ગુજરાત વિધાનસભા ચૂંટણી : મોરબી પુલ દુર્ઘટનાની ચૂંટણી પર શું અસર પડશે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
30 ઑક્ટોબર 2022, મોરબી ઝૂલતા પુલ અકસ્માતના આ ‘ગોઝારા’ દિવસે 135 જિંદગીઓ હોમાઈ ગઈ.
ઘટનાના ત્રીજા દિવસે પણ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકો સ્થાનિક અને આસપાસના જિલ્લાની હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
અનેક પરિવારોને ‘તબાહ’ કરનારા આ અકસ્માતે મોરબીના ઇતિહાસમાં વધુ એક હોનારતનું ‘કાળું પાનું’ ઉમેરી દીધું.
ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય વિશ્લેષકોના મતે મોરબીના ઝૂલતા પુલ અકસ્માતની ગુજરાતના ‘રાજકીય પરિદૃશ્ય’ પર અસર થઈ શકે છે.
નોંધનીય છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાટીદાર આંદોલન સહિતનાં અન્ય કારણોસર ‘ફટકો’ પડ્યો હતો.
સામેની બાજુએ કૉંગ્રેસને આ પરિબળોનો લાભ થતાં આ ક્ષેત્રમાં પક્ષની બેઠકો લગભગ બમણી થઈ ગઈ હતી.
તાજેતરમાં થયેલ મોરબી ઝૂલતા પુલ અકસ્માતની ઘટનામાં સોશિયલ મીડિયા પર અને વિપક્ષ દ્વારા ઘટનાને લઈને ભાજપ પર પ્રહાર કરાઈ રહ્યા હતા. સામેની બાજુએ ભાજપ વિપક્ષ દ્વારા કરાઈ રહેલી આ ટીકાને વિધાનસભા ચૂંટણી અગાઉ ‘રાજકીય લાભ માટેનો કારસો’ ગણાવી રહ્યો છે.
આ વખતે જ્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણી નિકટ છે ત્યારે મોરબીના ઝૂલતા પુલ અકસ્માતની રાજકીય અસરો વિશે વિગતવાર જાણકારી મેળવવા બીબીસી ગુજરાતીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય પ્રવાહોથી પરિચિત કેટલાક જાણકારો સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મોરબી પુલ દુર્ઘટનાની ચૂંટણીટાણે ‘પાટીદાર આંદોલન’ જેવી અસર થશે ખરી?

- 30 ઑક્ટોબરે ગુજરાતના મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં
- આ દુર્ઘટના ત્યારે થઈ છે જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે થોડાક જ દિવસ બાકી રહ્યા છે
- રાજકીય વિશ્લેષકો ગુજરાતની ચૂંટણી અને તેનાં પરિણામો પર આ ઘટનાની અસર થશે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
- 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ‘પાટીદાર આંદોલન’ના પરિબળને લીધે સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન વેઠવું પડ્યું હતું
- શું મોરબી દુર્ઘટના આવી રાજકીય પરિદૃશ્યમાં આવી અસર પેદા કરી શકશે ખરી?

ચૂંટણીમાં ‘ભાજપે પરિણામ ભોગવવું પડશે’

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકીય પ્રવાહોના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના મતે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોરબી પુલ અકસ્માતની અસર જરૂર થશે.
તેઓ કહે છે કે, “આ ઘટના સામે આવ્યા બાદ ઘણા સ્થાનિક લોકો સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. મોરબી પુલ અકસ્માતમાં ભારે સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હતાં, આ દૃશ્યો જનતાએ જોયાં છે, લોકો સમજી ગયા છે કે સરકાર પોતાના ભાગે થયેલ બેદરકારીથી બચવા માટે પગલાં લઈ રહી છે, તેથી રાજકીય પરિદૃશ્ય પર તેની અસર તો થશે જ.”
