ગુજરાત વિધાનસભા ચૂંટણી : કૉંગ્રેસે પ્રચારની રણનીતિ કેમ બદલી?

ઇમેજ સ્રોત, jagdish Thakor/FB
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કૉંગ્રેસે અલગ રીતે પ્રચાર કરવાનું નક્કી કર્યું છે.
રાજકીય વિશ્લેષકોના મતે આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસ ભાજપના મોટા ચહેરાઓ પર ‘પર્સનલ ઍટેક’ કરવાનું ટાળી રહી છે, તેમજ મોટી સભાઓના સ્થાને ‘જનસંપર્ક’, ‘ખાટલા બેઠકો’ અને ‘ડૉર ટુ ડૉર પ્રચાર’ને પ્રાધાન્ય આપી રહી છે, તેમજ ભાજપની જેમ આ વખત કૉંગ્રેસે ‘મોટા ચહેરા’ને પણ ચૂંટણીપ્રચારમાં હજુ સુધી ઉતાર્યા નથી.
‘ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી’ તરીકે ઓળખાતી કૉંગ્રેસ પાર્ટીના પ્રચારમાં રાજકીય વિશ્લેષકોને એક ‘બદલાવ’ જોવા મળી રહ્યો છે. કેટલાક આને કૉંગ્રેસની ‘નવી રણનીતિ’ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ‘વિવશતા’માં ખપાવી રહ્યા છે.
જોકે, ગુજરાત કૉંગ્રેસ આને ‘સમજી-વિચારીને ઘડાયેલી વ્યૂહરચના’ ગણાવે છે. તેમજ કૉંગ્રેસ 'મોટા ચહેરાને ન ઉતારાઈ રહ્યા હોવાની વાત પર પણ સંમત થતી નથી.' પરંતુ જો વિશ્લેષકોની વાત માનીએ તો ચૂંટણીપ્રચારની પરંપરાગત રીતો અને વ્યૂહરચનાને બદલે ગુજરાત કૉંગ્રેસ નવી વ્યૂહરચના અપનાવી રહી છે, પરંતુ આવું કેમ?
પહેલાં ગુજરાત કૉંગ્રેસની પ્રચાર અભિયાનની રણનીતિઓ વિશે વિગતવાર જાણીએ.

