વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ હતી?

2017 ઉત્તર ગુજરાત ચૂંટણી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે. આઠ ડિસેમ્બરે તેનાં પરિણામો પણ સ્પષ્ટ થઈ જશે.

ગુજરાતમાં ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા અને કૉંગ્રેસ-આપ ભાજપનો ગઢ ‘ફતેહ’ કરવા મેદાને છે.

નોંધનીય છે કે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગરની 32 વિધાનસભાની બેઠકોમાંથી કૉંગ્રેસને 17 બેઠકો મળી હતી.

જ્યારે રાજ્યના સત્તાપક્ષ ભાજપને 14 બેઠકો મળી હતી.

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કયા સ્થાનિક મુદ્દા હતા? કયા પરિબળોની સત્તાના સંગ્રામ પર અસર પડી હતી? આ જાણવા બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી.

એ પહેલાં જાણી લઈએ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંતિમ પરિણામનું ગણિત કેવું રહ્યું હતું.

ગ્રે લાઇન

ઉત્તર ગુજરાતમાં કેવી હતી સ્થિતિ?

ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ચૂંટણીજંગ

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં કૉંગ્રેસ વધુ બેઠકો મેળવવામાં સફળ રહી હતી.

બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભાની બેઠકોમાંથી પાંચ કૉંગ્રેસ, ત્રણ ભાજપ અને એક બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ હતી.

જ્યારે પાટણ જિલ્લાની ચાર બેઠકોમાંથી કૉંગ્રેસ પાસે ત્રણ અને ભાજપને એક બેઠક મળી હતી.

મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાની બેઠકોમાંથી ભાજપને પાંચ અને કૉંગ્રેસને બે બેઠકો મળી હતી.

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની બેઠકોમાંથી ભાજપને ત્રણ અને કૉંગ્રેસને એક બેઠક મળી શકી હતી.

જ્યારે અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકો કૉંગ્રેસને ફાળે ગઈ હતી.

અંતે ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પૈકી કૉંગ્રેસને ત્રણ અને ભાજપને બે બેઠકો મળી હતી.

આમ આ જિલ્લાઓની કુલ 32 બેઠકોમાંથી કૉંગ્રેસને 17, ભાજપને 14 અને અપક્ષને એક બેઠક મળી હતી.

ગ્રે લાઇન

શું હતા એ વખતના મુદ્દા?

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બેઠકોનાં પરિણામોની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને પાટણની વિધાનસભા બેઠકો પર કૉંગ્રેસને લાભ થયો હતો.

તેનાં પરિબળો વિશે વાત કરતાં ઉત્તર ગુજરાતના રાજકારણના જાણકાર ફકીર મોહમ્મદે જણાવ્યું હતું કે, “એ સમયે ઉત્તર ગુજરાતમાં કેટલીક બેઠકો પર પાટીદાર અનામત આંદોલન અને ક્ષત્રિય સેનાના આંદોલનની અસર હતી. તેના કારણે કેટલીક બેઠકો પર ભાજપને નુકસાન થયું હતું.”

ક્ષત્રિય સેના અને પાટીદાર અનામત આંદોલનની અસરવાળી બેઠકો અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “મોટા ભાગે આ બેઠકો મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગરમાં હતી. આ બંને પરિબળોને કારણે ભાજપને ઓછામાં ઓછું આઠ બેઠકોનું નુકસાન થયું હતું.”

ગ્રે લાઇન

ગત વખતે કઈ બેઠકો પર હતી નજર

ભાજપ-કૉંગ્રેસ

ફકીર મોહમ્મદ ગત વિધાનસભાની ચૂંટણી અંગે વધુ વાત કરતાં કહે છે કે, “ગઈ વખતે બનાસકાંઠાની વાવ, રાધનપુર, વડગામ અને પાલનપુર બેઠક પર લોકોની નજર હતી.”

“વાવમાં ગત વખતે ભાજપના તત્કાલીન આરોગ્યમંત્રી શંકર ચૌધરી મેદાને હતા, તેથી એ બેઠક ભાજપ માટે મહત્ત્વની હતી. તેના પર સૌની નજર હતી. પરંતુ તે કૉંગ્રેસને ફાળે ગઈ હતી.”

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “વડગામથી રાષ્ટ્રીય હસ્તી એવા જિજ્ઞેશ મેવાણી મેદાને હતા તેથી એ બેઠક પર પણ સૌની નજર હતી. તેમજ રાધનપુર વિધાનસભા બેઠક પરથી અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવતાં તે બેઠક પર પણ ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.”

આ ઉપરાંત ગુજરાતના ઉપ-મુખ્ય મંત્રી નીતિન પટેલ મહેસાણાની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન