ગુજરાત ચૂંટણી : ભાજપ 'ચૂંટણીનો મુદ્દો ન હોવાથી' મેધા પાટકરનું નામ લઈ રહ્યો છે?

મેઘા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં ચૂંટણીપ્રચારને વેગ આપવા મેદાનમાં ઊતરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસમાં બે ચૂંટણી સભામાં રાહુલ ગાંધી તથા નર્મદા બચાવો આંદોલનનાં નેતા મેધા પાટકર પર શાબ્દિક હુમલો કર્યો.

મેધા પાટકર મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયાં હતાં. કૉંગ્રેસે રાહુલ સાથેની તેમની તસવીર ટ્વીટ કરી હતી.

આ તસવીરો પ્રકાશિત થતાંની સાથે જ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરી રહેલા નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેની સભામાં કૉંગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે “કૉંગ્રેસના નેતા એક એવી મહિલા સાથે પદયાત્રા કરતા જોવા મળ્યા છે, જેણે ત્રણ દાયકા સુધી નર્મદા ડેમ પ્રોજેક્ટ અટકાવી રાખ્યો હતો. તમે વિચારો કે નર્મદા ડૅમ ન બન્યો હોત તો આજે શું થયું હોત.”

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કૉંગ્રેસ પર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે “મેધા પાટકરને પોતાની યાત્રામાં મોખરાનું સ્થાન આપીને રાહુલ ગાંધીએ ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેની પોતાની દુશ્મની ફરી એક વખત દેખાડી છે.”

તેમણે કહ્યું હતું કે “તેઓ એવાં તત્ત્વો સાથે ઊભા છે, જેમણે ગુજરાતીઓને ત્રણ દાયકા સુધી પાણીથી વંચિત રાખ્યા હતા. ગુજરાત આ સહન નહીં કરે.”

એ પછી 21 નવેમ્બરે પણ નરેન્દ્ર મોદીએ ફરી વખત આ મુદ્દે કૉંગ્રેસને નિશાન બનાવી હતી. એ વખતે તેમણે સુરેન્દ્રનગર ખાતેની એક જનસભામાં “નર્મદા વિરોધીઓને” સજા કરવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે “લોકતંત્રમાં લોકો પદ માટે યાત્રા કરી શકે છે, પરંતુ જેમણે મા નર્મદાને ગુજરાતમાં પ્રવેશતાં રોક્યાં હતાં અને આ પ્રોજેક્ટને 40 વર્ષ સુધી અદાલતી કેસમાં અટવાયેલો રાખ્યો હતો, એવા લોકોનો હાથ પકડીને તથા તેમના ખભા પર હાથ રાખીને પદયાત્રા કરતા લોકોને ગુજરાતના લોકો સજા કરશે.”

ગ્રે લાઇન

મેધા પાટકરને મુદ્દો બનાવવાનો પ્રયાસ

નરેન્દ્ર મોદીએ રાહુલ અને મેઘા પાટકરની મુલાકાત પર પ્રહાર કર્યા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ રાહુલ અને મેઘા પાટકરની મુલાકાત પર પ્રહાર કર્યા

ચૂંટણીપ્રચાર સભામાં સતત બે દિવસ રાહુલ ગાંધી તથા મેધા પાટકરની મુલાકાત પર વડા પ્રધાનના આક્રમણથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપ હવે તેને ચૂંટણીનો એક મુદ્દો બનાવવાની કોશિશ કરી રહ્યો છે.

તેનું કારણ એ છે કે મેધા પાટકરે નર્મદા પ્રોજેક્ટથી થનારા વિસ્થાપન સામે લાંબું આંદોલન ચલાવ્યું હતું. તેથી રાહુલ ગાંધી સાથેની મેધા પાટકરની મુલાકાતે ભાજપ માટે ગુજરાતમાં કૉંગ્રેસને ઘેરવાની સારી તક પૂરી પાડી છે.

ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. ભાજપે તે વખતે 99 બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. કૉંગ્રેસ 77 બેઠકો જીતી હતી. ભાજપ માટે તે મોટો આંચકો હતો, કારણ કે 2012માં ભાજપને ગુજરાતમાં 115 બેઠકો મળી હતી.

અલબત્ત, આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(આપ)એ જોરશોરથી ઝંપલાવતાં ત્રિકોણિયા જંગ સંઘર્ષનો માહોલ બન્યો છે.

ગુજરાતની ચૂંટણી પર નજર રાખતા વિશ્લેષકો માને છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનો જનાધાર બહ નબળો પડ્યો નથી. તેથી ભાજપ માટે આપની સરખામણીએ કૉંગ્રેસ મોટો પ્રતિસ્પર્ધી પક્ષ છે.

ગ્રે લાઇન

મેધા પાટકરે શું કર્યું હતું?

સરદાર સરોવર બંધ

ઇમેજ સ્રોત, @NARENDRAMOD

ઇમેજ કૅપ્શન, સરદાર સરોવર બંધ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નરેન્દ્ર મોદી તથા ભાજપના અન્ય નેતાઓ માટે આ પ્રકારનું આક્રમણ કરવાનું આસાન બનવાનું કારણ એ છે કે નર્મદા પ્રોજેક્ટ હેઠળ આકાર પામનારા સરદાર સરોવર ડૅમના નિર્માણ વિરુદ્ધ મેધા પાટકરે લગભગ સાડા ત્રણ દાયકાથી વધુ સમય સુધી આંદોલન ચલાવ્યું હતું.

લાંબા અદાલતી લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે ડૅમ બનાવવાની મંજૂરી આપી હતી અને હવે તેના પાણી તથા વીજળીનો લાભ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશને મળી રહ્યો છે.

સરદાર સરોવર ડૅમ વડે અઢી કરોડ લોકોને પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેમાંથી 21 કરોડ હેક્ટર જમીનમાં સિંચાઈ થવાની છે અને 1450 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની છે.

બીજી તરફ ડૅમને કારણે નર્મદાના ખીણ વિસ્તારોમાં વસતા 40,000 પરિવારોના વિસ્થાપિત થવાની આશંકા છે અને 37,500 હેક્ટર જમીન ડૂબ ક્ષેત્રમાં આવી ગઈ છે. ડૅમ બનવાને લીધે બેઘર થયેલા લોકો પૈકીના મોટા ભાગના આદિવાસી તથા ખેડૂત છે.

મેધા પાટકર તથા તેમના આંદોલનને કારણે વર્લ્ડ બૅન્કે આ ડૅમ માટેનું ફંડિગ 1993માં અટકાવી દીધું હતું. વર્લ્ડ બૅન્કે આ માટે 45 લાખ ડૉલર આપવાની જાહેરાત કરી હતી.

વર્લ્ડ બૅન્કના નિર્ણયને ડૅમના વિરોધીઓએ મોટી જીત ગણ્યો હતો અને મેધા પાટકર ત્યારથી ગુજરાતમાં આ ડૅમની સમર્થક સરકારની આંખમાં ફસાયેલી કણી બની ગયાં હતાં. એમાં કૉંગ્રેસ તથા ભાજપ બન્નેની સરકારો સામેલ હતી.

ડૅમનું કામકાજ અટકી જવાથી ગુજરાતના લોકોને પીવાનું પાણી, સિંચાઈનું પાણી તથા વીજળી પૂરી પાડવાનું વચન આપનારી સરકારો માટે મતદાતાઓનો સામનો કરવાનું મુશ્કેલ બની ગયું હતું.

bbc line

મેધા પહેલેથી ભાજપના નિશાને

મેઘા

ઇમેજ સ્રોત, Getty Images

મેધા પાટકર માત્ર સરદાર સરોવર ડૅમને કારણે જ ભાજપનું નિશાન બની રહ્યાં નથી. 2002માં ગુજરાતમાં થયેલાં રમખાણ વિરુદ્ધના આંદોલનનું નેતૃત્વ પણ તેમણે કર્યું હતું. ગુજરાતમાં એ સમયે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા.

ગુજરાતનાં રમખાણ વિરુદ્ધની એક શાંતિયાત્રા દરમિયાન અમદાવાદના ગાંધી આશ્રમમાં તેમના પર હુમલો પણ થયો હતો.

2006માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે નર્મદા કન્ટ્રોલ ઑથૉરિટી સામે 51 કલાકના ધરણા કર્યા હતા, જેથી સરદાર સરોવરની ઊંચાઈમાં ઘટાડો ન કરવામાં આવે. બીજી તરફ મેધા પાટકરે ડૅમની ઊંચાઈ વધારવા સામે ધરણા કર્યાં હતાં. તેઓ પ્રોજેક્ટથી પ્રભાવિત લોકો માટે યોગ્ય વળતરની માગણી પણ કરતાં હતાં.

મેધા પાટકર વિશે પુસ્તક લખી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર અરુણ ત્રિપાઠીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે “મેધા પાટકર દેશદ્રોહી નથી એવું ખુદ સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે. તેમણે યોગ્ય વળતર માટે આંદોલન શરૂ કર્યું હતું અને તે ડૅમના વિરોધ સુધી પહોંચ્યું હતું.”

તેમણે ઉમેર્યું હતું કે “મેધાએ કરેલા આંદોલનને કારણે વિસ્થાપિતોને ઠીકઠાક વળતર મળતું થયું હતું. પ્રોજેક્ટમાં ગયેલી જમીનના બદલામાં જમીન મળી હતી. આ કોઈ મામૂલી સિદ્ધિ નથી. વિસ્થાપિતોને તેમનો હક્ક અપાવવાનું કામ ગુજરાત અને ગુજરાતીઓનો વિરોધ ન હોઈ શકે.”

તેમના જણાવ્યા મુજબ, દેશમાં મોટા ડૅમ પ્રોજેક્ટ્સથી વિસ્થાપિત થતા લોકોને વળતર તથા તેમના પુનર્વસનનો રેકૉર્ડ બહુ સારો નથી. તેથી મેધા પાટકરને કારણે વિસ્થાપિતોને બહેતર વળતર તથા તેમના પુનર્વસનની વાતનો અનેક અર્થશાસ્ત્રીઓએ પણ સ્વીકાર કર્યો છે.

હાલમાં જ અર્થશાસ્ત્રી અને કટારલેખક સ્વામીનાથન એસ અંકલેસરિયાએ બે લેખ લખીને જણાવ્યું છે કે વિસ્થાપિકોને કેટલું વળતર મળ્યું છે, તેમને કેટલી જમીન મળી છે.

જોકે તેમણે આ લેખમાં બંધનો વિરોધનો કરવા માટે મેધા પાટકરને દોષી ઠેરવ્યાં છે.

bbc line

મેધા અને આપનું કનેક્શન

નર્મદા બચાવો આંદોલન સમયે મેઘા પાટકર
ઇમેજ કૅપ્શન, નર્મદા બચાવો આંદોલન સમયે મેધા પાટકર

મેધા અને ગુજરાતની સરકારો વચ્ચે લાંબા સમયથી ટક્કર ચાલતી રહી છે. તેથી અગાઉની ચૂંટણીમાં પણ ભાજપ મેધા પાટકર વિરુદ્ધ નિવેદન કરતો રહ્યો છે.

અભિનેતા આમિર ખાને 2006માં તેમની ફના ફિલ્મની રિલીઝ પહેલાં મેધા પાટકરને ટેકો આપ્યો હતો. તેમના વિરોધમાં ગુજરાત સરકારે આ ફિલ્મનું પ્રદર્શન અટકાવી દીધું હતું.

એ વખતે મેધા પાટકરે ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરાવવા માટે દરમિયાનગીરી કરી હતી.

ભાજપના એક નેતાએ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારને કહ્યું હતું કે “નર્મદા પ્રોજેક્ટ ગુજરાત માટે સંવેદનશીલ મુદ્દો છે. મેધા પાટકરે આ યોજનાનો વિરોધ કર્યો હતો અને એ કારણે રાજ્ય સરકારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એ હકીકત છે.”

તેમણે કહ્યું હતું કે “આજે આપ જ્યારે ભાજપ પર તથ્યવિહોણા આક્ષેપ કરી રહી છે ત્યારે ભાજપ શક્ય હોય એ તમામ રીતે વળતો હુમલો કરશે. મેધા પાટકર આપની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં એ પણ હકીકત છે. ભાજપ માટે આ કૉંગ્રેસ તથા આપ પર આક્રમણની તક છે.”

2014ની લોકસભા ચૂંટણીમાં મેધા પાટકર આમ આદમી પાર્ટીની ટિકિટ પર મુંબઈ નૉર્થ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં એ વાત સાચી છે. જોકે, બાદમાં તેઓ 'આપ'થી અલગ થઈ ગયાં હતાં.

bbc line

ભાજપને આનાથી લાભ થશે?

ભાજપ

ઇમેજ સ્રોત, AFP

વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલે બીબીસીને કહ્યું હતું કે “આ મુદ્દો હવે જૂનો થઈ ગયો છે. હવે નર્મદા ડૅમ બની ગયો છે. એક જમાનામાં લોકોને મેધા પાટકર સામે રોષ હતો, પરંતુ હવે એવું નથી.”

તેમણે ઉમેર્યું હતું કે “માત્ર ભાજપે નહીં, કૉંગ્રેસે પણ નર્મદા ડૅમને આગળ ધપાવવાનું કામ કર્યું હતું એ વાત યાદ રાખવી જોઈએ. એ જમાનામાં કૉંગ્રેસના ચીમનભાઈ પટેલે પણ મેધાના આ આંદોલનને ખતમ કરવાના પ્રયાસ કર્યા હતા.”

મેધા પાટકર અને આપને જોડીને ભાજપ જે આક્રમણ કરી રહ્યો છે તેનાથી તેને કેટલો ફાયદો થશે?

દિલીપ ગોહિલે કહ્યું હતું કે “મેધા પાટકર આપ તરફથી ચૂંટણી લડ્યાં હતાં એ ઠીક છે. તેમના આ ભૂતકાળને ધ્યાનમાં રાખીને ભાજપે ગુજરાતમાં એવી વાત ફેલાવી છે કે આપ અહીં મેધાને મેદાનમાં ઉતારી શકે છે. તેથી તેમના પર વળતો હુમલો કરવામાં આવ્યો હતો. હવે રાહુલ સાથે મેધાની મુલાકાતની વાત બહાર આવી એટલે ભાજપને કૉંગ્રેસ પર હુમલો કરવાની તક પણ મળી ગઈ.”

bbc line

ભાજપ પાસે નક્કર મુદ્દા નથી?

અરુણકુમાર ત્રિપાઠીએ કહ્યું હતું કે “કોઈના વિશે એક જ પ્રકારની વાતો કહેવામાં આવે ત્યારે એવું લાગે કે તમારી પાસે નક્કર મુદ્દા નથી. કોઈને એકતરફી રીતે રાષ્ટ્રવિરોધી, ગુજરાતવિરોધી ન કહી શકાય. મેધા ગાંધીવાદી, સમાજવાદી આંદોલનની ઊપજ છે. તેમણે હિંસાનું ક્યારેય સમર્થન કર્યું નથી.”

તેમણે ઉમેર્યું હતું કે “તેમના કામનાં આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણ થયાં છે. તેમણે સત્યાગ્રહ કર્યો છે. ગુજરાતમાં પણ લોકો તેમના કામને આદર આપે છે. તેથી તેઓ ગુજરાતવિરોધી છે એવું ન કહી શકાય. એવું જરૂર કહી શકાય કે નાના-નાના મુદ્દાઓને ગુજરાતની અસ્મિતા સાથે જોડીને ચૂંટણી જીતવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”

દિલીપ ગોહિલે કહ્યું હતું કે “મેધા પાટકરના મુદ્દાથી ભાજપને ફાયદો ભલે ન થાય, પરંતુ આ મુદ્દો સમગ્ર ચૂંટણીમાં ઉછળતો રહેશે. આ ભાજપની સ્ટાઇલ છે, પરંતુ ગુજરાતની જનતા હવે પાયાના મુદ્દા ઉઠાવી રહી છે. લોકો શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દા ઉઠાવી રહ્યા છે.”

અરુણકુમાર ત્રિપાઠીએ ઉમેર્યું હતું કે “ભાજપને મેધાના મુદ્દાથી થોડો ફાયદો મળે તે શક્ય છે, કારણ કે તે શક્તિશાળી પક્ષ છે. તેને લોકમત કેળવતા આવડે છે. તેને બૂથ મૅનેજમૅન્ટ આવડે છે. ચૂંટણી કઈ રીતે જીતવી તે ભાજપ જાણે છે. ચૂંટણી એક ઇવેન્ટ બનીને આવે છે. તેમાં નર્મદાના પાણીની માફક જનમત પણ વહી જશે તો આશ્ચર્ય નહીં થાય.”

રેડ લાઇન
રેડ લાઇન