NCP અને કૉંગ્રેસનું એવું ગઠબંધન જેમાં કૉંગ્રેસે ચૂંટણી પહેલાં જ એક બેઠક ગુમાવી દીધી

ગુજરાત ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી

દેવગઢ બારિયા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર ગોપસિંગ લવારે ઉમેદવારી પાછી ખેંચતા માત્ર એનસીપીને જ નહીં પણ કૉંગ્રેસને પણ મોટો ફટકો પડ્યો છે.

કારણ કે આ વખતે ચૂંટણી માટે કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે જે બેઠકો માટે ગઠબંધન થયું છે, આ તેમાંની એક બેઠક છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2012 બાદ ફરી એક વખત કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું હતું અને તે પણ માત્ર ત્રણ બેઠક પર.

દેવગઢ બારિયા, નરોડા અને ઉમરેઠ પૈકીની દેવગઢ બારિયા બેઠક પરથી એનસીપીના ઉમેદવારે ફૉર્મ પાછું ખેંચી લેતાં હવે ત્યાં માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ ચૂંટણીજંગ જામશે.

જોકે, આ પહેલાં પણ અમદાવાદમાં આવું જ કંઇક થતા રહી ગયું હતું. પણ સમય હોવાથી એનસીપીએ અન્ય ઉમેદવાર ઊભો રાખી દીધો હતો.

આ ઘટનાઓ વચ્ચે એ પ્રશ્ન ઊભો થાય છે કે ગુજરાતમાં સારું એવું સંગઠન ધરાવતી કૉંગ્રેસ, એનસીપી સાથે ગઠબંધન કેમ કરે છે અને આ ગઠબંધનનો અર્થ શું છે?

bbc gujarati line

ગત વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીનું પ્રદર્શન

  • 182માંથી 58 બેઠકો પર ઊભા રાખ્યા હતા ઉમેદવારો
  • 58 પૈકી 56 ઉમેદવારોની ડિપૉઝિટ થઈ હતી ડૂલ
  • ચૂંટણીમાં તમામ ઉમેદવારોનો વોટશૅર 0.62 ટકા
  • 58માંથી માત્ર એક ઉમેદવાર (કાંધલ જાડેજા)ની જીત
bbc gujarati line

ગઠબંધન શા માટે?

કૉંગ્રેસ એનસીપીનું ગઠબંધન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એનસીપીના વડા શરદ પવાર કૉંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે સાથે

કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીનું કહેવું છે કે કૉંગ્રેસ અને એનસીપી સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ છે અને જ્યારે પણ ભાજપ સામે લડવાનું હોય ત્યારે એકજૂટ થઈને લડે છે. તેઓ કહે છે, "કૉંગ્રેસ અને એનસીપી રાષ્ટ્રીય જોડાણ ધરાવતી પાર્ટીઓ છે. તેઓ લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીમાં પણ એકબીજાને સાથ આપે છે."

તેમણે આગળ કહ્યું, "કૉંગ્રેસ અને એનસીપીના રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં નક્કી થયું હતું એ મુજબ ગુજરાતમાં એનસીપી નરોડા, દેવગઢ બારિયા અને ઉમરેઠ બેઠક પર, જ્યારે કૉંગ્રેસે બાકીની 179 બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે."

જોકે, દેવગઢ બારિયા બેઠકના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફૉર્મ પાછું ખેંચી લેવા વિશે તેમણે કહ્યું, "આ અમારા માટે આંચકારૂપ ઘટના છે. પણ અમને ખ્યાલ છે કે ભાજપે ધાકધમકીથી તેમની પાસેથી ફૉર્મ પાછું ખેંચાવ્યું છે. કૉંગ્રેસ અને એનસીપી આ મામલે તપાસ કરી રહી છે અને તેનો વિસ્તૃત રિપોર્ટ મંગાવ્યો છે."

