ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાનું ઓછું મતદાન કોને નુકસાન કરી શકે?

મતદાર

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 19 જિલ્લાની 89 બેઠક પર 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયા છે.

ચૂંટણીપંચ અનુસાર, પ્રથમ તબક્કાની બેઠકો પર કુલ 62.89 ટકા મતદાન થયું છે.

નોંધનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું.

જો મતદાન ટકાવારીની વાત કરીએ તો સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં (76.91 ટકા) અને સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં (57.58) નોંધાયું હતું.

આ મતદાન ગત ચૂંટણી કરતા ઘણું ઓછું થયું છે અને તેનાં અનેક કારણો રાજકીય વિશ્લેષકો ગણાવી રહ્યાં છે.

નોંધનીય છે કે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.

એ પણ નોંધવું જોઈએ કે હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે અને આથી મતદાનની ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે.

8 ડિસેમ્બરના રોજ ચૂંટણીપરિણામ જાહેર થવાનાં છે.

સવાલ એ થાય કે પ્રથમ તબક્કાનું આટલું ઓછું મતદાન કેમ થયું અને આ કયા પક્ષને પરિણામમાં અસર કરી શકે છે.

બીબીસી ગુજરાતી

મતદાન ઓછું થવાનું કારણ શું હોઈ શકે?

વીડિયો કૅપ્શન, ઓછું મતદાન કોને કરાવશે ફાયદો કોને કરાવશે નુકસાન ? – COVER STORY

ગુજરાતની ચૂંટણી જાહેર થઈ એ પહેલાં અને પછી પણ કેન્દ્રીય નેતાઓના ગુજરાતપ્રવાસ શરૂ થઈ ગયા હતા.

ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તારીખ પહેલાં પોતાનો પ્રચાર શરૂ દીધી હતો.

તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાનાં અભિયાન પણ ચાલી રહ્યાં છે.

મતદાનના દિવસે દિગ્ગજ નેતાઓએ પણ ચૂંટણીમાં મોટા પાયે મતદાન કરવા માટે મતદારોને અપીલ કરી હતી.

તેમ છતાં 2017ની ચૂંટણી કરતા ઓછું મતદાન થયું છે.

બીબીસી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા જણાવે છે કે 2017ની ચૂંટણી કરતા આ વખતે સરેરાશ આઠ ટકા ઓછું મતદાન થયું છે.

તેઓ કહે છે, "આ ચૂંટણી નીરસ છે, કોઈ મુદ્દાઓ નથી. એ વાત મતદાનની ટકાવારી પર નજર નાખીએ તો સાચી પડી છે. ભાજપે આટલી મોટી હાઈપ્રોફાઇલ ચૂંટણી કરી હોવા છતાં ઓછું મતદાન થાય એના ઘણા મતલબ તમે કાઢી શકો છો. ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પણ મતદાનમાં મોટું અંતર છે."

તેઓ કહે છે, "ઘણી કોશિશ છતાં મતદાન નથી વધતું એ કેટલીક ગર્ભિત બાબતોનો અણસાર આપે છે."

બીબીસી ગુજરાતી

ઓછું મતદાન કોને નુકસાન કરી શકે?

વૃદ્ધ મતદારને મતદાન કરવા મદદ કરતા જવાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વૃદ્ધ મતદારને મતદાન કરવા મદદ કરતા જવાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાણકારોનું કહેવું છે કે ઓછું મતદાન હંમેશાં સત્તાપક્ષને નુકસાન કરતું હોય છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે "આ પહેલી વાર નથી થયું કે ગ્રામીણ વિસ્તારના લોકોએ વધુ મતદાન કર્યું હોય, આ એક પરંપરા રહી છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારના લોકો વધુ મતદાન કરે છે."

તેઓ કહે છે કે "નવું ફૅક્ટર એ છે કે શહેરી મતદારોએ નોંધપાત્ર માત્રમાં ઓછું મતદાન કર્યું છે."

