ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપ નવા ચહેરા ઉતારી ‘આપ’ અને કૉંગ્રેસને માત આપી શકશે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે, જાણકારો તેનું અલગ-અલગ પ્રકારે વિશ્લેષણ કરી રહ્યા છે.
મોટા ભાગના જાણકારોનું માનવું છે કે ભલે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની, આવી ચૂંટણીલક્ષી રણનીતિ એ ભાજપ માટે કોઈ નવી વાત નથી. તેમજ ઘણા આ વાતને નવી રણનીતિ તરીકે જોઈ રહ્યા છે.
ગુજરાતમાં ભાજપે પોતાના ઘણા પ્રમુખ ચહેરાને અલગ કરી દીધા છે, જે ચર્ચાનો મુદ્દો જરૂર બન્યો છે.
આવા નેતાઓમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં નામ સામેલ છે.
આમ, પાર્ટીનાં સૂત્રોનું કહેવું છે કે આ મોટા નેતાઓએ જાતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈને વિજય રૂપાણીએ કહ્યું કે, “હું બધાના સહયોગથી પાંચ વર્ષ સુધી મુખ્ય મંત્રી રહ્યો. આ ચૂંટણીની જવાબદારી નવા કાર્યકરોને આપવામાં આવે. હું ચૂંટણી નહીં લડું, અને મારી આ ઇચ્છા મેં વરિષ્ઠો સામે વ્યક્ત કરી દીધી છે. હવે જે નવા ઉમેદવારોને પાર્ટી પસંદ કરશે, હું તેમની જીત માટે કામ કરીશ.”

ભાજપે યુવાન ચહેરાને પ્રાધાન્ય કેમ આપ્યું?
રૂપાણી, નીતિન પટેલ સહિત દિગ્ગજ નેતાઓને ટિકિટ કેમ ન અપાઈ?
ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક મનીષી જાનીએ બીબીસીને કહ્યું કે,"ભાજપે જે પ્રકારે ટિકિટ ફાળવણી કરી છે, તેનાથી ગુજરાતના ચૂંટણીમેદાનમાં એક નવા ખેલાડીના સ્પષ્ટ સંકેત હોવાનું માલૂમ પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ જણાવે છે કે, “આ યાદીમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે પરિવર્તન કરાયાં છે, તે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમેદાનમાં ઝંપલાવ્યું હોવાના કારણે કર્યાં છે. આમ આદમી પાર્ટી નવા ચહેરા સાથે મેદાને આવી છે તો ભાજપ તેનો મુકાબલો નવા ચહેરા સાથે જ કરવા માગે છે.”
“પંજાબમાં આમ આદમી પાર્ટીને નવા ચહેરા સાથે ઊતરવાનો ઘણો લાભ થયો અને તેણે એક પ્રકારે ત્યાં કૉંગ્રેસ અને અકાલીદળનો સફાયો જ કરી નાખ્યો. આ કારણસર ભાજપ નવા ચહેરા લાવી રહ્યો છે, જેથી તેમના પર નિયંત્રણ રાખી શકાય.”
વિશ્લેષકોનું માનવું છે કે પોતાનાં 27 વર્ષના શાસનકાળને જોતાં ભાજપ કંઈક નવું કરવા માગે છે જેથી મતદારોને નવી રીતે આકર્ષી શકે.
ગુજરાતનાં રાજકારણ પર વર્ષોથી નજર રાખતા વરિષ્ઠ પ્રત્રકાર પ્રશાંત દયાળ કહે છે કે, “આવું કરવાથી જો કોઈ સત્તાવિરોધી મોજું હોય તો તેનો સામનો કરવામાં પક્ષને મદદ મળશે, સાથે જ યુવાનોને આગળ લાવવાથી સંગઠનમાં નવો ઉત્સાહ પેદા થશે.”
182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપની 111 બેઠકો છે, 160 બેઠકો પરના ઉમેદવારોની યાદીમાં જાતિગત સંતુલન સ્થાપવાની કોશિશ પણ દેખાઈ રહી છે.

ધારાસભ્યોનાં કામનું આકલન કરાયું

ઇમેજ સ્રોત, ANI
બીબીસી સાથેની વાતચીતમાં ભાજપના પ્રવક્તા કિશોર મકવાણા કહે છે કે વિધાનસભાની ચૂંટણીમાં સમાજના દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાના પ્રયાસ કરાયા છે, પછી ભલે તે પછાત વર્ગ હોય કે પાટીદાર, જનજાતીય સમુદાય હોય કે ઉજળિયાત વર્ગના ક્ષત્રિય અને બ્રાહ્મણ.
તેઓ કહે છે કે ઉમેદવારો નક્કી કરવામાં સંગઠને ઉંમરના પરિબળને પણ ધ્યાને લીધું છે.
મોટા ભાગના ઉમેદવારો 40થી 55 વર્ષ વચ્ચેના છે. ઘણાની ઉંમર તો 40 કરતાં પણ ઓછી છે. સૌથી નાના ઉમેદવારની ઉંમર 29 વર્ષ છે.
મહિલાઓને પણ ટિકિટ અપાઈ છે. પરતુ પ્રથમ સૂચિમાં તેની ટકાવારી માત્ર નવ ટકા છે. જેમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા પણ સામેલ છે.
મકવાણા અનુસાર “ઘણા ધારાસભ્યો એવા છે જેઓ 1990થી ચૂંટણી લડતા આવી રહ્યા છે. હવે તેમના સ્થાને નવા ચહેરાને તક અપાઈ રહી છે. તેમાં કોઈ શંકા નથી કે ધારાસભ્યોનાં કામનું આકલન કરાયું અને જેમણે પોતાના વિધાનસત્રા ક્ષેત્રમાં જેટલું કામ કર્યું તેને જોઈને જ ઉમેદવારી નક્કી કરાઈ છે.”

