મોરબી દુર્ઘટના: 'મને અડધી રાત્રે ઊંઘમાં બાળકોની ચિચિયારી સંભળાય છે'

નદીમાં કૂદીને જીવ બચાવનાર યુવક
ઇમેજ કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટનામાં લોકોના જીવ બચાવનાર સિકંદરભાઈ

"હું ઘરે હતો ત્યાં મારા મિત્રનો ફોન આવ્યો અને હું ત્યાં પહોંચ્યો ત્યારે નદીમાં નાનાં બાળકોના મૃતદેહો તરતા હતા. એ જોઈને હું તેમને બહાર કાઢવા લાગી ગયો. નદીના પાણીમાં જીવાતો ઘણી હતી, જે મારા પગ પર કરડી ગઈ હતી, એટલે મને પગ પર સોજા આવી ગયા છે."

"આ નદી એક જાતની ગટર જ છે. ઍસિડનું જ પાણી છે. લોકો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા. આટલા બધા મૃતદેહો મેં ક્યારેય એકસાથે જોયા ન હતા. બાળકોને જોઈને મારું કાળજું કંપી ઊઠ્યું હતું. રાત્રે 2 વાગે ઘરે જઈને હું સૂઈ ગયો, ત્યારે ઊંઘતી વખતે બાળકોની ચિચિયારીઓ જ સંભળાતી હતી. હું આખી રાત સૂઈ શક્યો ન હતો."

મોરબી પુલ દુર્ઘટનામાં ડૂબતા લોકોના જીવ બચાવનાર અને બાળકોના મૃતદેહ બહાર કાઢનારા સિકંદરભાઈએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને ઘટનાની વિગત જણાવી હતી.

GRAYLINE

જીવ બચાવવા નદીમાં કૂદેલા યુવકો રાતભર નદી ફેંદતા રહ્યા

મોરબી

ઇમેજ સ્રોત, AFP

ગુજરાતમાં ગયા રવિવારે મચ્છુ નદી પરનો પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી અને તેમાં 135 લોકોનાં મોત થયાં હતાં.

જ્યારે આ બનાવ બન્યો ત્યારે મોરબીના અનેક સ્થાનિક લોકો એવા હતા, જેઓ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા.

જીવ બચાવવા નદીમાં કૂદેલા યુવકો ડૂબતા લોકોને બચાવવા રાતભર નદી ફેંદતા રહ્યા હતા. મોરબીના મકરાણી વાસમાં રહેતા તરવૈયા યુવાનોએ નદીમાં કૂદીને લોકોના જીવ બચાવ્યા હતા.

એ સમયે નદીમાં કૂદીને લોકોના જીવ બચાવનાર યુવક આંખે જોયેલું દૃશ્ય હજુ પણ ભૂલી શક્યો નથી.

GRAYLINE

'નદી આખી સ્મશાનમાં બની ગઈ'

અખ્તરભાઈ
ઇમેજ કૅપ્શન, અખ્તરભાઈ

મોરબી પુલ દુર્ઘટના સમયે તરવૈયા તરીકે લોકોને બચાવવા કૂદેલા અખ્તરભાઈએ જણાવ્યું હતું કે, “આ ઘટના જોઈને અમને મચ્છુ પૂર હોનારત થઈ હતી એ દિવસો યાદ આવી ગયા હતા. ભયાનક માહોલ હતો, નદી જાણે કે આખી સ્મશાનમાં પલટી ગઈ હતી. જ્યાં જોઈએ ત્યાં મૃતદેહો જ જોવા મળતા હતા. મેં નવ મૃતદેહ બહાર કાઢ્યા હતા.”

મોરબી દુર્ઘટનામાં જીવ બચાવનાર તોફિકભાઈએ જણાવ્યું કે, “નદીમાં નાની-નાની જીવાતો હતી, એ જીવાતોને મસળીને મારો નહીં ત્યાં સુધી શરીર પરથી ઊખડે નહીં. જીવાત કરડવાના કારણે શરીર પર લાલ ચકામાં થઈ ગયાં હતાં.”

GRAYLINE

'તરવૈયાઓએ 35થી 40 લોકોના જીવ બચાવ્યા'

અસલમભાઈ
ઇમેજ કૅપ્શન, જીવ બચાવનાર અસલમભાઈ

નદીમાં ડૂબતા લોકોને બચાવનાર અસલમભાઈએ જણાવ્યું હતું કે, “હું નદી પાસે પહોંચ્યો ત્યારે મકરાણી વાસના તરવૈયાઓ ત્યાં પહોંચી ગયા હતા. જેને જેમ ફાવે તેમ લોકોને હૉસ્પિટલ લઈ જવા લાગ્યા હતા. સાથે મૃતદેહો પણ બહાર કાઢવા લાગ્યા હતા. તરવૈયાઓએ પાણીમાં કૂદીને 30થી 35 લોકોને જીવતા બચાવ્યા હતા.”

GRAYLINE

મોરબીમાં શું બન્યું હતું?

મોરબી પુલ દુર્ઘટના
ઇમેજ કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટના

આશરે 150 વર્ષ પહેલાં બનેલો મોરબીનો ઝૂલતો પુલ એક જમાનામાં ‘કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર’ ગણાતો હતો. આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજનિવાસ નજરબાગ પૅલેસને પણ જોડતો હતો.

આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું.

પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

મોરબીનાં જોવાલાયક સ્થળોમાંના સૌથી મહત્ત્વપૂર્ણ એવા આ પુલ સાથે મોરબીના લગભગ તમામ લોકોની કોઈને કોઈ યાદો જોડાયેલી હશે.

એક સદી જૂનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ રવિવારે સાંજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો હતો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા.

REDLINE
REDLINE