ટી20 વર્લ્ડ કપ: ... તો ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં સામસામે ટકરાશે
- 6 નવેમ્બરે નક્કી થશે કે ક્રિકેટ ચાહકોને આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે કે નહીં?
- સમીકરણ એટલું જટિલ બની ગયું છે કે ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની ટીમો પૈકી કોઈપણ ટીમ કોઈપણ પ્રકારે સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે
- જો ભારત ઝિમ્બાબ્વેને હરાવે તો તે નિશંકપણે આઠ પૉઇન્ટ સાથે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે
- દક્ષિણ આફ્રિકા સામે જોરદાર જીત છતાં પાકિસ્તાનનો સેમિફાઇનલમાં જવાનો રસ્તો જો અને તો પર ટકેલો છે
- દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલમાં પહોંચવા માટે નેધરલૅન્ડને હરાવવું જ પડે
- બાંગ્લાદેશની ટુર્નામેન્ટમાં આગળ વધવાની તકો હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે
- જો અપસેટ સર્જીને ઝિમ્બાબ્વે ભારતને હરાવે તો પણ તેમને કુલ 5 પૉઇન્ટ જ મળશે
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, DANIEL POCKETT-ICC,GETTY
જો તમે ક્રિકેટના શોખીન છો અને ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલના સમીકરણને લઈને મૂંઝવણમાં હો તો એ ગૂંચમાંથી બહાર આવવા માટે આ તારીખ યાદ રાખવી.
તારીખ 6 નવેમ્બર 2022, વાર: રવિવાર
ટી20 વર્લ્ડ કપમાં મહામુકાબલાનો દિવસ. એ દિવસે નક્કી થશે કે ક્રિકેટ ચાહકોને આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે કે નહીં?
રવિવારે એડિલેડ ઓવલમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો નેધરલૅન્ડ સામે થશે, તેના થોડા કલાકો બાદ પાકિસ્તાનની ટીમ આ જ મેદાન પર બાંગ્લાદેશ સામે ટકરાશે.
અને એ જ દિવસે આ મેદાનથી સેંકડો કિલોમિટર દૂર ભારતની ટીમ મેલબૉર્નના એમએસજીમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે.
ગુરુવારે સિડનીમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. વરસાદથી વિક્ષેપિત આ મૅચમાં ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવો પડ્યો, જે બાદ બાબર આઝમની ટીમે દક્ષિણ આફ્રિકાને 33 રને હરાવ્યું.
સુપર 12 અને ખાસ કરીને ગ્રુપ 2ની મૅચોમાં ગજબની થ્રિલ અને રોમાંચ જોવા મળી રહ્યો છે, લગભગ દરેક મૅચ પછી નૉકઆઉટ સ્ટેજમાં પહોંચવાના સમીકરણો બદલાઈ રહ્યા છે.
નિર્ણાયક મૅચો પહેલાં, સમીકરણ એટલું જટિલ બની ગયું છે કે ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની ટીમો પૈકી કોઈપણ ટીમ કોઈપણ પ્રકારે સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ-2માંથી સેમીફાઈનલમાં પહોંચે તો તેનો મુકાબલો ગ્રુપ-1માં ટોચની બે ક્રમાંકિત ટીમો સામે થશે. એટલે કે 13 નવેમ્બરે મેલબૉર્નમાં ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ પરંપરાગત કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની સંભાવના રહેલી છે.
આ શક્યતા કેવી રીતે બની તે સમજવા માટે પહેલા સમજી લો કે ચાર મૅચ રમાયા બાદ ટીમોની સ્થિતિ શું છે?

