'એક તરફ બાળકોનું ભરણપોષણ, બીજી તરફ જમીન માટે લડવાનું', ગુજરાતનાં ગામોમાં આદિવાસીઓ સંઘર્ષની કહાણી

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મુખ્ય માર્ગથી આશરે ત્રણ કિલોમીટર જંગલ તરફ જતા જંગલ વચ્ચે સુમન વસાવાનું ખેતર આવે છે.
આ ખેતરમાં તેઓ ધાન્ય પાકોનું વાવેતર કરી રહ્યા છે. વર્ષોથી તેમના પૂર્વજો અહીં જમીન ખેડીને, જંગલની સાથે તાલમેલ બેસાડીને જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે.
તેમનું કહેવું છે કે આ જમીન ખેડવાની સનદ તેમને 2013માં મળી ગઈ હતી, જોકે હજી સુધી તેઓ આ જમીનના માલિક બની શક્યા નથી. તેમને બીક છે કે આવનારા સમયમાં સરકાર તેમનાં આ જંગલ-જમીન ઝૂંટવાઈ શકે છે.
સુમનભાઈની જેમ ગુજરાતના ઘણા આદિવાસીઓ જંગલની જમીન ખેડે છે. કોઈને સનદ મળી ગઈ છે, તો કોઈની સનદ મેળવવાની અરજી પૅન્ડિંગ છે.
ભારત સરકારના 2006ના ફૉરેસ્ટ રાઇટ ઍક્ટની જોગવાઈઓ આદિવાસી સમુદાયના લોકોને પૂર્વજોની જમીન પરનો કબજો તેમની પાસે જ રહે તેવો હક આપે છે.
જોકે આ કાયદાના અમલીકરણ સમયે આદિવાસી સમુદાય અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણ થયું અને મામલો ગુજરાત હાઇકોર્ટમાં ગયો.

ફૉરેસ્ટ રાઈટ ઍક્ટ શું કહે છે?

આ કાયદા હેઠળ ભારત સરકારે જંગલ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયો કે જેમની સંસ્કૃતિ અને જીવન જંગલ પર જ નિર્ભર છે તેમને જંગલની જમીન ખેડવાનો હક આપવામાં આવ્યો છે.
આ કાયદો પસાર થયા બાદ તેના અમલીકરણ સમયે નીતિ-નિયમો બનાવવાનો અધિકાર રાજ્ય સરકારને આપવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત રાજ્યમાં આ નીતિ-નિયમો વર્ષ 2007માં બન્યા હતા.
કેટલાક આદિવાસી સમુદાયના લોકો આ નિયમો સામે નારાજ હતા અને તેમણે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
આ કાયદા પ્રમાણે, દેશભરમાં 13 ડિસેમ્બર, 2005 પહેલાં જે આદિવાસી સમુદાયના લોકો જમીન ખેડતા હોય તેઓ પાવતી જેવા કોઈ પુરાવાના આધારે તે જમીનની માલિકી માટે અરજી કરી શકે છે અને સરકારે તે જમીનનો હક કાયદાની જોગવાઈ પ્રમાણે આદિવાસી સમુદાયને સોંપવાનો રહે છે. જોકે, જમીન સોંપણીની આ જોગવાઈમાં અનેક વિસંગતતા જોવા મળી હતી, જેના કારણે ગુજરાતનો આદિવાસી સમુદાય અને સરકાર વર્ષોથી સામસામે કાનૂની લડત ચલાવી રહ્યા છે.
ગુજરાતના આદિવાસી પટ્ટામાં અનેક જિલ્લાઓમાં આદિવાસી સમુદાયના લોકોની અરજીઓ સરકારમાં પૅન્ડિંગ છે.

સરકારી ફાઈલ અને જમીન પરની સ્થિતિ અલગ છે?

આ કાયદાના અમલીકરણ અને તેના લીધે આદિવાસી સમુદાયના સંઘર્ષ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીની ટીમે તાપી જિલ્લાનાં ગામડાંની મુલાકાત લીધી હતી.
ચૂંટણી સમયે આ વિસ્તારોમાં જગંલની જમીનના હકો એક મુખ્ય મુદ્દો છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પાસે અનેક ખેડૂતો આવી જ રીતે જંગલની જમીન ખેડે છે, તેમાંથી અમુક લોકોને કાયદા પ્રમાણે સનત મળી ગઈ છે, તો અમુક લોકો હજી સનત મળવાની રાહ જોઈ રહ્યા છે.
આ જમીન ખેડવા સંદર્ભે આ વિસ્તારના આદિવાસીઓ અને વનવિભાગ વચ્ચે અવારનવાર સંઘર્ષની સ્થિતિ સર્જાતી હોવાના અહેવાલો છપાતા રહે છે.

આદિવાસી સમુદાયના 19 લોકો દ્વારા કલેક્ટર ઑફિસમાં દાખલ કરવામાં આવેલી એક ફરિયાદ પ્રમાણે વનવિભાગે તેમને જમીન ખેડતા રોક્યા હતા અને તેમને માર મારવામાં આવ્યો હતો.
ત્યાર બાદ આદિવાસી સમાજના સ્થાનિક આગેવાન અને જંગલની જમીનની જેમની પાસે સનદ છે એવા દશરથભાઈ વસાવા આત્મવિલોપન કર્યું હતું.
તેમના પરિવારજનોનો આરોપ છે કે વનવિભાગની હેરાનગતિને કારણે દશરથભાઈએ આ પગલું ભર્યું હતું.

જોકે આ લખાય છે ત્યાં સુધી આ સંદર્ભે પોલીસે વનવિભાગ વિરુદ્ધ ફરિયાદ નોંધી નહોતી. દશરથભાઈના પુત્ર લક્ષ્મણ વસાવા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “આ જમીન પર અમે એક લોન લીધી હતી અને તેના હપ્તા ન ભરી શકાતા, તેમજ આ જમીન અમને ખેડવા ન દેવામાં આવતાં મારા પિતાએ આત્મહત્યા કરી હતી.”
તેઓ વધુમાં કહે છે, “હું હવે થાકી ગયો છું, એક તરફ મારે મારાં બાળકો અને પત્નીનું ભરણ પોષણ કરવાનું છે અને બીજી તરફ મારી જ જમીન મેળવવા માટે સરકાર સામે લડવાનું, હવે મારામાં તાકાત બચી નથી. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માત્ર એટલી જ અપીલ કરું છું કે અમને આદિવાસીઓને અમારા હકની જમીન આપી દો, અમારે વધારાની જમીન નથી જોઈતી. જેટલી અમારી છે એટલી જમીન અમને આપી દો સાહેબ.”

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આદિવાસી નેતા અને ખેડૂત દિનેશભાઈ વસાવા કહે છે, “હાલમાં પરિસ્થિતિ એવી છે કે અમુક ગામના લોકો જ્યારે પોતાની જ જમીન પર ખેતી કરવા જાય ત્યારે વનવિભાગના અધિકારીઓ તેમને માર મારે છે. જમીનો પર ઢોર છોડી દે છે, તેમનાં ખેતરોમાં આગ ચાંપી દે છે અને તેમનાં ઝૂંપડાં તોડી નાખે છે. આવી પરિસ્થિતિમાં આદિવાસી ખેતી કરે કે આ લોકો સામે લડે? હાઈકોર્ટના ઑર્ડરનો પણ અનાદર થઈ રહ્યો છે, પરંતુ કંઈ જ ફરક પડતો નથી.”
ગુજરાત હાઈકોર્ટના 2013ના ચુકાદામાં દશરથભાઈ અરજકર્તા હતા. એ કેસમાં દશરથભાઈ તરફથી હાઈકોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ આનંદ યાજ્ઞિક કહે છે, “છેલ્લી વખત જ્યારે દશરથભાઈ મારી પાસે આવ્યા હતા ત્યારે તેમણે વાત કરી હતી કે વનવિભાગના અધિકારીઓની હેરાનગતિ તેમનો જીવ લઈ લેશે. આખરે એમ જ થયું. ગુજરાત સરકાર અને વનવિભાગની ફાઇલોમાં બધું જ બરાબર છે, આ લોકોને તેમની જમીન સોંપાઈ ચૂકી છે, પરંતુ જમીન પરની સ્થિતિ તેનાથી વિપરીત છે.”
તેઓ ઉમેરે છે, “આ એક અલગ જ પ્રકારનું ગુજરાત મૉડલ છે, જેમાં આદિવાસીઓને પરેશાન કરવામાં આવે છે.”
આ ઘટના સંદર્ભ બીબીસીએ તાપીના એસપી રાહુલ પટેલ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, “દશરથભાઈએ આત્મહત્યા કરી એ બાબતને જમીન અને વનખાતાના અધિકારીઓ સાથે કોઈ સંબંધ નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે ઘરકંકાસના કારણે આત્મહત્યા કરી છે, જોકે તેમના દીકરાએ પોતાના જવાબમાં જણાવ્યું છે કે વનખાતાના અધિકારીઓ આના માટે જવાબદાર છે એટલે અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ. જો પુરાવા મળશે તો એ પ્રમાણે તપાસ આગળ વધારીશું.”
વનવિભાગ તાપીના તત્કાલીન ઇન્ચાર્જ ડીસીએફઓ અરુણકુમારે આ અંગે સ્પષ્ટતા કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે "આ અંગે અમે સંપૂર્ણ તપાસ કરીને રિપોર્ટ સબમિટ કર્યો હતો. આમાં કોઈ મારામારી જેવું થયું નહોતું."
"તેઓ ગેરકાયદે જમીનનું ખેડાણ કરવા આવ્યા હતા અને અમારા સ્ટાફે તેમને રોક્યા હતા. કોઈ સંઘર્ષ પણ નહોતું થયું. અમે આદિવાસી સમાજ સાથે સંકલન કરીને કામ કરીએ છીએ."
તેમણે એમ પણ કહ્યું કે જંગલ-સંરક્ષણમાં આદિવાસી સમાજ પણ સહયોગ આપે છે.














