ગુજરાત ચૂંટણી : નવ કારણો જેને લીધે ભાજપ પક્ષમાં થતાં અસંતોષના ભડકાને ઠારી દે છે

પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જાહેર થઈ ચૂકેલી ઉમેદવારોની યાદીમાં જેમના નામ આવ્યા છે, તેઓ પ્રચારમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે, અને સંખ્યાબંધ નેતાઓ એવા છે, જેમના સમર્થકો સાથે પક્ષોના કાર્યાલયો પર જઈ વિરોધ અને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.

ટિકિટની વહેંચણી માટે કૉંગ્રેસ સામે થતો વિરોધ સમયાતંરે જોવા મળતો રહ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના કાર્યલય 'શ્રીકમલમ'માં ટિકિટવાંચ્છુ ઉમેદવારોના ટેકેદારોએ હોબાળો મચાવ્યો હોય તેવી ઘટનાઓ પહેલી વખત જોવા મળી રહી છે.

સામાન્ય રીતે શિસ્તબદ્ધ અને કેડર બેઝ્ડ પાર્ટી કહેવાતા ભાજપમાં એવું નથી કે ક્યારેય કાર્યકર્તાઓનો અસંતોષ તીવ્રતાથી સપાટી પર ન આવ્યો હોય કે પછી પક્ષમાં બળવો ન થયો હોય.

આ ચૂંટણીમાં પણ નાંદોદ (એસટી) બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને અન્ય સંખ્યાબંધ નેતાઓએ પક્ષ દ્વારા તેમને ટિકિટ ન આપવાને કારણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરીને ઉમેદવારી ફોર્મ ભર્યાં છે.

જોકે, ભાજપે એ દરેક સ્થિતિને પહોંચી વળીને પક્ષની મજબૂતી અને સામાન્ય જનતામાં તેની પ્રભાવશાળી છબી જાળવી રાખી છે. રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો પક્ષમાં થતા આંતરિક અસંતોષના ભડકાને ડામી દેવાની ભાજપની કુનેહ પાછળ નવ કારણો જણાવે છે.

ગ્રે લાઇન
નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, ani

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ઉમેદવારોને ટિકિટ અપાવવાની શરૂઆત પણ થઈ છે, એવા સમયે ભાજપમાં પણ નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

આમ તો દરેક રાજકીય પક્ષોમાં નેતાઓ કે કાર્યકર્તાઓમાં અસંતોષ, વિખવાદ, રોષ, જૂથબંધી સમયાંતરે સામે આવતી હોય છે. ઘણી વાર અસંતોષ પરાકાષ્ટાએ પહોંચે ત્યારે પાર્ટીમાં બળવો પણ થાય છે. ખાસ ચૂંટણી ટાણે તેની અસર દેખાય છે.

જોકે જાણકારો માને છે કે ભલે આ બધા વિવાદો અને વિખવાદો તમામ પાર્ટીઓમાં જોવા મળે, પરંતુ અન્ય પાર્ટીઓની સરખામણીએ ભાજપ તેને સરળતાથી હલ કરી શકે છે.

જાણકારો એમ પણ કહે છે કે તેનું કારણ ભાજપ એક કૅડર બેઝ્ડ પાર્ટી છે.

ગુજરાતમાં ભાજપ છેલ્લાં 27 વર્ષથી સત્તામાં છે અને 1995થી તેને વિધાનસભાની ચૂંટણીમાં કોઈ હરાવી શક્યું નથી. એવું નથી કે ભાજપમાં બળવાઓ નથી થયા કે અસંતોષ નથી જોવા મળ્યો.

શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, ગોરધન ઝડફિયા- ભાજપના અસંતુષ્ટ નેતાઓની યાદી ઘણી લાંબી થાય તેમ છે.