જગદીશ આચાર્ય આ મુદ્દે આગળ વાત કરતાં કહે છે કે, “મોરબી દુર્ઘટના બાદ ભાજપના સોશિયલ મીડિયા સેલ દ્વારા પુલ તૂટ્યો એ ઘટના માટે અન્ય રાજકીય પક્ષો અને ખુદ જનતાને જવાબદાર ગણાવવાના પ્રયત્નો થયા, આ વાત જણાવે છે કે ભાજપ આ ઘટના માટે સરકારને ક્લીન ચિટ આપવા માટે તલપાપડ હતો. પરંતુ મોરબી સહિત ગુજરાતના બધા લોકોએ આ બધું ધ્યાનથી જોયું છે. તેમણે આ વ્યૂહરચનાને સફળ થવા દીધી નથી.”
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ‘સત્વરે રાહત-બચાવકાર્ય’ હાથ ધરી નાગરિકોના જીવ બચાવ્યા હોવાના દાવાને પણ આચાર્ય ‘ખોટો પ્રચાર અને સરકારની લાજ બચાવવાના પ્રયાસ’ ગણાવે છે.
તેઓ કહે છે કે, “સરકારે ઘટના બાદ માધ્યમો થકી તરત એવો દાવો કર્યો હતો કે તેમણે રાહત-બચાવકાર્યમાં ઝડપી પગલાં લઈને સ્થિતિ સંભાળી લીધી હતી અને નાગરિકોને મોતના મુખમાંથી બચાવી લાવ્યા હતા. પરંતુ અહીંની જનતા જાણે છે કે જે લોકો બચ્યા છે તે આસપાસ રહેતા લોકોની બાહોશીના કારણે. બાકી NDRF હોય કે SDRF હોય કે અન્ય કોઈ એજન્સી, તેઓ તો કલાકો બાદ ત્યાં પહોંચ્યા હતા. તેમણે તો માત્ર લાશો કાઢી છે.”
આ દુર્ઘટનાની રાજકીય અસરો વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “મારું માનવું છે કે આ દુર્ઘટનાની ચોક્કસપણે ગુજરાતમાં સત્તાધારી ભાજપને નકારાત્મક અસર ભોગવવી પડશે. ગુજરાતની જનતા જેમણે સ્વજનો ગુમાવ્યા, જે પરિવારોએ મોભી-બાળકો ગુમાવ્યાં, જે બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી, તેમનું દુ:ખ સરળતાથી નહીં ભૂલે, લોકો તેમના દુ:ખને સીધા સરકારની બેદરકારી અને ગેરવહીવટ સાથે જોડીને જુએ છે.”

‘ચૂંટણી પર અસર થશે કે કેમ તેનો આધાર વિપક્ષ પર’
વરિષ્ઠ પત્રકાર અને સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકારણ સાથે ગાઢ પરિચય ધરાવતા કૌશિક મહેતા માને છે કે મોરબીના ઝૂલતો પુલ અકસ્માતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને તેનાં પરિણામો પર અસર પડશે કે કેમ તેનો આધાર આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ કેટલી હદે આ મુદ્દાને જિવાડી શકે તેના પર છે.
તેઓ કહે છે કે, “મોરબીમાં થયેલા અકસ્માતના પીડિતોને વળતરની જાહેરાત સરકારે કરી દીધી છે, વડા પ્રધાન મોદી ત્યાં જઈને પીડિતોને-પરિવારોને મળી આવ્યા છે, જવાબદારો પર કાર્યવાહી કરવાની સૂચના આપી દેવાઈ છે. આ મુદ્દાનો લાભ રાજકીય પક્ષો ન ઉઠાવે કે તેની ટીકા ન થાય તે માટેનો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો જ છે. તેમ છતાં આ મુદ્દો લોકોની સ્મૃતિમાં જળવાઈ રહે તે માટે અને તેનો રાજકીય લાભ મેળવવા માટે વિપક્ષે મહેનત કરવી પડશે.”
કૌશિક મહેતા કહે છે કે, “મોરબીની ઘટનાને ચૂંટણી સુધી જીવતો રાખવાની વિપક્ષ કેટલી કોશિશ કરે છે તેના પર આ મુદ્દો ચૂંટણીમાં લાભ અપાવી શકશે કે કેમ તેનો આધાર છે.”
નોંધનીય છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલન અને અન્ય ફૅક્ટરોને લીધે ભાજપને સૌરાષ્ટ્રમાં બેઠકોની દૃષ્ટિએ નુકસાન ભોગવવું પડ્યું હતું.
શું મોરબી પુલ અકસ્માતને કારણે પણ ભાજપે ‘રાજકીય નુકસાન’ ઉઠાવવું પડશે?
આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે કે, “પાટીદાર આંદોલન એ એક આખા સમાજને સ્પર્શતું આંદોલન હતું. તેની અને મોરબી પુલ અકસ્માતની ઘટનાની સરખામણી રાજકીય પરિણામોની દૃષ્ટિએ ન થઈ શકે.”
“આ એક મોટી દુર્ઘટના હતી અને તેમાં જવાબદાર પેઢી તેમજ સ્થાનિક તંત્રની જવાબદારીને કારણે સરકાર ઉપર દોષ તો આવે. પણ સરકારે તપાસસમિતિની રચના સાથે અન્ય પગલાં લઈને આ નુકસાન ઘટાડવાના પ્રયાસ કર્યા છે.”
તેઓ આગળ કહે છે કે, “સરકારના પ્રયાસોને કારણે હવે ઘટનાનો રાજકીય લાભ લેવો કે ન લેવો તેનો આધાર વિપક્ષ પર છે. કારણ કે અત્યારથી માંડીને ચૂંટણી સુધી બીજો કોઈ મુદ્દો આવી જાય તો લોકોની યાદદાશ્ત નબળી હોય છે તે આપણે જાણીએ છીએ.”
કૌશિક મહેતા આગળ જણાવે છે કે જો વિપક્ષ આ મુદ્દાનો લાભ ન ઉઠાવી શકે અને ભાજપની નેતાગીરી આ મુદ્દાથી લોકોનું ધ્યાન હઠાવી શકે તો આ એક પ્રાદેશિક મુદ્દો જ રહી જશે અને મોરબી અને તેની આસપાસના વિસ્તારોમાં જ તેની અસર થશે, સમગ્ર ગુજરાત પર તો નહીં જ.
જોકે, ગુજરાતની રાજનીતિથી પરિચિત દિલીપ ગોહિલ માને છે કે જે રીતે આ ઘટનાના બે દિવસ સુધી રાજકીય કાર્યક્રમો ચાલુ રહ્યા તેનાથી જનતાના મનમાં સંદેશ પહોંચ્યો હોઈ શકે. તેઓ કહે છે કે, "આ ઘટનાએ લોકોના મનમાં ‘ભાજપ અને તેના નેતાઓની અહંકારી અને અસંવેદનશીલ છબિ ઘડી છે."
તેઓ કહે છે કે, “આ ઘટના બની તેના બે દિવસ સુધી રાજકીય કાર્યક્રમો ચાલુ રહ્યા, અંતે ઘટનાસ્થળ અને પીડિતોની મુલાકાત લેવાની હતી તે સમયે સાજ-સજાવટ, રંગરોગાન, મંડપ-દીવાલો ઊભાં કરવાની કાર્યવાહીને કારણે ભાજપ અને તેના નેતાઓની અહમ્ સામે લોકોના મનમાં છૂપો રોષ પેદા થયો છે.”
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “આ બધું જોઈને કદાચ લોકોએ મનમાં આ વખત વિચારી લીધું છે કે ચૂંટણીમાં સત્તાપક્ષનો અહંકાર ઘટાડવાનો છે. તેમને જણાવવાનું છે કે પબ્લિક જ સત્તામાં લાવે છે ના કે પક્ષ.”
