હવે પાકિસ્તાન પણ સેમિફાઇલનમાં, ટી20 વર્લ્ડકપમાં ફરી ટકરાશે ભારત સામે?

પાકિસ્તાનની ટીમ હા-ના, હા-ના જેવી સ્થિતિને માત આપીને આખરે ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની ટીમ હા-ના, હા ના જેવી સ્થિતિને માત આપીને આખરે ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ
સારાંશ
  • પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો
  • પાકિસ્તાનની જીત સાથે સેમિફાઇનલનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું
  • ગ્રૂપ-1માંથી ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે
  • દક્ષિણ આફ્રિકા સામે નેધરલૅન્ડની જીત સાથે ભારતીય ટીમનું સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું

પાકિસ્તાનની ટીમ હા-ના, હા-ના જેવી સ્થિતિને માત આપીને આખરે ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. રવિવારે ઍડિલેડમાં રમાયેલી મૅચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું છે.

પાકિસ્તાનની જીત સાથે સેમિફાઇનલનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયુ છે. ગ્રૂપ-1માંથી ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ પહેલા જ સેમિફાઈનલમાં જગ્યા બનાવી ચૂક્યાં છે. રવિવારે દક્ષિણ આફ્રિકા સામે નેધરલૅન્ડની જીત સાથે ભારતીય ટીમનું સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું. અને હવે પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવીને ચોથી ટીમ તરીકે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ભારતને હજુ ઝિમ્બાબ્વે સામે મૅચ રમવાની બાકી છે. એ મૅચ બાદ નક્કી થશે કે સેમિફાઇનલમાં ગ્રુપ-2ની કઈ ટીમ ન્યુઝીલૅન્ડ સામે અને કઈ ટીમ ઇંગ્લૅન્ડ સામે ટકરાશે.

વર્લ્ડકપમાં પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી. પ્રથમ મૅચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું.

બીજી મૅચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું. આ સનસનાટીભર્યા પરિણામ બાદ પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચે તે પહેલાં જ ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ ટીમ પાકિસ્તાનના વર્લ્ડકપ અભિયાની સમાપ્તિની જાહેરાત કરી દીધી હતી.

જોકે, પાકિસ્તાનની ટીમે જોરદાર વાપસી કરીને અને પછીની ત્રણેય મૅચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાને નેધરલૅન્ડને છ વિકેટે હરાવ્યું હતું અને વરસાદથી પ્રભાવિત મૅચમાં દક્ષિણ આફ્રિકાને 33 રને હરાવ્યું હતું.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચ બંને ટીમો માટે ‘કરો યા મરો’ જેવી હતી. આ મૅચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પાકિસ્તાનના શાહીનશાહ આફ્રિદીએ ચાર વિકેટ લઈને બાંગ્લાદેશના મોટા સ્કોર સુધી પહોંચવાની યોજનાને ધ્વસ્ત કરી નાખી હતી. બાંગ્લાદેશે 20 ઓવરમાં આઠ વિકેટે 127 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી નજમુલ શાંતોએ સૌથી વધુ 54 રન બનાવ્યા હતા.

પાકિસ્તાન માટે કપ્તાન બાબર આઝમ (25 રન) અને મોહમ્મદ રિઝવાન (32 રન)ની ઓપનિંગ જોડીએ 57 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ નવાઝ (4 રન) મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. મોહમ્મદ હેરિસે 31 રન બનાવીને પાકિસ્તાનને જીતના પંથે આગળ ધપાવ્યું હતું.

પાકિસ્તાનની ટીમ જીતથી માત્ર બે રન દૂર હતી ત્યારે ઈફ્તિખાર અહેમદ આઉટ થયા હતા, પરંતુ મૅચના પરિણામ પર તેની કોઈ અસર થઈ ન હતી. પાકિસ્તાને 11 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. જો ભારત ઝિમ્બાબ્વે સામે જીતશે તો તે આઠ પૉઈન્ટ સાથે ટોચ પર રહેશે અને સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે રમશે.

bbc gujarati line
bbc gujarati line
વીડિયો કૅપ્શન, ઈરાનમાં વિરોધ પ્રદર્શનને 50 દિવસ પૂર્ણ - GLOBAL
bbc gujarati line

દક્ષિણ આફ્રિકા-નેધરલૅન્ડ મૅચ

નેધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જગાવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જગાવી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પહેલાં રવિવારે જ નેધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જગાવી હતી. નેધરલૅન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં નેધરલૅન્ડે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા.

નેધરલૅન્ડના ઓપનરોએ સારી શરૂઆત કરી હતી અને એક પણ વિકેટ ગુમાવ્યા વિના 50 રન બનાવ્યા હતા.

નેધરલૅન્ડ માટે કૉલિન ઍકમેને 26 બૉલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. તેના પછી સ્ટીફન મેબર્ગે 30 બૉલમાં 37 રન અને ટૉમ કૂપરે 19 બૉલમાં 35 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા માટે 159 રનનો ટાર્ગેટ મુશ્કેલ જણાતો ન હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાએ 21 રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તરત જ ટીમની બીજી વિકેટ પણ પડી હતી.

100 રન પૂરા થયા ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાના સાત બૅટ્સમૅન પેવેલિયન પરત ફર્યા હતા. સમગ્ર ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 145 રન જ બનાવી શકી હતી.

બૉલિંગ વિશે વાત કરીએ તો, કેશવ મહારાજે સૌથી વધુ બે વિકેટ લીધી હતી અને ઍનરિચ નોર્ટજે અને ઍડન માર્કરમે બાકીની એક-એક વિકેટ લીધી હતી.

નેધરલૅન્ડના કૉલિન ઍકમેનને ‘પ્લેયર ઑફ ધ મૅચ’ જાહેર કરવામાં આવ્યા હતા.

bbc gujarati line
bbc gujarati line