લીડ ઘટી શકે છે.”

તેઓ આગળ કહે છે, “પરિણામો પર વધારે અસર એવા વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં અગાઉ ભાજપ કે કૉંગ્રેસનો ઓછી લીડથી વિજય થયો હતો અથવા તો આ વખતે મજબૂત ત્રિપાંખિયો જંગ હશે.”

જોકે, બંને તબક્કાનું મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને બંને તબક્કામાં થયેલું ઓછું મતદાન ક્યા પક્ષને અસર કરશે એ તો આઠમી ડિસેમ્બરે જ ખબર પડશે.

ગ્રે લાઇન

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું સૂચવે છે?

ગુજરાત ચૂંટણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચૂંટણીપંચ અનુસાર, પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું.

જો મતદાન ટકાવારીની વાત કરીએ તો સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં (76.91 ટકા) અને સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં (57.58) નોંધાયું હતું.

આ મતદાન ગત ચૂંટણી કરતા ઘણું ઓછું થયું છે અને તેનાં અનેક કારણો રાજકીય વિશ્લેષકો ગણાવી રહ્યાં છે.

બીબીસી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા જણાવે છે કે 2017ની ચૂંટણી કરતા આ વખતે સરેરાશ આઠ ટકા ઓછું મતદાન થયું છે.

તેઓ કહે છે, "આ ચૂંટણી નીરસ છે, કોઈ મુદ્દાઓ નથી. એ વાત મતદાનની ટકાવારી પર નજર નાખીએ તો સાચી પડી છે. ભાજપે આટલી મોટી હાઈપ્રોફાઇલ ચૂંટણી કરી હોવા છતાં ઓછું મતદાન થાય એના ઘણા મતલબ તમે કાઢી શકો છો. ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પણ મતદાનમાં મોટું અંતર છે."

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યએ કહ્યું હતું કે "આ પહેલી વાર નથી થયું કે ગ્રામીણ વિસ્તારના લોકોએ વધુ મતદાન કર્યું હોય, આ એક પરંપરા રહી છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારના લોકો વધુ મતદાન કરે છે."

પ્રથમ તબક્કાના મતદાન પર નજર કરીએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ મતદાન થયું છે.

શહેરી અને ગ્રામીણ મતદાનના અંતર અંગે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, "ગામડાંની પ્રજા પરિશ્રમી હોવાથી તેમને મહેનત કર્યા સિવાય કંઈ જ મળતું નથી. પાંચ વર્ષની અંદરની જે તકલીફો હોય છે, એ તેમની રોજેરોજની તકલીફો હોય છે, જેમ કે પાક નિષ્ફળ ગયો, દુષ્કાળ પડ્યો, વરસાદ વધારે આવ્યો વગેરે."

જોકે, આ સિવાય પણ મતદાન ઓછું થવાના કારણો છે. જે વિશે વાંચવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
રેડ લાઇન