ગુજરાતમાં કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધનનું કારણ જણાવતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટ જણાવે છે, "આ ગઠબંધન પાછળ મહારાષ્ટ્રની રાજનીતિ જવાબદાર છે. મહારાષ્ટ્રમાં બંને પાર્ટીઓનું ગઠબંધન છે અને વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આ બંને પાર્ટીઓનું ગઠબંધન હશે. રાષ્ટ્રીય ગઠબંધનના કારણે જ ગુજરાતમાં પણ એમ કરવામાં આવ્યું છે."

જ્યારે અન્ય એક રાજકીય વિશ્લેષક નરેશ વરિયાનું પણ આવું જ કંઇક માનવું છે. તેઓ કહે છે, "મહારાષ્ટ્રનું ગઠબંધન સાચવવા માટે જ ગુજરાતમાં કૉંગ્રેસ એનસીપીને બેઠકો ફાળવે છે. જોકે, તેનો ફાયદો કૉંગ્રેસ અને એનસીપી બંનેને થાય છે."

gray line

એનસીપીમાં ઊથલપાથલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શંકરસિંહ વાઘેલા 2019માં એનસીપીમાં જોડાયા, તે સમયની તસવીર

2022ની ચૂંટણી માટે એનસીપી ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલાં જ ઊથલપાથલ શરૂ થઈ ગઈ હતી.

પાંચ નવેમ્બરના રોજ એનસીપીમાંથી ચૂંટાઈને આવેલાં એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીના ઉમેદવાર તરીકે ફૉર્મ ભર્યું હતું. જોકે, તેના બીજા જ દિવસે એનસીપીએ કૉંગ્રેસ સાથેના ગઠબંધનની જાહેરાત કરી હતી. જેમાં કાંધલને ટિકિટ આપી ન હોવાથી તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.

આ સિવાય પાર્ટીના પ્રવક્તા અને પાટીદાર નેતા રેશમા પટેલ પણ 16 નવેમ્બરે પક્ષમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કાંધલ જાડેજા, રેશમા પટેલ અને પાર્ટીના ગુજરાત પ્રમુખ જયંત પટેલ (બૉસ્કી)ને બાદ કરતાં એનસીપીમાં કોઈ ખ્યાતનામ નેતા નહોતા.

એવામાં બે નેતાઓ છોડીને ચાલ્યા ગયા બાદ ગુજરાત એનસીપીમાં પ્રમુખ જયંત પટેલ સિવાય કોઈ એવા નેતા નથી જે પ્રચલિત હોય.

રેડ લાઇન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે આ પહેલી વખતની ઊથલપાથલ નથી, અગાઉ પણ ગુજરાતના જાણીતા નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પણ થોડાક સમય માટે પાર્ટીના સભ્ય રહી ચૂક્યા છે.

કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનની નરોડા બેઠક પર એનસીપીએ નિકુલસિંહ તોમરને ટિકિટ આપી હતી. જોકે, તેમણે ફૉર્મ પાછું ખેંચી લેતા એક સમયે એનસીપી અને કૉંગ્રેસ બંનેના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, મુદ્દત બાકી હોવાથી એનસીપીએ તેમના સ્થાને મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી હતી.

નિકુલસિં તોમરે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, "હું કૉંગ્રેસમાંથી ચૂંટાયેલો કૉર્પોરેટર છું. જો મારે એનસીપીમાંથી વિધાનસભા ચૂંટણી લડવાની થાય તો મારે કૉર્પોરેટર તરીકે રાજીનામું આપવું પડે."

આ ઉપરાંત તાજેતરમાં જ દેવગઢ બારિયા બેઠકના એનસીપી ઉમેદવારે છેલ્લી ઘડીએ ફૉર્મ પાછું ખેંચી લેતા હવે એનસીપી-કૉંગ્રેસનું ગઠબંધન બે બેઠકોને સીમિત થઈ ગયું છે.

આ અંગે ગુજરાત એનસીપીના વડા જયંત પટેલ બૉસ્કીએ કહ્યું, "આ બધો પૈસાનો ખેલ છે. દેવગઢ બારિયાના ઉમેદવારને પાંચ કરોડ રૂપિયાની ઑફર થઈ હતી અને એ કારણથી જ તેમને ફૉર્મ પાછું ખેંચ્યું હતું."

