સૌરાષ્ટ્રમાં 2017ની વિધાનસભાની ચૂંટણીએ ભાજપને કેટલું નુકસાન કર્યું હતું?

વર્ષ 2017ની ચૂંટણીમાં કયાં પરિબળોને કારણે કૉંગ્રેસને લાભ થયો હતો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2017ની ચૂંટણીમાં કયાં પરિબળોને કારણે કૉંગ્રેસને લાભ થયો હતો?
રેડ લાઇન
  • વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠકોની નિર્ણાયક ભૂમિકા રહી હતી
  • વર્ષ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને સૌરાષ્ટ્રની એ 48માંથી 28 બેઠકો મળી હતી
  • જ્યારે ભાજપ 19 બેઠકો સુધી સીમિત રહ્યો હતો
રેડ લાઇન

ગુજરાત વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે.

પ્રથમ તબક્કાના આ મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં કૉંગ્રેસ અને ભાજપ માટે સૌરાષ્ટ્રનો ગઢ ‘ખૂબ જ મહત્ત્વપૂર્ણ’ રહેતો હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે.

વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રની બેઠકો પર ‘ખરાખરીનો જંગ’ ખેલાયો હતો.

જેમાં મોટા ભાગની બેઠકો કૉંગ્રેસના ફાળે ગઈ હતી.

એ સમય ભાજપની કેટલીક પરંપરાગત બેઠકો પર પણ કૉંગ્રેસને સફળતા સાંપડી હતી.

ગત ચૂંટણીમાં કયાં પરિબળોની અસર સૌરાષ્ટ્રમાં રહેવા પામી હતી?

કઈ એવી બેઠકો હતી જેના પર સૌની નજર હતી?

એ પહેલાં જાણીએ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વર્ષ 2017માં રાજકીય ગણિત કેવું રહેવા પામ્યું હતું? 

bbc gujarati line

ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જામી ટક્કર

કૉંગ્રેસ ગુજરાતમાં 48 બેઠકોમાંથી 28 બેઠકો મેળવવામાં સફળ રહી હતી
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ ગુજરાતમાં 48 બેઠકોમાંથી 28 બેઠકો મેળવવામાં સફળ રહી હતી

સૌરાષ્ટ્રના 11 જિલ્લાની બેઠકોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પાંચ, મોરબીમાં ત્રણ, રાજકોટમાં આઠ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં સાત પોરબંદરમાં બે જૂનાગઢમાં પાંચ, ગીરસોમનાથમાં ચાર અમરેલીમાં પાંચ, ભાવનગરમાં સાત અને બોટાદમાં બે વિધાનસભાની બેઠકો હતી.

આ કુલ 48 બેઠકોમાંથી કૉંગ્રેસને 28, ભાજપને 19 અને નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીને એક બેઠક મળી હતી.

રાજકીય વિશ્લેષક અને ગુજરાતના રાજકારણના પ્રવાહોના જાણકાર જગદીશ આચાર્ય જણાવે છે કે, “વર્ષ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને દસ બેઠકોનો લાભ થયો હતો. જ્યારે ભાજપને એટલી જ બેઠકોનું નુકસાન ભોગવવું પડ્યું હતું.”

bbc gujarati line

કયાં પરિબળો કામ કરી ગયાં?

ભાજપને વર્ષ 2017ની ચૂંટણીમાં અમુક બેઠકો પર નુકસાન વેઠવું પડ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપને વર્ષ 2017ની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર નુકસાન વેઠવું પડ્યું હતું

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય જણાવે છે કે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતોના રોષનો મુદ્દો સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન કરાવી ગયો.

તેઓ એ સમયની પરિસ્થિતિઓને યાદ કરતાં જણાવે છે કે, “સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકો પર પાટીદાર અનામત આંદોલનની અસર થઈ હતી. એ સમયે ભાજપ વિરુદ્ધનો માહોલ હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિની અસરના કારણે બીજો કોઈ મુદ્દો અહીં કામ ન કરી શક્યો અને ભાજપને નુકસાન થયું.”

જગદીશ આચાર્ય આગળ વાત કરતાં કહે છે કે, “પાટીદાર અનામત આંદોલનની અસર સિવાય અન્ય સમાજોમાં ખાસ કરીને ખેડૂત વર્ગમાં ભાજપ સામે રોષ જોવા મળ્યો હતો. આ રોષ તેમના વિરુદ્ધ મતદાનમાં પણ પરિણમ્યો.”

વિશ્લેષકોના મતે સૌરાષ્ટ્રમાં થયેલ નુકસાનના કારણે જ ગુજરાતમાં ભાજપ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 100નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. આ ચૂંટણીનાં પરિણામોને પક્ષનું સરેરાશ પ્રદર્શન પણ ગણાવાય છે.

ગ્રે લાઇન

કઈ કઈ બેઠકો પર હતી સૌની નજર?

વિજય રૂપાણીની બેઠક રાજકોટ પૂર્વ પર હતી સૌની નજર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણીની બેઠક રાજકોટ પૂર્વ પર હતી સૌની નજર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય જણાવે છે કે એ વખતે પણ ચૂંટણીમેદાને ગુજરાતના મોટા નેતાઓ હતા.

“તેમાં ભાજપ તરફથી તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત જયેશ રાદડિયા જેવાં મોટાં નામ સામેલ હતાં.”

જગદીશ આચાર્ય એ સમયે રસપ્રદ સ્પર્ધા ઊભી કરનાર બેઠકો વિશે જણાવે છે કે, “વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પૂર્વની બેઠક પરથી તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી હતા. તેથી સ્વાભાવિક છે કે તેના પર સૌની નજર રહેવાની. આ સિવાય જેતપુરથી દિવંગત નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા ચૂંટણીમેદાને હતા. તેઓ પણ એક મોટા નેતા છે. તેથી જેતપુરની બેઠકના પરિણામ પર પણ સૌની નજર હતી. આ સિવાય પોરબંદરથી બાબુભાઈ બોખિરિયા, જેઓ તત્કાલીન મંત્રી હતા, તેઓ મેદાને હતા. સરકારમાં મંત્રી હોવાના કારણે આ બેઠક પર પણ લોકોની નજર હતી. આ સિવાય કૉંગ્રેસ તરફથી જસદણની બેઠક પરથી કોળી નેતા કુંવરજી બાવળિયાએ ઝંપલાવ્યું હતું. તેઓ એક લોકપ્રિય નેતા તરીકેની છાપ ધરાવે છે. જેથી તેમની બેઠક પર પણ બધાની નજર હતી.”

“આ સિવાય ભાજપે સૌરાષ્ટ્રમાં એવું કોઈ મોટું નામ નહોતું ઉતાર્યું જેને હરાવીને કૉંગ્રેસ કે અન્ય પક્ષ તરફથી કોઈ ‘જાયન્ટ કિલર’ બની શક્યું હોત.”

bbc gujarati line
bbc gujarati line