હાલના ધારાસભ્યોની ટિકિટ કાપવા પાછળ શું કારણ છે?

ઇમેજ સ્રોત, ANI
પ્રથમ યાદીમાં જે 160 બેઠકો માટે ઉમેદવારોનાં નામોની જાહેરાત કરાઈ છે, તેમાંથી ભાજપે પાછલી ચૂંટણીમાં વિજેતા રહેલા 38 ઉમેદવારોની ટિકિટ કાપી નાખી છે.
મકવાણા જણાવે છે કે, “કામ ન કરનારા ધારાસભ્યો વિરુદ્ધનો આક્રોશ ઘટાડવા માટે પણ હાલના 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે.”
તેઓ એવું પણ જણાવે છે કે, “ઉમેદવારો નક્કી કરવાનો મહત્ત્વપૂર્ણ માપદંડ તો ઉમેદવારની જીતવાની ક્ષમતા છે. આ સિવાય જે-તે ક્ષેત્રમાં તેમણે કરેલું કામ પણ ધ્યાનમાં લેવાઈ રહ્યું છે.”
પ્રથમ યાદીમાં સૌથી વધુ ટિકિટો અન્ય પછાત વર્ગને અપાઈ છે.
આવી જ રીતે પાટીદાર સમાજ, અનુસૂચિત જાત, અનુસૂચિત જનજાતિ, ક્ષત્રિય, બ્રાહ્મણ અને જૈન સમુદાયના લોકોને ઉમેદવાર બનાવાયા છે.

કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓનું શું થશે?

જોકે, પ્રથમ યાદીથી એ વાત સ્પષ્ટ નથી કે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 20 નેતાઓની ઉમેદવારીની સ્થિતિ શું છે.
મકવાણા જણાવે છે કે, “તેઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને પોતાના નવા સંગઠન અને ક્ષેત્રના લોકો માટે તેમણે ઘણું કામ કર્યું હતું.”
બીજી તરફ, પ્રશાંત દયાળ કહે છે કે, “ભાજપે એવા કૉંગ્રેસી ધારાસભ્યોને સામેલ કર્યા છે, જેમને સંપૂર્ણ જોર લગાવ્યા છતાં પણ તેઓ હરાવી શક્યા નહોતા.”
તેમણે વધુમાં કહ્યું કે, “કૉંગ્રેસના આ એવા ધારાસભ્યો રહ્યા છે જેઓ પોતાના દમ પર ચૂંટણી જીતતા રહ્યા છે અને જેમને હરાવવા એ ભાજપ માટે પડકાર હતો. આ એવા ધારાસભ્યો છે જેઓ નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ અને બાદમાં મોદીલહેર છતાં ગુજરાતમાં કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતતા રહ્યા છે.”

મોરબીના ધારાસભ્યનું પણ પત્તું કપાયું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ એવું પણ જણાવે છે કે મોરબીના ધારાસભ્ય અને સરકારમાં મંત્રી રહેલા બ્રિજેશ મેરજાનું પત્તું જરૂર કપાયું છે, જેઓ પહેલાં કૉંગ્રેસમાં હતા અને ભાજપમાં આવ્યા બાદ મંત્રી બન્યા હતા. તેમના સ્થાને જૂના કાર્યકર્તા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ઉમેદવાર બનાવાયા છે.
અમૃતિયાએ મોરબી પુલ દુર્ઘટનામાં ઘણાના જીવ બચાવ્યા હતા.
ભાજપની પ્રથમ યાદીથી કૉંગ્રેસ માટે મોટો પડકાર ઊભો થયો છે કારણ કે લગભગ 30 બેઠકો એવી છે જ્યાં કૉંગ્રેસના ધારાસભ્યો પાંચ હજાર કરતાં ઓછા મતોથી જીત્યા હતા.
પત્રકાર જયદીપ વસંત આ યાદીનું અલગ પ્રકારે વિશ્લેષણ કરે છે.
તેઓ કહે છે કે ભાજપ પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી પણ ઘણું શીખ્યું છે, જે આ યાદી પરથી પણ સમજાઈ રહ્યું છે.
તેમનું કહેવું હતું કે પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાનું પતન માત્ર એટલા માટે થયું કારણ કે દાયકાઓથી એ જ ચહેરા સાથે ચૂંટણી લડી રહ્યા હતા, જીતી રહ્યા હતા અને મંત્રી પણ બની રહ્યા હતા.
તેઓ કહે છે કે, “ડાબેરી મોરચો માત્ર વૃદ્ધોનું સંગઠન બનીને રહી ગયો હતો, પછી ભલે તે બુદ્ધદેબ ભટ્ટાચાર્ય હોય કે તે પહેલાં જ્યોતિ બસુ. આગળની પંક્તિના નેતા પણ એ જ ચહેરા હતા જે 25 વર્ષથી ચૂંટણી લડી રહ્યા હતા અને જીતી રહ્યા હતા, પછી તૃણમૂલ કૉંગ્રેસે આ જ કારણે નવા ચહેરા ઉતાર્યા અને ડાબેરી મોરચાનો સફાયો કરી દીધો.”