છતાં ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ સરકારના સમયગાળાને બાદ કરીએ તો ગુજરાતમાં 24 વર્ષથી ભાજપ અડીખમ છે. ભાજપ અને સંઘની વિચારધારા સાથે સંકળાયેલા નેતાઓ આની પાછળ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા પર કાર્યકર્તાઓની સંઘ અને ભાજપ પ્રત્યેની વિચારધારાનો વિજય ગણાવે છે.

ગુજરાતના રાજકારણ પર વર્ષોથી જેમની નજર છે તેવા રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ શા માટે બળવાઓ વિખવાદોને શાંત કરી શકવાની ક્ષમતા ધરાવે છે, તેની પાછળનાં નવ કારણ છે.

બીબીસી

ભાજપમાં ક્યારે-ક્યારે થયો હતો બળવો

લાલકૃષ્ણ અડવાણી સાથે કેશુભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1995માં ભાજપે 121 બેઠક સાથે સત્તા મેળવી હતી. કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી બનાવાયા. પણ ગુજરાત ભાજપના ત્રણ નેતા- શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી વચ્ચે ખટપટ અને વિખવાદો વધ્યાં.

27 સપ્ટેમ્બર, 1995માં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને વાસણમાં પોતાના ફાર્મહાઉસમાં 55 ધારાસભ્યોને ભેગા કર્યા. કેટલાક પરત ફર્યા. પરંતુ ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાએ આ 48 બળવાખોર ધારાસભ્યને ખજૂરાહો મોકલ્યા. તત્કાલીન ભાજપ નેતા અટલબિહારી વાજપેયીની સમજાવટ બાદ કેશુભાઈને હટાવીને સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવ્યા. પરંતુ શંકરસિંહે ફરી બળવો કર્યો.

48 ધારાસભ્યો સાથે શંકરસિંહે કૉંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી. પણ તેઓ ઑક્ટોબર 1997 સુધી જ સત્તા પર રહી શક્યા. પછી દિલીપ પરીખ મુખ્ય મંત્રી બન્યા પરંતુ તેમની સરકાર પણ પડી ભાંગી. બાદ રાજપાએ ચૂંટણી લડી પરંતુ તેમને માત્ર ચાર બેઠક જ મળી અને રાજપાનું કૉંગ્રેસમાં વિલીનીકરણ થઈ ગયું.

2001માં કેશુભાઈ પટેલની સરકાર સામે સંકટ ઊભું થયું. પેટાચૂંટણીમાં ભાજપની હાર થઈ અને કેશુભાઈ પટેલને હટાવવાનું અભિયાન શરૂ થયું. તે વખતે કાશીરામ રાણાને મુખ્ય મંત્રી બનાવવાની વાત ચાલી. પરંતુ લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવવાના પક્ષમાં હતા. જ્યારે ભાજપના મોવડીમંડળે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી ત્યારે પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા નારાજ થઈ ગયા હતા.

તમને આ વાંચવું પણ ગમશે
શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

આખરે સમજાવટ બાદ મોદી મુખ્ય મંત્રી બન્યા. પણ મોદીને મુખ્ય મંત્રી બનાવવાના કારણે કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા અને સુરેશ મહેતામાં અસંતોષ વધતો ગયો.

2002ની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા અને તેઓ એલિસબ્રિજ બેઠકથી વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હતા. પણ એલિસબ્રિજના ધારાસભ્ય હરેન પંડ્યાએ બેઠક ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો. ભાજપે આખરે મોદીને મણીનગરથી ટિકિટ આપી અને હરેન પંડ્યાની ટિકિટ કાપી નાખવામાં આવી.

2002ની ચૂંટણીમાં ભાજપને 127 બેઠકો મળી હતી. પરંતુ મંત્રીમંડળ બનાવવામાં આવ્યું ત્યારે ભાજપના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયાનું નામ નહોતું. 2002માં રમખાણો થયાં ત્યારે ગોરધન ઝડફિયા નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહરાજ્યમંત્રી હતા. ગોરધન ઝડફિયા તે વખતે વિશ્વ હિંદુ પરિષદના દિગ્ગજ નેતા પ્રવીણ તોગડિયાના ખાસ હતા.

નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા ત્યારથી સરકારની કાર્યપદ્ધતિ સામે ભાજપના અસંતોષી નેતાઓનો રોષ વધતો જતો હતો. 2005માં કેશુભાઈ પટેલ અમેરિકાના પ્રવાસ બાદ પરત ફર્યા ત્યારે તેમનાં પત્ની લીલાબાનું ઑપરેશન કરાવ્યું હતું.

તે સમયે ખબર પૂછવાના બહાને ભાજપના 50થી વધુ અસંતોષી નેતાઓએ કેશુભાઈના ગાંધીનગરસ્થિત નિવાસસ્થાને મોદીવિરોધી સંમેલન કર્યું હતું.

બીબીસી

નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ બળવો

અટલ બિહારી વાજપેયી સાથે કેશુભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અટલ બિહારી વાજપેયી સાથે કેશુભાઈ પટેલ

ભાજપ નેતા પરસોત્તમ સોલંકીએ એ સમયે મોદી સામે આકરો નિવેદનો કર્યાં હતાં. જોકે પરસોત્તમ સોલંકી ભાજપ છોડીને ન ગયા. તે વેળા કાશીરામ રાણાએ નિવેદન આપ્યું હતું કે પક્ષના નેતાઓની લાગણી અમે હાઇકમાન્ડ સુધી પહોંચાડીશું.

2004માં થયેલી લોકસભાની ચૂંટણીમાં વાજપેયી સરકારની હાર થઈ. ગુજરાતમાં પણ ભાજપને ધારવા કરતા ઓછી બેઠકો મળી અને તેને કારણે નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું.

તે વખતે 2002માં પડતા મુકાયેલા ગોરધન ઝડફિયાનું નામ પણ હતું. પણ શપથવિધિ સમારોહમાં જ્યારે તેમના નામની જાહેરાત થઈ તે વખતે ખુલ્લા મંચ પરથી ગોરધન ઝડફિયાએ મંત્રી બનવાની ના પાડીને મોદી સામે ખુલ્લેઆમ બળવો કર્યો. ત્યાર બાદ તેમણે પોતાની પાર્ટી મહાગુજરાત જનતા પાર્ટી બનાવી.

2007માં ધીરુ ગજેરા, કાશીરામ રાણા, સુરેશ મહેતા, તત્કાલીન કૃષિમંત્રી બેચર ભાદાણી, વલ્લભ કથીરિયા, ગોરધન ઝડફિયા, બાવકુ ઉંધાડ, સિદ્ધાર્થ પરમાર, રમિલા દેસાઈ, બાલુ તંતી જેવા નેતાઓએ મોદી સામે બળવો કર્યો. જોકે મહાગુજરાત જનતા પાર્ટીનો એક પણ ઉમેદવાર વિધાનસભામાં ચૂંટાયો નહીં.

કેશુભાઈ પટેલે 2012માં ભાજપમાંથી રાજીનામું આપ્યું અને નવી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી. ગોરધન ઝડફિયાની મહાગુજરાત જનતા પાર્ટીનું તેમાં વિલીનીકરણ થઈ ગયું. જોકે ગુજરાત પરિવર્તન પાર્ટીના માત્ર બે જ ધારાસભ્યો ચૂંટાયા. વીસાવદરથી કેશુભાઈ પટેલ પોતે અને ધારીથી નલિન કોટડિયા.

2014માં કેશુભાઈ ફરી ભાજપમાં જોડાઈ ગયા, ગોરધન ઝડફિયા પણ ભાજપમાં જોડાઈ ગયા. ઉપરાંત ભાજપ છોડીને ગયેલા ઘણા નેતાઓ ભાજપમાં ફરી જોડાઈ ગયા.

પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પણ મોદીથી નારાજ હતા. જોકે તેમણે પાર્ટી નહીં છોડી પરંતુ સક્રિય રાજકારણ જ છોડી દીધું. સંઘના નજીકના મનાતા ભાજપ નેતા સંજય જોષીના નરેન્દ્ર મોદી સાથેના સંબંધો પણ બગડ્યા. કથિત સીડીકાંડ થયા બાદ સંજય જોષી રાજકારણથી દૂર થઈ ગયા. જોકે બાદમાં તેમણે પણ ભાજપની નેતાગીરી સાથે સમાધાન કરી લીધું એવું કહેવાય છે.

તમને આ પણ વાંચવું ગમશે
બીબીસી

નીતિન પટેલ નહીં વિજય રૂપાણી મુખ્ય મંત્રી બન્યા

વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, ANI

2014માં મોદી વડા પ્રધાન બન્યા અને ગુજરાતમાં આનંદીબહેન પટેલને મુખ્ય મંત્રી બનાવાયાં. પરંતુ પાટીદાર આંદોલનને કારણે આનંદીબહેન પટેલની ખુરશી ગઈ એવું માનવામાં આવે છે. એ સમયે મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલનું નામ રેસમાં સૌથી આગળ હોવા છતાં રૂપાણીને મુખ્ય મંત્રી બનાવી દેવાયા. "નારાજ" નીતિન પટેલને નાયબ મુખ્ય મંત્રી બનાવાયા અને તેઓ પક્ષને વફાદાર રહ્યા.

2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ભાજપ જીત્યો ખરો પણ બેઠકો અને વોટ શેરમાં ભયંકર ઘટાડો થયો. ફરી વિજય રૂપાણી મુખ્ય મંત્રી બન્યા અને નીતિન પટેલને માત્ર મંત્રી બનાવાયા. જોકે બાદમાં તેમને નાયબ મુખ્ય મંત્રી બનાવાયા અને તેમનો રોષ ઠંડો પડ્યો.

સમય જતાં ભાજપે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું અને વિજય રૂપાણીને બદલીને ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવ્યા. અંદરખાને નારાજગી તો હતી પણ પરંતુ તે બળવામાં તબદિલ ન થઈ.

અમદાવાદ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ ભણાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર સાર્થક બાગચી કહે છે કે, "ભાજપમાં ભલે સંઘના સંસ્કારો રોપાયેલા હોય પરંતુ સમય જતા તેમાં ઘણાં જૂથો પણ પેદા થયાં છે. ઉપરાંત પક્ષમાં બહારના લોકોએ પણ પ્રવેશ મેળવ્યો છે. એટલે તેની સાથે નેતાઓમાં અસંતોષ, જૂથવાદ, સત્તાની લાલસા, મહત્ત્વાકાંક્ષા વધે એ સ્વાભાવિક છે. કારણ કે વિચારધારાથી આકર્ષણ એ અલગ છે અને વિચારધારાથી પ્રતિબદ્ધ થવું એ અલગ છે."

શિરીષ કાશીકર પણ કહે છે કે ભલે કૉંગ્રેસમાંથી ઘણા લોકો ભાજપમાં આવ્યા છે પણ ભાજપ એ સંકેત તો આપે જ છે કે ભલે તમે અત્યાર સુધી વિરોધી રહ્યા, પણ હવે તેમણે ભાજપની વિચારધારા અપનાવવી જ પડશે.

જોકે પ્રોફેસર સાર્થક બાગચી કહે છે કે, "સમય જતા ભાજપને પણ વિચારધારાની પ્રતિબદ્ધતા મામલે પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવશે, કારણ કે ભાજપમાં ઘણા કૉંગ્રેસના નેતાઓ આવી ગયા છે. તેમને બધાને હોદ્દા આપીને ખુશ કરવા મુશ્કેલ બનશે."