ભારતીય ક્રિકેટ ટીમ પાસે છે આ સંભાવનાઓ

ઇમેજ સ્રોત, MATTHEW LEWIS-ICC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૅચો રમ્યું - 4, પૉઇન્ટ્સ- 6, નેટ રન રેટ: 0.730, બાકીની મૅચ – ઝિમ્બાબ્વે સામે આમ તો ભારત અત્યારે પૉઇન્ટ ટેબલમાં ટોચ પર છે, પરંતુ તેમ છતાં સેમીફાઈનલ એટલે કે નૉક આઉટ સ્ટેજમાં પહોંચી જ જશે એની કોઈ ગેરંટી નથી. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની મૅચ હારીને ઓછામાં ઓછા 6 નવેમ્બર સુધી આ કોયડો ઉભો રાખ્યો છે. હજુ પણ ત્રણ શક્યતાઓ છે. જો ભારત ઝિમ્બાબ્વેને હરાવે તો તે નિશંકપણે આઠ પૉઇન્ટ સાથે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. જો મૅચ વરસાદને કારણે ધોવાઇ જાય તો બંને ટીમોને 1-1 પૉઇન્ટ મળે અને તો ભારત સાત પૉઇન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચશે. જો ભારતને ઝિમ્બાબ્વેના હાથે હારનો સામનો કરવો પડે અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો તે સ્થિતિમાં નેટ રન રેટ મહત્ત્વની ભૂમિકા ભજવશે. (હાલમાં પાકિસ્તાન નેટ રન રેટમાં આગળ છે) ઝિમ્બાબ્વેના હાથે ભારતને હાર મળે તો પણ બે સ્થિતિમાં ભારતની અંતિમ ચારમાં પહોંચવાની તકો જળવાઈ રહેશે. એ બે સ્થિતિ છે, દક્ષિણ આફ્રિકા તેની છેલ્લી મૅચ નેધરલેન્ડ સામે હારી જાય અને બીજી, બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવે અને નેટ રન રેટમાં ભારતની પાછળ રહે. ભારત રવિવારે ગ્રુપ 2 ની છેલ્લી મૅચ રમવાનું હોવાથી, તેમને મૅચ શરૂ થાય તે પહેલા જ જાણ થઈ જશે કે અંતિમ ચારમાં પહોંચવા માટેના નિર્ણાયક પરિબળો શું છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમની શક્યતાઓ

ઇમેજ સ્રોત, ANI
મૅચો રમ્યું - 4, પૉઇન્ટ્સ -4, નેટ રન રેટ- 1.117, બાકીની મૅચ - બાંગ્લાદેશ
દક્ષિણ આફ્રિકા સામે જોરદાર જીત છતાં પાકિસ્તાનનો સેમિફાઇનલમાં જવાનો રસ્તો જો અને તો પર ટકેલો છે.
જો રવિવારે બાંગ્લાદેશને હરાવે તો પણ તે નૉક આઉટ સુધી પહોંચવા માટે પૂરતું નથી. જો ભારત અને સાઉથ આફ્રિકા પોતપોતાની મૅચ જીતે તો પાકિસ્તાનની સફર અહીં જ સમાપ્ત થઈ જશે. પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશ સામે જીત મેળવવી જરૂરી છે અને એ પછી :
- પહેલુ, દક્ષિણ આફ્રિકા કાં તો નેધરલેન્ડ સામેની મૅચ હારી જાય અથવા વરસાદને કારણે મૅચ રદ થઈ જાય. આવી સ્થિતિમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા બંનેના 6-6 પૉઇન્ટ હશે, કારણ કે પાકિસ્તાનના ત્રણ અને દક્ષિણ આફ્રિકાના માત્ર બે જ અંક હશે. (ટાઈની સ્થિતિમાં, જીતેલી મૅચની સંખ્યા અને પછી નેટ રન રેટ જોવામાં આવે છે.)
- બીજું, જો ભારત ઝિમ્બાબ્વે સામેની મૅચ હારી જાય તો બંને ટીમોના છ-છ પૉઇન્ટ થાય, પરંતુ નેટ રન રેટના આધારે પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી જાય.

દક્ષિણ આફ્રિકા માટેની સંભવિત તકો

ઇમેજ સ્રોત, PAUL KANE
મૅચો રમ્યું - 4, પૉઇન્ટ્સ - 5, નેટ રન રેટ: 1.441, બાકીની મૅચ - નેધરલૅન્ડ
દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલમાં પહોંચવા માટે નેધરલૅન્ડને હરાવવું જ પડે. જો એ મૅચમાં વરસાદ વિલન બને અને બંને ટીમોને પૉઇન્ટ વહેંચવાની ફરજ પડે તો દક્ષિણ આફ્રિકા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
જો કે રવિવારની મૅચોમાં વરસાદ વિલન બને તેવા કોઈ સંકેત હવામાન વિભાગને દેખાતા નથી. તેથી એવી સંભાવના છે કે દક્ષિણ આફ્રિકાને આખી મૅચ રમવા મળશે અને તેઓ નેધરલેન્ડને ગડબડ કરતા રોકી શકે છે.