તેઓ કહે છે, "પહેલેથી લોકો (મતદારો) નિષ્ક્રિય હતા. અને મતદારની નારાજગી કે નિષ્ક્રિયતા હંમેશાં શાસક પક્ષ સામે હોય છે. લોકો જ્યારે શાસક પક્ષથી નારાજ હોય ત્યારે તેઓ મતદાનથી અલિપ્ત રહેતા હોય છે."

"ગ્રામીણ લોકો શહેરી નાગરિકો કરતાં વધુ જાગૃત નાગરિકો છે. એ પોતાનાં સમાજ, જ્ઞાતિ અને ગામનું હિત જોઈને મોટી સંખ્યામાં મતદાન કરતા હોય છે."

તેઓ ઉદાહરણ આપતા કહે છે, "તાલુકાની કક્ષાની જે બેઠકો હોય છે તેમાં તાલુકા કક્ષાના મત 25-30 ટકા હોય છે અને 70-75 ટકા મત આસપાસનાં ગામડાંના હોય છે.

તેમનું કહેવું છે કે ગ્રામ્ય મતદારો દરેક બેઠકમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ગુજરાતમાં થયેલું ઓછું મતદાન શેનો સંકેત આપે છે, જુઓ બીબીસી ગુજરાતની કવર સ્ટોરીમાં.

બીબીસી ગુજરાતી

ગામડાંમાં વધુ મતદાન કેમ થાય છે?

મતદાનની ટકાવારી

પ્રથમ તબક્કાના મતદાન પર નજર કરીએ તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ મતદાન થયું છે.

શહેરી અને ગ્રામીણ મતદાનના અંતર અંગે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, "ગામડાંની પ્રજા પરિશ્રમી હોવાથી તેમને મહેનત કર્યા સિવાય કંઈ જ મળતું નથી. પાંચ વર્ષની અંદરની જે તકલીફો હોય છે, એ તેમની રોજેરોજની તકલીફો હોય છે, જેમ કે પાક નિષ્ફળ ગયો, દુષ્કાળ પડ્યો, વરસાદ વધારે આવ્યો વગેરે."

"એમના જીવન સાથે આ આખી વસ્તુઓ જોડાયેલી હોવાથી તેઓ એમ વિચારતા હોય છે કે, અમારું સારું થાય એ માટે અમે કંઈ કરીએ. એમનું જીવન શહેરીજનો જેટલું સરળ હોતું નથી."

બીબીસી ગુજરાતી

તેઓ કહે છે, "આપણે ત્યાં લગભગ 40 ટકા ગામ એવાં છે, જેની વસતી 500થી પણ ઓછી છે. જ્યારે ગામ નાનાં હોય ત્યારે પાડોશીઓ પણ એટલો જ દબાવ કરે છે કે, ચલો બધા મતદાન કરવા જઈએ. નાના ગામના કારણે લોકોના આસપાસના સંબંધો ઘણા સારા હોય છે. બહેનો-બહેનો સાથે જાય, મોટા વડીલો અલગથી ભેગા થઈને જાય છે."

"ગામમાં જ્ઞાતિ પ્રમાણે વધુ લોકો રહેતા હોવાથી, આપણી જ્ઞાતિના છે તો મત આપીએ, એમ વિચારીને પણ મત આપવા જતા હોય છે."

જાનીના મતે, "શહેરમાં ઘણા બધા લોકો મધ્યવર્ગના રહે છે, એમને દર મહિને નિયમિત પગાર મળી રહે છે અથવા તો દુકાન લઈને બેઠા હોય તો સાંજે તેમને 5 હજાર રૂપિયા પણ મળી રહે છે. એ લોકોને આ વ્યવસ્થા બદલાવાથી કંઈ મોટો ફેર નથી પડવાનો."

"શહેરીજનોના જીવનમાં રાજકારણનું એટલું મહત્ત્વ હોતું નથી, જેટલું અર્થકારણનું મહત્ત્વ હોય છે. શહેરમાં જ્ઞાતિનું ફેક્ટર પણ પ્રમાણમાં ઓછું કામ કરે છે, જેટલું ગામમાં કરતું હોય છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી