'ગામ છોડીને બીજે જતા રહેવાનું મન થાય છે', PM મોદીના વિકાસના દાવા સાથે આ મહિલાઓ સહમત કેમ નથી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વેરાવળમાં સભાને સંબોધતાં વિકાસના કેટકેટલાય દાવા કર્યા હતા, અને સોમવારે વડા પ્રધાને સુરેન્દ્રનગરના દૂઘરેજમાં ચૂંટણીની જાહેરસભા સંબોધી. વડા પ્રધાને પોતાના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળથી હાલની ભારતીય જનતા પક્ષની સરકારમાં સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કરેલા વિકાસના દાવા સાથે એ વિસ્તારની મહિલાઓ સહમત નથી.
ચોટીલા તાલુકાના રાજપરા ગામના લોકો કહે છે કે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા મુજબ વિકાસ થયો નથી, અહીં મહિલાઓ પીવાનું પાણી ભરવા માટે આજે પણ કેટલાય કિલોમીટર સુધી ચાલીને જાય છે.
રાજપરા ગામના લોકો કહે છે કે “હાઈવે પર આવેલા કેટલાંક ગામડાઓનો વિકાસ થયો હશે પણ સુરેન્દ્રનગર જિલ્લાના અમારા ગામ જેવાં ગામો હજી વિકાસથી વંચિત છે.”
તેમનું કહેવું છે કે, હજુ પણ જીવનજરૂરી પાયાની સુવિધાઓનો અભાવ છે.
તેમનું કહેવું છે કે, ‘નલ સે જલ’ જેવી યોજનાઓ તો બની, નળ પણ આવ્યા, પણ હજી સુધી નળમાં પાણી નથી આવ્યું, પાણી હજુ પણ આ વિસ્તારમાં રોજની સમસ્યા છે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગીર-સોમનાથ જિલ્લાના લોકોને મતદાન મથક પર સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની અપીલ કરી હતી. પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી વેરાવળમાં એક રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને મતદાનના અગાઉના તમામ રેકૉર્ડ તોડવાની વિનંતી કરી હતી.
નરેન્દ્ર મોદીએ વેરાવળમાં સભાને સંબોધતા કહ્યું હતું કે, “મારી માતા-બહેનોને ત્રણથી પાંચ કિલોમીટર બેડાં લઈને પાણી ભરવા જવું પડતું હતું, ત્યાં આ માતાઓ અને બહેનોને આપણે બેડાંમાંથી મુક્તિ અપાવી દીધી છે.”
તેમણે કહ્યું હતું કે, “માતા-બહેનોના માથાનાં બેડાં ઊતારવાનું કામ આ દીકરાએ માથે લીધું છે અને હવે દરેક ઘરમાં નળથી જળની યોજના કાર્યરત્ કરાઈ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'ગામમાં આઠથી દસ દિવસે પાણી આવે છે'

જોકે, રાજપરા ગામમાં છેલ્લાં છ વર્ષથી રહેતાં અનારતીબહેનના માથેથી બેડાંનો ભાર હજી ઓછો નથી થયો. તેમના ઘરે નળ છે, પણ એ નળમાં જળ નથી આવતું એટલે તેમણે પાણી ભરવા માટે નદીના પટમાંથી વીરડા ગાળવા પડે છે.
અનારતીબહેન કહે છે, “હું આ ગામમાં આવી એને 6 વર્ષ થઈ ગયાં, પણ હજુ સુધી કંઈ જ બદલાયું નથી. એવીને એવી જ પરિસ્થિતિ ગામમાં જોવા મળે છે. ઉનાળામાં પાણીની તંગી એટલી પડે છે કે એવું થાય કે ગામ છોડીને બીજે ક્યાંક રહેવા જતાં રહીએ.”
તેમણે વધુમાં કહ્યું, "નદીમાં પાણી છે, ત્યાં સુધી તેના પર જીવન ગુજારીશું, પછી નદીમાં પાણી પણ જોવા નહીં મળે. નદીમાં વીરડા ખોદીને વાટકાથી પાણી ભરીએ છીએ. ગામમાં નળ તો નંખાયા છે, પણ એમાં એક જ દિવસ પાણી આવ્યું, હવે બીજી વાર ક્યારે આવે એની રાહ જોઈએ છીએ. ઉપરથી પાણી આવે ત્યારે અમને નળમાં પાણી મળેને.”
તેમની વાતનો પડઘો પાડતાં ગામના અન્ય એક મહિલા હંસાબહેને કહ્યું કે, “આઠથી દસ દિવસે પાણી આવે છે, એ પણ બહાર ભરવા જવું પડે છે. ઘરમાં પાણી આવતું જ નથી, ગામમાં ઘણાં વર્ષોથી આવી સમસ્યા ચાલે છે.”

નરેન્દ્ર મોદીએ કેવા દાવા કર્યા?

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેરાવળ ખાતેની સભામાં એવો પણ દાવો કર્યો હતો કે, તેમની ડબલ એન્જિનની સરકારે ગુજરાતની મહિલાઓને ચુલામાંથી મુક્તિ અપાવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચુલા પર જમવાનું બનાવતી મહિલાના શરીરમાં એક દિવસમાં 400 સીગારેટ જેટલો ધુમાડો જાય છે. ધુમાડાના ગોટા વચ્ચે માતા રોટલા બનાવીને બાળકોને જમાડે છે. આ માતા-બહેનોની ચિંતા અમે કરી છે.
આખા દેશમાં ગરીબમાં ગરીબ માતા બહેનને મફતમાં ગૅસના કનેક્શન આપ્યા અને એમને મુસીબતમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે.”

'ગૅસના બોટલની લાલચ આપીને ભાવ વધારી દીધો'

જોકે અનારતીબહેને ગૅસ સસ્તા બાટલાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને એક લાલચ ગણાવી. તેમણે કહ્યું હતું કે, “અમને ગૅસના બાટલાની લાલચ આપી કે 400 રૂપિયામાં બાટલો ભરાઈ જાય, એટલે અમે ગૅસના બાટલો લીધા."
"હવે જ્યારે ગૅસના બાટલાની આદત પડી ગઈ તો ગૅસના ભાવ સીધા 1100 રૂપિયા થઈ ગયા છે અને જવા-આવવાનો ખર્ચ અલગ થઈ જાય છે. અમે મજૂરી કરીને માંડ રહીએ છે, ત્યારે ગૅસનો બાટલો કેવી રીતે ભરાવીએ?”
ગામમાં રસ્તા પણ બિસમાર હાલતમાં છે

ચોટીલા તાલુકાનું સૌથી મોટું ગામ રાજપરા છે, પરંતુ અહીં પહોંચવા માટેનો રસ્તો પણ ખૂબ જ બિસમાર હાલતમાં છે, એવી ગામના લોકોની ફરિયાદ છે.
સ્થાનિક અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, “હું સતત ચોટીલાના ગામડામાં દરેક જગ્યાએ ફાઈનાન્સની વિઝિટ કરવા માટે જવું છું. હું ચોટીલામાં રેશમિયાથી રાજપરા ગામમાં વિઝિટ કરવા આવ્યો હતો, ત્યારે વિઝિટ કરવા દરમિયાનનો રસ્તો 10 કિલોમીટરના અંતરમાં ઘણો ખરાબ છે. રસ્તાના કારણે ગામલોકોની હાલત ઘણી ખરાબ છે. તેમ છતાં કોઈ ધ્યાન આપતું નથી.”
સ્થાનિક દેવકરણભાઈએ જણાવ્યું હતું કે, “એકપણ રસ્તો સારો નથી. પાંચ વર્ષમાં એક રોડ સારો રહ્યો નથી. રાજપરા ગામમાં દવાખાનું બનાવવામાં આવ્યું છે પણ ડૉક્ટર નથી. ડૉક્ટર હોય ત્યાં દવા નથી.”

શાળામાં ઓરડા અને શિક્ષકોની પણ અછત છે

સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે કે, સરકારે સ્વાસ્થ્ય કે શિક્ષણ ક્ષેત્રે રાજપરા ગામમાં કોઈ વિકાસ કર્યો નથી. અહીંની શાળામાં ઓરડા અને શિક્ષકોની પણ અછત છે.
સ્થાનિક રણછોડભાઈએ જણાવ્યું હતું કે, “ગામમાં 8 ધોરણની શાળા છે, પણ બે જ રૂમ છે અને એક શિક્ષકનો બેઠક રૂમ છે. એક રૂમમાં તો બધા બાળકો સમાય નહીં. આ પાંચ વર્ષથી શાળામાં પાંચ-છ રૂમ ઊભા કરાયા છે, અત્યારસુધી કંઈ જ કર્યું નથી.”
અનારતીબહેને જણાવ્યું હતું કે, “ગામમાં એક મકાન સારું જોવા મળતું નથી. ગામમાં સ્કુલ અને હૉસ્પિટલમાં વિકાસ થયો નથી. ગામમાં કંઈ જ રહેવાલાયક નથી, પણ હવે ગામમાં આવ્યા છીએ તો રહેવું જ પડશે, કોઈ રસ્તો નથી. હાઈવે પર આવેલા ગામોમાં વિકાસ થયો છે, પણ અંદરના એક પણ ગામમાં વિકાસ થયો જ નથી.