જ્યારે રેશમા પટેલ અને કાંધલ જાડેજા વિશે તેમણે કહ્યું, "એ બંનેને ટિકિટ મળવાની ન હોવાથી તેઓ પાર્ટી છોડીને ચાલ્યા ગયા છે."

bbc gujarati line

ગઠબંધનનો કોઈ ફાયદો ખરો?

રેશમા પટેલ

ઇમેજ સ્રોત, RESHMA PATEL/FB

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં એનસીપી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલાં રેશમા પટેલ

તાજેતરમાં જ એનસીપી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાનારાં રેશમા પટેલ કહે છે કે કૉંગ્રેસ અને એનસીપીના અગાઉના ગઠબંધનમાં કોઈ તથ્ય હોઈ શકે છે પણ આ વખતનું ગઠબંધન પૈસા અને સ્વાર્થનું ગઠબંધન છે. તેઓ કહે છે, "ગુજરાતમાં એનસીપીનું સંગઠન અન્ય પાર્ટીઓ કરતા નાનું છે અને હું જ્યારે જોડાઈ ત્યારથી અમે લોકો સતત પાર્ટીના હિતમાં કામ કરતા હતા. પણ જ્યારે ટિકિટ આપવાની વાત આવી તો માત્ર બે લોકોના હિત માટે અને પૈસા કમાવા માટે ગઠબંધન કરી લીધું."

તેઓ આગળ કહે છે, "જે લોકોએ પાર્ટીમાં રહીને સંઘર્ષ કર્યો, મહેનત કરી, સરકારનો વિરોધ કરતા હતા. તેમની શક્તિ, ભાવના કે વિઝનને ગણકાર્યા વગર જ્યાંથી પૈસા આવતા હોય તેવી જ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખીને ગુજરાતમાં એનસીપીના અસ્તિત્ત્વને જોખમમાં મૂક્યું છે." ગુજરાત એનસીપીના વડા જયંત પટેલ બૉસ્કી પર આરોપ લગાવતા રેશમા પટેલે કહ્યું કે હાલના સમયમાં તેઓ "સ્વાર્થની રાજનીતિ"નું સૌથી ઉત્તમ ઉદાહરણ છે.

તેમણે અંતે કહ્યું, "ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પરથી ઉમેદવારોએ ફૉર્મ પાછા ખેંચ્યા, તેમાંથી એક બેઠક પર એવા ઉમેદવારને ઊભો રાખવો પડ્યો જેને દૂરદૂર સુધી પાર્ટી સાથે લેવાદેવા નથી. આ ગઠબંધન બાદ ગુજરાત કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે જે ભરોસો હશે તે પણ તૂટી ગયો હશે."

રેશમા પટેલની જેમ ગુજરાત એનસીપીના અન્ય એક નેતા અને 2017માં પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ રાજીનામું આપી દીધું છે. ત્યારે આ નેતાઓના જવાથી શું ગઠબંધન કે ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન પર અસર પડશે?

આ પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ કહ્યું, "રેશમા અને કાંધલ બંને પોતપોતાના વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા નેતાઓ છે અને જે એનસીપીએ તેમના વિસ્તારની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા જ નથી. જેથી તેની કોઈ અસર પડશે નહીં."

આ ગઠબંધનથી થતા ફાયદા વિશે તેઓ કહે છે, "જો આ ગઠબંધન ન થયું હોત અને એનસીપી અન્ય બેઠકો પર પણ ઉમેદવારો ઊભા રાખતી, તો કૉંગ્રેસના વોટશૅર પર તેની અસર પડી શકતી હતી. આ સિવાય જો કૉંગ્રેસના કોઈ નેતા ટિકિટ ન મળવાથી નિરાશ થયા હોય અને ભાજપમાં જવા ન માગતા હોય તો તેઓ સમાન વિચારધારા ધરાવતી એનસીપીમાં જઈ શકતા હતા. જેથી કૉંગ્રેસ માટે તો ફાયદો છે જ. સાથેસાથે એનસીપીને કૉંગ્રેસના સંગઠનનો ફાયદો મળી શકે છે."

bbc gujarati line
bbc gujarati line