બીબીસી

ભાજપ આંતરિક વિખવાદને કઈ રીતે ડામી દે છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

સત્તામાં ભાગીદારી- રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ કહે છે કે, "સત્તા હોવાના કારણે અસંતોષી નેતાને અન્ય પદ પર ગોઠવવાની તકો ઉજળી હોય છે." જોકે રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર કહે છે કે, "જો અન્યાય થયો એવું લાગે તો ભાજપ પાસે તેમના લોકોને સાચવવાના તરીકાઓ પણ છે અને તે સાચવી લે છે તેવાં ઉદાહરણો પણ છે."

અમને ફરક નથી પડતો તેવું વલણ- શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ બળવો કર્યો છતાં ભાજપને 24 વર્ષથી સત્તાથી દૂર કરી શકાયો નથી. શિરીષ કાશીકર કહે છે કે, "કોઈ નેતા પાર્ટીની વિચારધારાથી અલગ થાય તો પછી પાર્ટી તેમના માટે વિચારવાનું બંધ કરે છે. ભૂતકાળનાં ઉદાહરણો છે કે જેમણે ભાજપ છોડ્યો હતો તેઓ તડકે મુકાઈ ગયા હતા. તે પૈકીના ઘણા લોકો ભાજપમાં મોઢામાં તરણું લઈને પરત ફર્યા છે."

બળવાખોરો કશું બગાડી નહીં શકે તેવો વિશ્વાસ- ભૂતકાળના અનુભવ પરથી ભાજપને આત્મવિશ્વાસ છે કે જો તેઓ વિરોધી પાર્ટીમાં જશે તો ત્યાં વિખવાદ વધશે અને તેમની વિચારધારાને નહીં અપનાવી શકે. હરિ દેસાઈ કહે છે કે, "શંકરસિંહ વાઘેલાનું શું થયું તે બધાને ખબર છે. ભાજપથી અલગ થઈને તેમના બનાવેલા પક્ષ રાજપાને માત્ર ચાર બેઠક મળી હતી. કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયાએ ભાજપમાં પાછા ફરવું પડ્યું. આથી ભાજપના નેતાઓ હવે બળવો કરતા સો વખત વિચાર કરે છે."

પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પર ભરોસો- ભાજપને તેમના નિષ્ઠાવાન મનાતા કાર્યકર્તાઓ અને સંઘ પર સંપૂર્ણ ભરોસો છે તેવું માનવામાં આવે છે. શિરીષ કાશીકર કહે છે કે, "ઘણા નેતાઓ સંઘના બૅકગ્રાઉન્ડથી આવે છે, એટલે તેમનામાં શિસ્ત, અનુશાસન, સંયમ, સંસ્કાર અને જવાબદારી જેવા ગુણો રોપાયેલા હોય છે. જોકે એવું જરૂરી નથી કે ભાજપમાં સંઘના નિયમો લાગુ જ પડતા હોય, પણ છતાં તેમની વિચારધારા સ્પષ્ટ હોવાને કારણે ફરક તો પડે છે."

વિરોધીઓ સામેની રણનીતિ- ભાજપ ચોક્કસ રણનીતિ સાથે કામ કરે છે અને વિરોધીઓને પોતાની પડખે કરી લે છે. છેલ્લા દાયકામાં ઘણા કૉંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. હરિ દેસાઈ કહે છે કે, "જે અમારા નથી તેમનું કામ ન થવું જોઈએ એ પ્રકારનું વલણ અને તેમને માટે ઊભી થતી પરેશાની પણ એક પરિબળ છે." જોકે શિરીષ કાશીકર કહે છે કે, "થોડા સમય પહેલાં શંકરસિંહ વાઘેલાના ઘરે દરોડા પડ્યા હતા, પણ તેઓ ક્યાં ભાજપમાં જોડાયા. એટલે આ પ્રકારનો ડર કયા પ્રકારના નેતા છે અને તે કેટલા સક્ષમ છે તેના પર આધારિત છે. આ તો તડ-જોડની રાજનીતિ છે."