‘પર્સનલ ઍટેક’ની ગેરહાજરી

ઇમેજ સ્રોત, Jagdish Thakor/FB
ગુજરાતની અગાઉની કેટલીક ચૂંટણીઓના અનુભવોની વાત કરીએ તો ભૂતકાળમાં સોનિયા ગાંધી સહિત કૉંગ્રેસનાં મોટાં નેતાઓ દ્વારા ભાજપના નેતાઓ ખાસ કરીને વડા પ્રધાન મોદી પર ‘પર્સનલ ઍટેક’ કરવામાં આવ્યા હતા. જો આવા ‘પર્સનલ ઍટેક’નાં ઉદાહરણો નોંધીએ તો વર્ષ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ‘મોત કા સોદાગર’ ગણાવ્યા હતા.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી અગાઉ મૂળ ગુજરાતના કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ આ જ ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો હતો. તેમજ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસ નેતા મણિશંકર અય્યરે નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતાં તેમને 'ચાયવાલા'કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ બાદ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના અમુક દિવસ પહેલાં જ ફરી એક વાર મણિશંકર અય્યરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહ્યા હતા. વિશ્લેષકોના મતે આ તમામ શાબ્દિક હુમલાઓએ કૉંગ્રેસના પક્ષમાં સમર્થનનું મોજું ઊભું કરવાના સ્થાને ‘ખેલ ઊંધો પાડી દીધો’ હતો.
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય માને છે કે ઉપરોક્ત તમામ ‘પર્સનલ ઍટેક’નો નરેન્દ્ર મોદીએ ‘સિફતપૂર્વક પોતાના અને પાર્ટીના લાભ માટે ઉપયોગ’ કરી લીધો હતો.
તેઓ કહે છે કે, “કૉંગ્રેસ આ વખત ભૂતકાળના અનુભવોથી શીખી હોય તેવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં સોનિયા ગાંધીએ જ્યારે નરેન્દ્ર મોદીને ‘મોત કા સોદાગર’ કહ્યા ત્યારે તેમની આ કૉમેન્ટના કારણે બહુમતી વર્ગ ભાજપ તરફ જતો રહ્યો અને કૉંગ્રેસને નુકસાન થયું. કંઈક આવો જ લાભ નરેન્દ્ર મોદીએ મણિશંકર અય્યરની ‘ચાયવાલા’ અને ‘નીચ’વાલી કૉમેન્ટનો પણ ઉઠાવ્યો. વર્ષ 2014માં ‘ચાયવાલા’ કૉમેન્ટ બાદ તેને મોદીએ પોતાની ગરીબ પૃષ્ઠભૂમિ પરના પ્રહાર ગણાવ્યા. અને આખું ચૂંટણી કૅમ્પેન ‘ચા’ અને ગરીબાઈ પર વાળી દેવાયું.”
જગદીશ આચાર્ય નરેન્દ્ર મોદી સામે કરાયેલ ‘પર્સનલ ઍટેક’ની અસરો વિશે વાત કરતાં આગળ કહે છે કે, “કંઈક આવું જ ‘નીચ’ કૉમેન્ટ વખતે પણ તેમણે કર્યું, તેમણે આ કૉમેન્ટને ગુજરાતનું અપમાન ગણાવ્યું અને ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતી વ્યક્તિ સામે કૉંગ્રેસ વેરભાવ રાખતી હોવાનો આરોપ મૂક્યો.”
રાજકીય વિશ્લેષક અને દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક ઘનશ્યામ શાહ કહે છે કે, “ભૂતકાળમાં કૉંગ્રેસને મોદી સામે કરાયેલ ‘પર્સનલ ઍટેક’નો લાભ થવાના સ્થાને નુકસાન થયું છે. મોદી આ ‘પર્સનલ ઍટેક’ને ઉઠાવી તેમના લાભ માટે વાપરવામાં પાવરધા છે. કૉંગ્રેસ હવે આ વાત સમજી હોય તેવું લાગે છે. તેથી તેમણે અત્યાર સુધી આ ચૂંટણીમાં આવું કરવાનું ટાળ્યું છે.”

પ્રચારની રણનીતિમાં ‘બદલાવ’

ઇમેજ સ્રોત, Jagdish Thakor/FB
રાજકીય વિશ્લેષકોના મતે કૉંગ્રેસે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પ્રચારનીતિ પણ બદલી છે, મોટી સભાઓ યોજવાના સ્થાને સંપર્ક અભિયાન થકી મતદારો સાથે વ્યક્તિગત મુલાકાત, ડોર ટુ ડોર પ્રચાર કરવાનું ઠરાવ્યું છે.
આ રણનીતિનાં કારણો અંગે વાત કરતાં ઘનશ્યામ શાહ જણાવે છે કે, “કૉંગ્રેસે પ્રચાર માટે ડોર ટુ ડોર પર વધુ ભાર આપવાનું ઠરાવ્યું તેનું એક કારણ એ છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું વ્યવસ્થાતંત્ર ખોરવાયેલું છે. તેથી કદાચ પ્રચારનાં પરંપરાગત માધ્યમોથી સંગઠન દૂર રહી રહ્યું છે. બીજું કારણ એ હોઈ શકે કે ભાજપનું પ્રચારતંત્ર ખૂબ જ મજબૂત છે, તેમની સામે કૉંગ્રેસ હજુ પહોંચી શકે તેમ નથી, ભાજપના પ્રચારતંત્રનો સામનો કરવા બિનપરંપરાગત માધ્યમો થકી લોકો સુધી પહોંચીને પોતાનાં કામ ગણાવવા એ જ માત્ર રસ્તો બાકી હતો. તેથી કદાચ કૉંગ્રેસે લોકો સુધી પહોંચવા અને કામ ગણાવવા સભા યોજવાના સ્થાને ડોર ટુ ડોર કૅમ્પેન પર વધુ ભાર મૂક્યો છે.”
આ સિવાય કૉંગ્રેસમાંથી હજુ સુધી મોટા નેતાઓની મોટી સભાઓનું પણ આયોજન નથી થયું. તેના સ્થાને સ્થાનિક નેતાઓ સ્થાનિક મતદારોને આકર્ષવા ‘ડોર ટુ ડોર પ્રચાર’ અને ‘ખાટલાબેઠકો’ કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે.
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય આ બદલાવને કૉંગ્રેસની ‘વિવશતા’ ગણાવે છે.
તેઓ કહે છે કે, “કૉંગ્રેસ પાસે કેન્દ્રમાં મોટા નેતા નથી, જે ચૂંટણીમાં મતદારોના માનસ પર અસર કરી શકે. જે મોટા નેતા છે એ પણ જાણે છે કે ગુજરાતમાં કૉંગ્રેસ આ ચૂંટણીમાં નથી આવવાની. તેથી દોષનો ટોપલો કોઈ લેવા માગતા નથી. તેથી ગુજરાત કૉંગ્રેસને એના હાલ પર છોડી દેવાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ સિવાય ગુજરાતમાં કૉંગેસ હંમેશાંથી તેના પ્રાદેશિક ઉમેદવારોની અસરથી જીતતી આવી છે, ના કે કેન્દ્રીય નેતાના પ્રચારથી, કૉંગ્રેસ આ વાત પણ જાણે છે. તેથી તેમણે કદાચ આ વખત વધુ ધ્યાન સ્થાનિક નેતાઓ અને કાર્યકરો થકી સંપર્ક અભિયાન ચલાવવામાં આપ્યું છે. ના કે મોટી સભાઓ યોજવામાં.”

કૉંગ્રેસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Jagdish Thakor/FB
ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની પ્રચાર નીતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, “ગુજરાતમાં કૉંગ્રેસ ત્રણ તબક્કામાં પ્રચારની કામગીરી કરી રહી હતી. પ્રથમ તબક્કો ચૂંટણી જાહેર થાય તે પહેલાંનો હતો, જેમાં અમે બૂથ મૅનેજમૅન્ટ, કાર્યકર્તાની ગોઠવણી અને બૂથ પર પ્રચાર ઉપર ધ્યાન આપ્યું હતું.”
“બીજા તબક્કામાં અમે ગુજરાત સરકારની નાકામિયાબીઓ પરથી તહોમતનામું તૈયાર કર્યું હતું, તે બાદ તેના આધારે મૅનિફેસ્ટો જાહેર કરાયો. પ્રચાર માટે ગુજરાતમાં છ યાત્રાઓ કાઢવામાં આવી. જેમાં કરોડો લોકો સાથે સંપર્ક કરાયો. નવા મતદારો અને મતદાન ન કરતા લોકોને મુખ્યત્વે ટાર્ગેટ કર્યા હતા.”
“ત્રીજા તબક્કામાં ચૂંટણીના દિવસ સુધી કરાયેલ મૅનેજમૅન્ટનો સમાવેશ થાય છે. મતદાનના દિવસે અમારા તરફથી શું તકેદારી રાખવી અને કેવું આયોજન કરવું તે પણ નક્કી છે. તે પ્રમાણે અમે કામ કરવાના છીએ.”
મોટા નેતાઓની સભાઓ અને ‘ગેરહાજરી’ અંગેના સવાલના જવાબમાં તેઓ કહે છે કે, “ગુજરાતમાં આવનારા દિવસોમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી આવી શકે છે. આ સિવાય ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત, અન્ય કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત સતત આવજા કરી રહ્યા છે, તેમજ કેટલાક તો ગુજરાતમાં જ રહીને પ્રચાર કરી રહ્યા છે. પરંતુ પ્રચાર મોટી સભાઓના સ્થાને સ્થાનિક રેલી, સભા કે બેઠકો થકી થઈ રહ્યો છે.”
હેમાંગ રાવલ એ વાતથી સંમત નથી થતા કે આ વખત ભાજપની જેમ કૉંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીમાંથી પ્રચાર માટે વધુ જોર નથી લગાવાયું.