દિલીપ ગોહિલ આ ઘટનાની વ્યાપક અસર અંગે વાત કરતાં કહે છે કે, “સરકારે દુર્ઘટનાની તપાસ અંગે પગલાં લીધાં હોવાનું બતાવવાનો પ્રયાસ કર્યો, લોકોને ખ્યાલ છે કે મોટાં માથાંને ક્યારેય સજા નથી થતી. લોકો આ વાત પચાવી શકે પરંતુ સરકારે આટલી મોટી જાનહાનિ બાદ કરેલ અસંવેદનશીલ વર્તનને કારણે લોકોના મનમાં નકારાત્મક છબિ સર્જી છે. તેની અસર ચોક્કસ થશે.”
“આ ઘટનાની કોઈ ધર્મ કે જ્ઞાતિ વિશેષને અસર કરે છે તેવું નથી, આમાં સામાન્ય માણસ મર્યા છે અને લોકોમાં આ વાતને લઈને અસંતોષ છે. જેની અસર ચોક્કસપણે સત્તાધારી ભાજપ પર થઈ શકે.”

સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ‘કપરાં ચઢાણ’?

ઇમેજ સ્રોત, Getty Images
ગત વિધાનસભાનાં ચૂંટણીપરિણામો પર નજર કરીએ તો કૉંગ્રેસને સૌથી વધુ ફાયદો સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયો હતો. અહીં પાટીદાર અનામત આંદોલનની હવા જોવા મળી હતી અને પાર્ટીને 45માંથી 29 બેઠક મળી હતી.
2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને અહીંથી 15 બેઠક મળી હતી. આમ 2017માં કૉંગ્રેસને લગભગ બે ગણી બેઠકો મળી હતી. આ વિસ્તારમાં પાર્ટીને 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ નુકસાન થયું હતું. રાદડિયા પિતા-પુત્ર કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા, જ્યારે જીપીપી રૂપી ત્રીજું પરિબળ પણ લુપ્ત થઈ ગયું હતું. આમ છતાં કૉંગ્રેસે આ પ્રદર્શન કર્યું હતું.
જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ જેવા જિલ્લામાં ભાજપને ધોબીપછાડ મળી હતી, તો જામનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
પાટીદાર અનામત આંદોલનમાંથી નેતા તરીકે ઉભરી આવેલા લલિત કગથરા અને લલિત વસોયા ધારાસભ્ય બન્યા. આ સિવાય વીરજી ઠુંમર (લાઠી) તથા પરેશ ધાનાણી (અમરેલી) જેવા પાટીદાર નેતા અનામત આંદોલન પહેલાં પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ સિવાય બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરિયા, હર્ષદ રિબડિયા, જેવી કાકડિયાને આંદોલનનો ફાયદો થયો હતો.
2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપને માત્ર 99 બેઠક મળી હતી, જે બહુમતથી માત્ર સાત જ વધારે હતી, જ્યારે કૉંગ્રેસને 77 બેઠક મળી હતી, જે તાજેતરના ઇતિહાસનું તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. જ્યારે હાલની સ્થિતિ પ્રમાણે, વિધાનસભામાં ભાજપના 111 ધારાસભ્ય છે. બીજી બાજુ, કૉંગ્રેસને 77 બેઠક મળી હતી, જે ઘટીને હાલમાં 62 રહી જવા પામી છે.
આ પ્રદર્શનમાં કૉંગ્રેસને પાટીદાર અનામત આંદોલનનો લાભ થયો હતો, જેના કારણે ભાજપને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નુકસાન વેઠવું પડ્યું હતું. લગભગ 2010થી એક યા બીજા કારણોસર પાટીદારો ભાજપથી નારાજ હતા, પરંતુ આ વખતે દેખીતો આક્રોશ નથી.
આ સિવાય આમ આદમી પાર્ટી રૂપે ત્રીજું પરિબળ છે, જેની સામે પરંપરાગત હરીફો ભાજપ અને કૉંગ્રેસે લડવાનું છે. સૌરાષ્ટ્રમાં આ પહેલાં 2012માં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, પરંતુ તેનાથી ભાજપને ખાસ નુકસાન થયું ન હતું.