તમને આ વાંચવું પણ ગમશે
પરસોત્તમ સોંલકી

ઇમેજ સ્રોત, PARSHOTTAMSOLANKI/FB

સત્તાનો ખોફ- હરિ દેસાઈ કહે છે કે, "વિરોધી હોય તો તમે આરોપો લગાવો છો, પરંતુ જો તે જ નેતા ભાજપમાં જોડાઈ જાય તો તે તેમને માટે ચોખ્ખો-ચણક થઈ જાય છે. તેમની સામે સામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવાય છે." જોકે ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે આ આરોપોનું ખંડન કરતા કહે છે કે, "આવો કોઈ પ્રયાસ પક્ષ દ્વારા થતો નથી. કોઈ નારાજ થાય તો તેમને મોવડીમંડળ સમજાવી લે છે. પાર્ટી માટે મહત્ત્વાકાંક્ષા અને સ્વ-ઇચ્છા કરતાં પાર્ટીનું હિત વધારે મહત્ત્વનું છે. ભાજપમાં વ્યક્તિ હોદ્દા પર માત્ર જવાબદારી અને ફરજની વ્યવસ્થાના ભાગરૂપે હોય છે."

શાંત રહેવાની ક્ષમતા- કેટલાક નેતાઓ ભલે પોતાને અન્યાય થયાનું અનુભવતા હોય છતાં પાર્ટીની વિચારધારાને વરેલા હોઈ પાર્ટી માટે કામ કરતા રહે છે. આવા નેતા અથવા કાર્યકર્તાઓ અન્ય પક્ષ કરતાં ભાજપમાં વધુ છે. હરિ દેસાઈ કહે છે કે, "શાંત બેસો તો આવનારા દિવસોમાં કદાચ કોઈ નાનો-મોટો હોદ્દો મળી જાય તેવી ધારણા હોવાને કારણે પણ કેટલાક નેતાઓ અન્યાય થયો હોવા છતાં કંઈ બોલતા નથી." શિરીષ કાશીકર કહે છે કે, "ભાજપ કેડર બેઝ્ડ પાર્ટી હોવાનો આ મોટો ફાયદો છે."

ધંધા-રોજગારની ચિંતા- હરિ દેસાઈ કહે છે કે, "સત્તાની સાથે રહેવાના ફાયદા ઘણા છે. કેટલાક માટે હોદ્દાની લાલચ કરતાં ધંધો અને વકરો વધુ ફાયદાકારક લાગે છે. રાજકારણ તેમને માટે લાભકારણ લાગતું હોય ત્યાં સુધી પક્ષમાં હોદ્દા કે સત્તા વગર પણ કેટલાક લોકો કામ કરતા રહે છે."

નવી નેતાગીરીને પ્રોત્સાહન- ભાજપ નવી નેતાગીરીને પ્રોત્સાહન આપે છે અથવા તો વિરોધી પાર્ટીમાંથી કેટલાક નેતાઓ પોતાના પક્ષમાં લઈ લે છે. આ નીતિને કારણે પક્ષમાં નેતાઓ અને કાર્યકર્તાઓની ફોજ ઘટતી નથી. શિરીષ કાશીકર કહે છે કે, "વિજય રૂપાણીને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર રાજીનામું ધરી દીધું. ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવાયા. આખું પ્રધાનમંડળ બદલાઈ ગયું. જે અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓને સંકેત આપે છે કે તેમનો ગ્રોથ ચાલુ રહેશે."

બીબીસી

શું કહે છે ભાજપ, કૉંગ્રેસ અને સંઘ?

ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસનું કહેવું છે કે ભાજપ તેના વિખવાદ અને અસંતોષને એટલા માટે ખાળી શકે છે કે તેમની પાસે સત્તા પણ છે અને તમામ પ્રકારના સ્રોત પણ.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા બાબુભાઈ માંગુકિયાનો આરોપ છે કે "ભાજપ સત્તાની લાલચ આપે છે અને અમારા નેતાઓને તોડે છે."

"તેમની પાસે સત્તા છે એટલે તેઓ તેમના (કૉંગ્રેસ) અસંતુષ્ટ નેતાઓને નિગમ કે બોર્ડમાં નિયુક્ત કરીને મનાવી લે છે. જ્યારે અમારી પાસે સત્તા નથી એટલે અમે અમારા અસંતુષ્ટ નેતાઓને સાચવી શકતા નથી. ઉપરાંત તેઓ હેરાન કરવાની ધમકી આપે છે, જેને કારણે ભાજપમાં બધું સચવાઈ જાય છે."

જોકે ભાજપ આ તમામ પ્રકારના આરોપોનું ખંડન કરે છે. ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે, "ભાજપ એ કોઈ કૉંગ્રેસ કે આપ જેવી પાર્ટી નથી જે પક્ષને જીતાડવા માટે તેમના જેવા પ્રયાસો કરે. કોઈ નેતાને પદ કે હોદ્દો ન મળે તો ક્ષણિક આવેગ આવે સ્વાભાવિક છે. પણ ભાજપમાં દાયિત્વ કરતાં કર્તવ્ય મહત્ત્વનું છે. વ્યક્તિ કરતાં પક્ષ મહત્ત્વનો છે. પક્ષની જીત મહત્ત્વની હોય છે."

સંઘના પ્રવક્તા પ્રદીપ જૈન કહે છે કે, "બધું મૅનેજ થાય છે તેવું કહેવું યોગ્ય નથી. સંઘના સંસ્કાર અગત્યનું કામ કરે છે, નેતા હોય કે કાર્યકર્તા- તેઓ સ્પષ્ટ વિચારધારા સાથે કામ કરે છે."

"જો કોઈ નારાજ થાય તો તેને સમજાવવા માટે સંઘમાં પારિવારિક વ્યવસ્થા છે. સંઘમાં તમામ કાર્યકર્તાઓને પદ વગર અને પદ સાથે જવાબદારીનું વહન કઈ રીતે કરવું તેના સંસ્કાર ગળથૂથીમાં આપવામાં આવે છે. ઘણા નેતાઓ છે જેઓ વર્ષોથી કોઈ પણ હોદ્દા વગર ચૂપચાપ પોતાને સોંપેલી જવાબદારી નિભાવે જાય છે."

જાણકાર એ પણ કહે છે કે ભાજપની રણનીતિ, યોગ્ય વ્યક્તિઓને જવાબદારીઓને વહેંચવાની નીતિ, મુદ્દાઓ, પોતાની શક્તિ પ્રમાણે લડવાની શૈલી, કુનેહપૂર્વકનું આયોજન, ચૂંટણીનું વ્યવસ્થાપન, પેજ પ્રમુખ અને બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓને યોગ્ય તાલીમ જેવી બાબતો પણ ભાજપને આવા વિખવાદોની અસર ખાળવામાં મદદરૂપ બને છે.

સૌથી મહત્ત્વનું પરિબળ મોદી બ્રાન્ડિંગ પણ છે. વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે કે, "મોદી બ્રાન્ડિંગ મહત્ત્વનું છે, કારણ કે હવે ભાજપે તેમના નેતૃત્વને જોઈને મત આપવાની પરંપરા ઊભી કરી છે, કોઈ પણ નેતા તેમના નામ પર ચૂંટાઈ શકે છે. એટલે મોદી બ્રાન્ડિંગ પણ બળવા કે વિખવાદને ખાળવા માટે મોટું કારણ બને છે."

તમને આ પણ વાંચવું ગમશે
બીબીસી
બીબીસી