બાંગ્લાદેશની ટીમ માટેની સંભાવનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
મૅચો રમ્યું -4, પૉઇન્ટ્સ -4, નેટ રન રેટ: -1.276, બાકીની મૅચ - પાકિસ્તાન
બાંગ્લાદેશની ટુર્નામેન્ટમાં આગળ વધવાની તકો હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેનું કારણ તેમનો ખૂબ જ ખરાબ નેટ રન રેટ છે. આવી સ્થિતિમાં, તે ભલે પોતે આગળ ન વધી શકે, પરંતુ તે અન્ય ટીમોની રમતને બગાડવાનું સામાર્થ્ય ધરાવે છે.
હા, હજુ એક શક્યતા બાકી છે જેના દ્વારા બાંગ્લાદેશની ટીમ અંતિમ ચારમાં પહોંચી શકે છે. અને તે છે: પહેલું, તેણે પાકિસ્તાન સામેની મૅચ જીતવી પડે અને ઝિમ્બાબ્વે પણ ભારતને હરાવી દે.
વધુમાં, જીત અને હારનું અંતર એટલું મોટું હોવું જોઈએ કે તે નેટ રન રેટમાં તે ભારતથી ઉપર આવે. બીજું, દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલૅન્ડ સામે એકથી વધુ પૉઇન્ટ ન મેળવે.

ઝિમ્બાબ્વેની ટીમ માટે પણ તક

ઇમેજ સ્રોત, Getty Images
મૅચો રમ્યું -4, પૉઇન્ટ્સ -3, નેટ રન રેટ: -0.313, બાકીની મૅચ - ભારત
જો અપસેટ સર્જીને ઝિમ્બાબ્વે ભારતને હરાવે તો પણ તેમને કુલ 5 પૉઇન્ટ જ મળશે.
જો પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચ વરસાદના કારણે ધોવાઈ જાય તો આવી સ્થિતિમાં ત્રણેય ટીમના પૉઇન્ટ સમાન થઈ જશે, પરંતુ નેટ રન રેટના આધારે ઝિમ્બાબ્વે ઘણુ પાછળ છે.
જો તે ભારતને 50 રને હરાવે તો પણ તેણે એ વાત પર મદાર રાખવો પડે કે નેધરલૅન્ડ પણ દક્ષિણ આફ્રિકાને એટલા માર્જિનથી હરાવે.
આ કારણે નૉક આઉટ સ્ટેજ સુધી પહોંચવાનો તેમનો દાવો ઘણો નબળો છે.
2007ની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાયા હતા
ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર એક જ વખત ફાઇનલ મૅચમાં સામસામે આવી છે અને ત્યારે બાજી ભારતના હાથમાં આવી હતી.
તારીખ હતી 24 સપ્ટેમ્બર, 2007. સ્ટેડિયમ - જોહાનિસબર્ગ (દક્ષિણ આફ્રિકા)
મિડિયમ પેસર જોગીન્દર શર્માના એ બોલે મિસ્બાહ-ઉલ-હક સિક્સર મારવાના પ્રયાસમાં શ્રીસંથના હાથે ઝીલાઈ ગયા હતા. એ ક્ષણો આજે પણ ભારતીયોના હૃદયમાં કંડારાયેલી છે અને અને પાકિસ્તાનીઓના હૃદયને તીરની જેમ ખૂંચી રહી છે.
પહેલો ટી20 વર્લ્ડ કપ વર્ષ 2007માં રમાયો હતો અને ભારત-પાકિસ્તાન મોટાભાગની ટીમોને હરાવીને ટાઈટલ માટે લડ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની નવા કૅપ્ટન બન્યો હતો અને ભારતીય ટીમ પણ તેના અનુભવ કરતા નાની હતી. પહેલા રમતા ભારતીય ટીમે 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા.
ઓપનર ગૌતમ ગંભીરે 54 બૉલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને છેલ્લી ઓવરમાં વર્તમાન કૅપ્ટન અને તે યુગના યુવા બૅટર રોહિત શર્માએ રન રેટ વધારતા 30 રન બનાવ્યા હતા.
ભારતે શરૂઆતથી જ ચુસ્ત બૉલિંગ કરી અને પાકિસ્તાનની વિકેટો નિયમિત અંતરે પડતી રહી. પરંતુ મિસ્બાહ-ઉલ-હકે છેલ્લી ઓવર સુધી હાર ન માની અને તેની 43 રનની ઈનિંગમાં ઘણી વખત ભારતીય ટીમનું ગળું બેસાડી દીધું. પરંતુ જોગીન્દર શર્માને છેલ્લી ઓવર આપવાનો ધોનીનો નિર્ણય જાદુ કરી ગયો અને મિસ્બાહ છેલ્લા શોટમાં કમાલ કરી શક્યા નહીં, જે તે અત્યાર સુધી કરી શક્યા હતા.
આ રીતે પાકિસ્તાની ટીમ ટી20 વર્લ્ડ કપની ટ્રૉફી અને જીતના લક્ષ્યથી માત્ર પાંચ રન દૂર હતી.















